અનુનય/ગઝલ-૨

ગઝલ

પહાડોની વચ્ચેથી આવી રહ્યો છું
ઘણી ઘાંટીઓને વટાવી રહ્યો છું.

નદી આવતી જાય છે બાથમાં, ને
તટોનો મલાજો ફગાવી રહ્યો છું.

હવે ફીણિયાં પાણીમાં હાથ વીંઝું
તરંગોની ટોચો નમાવી રહ્યો છું.

રૂપેરી ઝબક માછલીઓની વચ્ચે
સુધા શ્વાસમાં ગટગટાવી રહ્યો છું.

તણાઉં, તરું વ્હેણની તાણમાં, ને
ભમરિયા ધરા પાસ આવી રહ્યો છું.

નદીમાં છું કે છે નદી મારી ભીતર!
તરસથી તરસને છિપાવી રહ્યો છું.

૨૭-૪-’૭૪