અથવા અને/મહાબલિપુરમ્
મહાબલિપુરમ્
ગુલામમોહમ્મદ શેખ
મનુષ્યના સ્વપ્નની ધાર અહીં અત્યંત તીણી છે.
પાળેલાં પશુઓનાં પડખાંમાં
મરેલા માણસોના ભૂખ્યા દાંતનાં નિશાન દેખાય છે.
ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો,
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે,
અકસ્માત્ જીવતી રહેલી મરઘીઓનાં કાબરાં પીંછાંમાંથી
ગઈ કાલના શિલ્પીઓનાં બરછટ આંગળાં કંઈક ઉતરડી લેવા
ખેંચાય છે.
કચરાના પેટમાં કાચંડા આરામથી ઊંઘે છે,
લીલમાં પડેલા દેડકાઓ
પગથિયાં પર થાકીને બેઠેલા ઈશ્વરની ગંદી મજાક કરે છે.
કરચલાઓ સરુની સૂકી છાલમાં પેસી
માછલાં જેવું હસે છે
અને વનફૂલના કુમળા છોડ પર પડેલ
કાચા કાળમીંઢ જેવો નવરો શેતાન
આળસ મરડે છે.
૧૯૬૦
અથવા