અથવા અને/માબાપને

માબાપને

ગુલામમોહમ્મદ શેખ

સૂરજ અને ચાંદો ઓલવાયા
તે આકાશ-ઘડીએ
તમે મને રોપ્યો રસ્તા પર
ખાટલીના ખોળામાં તમે મારા અસ્તિત્વને
કાચી કેરીની જેમ પકવ્યું,
પછી ઝાકળિયા ઘાસના મેદાન પર
આંગળી પકડી મને ક્ષિતિજને પાર દોરી ગયા.
તમારે પડછાયે ઊગ્યાં આંબા ને આંબલી
તમારી પીઠ ફરી ને ઢેલો ટહુકી
ને હજીય ટહુક્યા કરે છે.
તમે દોરેલી લીટી ચીંધે છે તે રસ્તે
રખડું છું, રવડું છું, બબડું છું, ગબડું છું,
રસ્તાની બંને બાજુ મ્હોરેલાં
ઘાસમાંથી ઝાકળનાં ટીપાં લઈ
હથેળીમાં મસળું છું
ત્યારે તમે કલ્પેલ મારા ગર્ભદેહનો
અણસાર આવે છે.

૧૯૭૧
અને