અનુનય/વિખૂટું

વિખૂટું


[૧]
પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
હવે તો નિરાંત? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
રંગરંગી, પ્હેરી લીધું ચીવર, નિઃસંગ;
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ!

પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત!
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આ૫ણુને પાકા કોઈ તારે.

વરસી વરસી પ્રિય વેરાયું વાદળ,
રહ્યુંસહ્યું છતમાંથી હવે ગળે જળ.


[૨]
જલની તે બીજી કઈ હોય સ્થિતિ-ગતિ!
ગળી જવું, ઢળી જવું, સુકાવું રૂંધાઈ
તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ
ફૂટવું તો બીજાં રૂપે : તૃણ – વનસ્પતિ.

હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત
કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ!
ગળી ગયું, ઢળી ગયું, ગયું જે સુકાઈ
તેની પછવાડે હવે હરણશા ધાઈ
પામવાનું કશું! હવે રણ ને ચરણ –
એ સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ.
ખરી જાય તારો અને ઝબકી ગગન
જોઈ લિયે જરા –– પછી મીંચી લે નયન.

એમ અમે વાળી લીધું તમારાથી મન
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.

૨૬-૯-’૭૫