અથવા અને/સ્ટીલ લાઇફ

સ્ટીલ લાઇફ

ગુલામમોહમ્મદ શેખ



દબાયેલ ઓશીકામાં પહોળા માથાનો ખાડો,
પથારીની વચ્ચોવચ્ચ પોલાણ,
પલંગના સ્થૂળ પાયે હાથીના કરચલિયાળ કાન જેવી
ચાદર ઝૂલે,
પૂર્વનો સૂર્ય અર્ધી ઊંઘમાં પ્રવેશે છે ઓરડામાં
અને ચારેબાજુ ઠેબાં ખાય છે.

અરીસા પર અધભૂંસેલી ધૂળ,
કાળી કાર્પેટ પર ગુલાબી બ્રેસિયરના રેશમી પર્વતો પર
રડીખડી કીડી ચડે છે.
કથ્થાઈ ટેબલ પર ચપોચપ પડેલી જામલી સાડીની
પહોળી, આરદાર, લીલી કિનાર,
કાળા મખમલની મોજડી પર પાંપણના વાળ જેવું ઝીણું
સોનેરી ભરત.
અદેખા પ્રેમીની જેમ સૂરજ આંધળોભીંત
ટેબલ પરના ગ્લાસ ફોડે છે, પડદા ચીરે છે
ફ્લાવરવાઝમાંથી નકલી દાંત જેવાં ફૂલ
બાથરૂમની ટાઇલ સામે દાંતિયાં કરે છે.

૧૯૬૧
અથવા