અથવા અને/બપોરના કાળોતરા શબ્દોની ચીબરી...

બપોરના કાળોતરા શબ્દોની ચીબરી...

ગુલામમોહમ્મદ શેખ



બપોરના કાળોતરા શબ્દોની ચીબરી
બારી બહાર ઝરેરે છે.
બપોરનું થૂંક લાદી પરથી ભૂંસાયું નથી.
બપોરે
ઘરની બહારના ત્રિભેટે
મેં કરવત લઈને તમારી બાજુના રસ્તાને વહેરી નાખેલો,
બપોરનાં પાંસળાં ભાંગી નાખ્યાં હતાં
છતાં
બપોરના કૂતરા હજી કેમ મારી પથારીની આજુબાજુ ભેગા થાય છે?
બપોર મારાં આંગળાંમાં લટકી રહી છે.
મારી તમતમતી પાનીમાં લાળના અને કાનસના ઘસરકા જેવી.
બપોર મારાં હાડકાંમાં ફૂટે છે તડતડ...

ફૂંકી દો બપોરની વરાળને,
પાંસળાંમાં પ્રવેશે એ પહેલાં ડામી દો એનો કાળમુખો ચહેરો.
બપોરના પશુને વધેરો, હણી નાખો
નહિ તો એનો હડકવા
બધી ભીંતોને, બધાં ઝાડને, બધાં ફૂલને, બધાં પંખીને લાગશે.

૧૯૬૩
અથવા