અથવા અને/ક્રૂઝો

ક્રૂઝો

ગુલામમોહમ્મદ શેખ



એક રૂપાળી સ્ત્રી છે.
એના શરીરમાં માંસ અને લોહી નથી,
હાડકાં પણ નથી,
છતાં એની ચામડી કોઈ પણ રૂપાળી સ્ત્રીની ચામડી જેવી રૂપાળી છે.
જોકે હું એ ચામડીને બહારથી જોઈ શકતો નથી
કારણ કે હું એના ઉદરના ઊંડાણમાં રહું છું.
ઈશ્વરને કોઈ કારણસર ઉશ્કેર્યાના શાપરૂપે
કે સૃષ્ટિના સંહારની માદક કલ્પના કરવાને લીધે
કે એવા કોઈ કારણસર
કદાચ મને અહીં જનમટીપ મળી છે, પણ એ મને હવે યાદ રહ્યું નથી.
અહીં હવે એટલું ગમી ગયું છે કે
બહાર નીકળવાની જરાય ઇચ્છા રહી નથી.
અહીં મારી જાતને ગોઠવવાની થોડી અગવડ પડે છે.
અહીંનું કશું મારા શરીરને ટેકવવા નિર્માયું નહિ હોય
તેથી હું એક જાતની કાયમી અસ્વસ્થતા ભોગવું છું
અને વારંવાર એક જગાએથી બીજી જગાએ ખસ્યા કરું છું,
(કદાચ એવું પણ હોય કે ખસવાને બદલે
હું જ્યાં જ્યાં પગ મૂકવાનો પ્રયત્ન કરું ત્યાંથી લપસી પડતો હોઉં).

બહાર નીકળીને
વામણા મનુષ્યોની દૃષ્ટિથી ખરડાયેલા
આકાશ, વનસ્પતિ કે શહેરી સૃષ્ટિને જોવાનો
મને મોહ રહ્યો નથી.
આ સ્ત્રીના મસ્તકથી તળિયા સુધી
એક્વેરિયમની માછલીની જેમ તર્યા કરું છું.
કોઈક વાર શ્વાસ લેવા થંભું છું ત્યારે
ચામડીનાં છિદ્રોમાંથી દાણાદાણ થયેલું આકાશ
દેખાઈ જાય છે
અને બહારની સૃષ્ટિની ક્ષુદ્રતા પ્રત્યે ઉદાસીન નિસાસો નાખી
બચી ગયેલા વિજ્ઞાનીની મુદ્રાથી
આછો આછો મલકાઈ પાછો તરવા લાગું છું.
આ સ્ત્રીના દેહની જેમ મારી પાસે નગ્નતા સિવાય
કશું રહ્યું નથી.
મને તો નગ્નતાની શરમ પણ રહી નથી,
(કદાચ સ્ત્રીને પોતાને હોય તો મને ખબર નથી).
કોઈક વાર એનું શરીર બહારથી દબાય છે
ત્યારે એની ચામડી પર ખાડા કે કરચલીઓ પડતાં હશે
એની કલ્પના હું કરી શકું છું,
પરંતુ અહીંથી તો મને એ ટેકરા અથવા ધોરી નસના
ઉપસાટ જેવું લાગે છે.
એ હસે છે ત્યારે જરા અકળામણ થાય છે,
એ સમયે હું એના તાળવે આરામથી બેઠો હોઉં
તો મને શ્વાસ લેવાની તકલીફ પડે છે
અને મારા પગ ત્યાંથી લસરી પડે છે.
એનું મોં ગમગીન થાય ત્યારે પણ મારે
નિ:શ્વાસની ઊની ઝાપટથી બચવા
શરીરના કોઈ બીજા અંગમાં આશરો લેવો પડે છે.
એ વખતે હું એના બાહુમાં, પિંડીમાં
કે આંગળીની સાંકડી ઓરડીમાં બેસી
સગીર કવિની જેમ
બહારના અને અંદરના જગતની કવિતા કરવાની
રમત રમું છું.
મારી પાસે થોડા શબ્દો છે,
આમ તો તેઓ બહારના શબ્દો જેવા જ છે
પણ તેમને હાથ-મોં-શિશ્ન નથી.
એ અમીબા જેવા છે;
તેમના એકમાત્ર અંગનું નામ મેં હજુ પાડ્યું નથી.
બહારના શબ્દોની માફક તેમને મણકાની જેમ પરોવવાનું
અશક્ય છે,
એમને ભેગા કરવા જાઉં છું કે તરત તેઓ એકબીજામાં
ભળી જાય છે
તેથી કવિતા કર્યા બાદ એની રચના મને દેખાતી નથી.
મને એ પણ ખબર નથી કે આ શબ્દો
બોલાય છે કે લખાય છે,
એ ક્યાંથી જડ્યા અને એમને અહીં હું શા માટે લાવ્યો
તેનીય મને ખબર નથી.
કદાચ શાપની સાથે આવા જૂજ લાભ પણ મળતા હશે.
આમ તો હું શબ્દોને મનમાં ને મનમાં વાગોળું છું
પણ કોઈ વાર તેમને જોવાની અદમ્ય ઇચ્છા થાય છે
ત્યારે તેમને છૂટા પાડી ચામડીની દીવાલ પર છંટકારું છું.
પાળેલાં પક્ષીઓની જેમ તેઓ
સ્ત્રીના ચર્માણુ વચ્ચેના ખાબોચિયામાં મોઝેઇકની કપચીઓની જેમ
ગોઠવાઈ જાય છે.
ચામડીમાંથી આવતા રહ્યાસહ્યા પ્રકાશને
ભરી દે છે
ત્યારે હું બહારની સૃષ્ટિને બંધ કરી દીધાનો સંતોષ લઉં છું.

આ સ્થિતિમાં હું ક્યારથી છું કે ક્યાં લગી રહીશ
તેની મને ખબર નથી.
કદાચ શાપ મળ્યો ત્યારે
મનુષ્ય-વર્ષ અને દૈવી-વર્ષની ગણતરી કરાવેલી,
એ પણ હવે હું ભૂલી ગયો છું.

અહીં રહેવાથી હું થાકતો નથી એમ તો કહી શકાય નહિ.
એવે સમયે શબ્દોને પથરાની જેમ એકબીજાની ઉપર ગોઠવી
હું ચામડીની આરપાર જોવા બિલોરી નજર નાખું છું.
કોઈક વાર દૂરથી કોઈ આકૃતિનો અણસાર –
મને ‘બચાવવા’ નીકળેલી કોઈ નૌકા પર ફરકતી ધજા –
કે પછી માત્ર દૃષ્ટિભ્રમ?
ભ્રમની સાથે પગ નીચેના શબ્દો ભાંગી પડે છે.
હું ફસડાઉં છું
સરકી પડું છું ઉદરની ઊંડી ભુલભુલામણીમાં,
ત્યારે થાય છે કે
આ સ્ત્રીના શરીરમાં
કોઈ પ્રવેશી શકે એમ છે?
(એ ઊભી છે કે આડી, હાલે છે કે સ્થિર એની કલ્પના તો
હું કરી જ શકતો નથી).
આ સ્ત્રી છે કે પછી એનું શબ છે?
એ ખરેખર સ્ત્રી છે કે નહિ?

ઑક્ટોબર, ૧૯૬૧; જૂન, ૧૯૭૩
અથવા