અથવા અને/છીપલાંની ઠરેલ, સૂકી, સુરમ્ય ક્રૂરતા...
છીપલાંની ઠરેલ, સૂકી, સુરમ્ય ક્રૂરતા...
ગુલામમોહમ્મદ શેખ
છીપલાંની ઠરેલ, સૂકી, સુરમ્ય ક્રૂરતા
તમારા મોં પર વિરાજે છે.
લીલ ભરેલા પાણીના છોડની જાળીમાં
ઝીણા ઝીણા જીવ હવા લેવા ઊંચા થાય તેમ
તમારી ચામડીમાં મોહક સળવળાટ થાય છે
અને રહીરહીને તમારી અસ્થિર દૃષ્ટિ
મારી અધમૂઈ સ્થિરતાને ટીકીટીકી જુએ છે.
ખડખડાટ હસે છે ખુલ્લી બારી,
ખરડાયેલી ભીંત, ચોળાયેલા પડદા, તૂટેલી ખુરશી
અને દૂરના લીમડાના ઝાંખા પડછાયા પાછળ
સંતાયેલાં સરુનાં વન.
નવેમ્બર, ૧૯૬૨
અથવા