અનુનય/અભિસાર

અભિસાર

કેશઘટાળું અંધકારનું અડાબીડ આ કાનન
એમાં સેંથીસાંકડી કેડીમાં હું ફરું
સોનસરોવર આનન, એની પાળ ઊતરું
મંદ મંદ સ્મિત તરંગટોચે તરું
આંખનાં રક્તકમલમાં પોઢું
રેશમી સૌરભ અંગે ઓઢું
સ્તનઉન્નત બે ટેકરીઓની વચ્ચે
જાય મનોરથ, ઢાળ ધીમે ઊતરે
મેદાનોની તૃણરોમાવલી પરે
હળુ હળુ
હરણ બદામી હરિત હેતને ચરે
સૂર્ય તેજમાં તગતગતગતી
તરસ છલોછલ તલાવડીને
હોઠ હાંફતા બોટે
અલસવિલસના
તૃપ્તિ તરસના
આનંદે આળોટે.

૭-૧૦-’૭૩