અનુબોધ/મહાદેવભાઈ – ગદ્યકાર તરીકે


મહાદેવભાઈ – ગદ્યકાર તરીકે

એ તો આપણને સૌને સુવિદિત છે કે મહાદેવભાઈ, ગાંધીજીના એક નિકટતમ અંતેવાસી અને તેમના પૂરેપૂરા વિશ્વાસુ એવા અંગત મંત્રી હતા. ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીના સ્નેહભર્યાં આમંત્રણનો સ્વીકાર કરીને તેમના અંગત મદદનીશ તરીકેની જવાબદારી તેમણે સ્વીકારી ત્યારથી તે ૧૯૪૨માં પૂનાના આગાખાન મહેલમાં ગાંધીજીના વાત્સલ્યસભર ખોળામાં પોતાના છેલ્લા શ્વાસ મૂક્યા ત્યાં સુધી, તેમના પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણભાવ, અને વિરલ કર્તવ્યભાવનાથી તેઓ તેમની સાથે જોડાયેલા રહ્યા. એ ખરું કે વચ્વેવચ્ચે ગાંધીજીથી અળગા રહેવાનું આવ્યું, પણ એવી પરિસ્થિતિઓમાં ય તેમની ગાંધીજી પ્રત્યેની આદરભક્તિ ઘટી નહોતી, બલકે વધુ ઉત્કટ બની હતી. ખરેખર તો, તેમના જેવા વિશુદ્ધ ચારિત્ર્યવાન, તેજસ્વી વિદ્યાપુરુષ અને કર્મઠ સ્વયંસેવકની અંગત મદદનીશ તરીકેની પસંદગીમાં જ ગાંધીજીની માણસ પરખી લેવાની ઊંડી સૂઝ પ્રતીત થાય છે. અને, ક્ષણેક્ષણ સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ જેવાં મહાવ્રતોના પાલન અર્થે મથી રહેલા ગાંધીજીના અંગત મંત્રી તરીકેની કામગીરી બજાવવાનું મહાદેવભાઈ જેવા કોઈ વિરલ પુરુષ માટે જ શક્ય બને. ગાંધીજીના સહવાસમાં એકાદ બે પ્રસંગે નાજુક કટોકટી ય આવી છે, પણ એ સિવાય સંપૂર્ણ સમર્પણભાવે તેઓ ગાંધીજીની સેવામાં લીન બની રહ્યા હતા. એમ લાગે છે કે ગાંધીજી સાથે જોડાવવાનો સંકલ્પ તેમણે કર્યો હતો ત્યારે જ આત્મવિસર્જનની કોઈ ગૂઢ વૃત્તિ તેમનામાં કામ કરી રહી હશે. ગાંધીજીના રોજિંદા જીવનવ્યવહારથી લઈ તેમના નૈતિક આધ્યાત્મિક ચિંતનમનન સુધી તેઓ ગાંધીજીના અંતર સાથે સંવાદ સાધતા રહ્યા તે તેમના અનન્ય ભક્તિભાવની સૂચક બાબત છે. ગાંધીજીના અન્ય અનુયાયીઓમાં કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, વિનોબાજી, નરહરિ પરીખ, સ્વામી આનંદ, કેદારનાથજી વગેરે ચિંતકો લેખકોએ પણ ગાંધીજીના જીવનકાર્ય અને જીવનવિચારમાંથી પ્રેરણા લઈને પણ આગવીઆગવી રીતે પ્રવૃત્તિઓ કરી અને આગવીઆગવી રીતે ચિંતન કર્યું અને, વાસ્તવમાં, એ સૌ ગાંધીજીની પ્રેરણા અને માર્ગદર્શન નીચે કામ કરતા છતાં તેમની દરેકની કેન્દ્રીય જીવનવૃત્તિ ક્યાંક જુદી પડે છે. બૌદ્ધિક નૈતિક અને આધ્યાત્મિક વૃત્તિરીતિ કંઈક નિરાળી છે. મહાદેવભાઈએ એ સૌ ચિંતકો લેખકોની જેમ પોતીકો માર્ગ રચવાનું સ્વીકાર્યું નહોતું. ગાંધીજીના જીવનકાર્યમાં તેમણે પોતાની સર્વશક્તિવૃત્તિનું સીંચન કરવાનું પસંદ કર્યું હતું. અને છતાં, ગાંધીજીના સહવાસમાં કે તેમનાથી અલગપણે તેમણે જ કંઈ વાંચ્યું વિચાર્યું, જે રીતે અંતરની ગહન ભાવનાઓ એષણાઓ નોંધી અને પ્રસંગેપ્રસંગે કર્તવ્યધર્મ બજાવતાં જે રીતે પોતાની વિચારસૃષ્ટિ રજૂ કરી તેમાંથી તેમના નિજી વ્યક્તિત્વની કંઈક પ્રચ્છન્ન પણ અનન્ય પ્રભાવશાળી મુદ્રા ઊપસી આવે છે. ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વની પશ્ચાદ્‌ભૂમિકા પર તેમની વિશિષ્ટ પ્રતિભા ક્યાંક અલ્પસ્વલ્પ રેખાઓમાં તો ક્યાંક પૂર્ણ રેખાંકનોમાં ઝળહળી રહે છે. સહૃદય વાચકે એમાંથી વધુ અખિલાઈવાળી છબી રચી લેવાની રહે.

મહાદેવભાઈનું ગદ્યસાહિત્ય ઘણું વિશાળ ઘણું સમૃદ્ધ અને ઘણું વૈવિધ્યસભર છે. ‘મહાદેવભાઈની ડાયરી’ શીર્ષકથી પ્રગટ થયેલાં ઓગણીસપુસ્તકો, ઉપરાંત ‘સંત ફ્રાન્સિસ’, ‘બે ખુદાઈ ખિદમતગાર’ ‘વીર વલ્લભભાઈ’ ‘અત્યંજ સંતનંદ’ અને (ચંદ્રશંકર શુકલ સાથે) ‘મૌલાના અબુલકમાલ આઝાદ’ જેવા ચરિત્ર ગ્રંથો, ‘બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ’ અને ‘એક ધર્મયુદ્ધ’ જેવા સત્યાગ્રહના ઇતિહાસો, ૧૯૩૬માં અમદાવાદમાં મળેલી ગુજરાત સાહિત્ય પરિષદની બેઠકમાં પત્રકારિત્વ વિભાગના અધ્યક્ષ તરીકે આપેલું વ્યાખ્યાન, જેવાં પ્રકાશનો તેમણે કર્યા છે. તેમની અનુવાદપ્રવૃત્તિ પણ એટલી જ વિશાળ અને એટલી જ મહત્ત્વની છે. મોર્લીના અંગ્રેજી લખાણ ‘ઓન કોમ્પ્રોમાયઝ’ના ઉત્તમ ગુજરાતી અનુવાદે ગાંધીજીના ચિત્તમાં તેમની બૌદ્ધિક સજ્જતા અને ગુજરાતી તેમ અંગ્રેજી ભાષા પરના તેમના અનન્ય પ્રભુત્વની ઊંડી પ્રતીતિ કરાવી હતી. પંડિત જવાહરલાલની પ્રસિદ્ધ આત્મકથા ‘માય ઓટોબાયોગ્રાફી’નો એટલો જ ઉત્કૃષ્ટ અનુવાદ ‘મારી જીવનકથા’ નામે તેમણે આપ્યો. બંગાળીમાંથી વળી રવીન્દ્રનાથ ટાગોરનું પ્રસિદ્ધ નાટક ‘ચિત્રાંગદા’, સાહિત્યવિવેચનનું પુસ્તક ‘પ્રાચીન સાહિત્ય’(અન્ય સાથે), ટાગોરની કેટલીક કાવ્યરચનાઓ, શરદબાબુની જાણીતી નવલકથા ‘વિરાજવહુ’ અને બીજી ‘ત્રણવાર્તાઓ’– એ રચનાઓમાં સરસ અનુવાદો તેમણે આપ્યા. આ ઉપરાંત, ગોખલેજીનાં અંગ્રેજી વ્યાખ્યાનોના અનુવાદો, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રકાશસંસ્થા માટે ગાંધીજીની આત્મકથાનો સંક્ષિપ્ત અંગ્રેજી અનિવાદ, ગાંધીજીના પુસ્તક ‘અનાસક્તિયોગ’ના અંગ્રેજી અનુવાદના પ્રકાશનમાં એ વિશેની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના – એમ જુદા જુદા નિમિત્તે બીજાં અનેક લખાણો તેમની કનેથી મળ્યાં છે, અને મહાદેવભાઈના આંતરવિશ્વના સત્ત્વો અને સમૃદ્ધિઓનો તાગ મેળવવામાં એ એટલાં જ મહત્ત્વના છે. આ સર્વ સાહિત્યમાંથી સહૃદયતાભાવે પસાર થતાં કોઈ પણ અભ્યાસીને સુખદ વિસ્મય સાથે એવી દૃઢ પ્રતીતિ થશે કે મહાદેવભાઈ આપણા ઉત્તમ કોટિના ગદ્યસર્જક છે. તેમની સુકુમાર સંવેદનશીલતા, અભિજાત શિષ્ટ સાહિત્યરુચિ, વિશાળ અધ્યયનશીલતા અને ઉદાર જીવનદૃષ્ટિ તેમના સમગ્ર ગદ્યસર્જનને પ્રાણવાન સાહિત્યસંસ્કાર અર્પે છે. તેમની બહુશ્રુત વિદ્યાપરાયણતા કાકાસાહેબના સમૃદ્ધ વ્યક્તિત્વનું સ્મરણ આપે છે. ઇતિહાસ, રાજકારણ, સમાજશાસ્ત્ર, ધર્મચિંતન, સંસ્કૃતિ દર્શન, સાહિત્ય એમ અનેકવિધ વિષયોના અધ્યયનસંસ્કાર તેમનાં લખાણોમાં વ્યાપકરીતે પડેલા છે. અસંખ્ય પુસ્તકો/ લેખકોના નાનામોટા પરિચયો તેમની ડાયરીમાંથી મળે છે, પણ અન્યથા બીજા અનેક લેખકો–ચિંતકોના પ્રાસંગિક ઉલ્લેખો કે સાહચર્યો તેમની ગદ્યશૈલીમાં સહજ રીતે ગૂંથાઈ ગયાં છે. આપણે આગળ ઉપર જોઈશું કે મહાદેવભાઈએ ડાયરીઓમાં ગાંધીજીની દિનચર્યાનાં વર્ણનોની સાથોસાથ બીજાં ભિન્નક સ્વરૂપના ચિંતનસંવેદનનાં લખાણો ય ગૂંથ્યા છે. અહીં એમ પણ નોંધવું જોઈએ કે, ડાયરીઓના સંપાદનસંકલનમાં ‘નવજીવન’ અને ‘યંગ ઇંડિયાં’માં પ્રગટ થયેલું તેમનું વિશાળ ગદ્યસર્જન સમાવી લેવામાં આવ્યું છે. ગાંધીજીની દિનચર્યાની એમાં વત્તીઓછી વિગતે નોંધો છે જ, પણ સાથોસાથ મહાદેવભાઈનાં સ્વતંત્ર લખાણો વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવ્યાં છે. લેખો નિબંધો અને પ્રાસંગિક નોંધો, વ્યાખ્યાનો, પત્રો અને સંસ્મરણલેખો, રેખાચિત્રો, શ્રદ્ધાંજલિઓ, પ્રવાસવર્ણનો, સાહિત્યિકૃતિઓના પરિચયો, ઇતિહાસ સમાજ અને સંસ્કૃતિ વિશે ચિંતનો, આત્મચિંતનના ખંડો, વિવરણો, ભાષ્યો – એમ અનેકવિધ પ્રયોજનો અને તદનુરૂપ વિભિન્ન શૈલીઓમાં લખાયેલાં એ લખાણો પણ તેમના સમગ્ર ગદ્યસાહિત્યમાં નાનોસૂનો અંશ નથી. એ રીતે ગાંધીજીની જીવનચર્યાના તેઓ પ્રથમ કોટિના આલેખક ખરા જ, પણ ગાંધીજીની વિચારધારાના મોટા વિવરણકાર પણ તેઓ ખરા જ. અને તેથી ય વધુ તો સ્વતંત્ર ચિંતક અને ઉત્તમ અનુવાદક તરીકે તેઓ આપણી સામે ઊપસી આવે છે. ઉદાર અભિજાત પણ નૈતિકભાવનાથી સંસ્કારાયેલી તેમની સાહિત્યરુચિ, આધ્યાત્મિક જિજ્ઞાસાથી સંકોરાતી રહેલી તાત્ત્વિક ખોજવૃત્તિ, અને અપૂર્વ ભાષાપ્રભુત્વ – તેમના ગદ્યસર્જનમાં અસાધારણ તેજ અને સત્ત્વશીલતા પૂરે છે. ગાંધીજીએ ખેડેલી સાદી લાઘવભરી અને વેધક ગદ્યશૈલી મહાદેવભાઈનાં લખાણોમાં અનેકવિધ સૂક્ષ્મ સંસ્કારો ઝીલીને અવનવાં રૂપો અને અવનવી છટાઓ પ્રગટાવે છે. તેમનાં કેટલાક ચિંતનલક્ષી લેખો નિબંધો નોંધો અને વ્યાખ્યાનોમાં તેમ રેખાચિત્રોમાં ગાંધીજીના ગદ્યની સરળતા વેધકતા અને અલંકારમુક્ત (કે અલ્પ અલંકારોથી મંડિત) રીતિ જોવા મળે છે, જ્યારે સંસ્મરણ લેખો, શ્રદ્ધાંજલિઓ, પ્રવાસવર્ણનો, પત્ર કે આત્મચિંતનના ખંડોમાં તેમની સર્જકવૃત્તિના સમૃદ્ધ આવિષ્કારો જોવા મળે છે. પણ એ વિશે વિગતે ચર્ચા આગળ ઉપર હાથ ધરીશું.

મહાદેવભાઈના ગદ્યસર્જનનો વ્યાપ, તેનાં વિભિન્ન પરિમાણો અને તેના પ્રેરક હેતુઓ વિશે આપણે અવલોકન કરવા પ્રવૃત્ત થઈએ ત્યારે, મને એમ લાગે છે કે, તેમના અંતરનાં વૃત્તિલક્ષણો અને ગહનત સંચલનો આપણે લક્ષમાં લેવાં જોઈએ. કેમકે, તેમને વિશ એક વ્યાપક છાપ એ રહી છે કે ગાંધીજીને આત્મસમર્પણ કરીને તેમણે પોતાપણું લુપ્ત કરી નાંખ્યું હતું. ખુદ ગાંધીજીએ તેમને અંજલિ આપતાં કહ્યું હતું : ‘મહાદેવભાઈ એક ગુણવાન અને પ્રતિભાવાન વ્યક્તિ હતા. મારા મતે એમના જીવનની સૌથી મોટી ખૂબી હતી, પ્રસંગ આવતાં પોતાની જાતને ભૂલીને શૂન્યવત્‌ બની જવાની એમની શક્તિ. તે મારામાં પૂરેપૂરા સમાઈ ગયા હતા. મારાથી અલગ એમનું કોઈ અસ્તિત્વ જ નહોતું રહ્યું.’ ગાંધીજીના આ ઉદ્‌ગારનું બારીક નજરે અવલોકન કરતાં જણાશે કે મહાદેવભાઈનું વ્યક્તિત્વ કંઈ હરહંમેશ માટે વિસર્જિત થયું નહોતું. તેમના જેવા મેધાવી અને અધ્યાત્મમાર્ગી માટે એમ બનવું કદાચ શક્ય પણ નહોતું. હકીકતમા, ગાંધીજી જેવા કર્મયોગીના સહવાસમાં રહ્યા છતાં અને તેમના જીવનકાર્યમાં હંમેશ એકનિષ્ઠાથી સહાય કરતા છતાં તેમના અંતરમાં આધ્યાત્મિક જિજ્ઞાસા વધુ તીવ્ર બની રહી હતી. ૧૯૨૧માં – એટલે કે ગાંધીજીના અંગત મંત્રી તરીકેની કામગીરી શરૂ કર્યાને ચારેક વરસો પછી – અલ્લાહાબાદથી ગાંધીજીને લખેલા વિસ્તૃત પત્રમાં અત્યંત સરળતાથી અને નિખાલસતાથી તેમણે પોતાનું મનોગત જે રીતે ખુલ્લું કર્યું હતું તેમાં તેમની કેન્દ્રીય જીવનપ્રવૃત્તિના સ્પષ્ટ સંકેત મળે છે. એ ગાળામાં ગાંધીજીએ પ્રસંગોપાત્ત જ ક્યાંક ખાનગી ઉદ્‌ગાર રૂપે એમ કહ્યું હસે કે આગામી વરસોમાં મહાદેવભાઈ મારા વારસદાર હશે, અને એ ઉદ્‌ગાર વિશે ગિદવાણીજીએ જાહેરમાં ટીકાટિપ્પણી કરેલી. આ પ્રસંગથી કંઈક વ્યગ્ર બનીને મહાદેવભાઈએ ગાંધીજીને એમ લખ્યું હતું : ‘મારું ambition – પુરુષાર્થ – કેવળ અનન્યભક્તિ સાધુજનની (આપના જેવા સાધુજન મને કોઈક જ દેખાય છે) કરીને આત્મસાક્ષાત્કાર કરવો. હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણસેવા પોતામાં ઊતારવી અને કેવળ સેવાભક્તિથી તરી જવું, એ જ મારો પુરુષાર્થ છે’ (ત. ૫-૧૨-૨૧નો પત્ર). એ પત્રમાં મહાદેવભાઈ આત્મોન્નતિ અર્થે વ્યક્તિનો અંગત પુરુષાર્થ વિ. જગત્‌કલ્યાણની પ્રવૃત્તિ એ બે દેખીતા ભિન્ન આદર્શો વચ્ચેના સંઘર્ષને સ્પર્શે છે, અને પોતાની જીવનપ્રવૃત્તિનો ઝોક વર્ણવતાં કહે છે : ‘અને મોટું ત્રીજું કારણ એ છે – આપ shock ન થતા! – કેં રેંટિયો sacramental rite છે એમ હજી મને પ્રતીત નથી થયું! એટલે કે એટલા પૂરતું, કે મને, જેમ અહિંસા અને બ્રહ્મચર્યનું વ્રત લેવાની ઊર્મિ થઈ આવે છે તેવી રેંટિયો વાપરવાની ઊર્મિ નથી થઈ આવતી. કારણ, બ્રહ્મચર્યપાલનને કે સત્યપાલનને અને ‘ભાગ્યચક્ર’ પરિવર્તનને હું સરખી કિંમત નથી આપતો – જ્યારે આપ આપો છો! આથી જ મારાં વ્યાલામાં વહાલા સ્વપ્નમાં સાધુસંતો – સાધુ તરીકે બાપુ, અને બીજા, Christ જેવા પણ આવ્યા છે, મને અનેક ઘડી ભારે દિવ્ય આનંદ આવ્યો છે, ત્યારે રેંટિયો કે સ્વદેશી કે સાળનાં સ્વપ્નો નથી આવ્યાં...!’ મહાદેવભાઈના આ ઉદ્‌ગારો – અને તેમનાં બીજાં અનેક લખાણોમાં છતી થતી તેમની આધ્યાત્મિક ઝંખના – જોતાં એવી પ્રતીતિ જન્મે છે કે ગાંધીજી સમક્ષ તેમનું આત્મસમર્પણ વધુ તો તેમની ઊંડી આધ્યાત્મિક ઝંખનાને અનુરૂપ હતું. એ તો એકદમ સ્પષ્ટ છે ક જવાહરલાલ, વલ્લભભાઈ, રાજગોપાલાચારી અને રાજેન્દ્રબાબુ જેવા દેશનેતાઓની જેમ સ્વતંત્રપણે નેતૃત્વ ધારણ કરવાની કે કોઈ રાજકીય સામાજિક સંસ્થાનું સ્વતંત્ર રીતે સંચાલન કરવાની કે પોતાની અલગ સત્તા સ્થાપવાની તેમનામાં એવી કોઈ પ્રબળ વૃત્તિ નહોતી. એ ખરું કે ગાંધીજીના જેલવાસ દરમ્યાન ‘નવજીવન’ ચલાવવાની જવાબદારી તેમણે સ્વીકારી હતી – ગાંધીજીના આગ્રહથી અલ્લાહાબાદમાં પંડિત મોતીબાબુનું પત્ર ‘Independance’નું તંત્રીપણું કર્યું હતું. અને જાહેરમાં પ્રવચનો ય આપ્યાં હતાં – પણ પ્રવૃત્તિઓના માર્ગે ચાલીને પોતાની વૈક્તિક સત્તાને નિજી અસ્મિતાને સંકોરવાનું પોષવાનું સંવર્ધવાનું કદાચ તેમની પ્રકૃતિમાં જ નહોતું. તેમની સુકુમાર સંવેદનશીલતા અને અધ્યાત્મપરાયણતા તેમનામાં અંતર્મુખી વૃત્તિ જગાડે તે સમજવાનું મુશ્કેલ નથી.

મહાદેવભાઈની ડાયરીઓ માત્ર ગુજરાતીમાં જ નહિ, સમગ્ર ભારતીય ભાષાઓના સાહિત્યમાં અને સંભવતઃ જગતસાહિત્યમાં – વિરલ દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. ગાંધીજી જેવા મહાત્મા પુરુષના જીવનના ઉત્તરકાળનો ઘણોએક મહત્ત્વનો ખંડ એ આવરી લે છે. ગાંધીજીના વિસ્તૃત જીવનચરિત્ર માટે અત્યંત મૂલ્યવાન કાચી સામગ્રી એમાં પડી છે. દક્ષિણ આફ્રિકામાં સત્યના પ્રયોગો કરીને ૧૯૧૫માં તેઓ ભારત આવ્યા અને તરત જ રાષ્ટ્રીય મુક્તિના સંગ્રામમાં તેમણે ઝંપલાવ્યું. જો કે સ્વરાજ્યની તેમની ભાવના નિરાળી હતી. ‘હિંદ સ્વરાજ’માં તેમણે પોતાનું ભાવના ચિત્ર રજૂ કરેલું હતું જ. હવે એ દિશામાં તેમણે પુરુષાર્થ આરંભ્યો. સત્ય અહિંસા બ્રહ્મચર્ય જેવાં મહાવ્રતો તેમણે રાષ્ટ્રીય મુક્તિ અને નવનિર્માણની પ્રવૃત્તિઓમાં જોડી આપ્યાં. નવો માનવ, નવો સમાજ, અને નવું રાષ્ટ્ર – તેઓ નૈતિક આધ્યાત્મિક શુદ્ધિના આધાર પર ચણવા ઝંખતા હતા. પરમેશ્વર સત્ય છે એમ નહિ, સત્ય સ્વયં પરમેશ્વર છે એવી તાત્ત્વિક ભૂમિકાએથી તેમણે શરૂઆત કરી હતી. એટલે સત્ય અહિંસા જેવા મહાવ્રતોનું પૂર્ણ જાગૃત રહીને પાલન કરવા મથતા એ મહાપુરુષની જીવનચર્યાની નોંધ લેવાનું કામ અત્યંત કપરું હતું. તેમના જીવનના નાનામોટા બનાવો, પ્રવૃત્તિઓ, ઉદ્‌ગારો, વાતચીતો, પત્રો, વ્યાખ્યાનો, ટીકાટિપ્પણીઓ જેવી બાબતોમાંથી પૂરા વિવેકથી, સચ્ચાઈથી, ચોકસાઈથી વિગતોની પસંદગી કરવાની હતી. એક રીતે ગાંધીજીનાં કાર્યો અને આચારવિચારોની પૂરી જવાબદારીભરી નોંધ લેવાની હતી. મહાદેવભાઈની બૌદ્ધિક નૈતિક અને આધ્યાત્મિક શક્તિઓ માટે અસાધારણ કસોટીરૂપ એવી એ પ્રવૃત્તિ હતી. એ ખરું કે શીઘ્રલેખનનું વિરલ કૌશલ્ય મહાદેવભાઈમાં હતું એટલે લગભગ હંમેશાં ગાંધીજીના ઉદ્‌ગારો અન્ય સાથીઓના ઉદ્‌ગારો મુલાકાતીઓ સાથેના સંવાદો (કે પ્રશ્નોત્તરી) કે ભાષણના બધા જ મહત્ત્વના વિચારો તેઓ શ્રદ્ધેય રૂપમાં ઉતારી લેતા દેખાય છે. પણ અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે નોંધ લેનાર મંત્રીમાં વસ્તુગ્રહણની તેમ હેયઉપાદેયનો વિવેક કરવાની અપ્રતિમ શક્તિઓ જોઈએ. ડાયરીઓનાં લખાણોમાં મહાદેવભાઈની આ શક્તિઓ પૂરી ખીલી નીકળેલી દેખાય છે. અને, હકીકત એ છે કે ડાયરીમાં ગાંધીજીની દિનચર્યાની નોંધ કંઈ ટેપરેકર્ડીગ જેવી નરી યાંત્રિક પ્રવૃત્તિ નહોતી. એમાં ગાંધીજીના સાન્નિધ્યમાં મહાદેવભાઈ સ્વયં એક ચિંતનશીલ કાર્યકર અને જિજ્ઞાસુ અધ્યાત્મમાર્ગીના રૂપે ઉપસ્થિત છે. ગાંધીજીની પ્રવૃત્તિઓ અને વિચારો વિશે વારંવાર જિજ્ઞાસા પ્રગટ કરીને, કેટલીક વાર પ્રશ્ન કરીને, સંશય કરીને, જૂના પ્રસંગોનું સ્મરણ આપીને તો ક્યારેક પોતાનો વિચારભેદ આગળ ધરીને તેઓ તેમની ચિંતનપ્રક્રિયાને પ્રેરતા ને સંકોરતા પણ રહ્યા છે. પણ એથી ય વધુ તો ગાંધીજી અને અન્ય નેતાઓના અને અદનામાં અદના કાર્યકરના જીવનના બનાવોના કથનવર્ણનમાં, વ્યક્તિવિશેષોનાં રેખાચિત્રોમાં, સંવાદો વાટાઘાટોની પશ્ચાદ્‌ભૂમિકાઓમાં, દૃશ્યવર્ણનમાં, મનઃસ્થિતિના આલેખનમાં તેમણે યોજેલી ભાષા સ્વયં તેમના વ્યક્તિત્વનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિમાણો ખોલી આપે છે. ડાયરીઓમાં વર્ણવાયેલા અસંખ્ય બનાવો ભારતના મુક્તિસંગ્રામના નાટ્યાત્મક વૃત્તાંતો સમા છે. રચાતા આવતા ઇતિહાસના અસંખ્ય સંઘર્ષો અને કટોકટીઓ અને નિર્ણાયક ક્ષણો એમાં ઝીલાયેલી છે. પ્રસિદ્ધ જર્મન તત્ત્વચિંતક ડિલ્થીના મતે ખરેખરો ઇતિહાસ બાહ્ય સ્થળકાળમાં બનતા બનાવોમાં સમાઈ જતો નથીઃ ક્રિયાશીલ બનતી ઐતિહાસિક વ્યક્તિઓના નૈતિક સંકલ્પો વિકલ્પો અને તેની સાથે જન્માતા આંતરસંઘર્ષો પણ તેમાં સ્થાન લે છે. તેમને એમ અભિપ્રેત છે કે ઇતિહાસકાર કે ચરિત્રકાર કોઈ પણ ઐતિહાસિક બનાવની નોંધ લે છે ત્યારે હકીકતમાં ઇતિહાસના સત્યનો અલ્પાંશ જ એમાં ઊતરે છે. બૃહ્‌દ સત્યો તો ઐતિહાસિક વ્યક્તિઓ પોતે જ કોઈ રાજકીય સામાજિક સંયોગો વચ્ચે નૈતિક મુકાબલો કરે છે કે નૈતિક સંઘર્ષોમાંથી પસાર થાય છે તેના સંકુલ જટિલ આલેખનમાં છતું થાય છે. ગાંધીજી બ્રિટીશ હકૂમત સામે નિરંતર સત્ય અહિંસાના સિદ્ધાંતથી લડવા ચાહતા હતા. વિશ્વરાજકારણમાં એ એક અભૂતપૂર્વ એવી લડત હતી – પણ એ એ લડતમાં બ્રિટીશ શાસકો સામે જ નહિ, રાષ્ટ્રીય મુક્તિસંગ્રામમાં પૂરી નિષ્ઠાથી જોડાયેલા પણ ભિન્નભિન્ન વિચારસરણિ ધરાવતા નેતાઓ સામે, અને સદીઓ જૂના હિંદુ ધર્મના રૂઢિગ્રસ્ત અગ્રણીઓ સામે – એમ અનેક સરહદે તેમને લડવાનું આવ્યું હતું. ડાયરીઓમાં, ખરેખર તો, રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક મુક્તિ માટેના મહાસંઘર્ષોનું બયાન મળે છે. આપણા ઇતિહાસની અનેક કટોકટીપૂર્ણ પરિસ્થિતિઓનો ઓછોવત્તો આલેખ એમાં છે. ગાંધીજીના જીવનની નાનકડી રોજિંદી ઘટનાઓથી લઈ આંતરરાષ્ટ્રીય બનાવોને અસર કરતી બૃહ્‌દ ઘટનાઓના અતિ વિશાળ ફલક પર મહાદેવભાઈની આંખો ફરતી રહે છે. અલ્પ અને ભૂમાનો એમાં એકીસાથે સ્વીકાર છે.

ડાયરીઓમાં અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અનેકવિધ વિષયો, અનેકવિધ આકારો, અને પરસ્પર ભિન્ન રીતિઓ – શૈલીઓવાળી કૃતિઓ સહજક્રમમાં ગોઠવાયેલી છે. એમાં મહાદેવભાઈનાં સ્વતંત્ર કહી શકાય એવાં મૂલ્યવાન લખાણોનો જથ્થો ય નાનોસૂનો નથી. ગાંધીજી વલ્લભભાઈ અને બીજા અસંખ્ય દેશનેતાઓ વિશેના અહેવાલો અને નોંધોની સાથેસાથ એ સામગ્રી રજૂ થઈ છે. એમાં રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક વિષયો પરના તેમના લેખો અને નિબંધો એક વિશેષ કોટિમાં આવે છે. ‘ભલે સિધાવો’ ‘નિતિનાશક રાજ્ય’ ‘ઋષિનો શાપ’ ‘કસોટી અને તૈયારી’ ‘આપણું કર્તવ્ય’ ‘નાગપુરનો પત્ર’ ‘સવિનયભંગનો અવસર’ ‘સત્યાગ્રહયાત્રા સમયના ઉદ્‌ગારો’ ‘તૂર્કોને વિજય’ ‘વિપરીત બુદ્ધિ’ ‘સરકાર જાગી’ ‘યુદ્ધનું રહસ્ય’ ‘અંધા આગળ આરસી’ ‘વેરની વસૂલાત’ ‘તપ ફળ્યાં’ ‘કાળ કે કોલાહલ’ ‘આત્મશુદ્ધિના પંથે’ – જેવા અસંખ્ય લેખોમાં સમકાલીન રાજકીય પરિસ્થિતિ અને બનાવો વિશે મહાદેવભાઈની વિચારણાઓ રજૂ થઈ છે. ગાંધીજીના જીવનકાર્ય અને જીવનવિચારનાં મૂળ તત્ત્વો મહાદેવભાઈએ પૂરાં આત્મસાત કરી લીધાં છે, એટલે રાજકીય પ્રવાહો અને પ્રશ્નોની ચર્ચા, તેનાં વિવરણવિશ્લેષણ, અને ટીકાટિપ્પણીઓમાં અહિંસા સત્યના સિદ્ધાંતોનું તેમનું સમર્થન ધ્યાનાર્હ છે. મહાદેવભાઈની હૃદયવૃત્તિ, આમ તો આધ્યાત્મિક ખોજ તરફ વળી હતી, પણ પ્રસંગ આવ્યે જાહેર જીવનમાં કર્તવ્યો બજાવવામાં તેમણે પાછી પાની કરી નહોતી. અને, મહત્ત્વની વાત એ છે કે તેમણે આ લેખોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બનાવોના જે વિગતસભર અહેવાલો અને વિશ્લેષણો રજૂ કર્યાં છે, અને જે સમીક્ષાત્મક દૃષ્ટિકોણ અપનાવ્યા છે તેમાં સમકાલીન જગતના ઇતિહાસ વિશેની, વર્તમાન માનવજાતિના દૃષ્ટિકોણ અપનાવ્યા છે તેમાં સમકાલીન જગતના ઇતિહાસ વિશેની, વર્તમાન માનવજાતિના રાજકીય સામાજિક અને આર્થિક પ્રશ્નો વિશેની અને વધુ તો આપણા રાષ્ટ્રીય પ્રશ્નો વિશેની ઊંડી જાણકારી અને વેધક સૂઝસમજ પ્રગટ થાય છે. તેમની વિશાળ દૃષ્ટિની ચિંતનશીલતા, માનવજાતિની યાતનાઓ માટેની ઊંડી સહાનુકંપા, અને પ્રૌઢ પરિપક્વ બૌદ્ધિકતાનો એમાં માર્મિક પરિચય થાય છે. પ્રસંગેપ્રસંગે તેમણે જે ચિંતન મૂક્યું છે તેમાં, દેખીતી રીતે જ, ગાંધીજીને પ્રિય એવા સિદ્ધાંતોનું સમર્થન રહ્યું છે. એ રીતે અમુક પ્રસંગો નિમિત્તે જન્મ્યાં છતાં એ લખાણો પ્રાસંગિકતાને અતિક્રમી જઈ ચિરંતન મૂલ્ય ધારણ કરે છે. આ પ્રકારના તેમના લગભગ બધા જ લેખોને એકદમ સ્વચ્છ સુઘડ અને વ્યવસ્થિત વિચારક્રમને કારણે તેમ દૃઢ સૌષ્ઠવભરી આકૃતિને કારણે ઉત્તમ નિબંધનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. ગાંધીજીએ ખેડેલી સાદી સાત્ત્વિક અને સંયમી શૈલીનું એ એટલું જ તેજસ્વી રૂપ છે. એમાં અર્થૈકલક્ષિતાને વરેલી લાઘવભરી રજૂઆત છે. સંવાદી સુશ્લિષ્ટ શબ્દબંધ છતાં સ્વચ્છ વાક્યરચનાઓ એમાં સુઘટ્ટ અર્થનું પોત રચી આપે છે. વાણીપ્રયોગોમાં સરળતા છતાં શિષ્ટ સંમાર્જિત ભાષાનું વિશિષ્ટ સ્તર એમાં જળવાયું છે. અર્થ અને વિચારની અસરકારકતામાં વૃદ્ધિ કરે એવા પરિચિત છતાં પ્રાણવાન અલંકારગર્ભ વાણીપ્રયોગો તેમને હસ્તામલકવત્‌ રહ્યા છે. તેમના આ નિબંધોમાં વિચારોની રજૂઆતમાં તેમ શીર્ષકોની રચનામાં પ્રસંગેપ્રસંગે અસાધારણા ચમત્કૃતિવાળા રૂઢપ્રયોગો તેઓ સહજ જ કરતા રહ્યા છે. જેમકે, ‘ઋષિના શાપ’ ‘અંધા આગળ આરસી’ ‘રાવણના જડબામાં’ જેવાં શીર્ષકો તેમના વિરલ ભાષાસામર્થ્યના અણસાર આપે છે જોકે આ પ્રકારનાં લખાણોમાં તેમનો મુખ્ય આશય પૂરી ચોકસાઈ અને પ્રામાણિકતાથી વિચારો રજૂ કરવાનો હોઈ, ચાહીને તેઓ અલંકરણો અને સાહિત્યિક સાહચર્યોથી મુક્ત રહ્યા છે. વિશાળ દૃષ્ટિનો જીવનવિચાર, સ્વચ્છ બૌદ્ધિક પ્રતિપાદન, સુશ્લિષ્ટ નિબંધન અને આકૃતિના સુરેખક સૌષ્ઠવને કારણે એ નિબંધો કેવળ મહાદેવભાઈના ગદ્યસાહિત્યમાં જ નહિ, પણ આપણા સમસ્ત ચિંતનલક્ષી નિબંધોની પરંપરામાં આગવું સ્થાન લે છે. મણિલાલ, આનંદશંકર ધ્રુવ, ગાંધીજી, કાકાસાહેબ, વિનોબા, કે સ્વામી આનંદ આગવા વ્યક્તિત્વથી અંકિત લેખોકલ નિબંધો રચીને ઉત્તમ ગદ્યકારનું જે સ્થાન મેળવે તે સ્થાનના અધિકારી મહાદેવભાઈ પણ છે.

ગાંધીજી અને તેમના અનુયાયી ચિંતકોએ ધર્મ અને અધ્યાત્મતત્વ વિશે જે લેખો લખ્યા તેમાં તેમના અભિગમ પરત્વે કેટલીક મૂળભૂત સમાનતાઓ જોવા મળશે. ખાસ તો સાક્ષરયુગના લેખકો ચિંતકો ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ, નરસિંહરાવ, બળવંતરાય, રમણભાઈ, આ. આનંદશંકર ધ્રુવ, વગેરેના ધર્મચિંતનનાં લખાણોની સામે ગાંધીપેઢીના ચિંતકોના ધર્મવિચાર મૂકીએ ત્યારે તેમનાં વિચારવલણોમાં રહેલી સમાન ભૂમિકા વધુ સ્પષ્ટ થઈ ઊઠે છે. એ અંગે નોંધવું જોઈએ કે ગાંધીજી અને તેમના અનુયાયી સર્વ લેખકોચિંતકો સર્વધર્મસમભાવ કેળવીને વધુ વ્યાપક અને વધુ તાત્ત્વિક ધર્મની ખોજમાં વળ્યા હતા. ધર્મના સ્વરૂપવિચારમાં તેની આસપાસ ગૂંથાયેલા રહસ્યમય પૌરાણિક અંશોને ગાળીને અને સ્થૂળ કર્મકાંડોથી મુક્ત કરીને તેના નૈતિક આધ્યાત્મિક તત્ત્વચિંતન પર તેઓ પોતાની દૃષ્ટિ ઠેરવે છે. ધર્મ તેમના મતે કેવળ વિદ્યાવ્યાસંગ કે પાંડિત્યભર્યા વિવાદનો વિષય નહિ, નિરંતર આચરણમાં મૂકવાની બાબાત છે. એટલે, સ્વાભાવિક રીતે જ, ગીતાના કર્મયોગની વિચારણા તેમને સવિશેષ પ્રેરક નીવડી છે. ગાંધીયુગની ધર્મતત્ત્વવિચારણાઓ અને ગીતાના દર્શનનાં અર્થઘટનો સ્વયં એક અલગ અધ્યયનનો વિષય છે. પણ એ અંગે એટલું તો નોંધવું જ જોઈએ કે આત્મશુદ્ધિના કઠોર તપોમય માર્ગનો એમાં મહિમાં છે. અને લોકસંગ્રહ અને આત્મોન્નતિ વચ્ચે સુમેળ સાધવાનો એમાં પ્રયત્ન છે. ગીતામાં વર્ણવાયેલી દૈવી સંપત્તિ તે સામાજિકક નવનિર્માણનો આધાર બને છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ગાંધીજી સમક્ષ મહાદેવભાઈનું આત્મસમર્પણ તેમનીક ગહન આધ્યાત્મિક વૃત્તિ પર નિર્ભર હતું. ગાંધીજીએ મહાદેવભાની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષી છે. અને સંયોગોવશાત્‌ ગાંધીજીથી દૂર રહેવાના પ્રસંગો આવ્યા ત્યારે પત્રોમાં યે તેમણે પોતાના પ્રશ્નો ગાંધીજી સમક્ષ મૂક્યા છે, અને ગાંધીજીએ તેના સમાધાનકારી ઉત્તરો આપ્યાં છે. હકીકતમાં, ગાંધીજીએ હિંદુ ધર્મ ઉપરાંત ઈસ્લામ, ખ્રિસ્તી જૈન અને બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોનું તેમ તેને લગતાં ભાષ્યો વિવેરણો અને અર્થઘટનોનું જે ઊંડું તત્ત્વગ્રાહી પણ સ્વતંત્ર સમીક્ષક-દૃષ્ટિએ અધ્યયન કર્યું છે તેની પ્રતીતિ ડાયરીનાં લખાણોમાં પ્રસંગે પ્રસંગે નોંધાયેલીક તેમની ધર્મવિચારણાઓમાંથી થાય છે. સર્વ ધર્મચિંતનમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અને અપરગ્રિહ જેવાં મૂલ્યોની તેઓએ પ્રાણપ્રતિષ્ઠા કરે છે. બે ધર્મના અનુયાયીઓએ પોતાના આચારવિચારમાં વિકૃતિ આણી હોય તેની નિર્ભીકપણે નોંધ લે છે. આ વિષયનાં લખાણોમાં મહાદેવભાઈની રજૂઆતપદ્ધતિ ખાસ ધ્યાન માગે છે. એમાં ગાંધીજી વિનોબા આદિનાં વ્યાખ્યાનો વિવરણો અને ભાષ્યરૂપ લખાણો છે, કેટલીક પત્રચર્ચાઓ છે, અન્ય ધર્મના આચાર્યો સાથેના સંવાદો અને પ્રશ્નોત્તરીઓ છે, ધર્મ કે અધ્યાત્મગ્રંથના પરિચયો ભાષ્યો અને અર્થઘટનો છે, અને પદો ભજનો શ્લોકો કે કડીઓનાં માર્મિક અર્થઘટનો પણ છે. આમ આકાર અને રજૂઆત પદ્ધતિનું ઘણું સારું વૈવિધ્ય એમાં છે. અને દરેક રજૂઆતપદ્ધતિમાં વિવરણ વિવેચન અને અર્થશોધનની પ્રક્રિયા અવનવાં રૂપો લે છે. આવા ચિંતનલક્ષી ગદ્યમાં ય જુદાં જુદાં પોત જોવા મળે છે. સંસ્કૃત ગ્રંથોના શ્લોકો અને સૂત્રોના વિવરણમાં વિચારને સરળ વિશદ રૂપમાં મૂકવાના પ્રયત્નો છે, પણ મૂળ વસ્તુ સાથેના તાત્ત્વિક અનુસંધાનને કારણે એમાં અર્થઘટન પણ તેજસ્વી તત્સમ શબ્દોનો સહજ સ્વીકાર છે. જ્યારે અન્ય પ્રકારનાં ચિંતનમનનમાં પ્રમાણમાં સરળ અને સાત્ત્વિક બાની પ્રયોજાયેલી છે. જેમકે, આશ્રમવાસીઓ સમક્ષ વિનોબાજીએ ઉપનિષિદ્‌ વિશે જે વ્યાખ્યા વિચારણા કરી હતી તેની નોંધ લેતાં મહાદેવભાઈ સુગ્રથિત નિબંધનું રૂપ નિપજાવી લે છે. વિચાર વસ્તુની ગહનતા અને સૂક્ષ્મતા ઝીલવા ચાહતું તેમનું ગદ્ય અર્થગૌરવ અને અર્થકાન્તિ ધારણા કરે છે. ‘વેદનો બ્રહ્મચારી’ ‘પ્રાર્થનાની આવશ્યક્તા અને રહસ્ય’ ‘બે ક્રિયાપ્રસંગો’ ‘એ જીવનનું રહસ્ય’ અને ભીડ ભજન’ જેવા લેખો પણ સ્વચ્છ સુઘડ વસ્તુનિબંધ અને સંમાર્જિત અર્થઘટન શૈલીને કારણે એટલા જ પ્રભાવક છે. આ પ્રકારના ધર્મચિંતનના લેખોમાં મહાદેવભાઈની ચિંતક-લેખક તરીકે એકબે વિશેષ વૃત્તિઓ જોવા મળે છે. એક પ્રસ્તુત શ્લોક કે સૂત્રના ભાષ્યમાં બીજરૂપ શબ્દોનાં અર્થઘટનો પર તેમની દૃષ્ટિ મંડાયેલી છે. ગાંધીજી સાથેની આધ્યાત્મચર્ચાઓમાં મહાદેવભાઈ વારંવાર બીજરૂપ સંજ્ઞાઓના અર્થ-બોધ વિશે પ્રશ્નો કરતા રહ્યા છે તે સૂચક છે. તત્ત્વવિચારના વિશોધનમાં વ્યુત્પત્તિના અભિગમથી ચાલવાનું પ્રબળ વલણ ગાંધીજી અને મહાદેવભાઈ બંનેમાં દેખા દે છે. ચિંતન લેખનમાં પ્રત્યેક શબ્દપ્રયોગના ઔચિત્ય પરત્વે બંને પુરુષો ઉત્કટપણે સભાન દેખાય છે. બીજી વૃત્તિ એ કે પ્રાચીન સૂત્રની વ્યાખ્યાવિચારણામાં આધુનિક ચિંતકોમાંથી અનુરૂપ વિચારો નોંધવાનું તેમને પ્રિય છે. ‘વેદનો બ્રહ્મચારી’ લેખમાળના ગદ્યમાં તેમની આ પ્રકારની ચિંતનવૃત્તિ નોંધપાત્ર રૂપમાં દેખા દે છે. પંડિત સાતવળેકરજીના હિંદી ગ્રંથ ‘બ્રહ્મચર્યના મુખ્ય વિચારોના વિવરણરૂપે આ લેખમાળા લખાઈ છે. પંડિતજીએ એ ગ્રંથમાં ‘બ્રહ્મચર્ય’ની ભાવનાનો માત્ર બાહ્ય આચારવિચારના – પ્રાકૃત ભૂમિકાના – સ્તરેથી નહિ, ઊંડી આધ્યાત્મિક તત્ત્વચર્ચાના સ્તરેથી વિચાર કર્યો છે. ખાસ તો, ‘અર્થર્વવેદ’ માંથી ‘બ્રહ્મચર્યસૂક્ત’ના મંત્રો લઇ તેમણે તેનું તલસ્પર્શી વિવેચન કર્યું છે. સ્વાભાવિક રીતે જ મંત્રોની વાણીના અર્થબોધ એમાં મુખ્ય સ્થાન લે છે. સમગ્ર વિશ્વજીવનનો આધાર ‘બ્રહ્મચર્ય’ છે એ મુદ્દાની રજૂઆતમાં ‘નીતિનાશને માર્ગે’ પુસ્તકના અંતમાં મૂકાયેલો અતિ પ્રાણવાન વિચાર તેઓ સરખાવી લે છે. એ ગ્રંથનું અંતિમ વિધાન છે : The future belongs to the nations that are chaste (સંયમશીલ, બ્રહ્મચારી પ્રજાઓ જ ભાવિમાં ટકવાની છે)– એમ બ્રહ્મચર્ય વિશેની પ્રાચીન ભારતીય વિચારણાનું તેઓ આધુનિક ચિંતકમાંથી સમર્થન મેળવી લે છે. બ્રહ્મચારીના આત્મબોધ અને આત્મવિસ્તારની શક્તિનો ખ્યાલ રજૂ કરતાં શેઇક્‌સ્પિયરના જાણીતા નાટક ‘As you Like It’ માંથી અનુરૂપ પંક્તિઓ સાંકળી લે છે. બ્રહ્મચારીની અપ્રતિમ શક્તિ તે – Younges in trees, books in the running brooks, sermon in stone and good in every thing (વૃક્ષેવૃક્ષે વેદોચ્ચાર, ઝરણે ઝરણે પ્રભુની વીણાનો ઝંકાર, શિલાએ શિલાએ શિલાલેખ અને વિશ્વમાત્રને કે કલ્યાણમય) જોવાની શક્તિ છે. એમ તેઓ કહે છે. વળી, બ્રહ્મચારીની આત્મિક વીરતાનોક પરિચય આપતાં મહાદેવભાઈ એટલી જ સાહજિકતાથી રવીન્દ્રનાથની કવિતાની પંક્તિઓ યાદ કરીને ઉતારે છે. એ રીતે તેમની બહુશ્રુતતાનો અને તુલનાત્મક દૃષ્ટિનો સુખદ પરિચય થાય છે. ડાયરીઓમાં મહાદેવભાઈના આધ્યાત્મચિંતનના એવા ગદ્યખંડો પણ મળે છે જેમાં તેમની સ્વતંત્ર પર્યેષકદૃષ્ટિ અને સ્વતંત્ર ગદ્યનિર્માણશક્તિનો સુખદ પરિચય મળે છે. જેમ કે, તેમનું આ પ્રકારનું એક ઉત્તમ ગદ્યલેખન ગીતાના એક શ્લોક વિશેની વ્યાખ્યાવિચારણા નિમિત્તે થયું છે. ૧૯૨૭માં પટણાના એક છાત્રસંમેલનમાં પ્રવચનરૂપે એ જન્મ્યું હતું શ્લોક છે : જાદ્બણ્દ્બદ્બદ્ધ ઘ્દ્બદ્વઙદ્બ હદ્બચ્દ્બૈદ્બદ્યઞ્દ્બ ચ્દ્બદ્બઞ્દ્બઙદ્બદ્બદઙદ્બ જ્દ્બઙદ્બહ્મદઠદ્બત્ર્દ્બદ્બજ્દ્બન્ – એમાં સૂચિત યજ્ઞ દાન અને તપ એ ત્રણ મહાસિદ્ધાંતોનું આદુનિક માનવસમાજના વિકાસની દૃષ્ટિએ તેમણે અર્થઘટન કર્યું છે. આખોય પ્રવચનલેખ તેમના તેજસ્વી સત્ત્વશીલ ગદ્યનો વિરલ નમૂનો છે. શિષ્ટ અભિજાત અને પ્રાસાદિક વાણીની આગવી રમણીયતા એમાં આપણને સ્પર્શી રહે છે. સંવાદી લયાત્મક ભાતમાં પદનિબંધ અને વાક્યબંધ પૂરા સામંજસ્યથી જોડાતા આવે છે. એકસરખું સઘન સમૃદ્ધ પોત એથી રચાતું આવે છે. ભાષા અને અર્થસંપત્તિ વચ્ચે અપૂર્વ સંવાદ રચાતો રહે છે. શબ્દ અને અર્થની ક્રાન્તિનું એમાં સુભગ સંયોજન છે. આ લેખ પણ સૌષ્ઠવભર્યા શિલ્પ સમો કંડારાયેલો છે. વસ્તુવિચારણામાં તેમની માનસિક સંપત્તિ સમાં સાહિત્યિક સાહચર્યો સહજ ગૂંથાતાં આવે છે. ઉ.ત. ‘માનસતપ’ની આધ્યાત્મિક ભૂમિકાના વર્ણનમાં કવિ વડર્‌ઝવર્થની એક મર્માળી પંક્તિ તેઓ ઉતારે છે, તો મૃત્યુની સ્થિતિમાંથી અમૃતત્ત્વની દિશામાં થતી ગતિના વર્ણનમાં શેઇક્‌સ્પિયરમાંથી અનુરૂપ કડી તેઓ ઉતારે છે. તો, પ્રવચનનું અસરકારક સમાપન કરતાં મીરાંબાઈના એક પદની ધ્રુવપંક્તિ ‘મને ચાકર રાખોજી’ તેઓ રજૂ કરે છે. આપણને સહજ એમ લાગે છે કે ચિંતનલેખનની ક્ષણોમાં સદાજાગૃત એવી તેમની સ્મૃતિ સહજ જ તેમને આવાં સાહચર્યો પૂરાં પાડે છે. પ્રક્રિયામાં જ તેમનામાં પડેલી સુષુપ્ત સર્જકવૃત્તિનું સંચલન જોઈ શકાય.

મહાદેવભાઇના ગદ્યમાં ભિન્નભિન્ન સમૃદ્ધિઓવાળા ઉન્મેષોની નોંધ લેતા હોઈએ ત્યારે એમાં જુદા જુદા નિમિત્તે અસંખ્ય ગ્રંથો અને ચિંતકો-લેખકોના ઓછાવત્તા જે ઉલ્લેખો મળે છે તેને લગતું અવલોકન પણ જરૂરી બને છે. એ તો સ્પષ્ટ છે કે ગાંધીજી અને મહાદેવભાઈએ જુદાજુદા વિષયોનું વિશાળ અધ્યયન કર્યું છે. જોકે તેમના બંનેના વાચનમાં આવેલાં પુસ્તકોની અલગઅલગ સૂચિ કરવામાં ક્યાંક મુશ્કેલી રહેશે પણ એટલું તો ખરું જ કે ધર્મગ્રંથો અને પૂર્વપશ્ચિમની અનેક મહાન પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ ઉપરાંત ઈતિહાસ, રાજકારણ, અર્થકારણ, આરોગ્યશાસ્ત્ર, સંસ્કૃતિ, કેળવણી, કાયદાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, સમાજચિંતન આદિ અનેક વિષયોમાં તેઓ એકસરખો રસ લેતા દેખાય છે. ભારતીય પરંપરામાંથી વેદ ઉપનિષદ રામાયણ મહાભારત ગીતા જૈનદર્શન અને બૌદ્ધદર્શન મીરાં કબીર તુલસી જ્ઞાનેશ્વર તુકારામ રવીન્દ્રનાથ ટાગોર મૈથિલીશરણ ગુપ્ત આદિ અને ગુજરાતીમાં નરસિંહ અખો નવલરામ રમણભાઈ મણિભાઈ કાન્ત અને આનંદશંકર ધ્રુવ આદિ અનેક લેખકો-ચિંતકો તેમણે ઝીણવટથી વાંચ્યા દેખાય છે. પણ આપણને જો કંઈ વિસ્મય થાય એવી બાબત હોય તો એ કે પ્લેટો સોક્રેટિસ શેઇક્‌સ્પિયર દાન્તે મિલ્ટન, વડર્‌ઝવર્થ કિટ્‌સ થોમસ હાર્ડીગેટે નિત્શે થોરો ટોલ્સટોય રસ્કિન બન્યન, મેથ્યુ આર્નલ્ડ, આનાતોલ ફ્રાન્સ, એચ. જી. વેલ્સ, રોમાં રોલાં, આલ્બર્ત સ્વાઈત્ઝર, સિંકલેર, સેમ્યુઅલ હોર અને એ કોટિના બીજા અસંખ્ય લેખકો તેમણે પૂરા રસથી વાંચ્યાં છે. એટલું જ નહિ, અનેક ગ્રંથો/લેખકો વિશે સ્વતંત્ર સમીક્ષક દૃષ્ટિથિ વત્તીઓછી ટીકાટિપ્પણીઓ તેમણે કરી છે. અલબત્ત, પુસ્તકો અને લેખકોની તેમની પસંદગી પાછળ તેમની આગવી જીવનદૃષ્ટિ રહી છે. સાહિત્યકળા વિશેની તેમની સૂઝસમજ પણ એમાં છતી થાય છે. કળાને નામે રંગરાગી અને નીતિધર્મને વિઘાતક એવી સાહિત્યકૃતિઓ સ્વાભાવિક રીતે જ તેમને સ્વીકાર્ય ન બને. સાહિત્ય પાસે તેમની એવી અપેક્ષા રહી છે કે વ્યક્તિના ચારિત્ર્યઘડતરમાં તે પ્રેરણા રૂપ બને, તેનાં નૈતિક-આધ્યાત્મિક ઉત્કર્ષમાં તે સહાયરૂપ બને અને સર્વોદયની ભાવનાને પોષક અને સંવર્ધક બને. વળી સમાજના દીનદલિતો અને પતિતોના ઉદ્ધાર અર્થે પ્રવૃત્તિ કરતાં તગેમ માનવસેવા અર્થે ત્યાગ બલિદાન અને આત્મસમર્પણનો માર્ગ લેતાં સંત સમાજ વિધાયક કે કોઈ પણ માનવની કથામાં તેમને એટલો જ ઊંડો રસ રહ્યો છે. અંતે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા આદર્શોનું જ્યાં પણ સમર્થન મળે, એવા પુસ્તકને તેઓ ઊંડા આદરથી સ્વીકારતા રહ્યા છે. સેમ્યુલ હૉરના પુસ્તક ‘ફોર્થ સીલ’ રોમે રોલાંકૃત રામકૃષ્ણનું જીવનચરિત્ર, ડંમડનું ‘Natural Law is Spiritual World’,કાગવાનું જીવનચરિત્ર’ આચાર્ય આનંદશંકરના ‘હિંદુ ધર્મની બાળપોથી’ અને ‘આપણો ધર્મ’, થોરોનું ‘ડ્યૂટી ઓફ સિવિલ ડિસઓબીડિયન્સ’ બન્યનનું ‘પ્રિલિગ્રમ્સ પ્રોગેસ’ આનાતોલ ફ્રાન્સની ‘થૅયસ’ શ્રી ફરેરોકૃત ‘પ્રાચીન રોમ અને આધુનિક અમેરિકા’ વાલ્ડોકૃત ‘લેબ્રેડોરને કાંઠે ગ્રેનફેલ સાથે’ ગ્રેનફેલકૃત ‘વૉટ ક્રાઈસ્ટ મીન્સ ટૂ મી’ જેવાં અનેક પુસ્તકોનો ડાયરીઓમાં જે પરિચય અપાયો છે તેમાં ગાંધીજી અને મહાદેવભાઈ બંનેને પ્રિય ભાવનાઓ અને મૂલ્યોનું સમર્થન મળે છે. પુસ્તકો અને લેખકોના પરિચયમાં મહાદેવભાઈની નૈતિક સંસ્કારોથી સંમાર્જિત પણ સૂક્ષ્મ અભિજાત રસજ્ઞતાનો વારંવાર પરિચય મળે છે. કથાકૃતિઓમાંથી જો કે નૈતિક અર્થઘટન તારવવા તરફ તેમનું પ્રબળ વલણ રહ્યું છે, પણ સાહિત્યિક મૂલ્યોની સર્વથા ઉપેક્ષા કરતા નથી. પાત્રનિર્માણ અને કથનવર્ણનની સૂક્ષ્મ ખૂબીઓની તેઓ નોંધ લે જ છે. જોન બન્યનના ‘પેલ્ગ્રિમ્સ પ્રોગેસ’નો ટૂંકો રસળતી શૈલીનો પરિચય એના પુરાવા સમો છે. મૈથિલીશરણ ગુપ્તની પ્રસિદ્ધ કાવ્યકૃતિ ‘સાકેત’ના વાંચનથી પ્રેરાઈને મહાદેવભાઈએ નોંધેલો પ્રતિભાવ તેમની સૌંદર્ય સુઝનો પરિચય આપે છે : ‘સાંકેત’ આજે ચાર વાગ્યે પૂરું કર્યું. અપૂર્વ મનોહત કૃતિ છે. રામાયણની કથાની ધરતી લઈને એની ઉપર પોતાની કલ્પનાસૃષ્ટિ સુંદર રચી છે. ભાષા સરલ, સુબોધ, કાવ્યપ્રવાહ અકૃત્રિમ અને પ્રાસાદિક, સ્વચ્છ વહેતા ઝરા જેવો આદિથી અંત સુધી વહ્યો જાય છે. એ કથા ગમે તેટલી વાર વાંચીએ તોપણ આંખ ભીની થયા વિના કેટલાય પ્રસંગો વાંચી શકતા જ નથી. તેમ જ આવેલા પણ થયું. ઊર્મિલાનું ચિત્ર સ્વતંત્ર જ છે. એમાં ખૂબ નાવીન્ય અને શોભા છે. માત્ર નવમો સર્ગ જરા સંસ્કૃત કવિઓનું વધારે પડતું અનુકરણ લાગે છે. છતાં આખું કાવ્ય મૈથિલીશરણ ગુપ્તની એક ચિરંજીવ કૃતિ રહી જશે. એનું વાચન મનોહર નહીં પણ પાવક છે, ઉન્નતિપ્રદ છે.’ મહાદેવભાઈએ વિવેચનવિચારથી વિદગ્ધ અને ક્લિષ્ટ પરિભાષામાં ઊતર્યા વિના પણ ‘સાંકેત’નું સરસ મૂલ્યાંકન કર્યું છે. ‘સાંકેત’ના પ્રભાવમાં તેના ‘પાવક’ અને ‘ઉન્નતિપ્રદ’ અંશનો તેમણે વિશેષ મહિમા કર્યો છે. જો કે કૃતિની ભાષાશૈલીમાં તેમ તેના રચનાબંધમાં રહેલા લાવણ્યની તેઓ ઉપેક્ષા કરતા નથી. નોંધવા જેવું કે આ જાતના ગ્રંથપરિચયમાં તેમનું વર્ણનવિવરણ કંઈકક અનોખી કુમાશ અને ચારુત ધારણ કરે છે. તેમના અંતરની સંવેદનાનો ગાઢ સ્પર્શ એમાં બેઠો છે. તેમની સૂક્ષ્મ સંવેદનશીલતા અને તેમની ઉદાર રુચિદૃષ્ટિનો એમાં સંતર્પક પરિચય થાય છે.

ડાયરીઓનાં લખાણોમાં ગાંધીજીનાં પ્રવચનો પત્રો વાર્તાલાપો-સંવાદો વગેરે પ્રકારનાં ગદ્યલખાણોનો જથ્થો કદાચ સૌથી મોટો હશે. એ તો સુવિદિત છે કે રાષ્ટ્રિય મુક્તિની લડત અને રચનાત્મક કાર્યક્રમના પ્રચાર નિમિત્તે ગાંધીજી ભારતના જુદા જુદા પ્રાંતોમાં સતત ઘૂમતા રહ્યા અને નાની મોટી સેંકડો સભાઓમાં પ્રવચનો આપતા રહ્યા. જુદા જુદા નિમિત્તે ઈંગ્લેન્ડ બ્રહ્મદેશ સિલોન વગેરે દેશોમાં ય જવાનું થયું. ડાયરીઓમાં તેમનાં પ્રવચનોની મહાદેવભાઈએ ખૂબ ચીવટાઈથી વિસ્તૃત નોંધો લખી છે. એ પ્રવચનોમાં સત્યાગ્રહનું સ્વરૂપ, હિંદુ મુસ્લીમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ, ખાદીપ્રચાર, મહાસભાની કામગીરી, સર્વધર્મસમભાવ એમ અનેક સમસ્યાઓની તેઓ છણાવટ કરતા રહ્યા છે. એ સર્વ સમસ્યાઓ વિશેની મહાદેવભાઈની નોંધ આપણા આ સદીના ઇતિહાસલેખનની કાચી પણ અતિમૂલ્ય સામગ્રી છે. ગાંધીજીના વિચારોને પૂરી સચ્ચાઈ અને ચોકસાઈથી રજૂ કરવાની અનિવાર્યતા હોઈ મહાદેવભાઈ શબ્દનો જરીકે વિલાસ કર્યા વિના પૂરા સંયમથી ગદ્યને ખેડે છે. પણ અહીં એમ નોંધવું જોઈએ કે ગાંધીજીની શૈલીમાં પ્રેરક બળ રહ્યું છે, અને પ્રજાજનોને ઉદ્‌બોધન કરતાં તેમની વાણીમાં સાત્ત્વિક જોમ જન્મી આવ્યું છે. ગાંધીજીના રોજબરોજના કાર્યક્રમોમાં સમાજનાં જુદા જુદા ક્ષેત્રનાં માણસોની મુલાકાતો પણ મહાદેવભાઈ એટલી જ કાળજીથી નોંધતા રહ્યા છે. સંવાદો અને વાર્તાલાપોની નોંધમાં જે તે વક્તાના મૂળ ઉદ્‌ગારો સાચવવા તેઓ મથ્યા છે. ડાયરીઓમાં પત્રસ્વરૂપનું ગદ્ય પણ મોટો જથ્થો છે. એમાં જો કે ગાંધીજીના પત્રો સવિશેષ છે. પણ અન્ય નેતાઓ કાર્યકારો લેખકો ચિંતકો અને સ્વજનોના પત્રો વિશેય કેટલીક નોંધ છે પ્રવચનોનીક જેમ ગાંધીજીના પત્રવ્યવહારનું પણ ઐતિહાસિક તેમ તાત્ત્વિક દૃષ્ટિએ મોટું મૂલ્ય છે. બ્રીટિશ સરકાર મહાસભાના નેતાઓ દેશવિદેશના લેખકોચિંતકો અને અન્ય જાહેર વ્યક્તિઓ સાથેના પત્રવ્યવહારમાં ગાંધીજી અતિ તર્કચુસ્ત અને વસ્તુગ્રાહી ભાષા યોજે છે. પણ, આથી ભિન્ન, સ્વજનો, અંગત મિત્રો અને આશ્રમવાસીઓને પ્રેમ અને આત્મીયતાની નિરાળી ભૂમિકા પરથી અંતર ખુલ્લું કરીને લખે છે. કસ્તૂરબા, મોંઘી બહેન, રામદાસ, દેવદાસ વગેરેને પ્રસંગેપ્રસંગે પત્રો લખવાના આવ્યા તેમાં ગાંધીજીના અંતરની ઋજુતા અને સિદ્ધાંતના પાલનનો કઠોર આગ્રહ એકીસાથે પ્રગટ થતાં દેખાય છે. આ પ્રકારના પત્રોમાં ગાંધીજીની ટૂંકાંટૂંકાં સોંસરાં વાક્યોની રચના આપણા ચિત્તને સીધી સ્પર્શી જાય છે. પણ, આથી ભિન્ન, દેશવિદેશના ચિંતકો લેખકો આચાર્યો અને ધર્મજિજ્ઞાસુઓ સાથેના પત્રવ્યવહારમાં ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિ, હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વો, સત્યાગ્રહની લડતનું સ્વરૂપ, સત્ય અહિંસા જેવા સિદ્ધાંતોની તાત્ત્વિક ચર્ચા, ખાદીનું અર્થકારણ, હરિજન સમસ્યા, બ્રહ્મચર્ય, ઉપવાસ વગેરે વિષયોની છણાવટ કરી છે. ત્યાં તેમના ગદ્યની વૃત્તિરીતિ કંઈક બદલાય છે. તત્ત્વવિચારને સ્પર્શતાં તેમની ભાષાનું પોત વધુ અર્થસમૃદ્ધ અને અર્થઘટન બન્યું છે. પોતાના વિશાળ અધ્યયન અને અનુભવના સંસ્કારો તેમાં સહજ ઊતર્યા છે. શ્લોકો સૂત્રો દૃષ્ટાંતો કે રૂપકાત્મક પ્રયોગોથી તેઓ પોતાના વક્તવ્યને વધુ અસરકારક બનાવવા મથ્યા છે.

ડાયરીઓમાંથી પસાર થતાં મહાદેવભાઈના વ્યક્તિત્વનો કંઈકક અનોખીક રીતે પણ પ્રભાવક પરિચય થાય છે. એ છે કે તેમની ચિત્રનિર્માણની શક્તિ. તેમની સર્ગશક્તિનો કંઈક વિસ્મયકારી પરિચય એ પ્રકારનાં તેમનાં લખાણોમાં થાય છે. ગાંધીજીના અંગત મંત્રી તરીકે ભારતભરના નેતાઓ કાર્યકારો સમાજવિધાયકો ચિંતકો લેખકો વગેરેનાં વત્તાઓછા સંપર્કમાં આવવાનું તેમને બન્યું. એ પૈકી ઘણાએક મહાનુભાવો સાથે તેમને પત્રવ્યવહાર કરવાના પ્રસંગો આવ્યા તો ઘણાએકની ગાંધીજી સાથેની મુલાકાતોમાં નોંધ લેવા હાજર રહેવાનું હતું. એ રીતે ડાયરીઓમાં દેશવિદેશની અસંખ્ય પ્રતિભાશાળી વ્યક્તિઓની નોંધો મળે છે. તે સાથે ગાંધીજીના સ્થાનિક સ્તરના અનુયાયીઓ, કાર્યકરો, અને સમાજસેવકોના બીજા પાર વિનાના નાનામોટા ઉલ્લેખો મળે છે. નેતાઓ કાર્યકારો અને ચિંતકો સાથેના વાર્તાલાપમાં તેમ પત્રવ્યવહારોમાં તેમના જે જે ઉદ્‌ગારો વિચારો અને મંતવ્યો મહાદેવભાઈએ નોંધ્યા તેમાંથી જે તે વ્યક્તિવિશેષનો થોડોક પરિચય તો મળે જ છે. તેમનાં વિચારવલણો અને તેમની જે તે વ્યક્તિવિશેષનો થોડોક પરિચય તો મળે જ છે. તેમનાં વિચારવલણો અને તેમની પ્રવૃત્તિઓના ઉલ્લેખથી તેમના જીવનકાર્યની અમુક ઝાંખી થાય છે. પણ, મહત્ત્વની વાત એ છે કે એવી ઘણીએક વ્યક્તિઓ સાથેના પત્રો વાર્તાલાપોની નોંધ લેતાં મહાદેવભાઈએ પોતીકી રીતે પૂર્વાપર સંદર્ભે તેમના વ્યક્તિત્વ અને જીવનકાર્યનો ટૂંકો પરિચય આપ્યો છે. ડાયરીઓમાં એ રીતે દેશવિદેશની અસંખ્ય વ્યક્તિઓનો વ્યક્તિ પરિચય મળે છે : એમાંય ઘણી વ્યક્તિઓ વિશે જુદા જુદા પ્રસંગે જુદી જુદી રીતે ઓળખ મળે છે. પણ, એ સિવાય, કેટલીક પ્રતિભાઓ વિશે તેમણે સ્વતંત્ર રીતે ચરિત્રલેખો પણ તૈયાર કર્યા છે. અહીં એમક નોંધવું જોઈએ કે એવા કેટલાક ચરિત્રલેખો જે તે વ્યક્તિના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિરૂપે લખાયેલા છે. ડાયરીઓનાં બધાંય ‘પુસ્તકો’માં ગાંધીજીના વ્યક્તિત્વની સાથે તાણાવાણાની જેમ આવાં ચરિત્રદર્શનો ગૂંથાઈ ગયેલાં છે. સમકાલીન રાજપુરુષોમાં પંડિત મોતીલાલ, જવાહરલાલ, ચક્રવતી રાજગોપાલાચારી, લોકમાન્ય ટિળક, દેશબંધુ ચિત્તરંજનદાસ, આચાર્ય કૃપાલાની, મૌલાના અબુલ કલામ, ગોવિંદ વલ્લભ પંત, પંડિત મદનમોહન માલવિયા, વલ્લભભાઈ, રાજેન્દ્ર પ્રસાદ, શૌક્ત અલી, મહમદ અલી ઝીણા, સરોજિની નાયડુ અનેએ હરોળના બીજા અસંખ્ય નેતાઓ વિશે અહીં ઓછોવત્તો પરિચય મળે છે. તો વળી રવીન્દ્રનાથ ટાગોર, બડોદાદા, ડૉ. પ્રફુલ્લચંદ્ર રોય, એનિ બેસન્ટ, મિસ સ્લેઇડ (મીરાં બહેન), રોમે રોલાં, ટોલ્સટોય, આલ્બર્ત સ્વીત્ઝર, ચાર્લી ચેપ્લીન, એન્ડ્ર્યુઝ, એમિલી હોબહાઉ, શ્રીમતી એડિથ હો, ઝાકીઓ સુલેમાન, અને એવાં એકએકથી વિલક્ષણ પ્રતિભાવાળાં માણસોનો અહીં અપાણને પરિચય મળે છે. કસ્તૂરબા, મગનભાઈ, કાકાસાહેબ, દેવદાસ, રામદાસ, જેવા સ્વજનો અને અંતેવાસીઓનાં રેખાચિત્રો પણ અહીં ફરીફરીને ચમકતાં રહે છે. પરસ્પરથી ભિન્ન વ્યક્તિત્વવાળાં, પરસ્પરથી ભિન્ન જીવનકાર્યમાં રોકાયેલાં અને પરસ્પરથી ભિન્ન મનોરાજ્યમાં ગતિ કરતાં આ માનવીઓનાં જે રેખાચિત્રો મહાદેવભાઈએ દોર્યા છે તેને વિશે સર્વસામાન્ય અવલોકનો તારવવાનું સરળ નથી જ. છતાં ચરિત્રલેખક તરીકે મહાદેવભાઈનો અભિગમ સમજવામાં ઝાઝી મુશ્કેલી નથી. આ ચરિત્રલેખનો વિશે એક વાત એ કે રોજનીશીમાં ચિત્રનાયકના લાંબા જીવનવૃત્તાંતને અર્થસભર બનાવોના સિલસિલારૂપે રજૂ કરવાને ભાગ્યે જ અવકાશ રહે છે. એટલે, થોડાક અતિ માર્મિક બનાવો અને પ્રવૃત્તિઓના ઉલ્લેખો પૂરતું પોતાનું વર્ણન સીમિત રાખે છે. મહત્ત્વની વાત તો એ છે કે ચરિત્રનાયકના આત્મવિકાસની કથા તેમને પ્રિય છે. તેમના અંતરનો ઉદાત્ત આશય, નૈતિક આધ્યાત્મિક ગતિવિધિ અને માનવતાવાદી દૃષ્ટિ પ્રગટ કરી આપવામાં મહાદેવભાઈ કૃતાર્થતા અનુભવે છે. ચરિત્રનાયક સમાજના કોઈ પણ ક્ષેત્રનો હો, દલિતપીડિત વર્ગ પ્રત્યે ઊંડી કરુણાદૃષ્ટિ ધરાવતો હોય, તેમના ઉદ્ધાર અર્થે સેવા માટે સ્વાર્પણ અને અપરિગ્રહને માર્ગે વળ્યો હોય તો એવા સમાજસેવકના જીવનની ઉન્નતિનો મહાદેવભાઈ પૂરા ઉત્સાહથી પરિચય આપે છે. પણ એ સિવાય પ્રતિભાશાળી ચિંતકો અને લેખકોમાંથી જેમણે આધુનિક માનવસમાજના પ્રશ્નો વિશે માનવતાવાદની સ્વતંત્ર પણ નિરામય દૃષ્ટિએ ચિંતન કર્યું હોય, અને જેમના જીવનચિંતનમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રજહ અને સેવાસ્વાર્પણનાં મહાન મૂલ્યોનું મંડાણ થયું હોય તેમના ચિરત્રદર્શનમાં મહાદેવભાઈએ એટલો જ ઊંડો રસ બતાવ્યો છે. રોજનીશીમાં સ્થાન પામેલાં આ ચરિત્રનિર્માણોમાં આકારસંયોજન અને રજૂઆતની દૃષ્ટિએ પુષ્કળ વૈવિધ્ય છે. ‘ગુજરાતના કમવીરો’ જેવી લેખમાળામાં દરેક ચિરત્રલેખ એક સઘન સુશ્લિષ્ટ નિબંધિકા જેવો છે. અતિ સીમિત ફલકમાં ચરિત્રનાયકના જીવનકાર્યનું, વ્યક્તિત્વનું અને તેમના ચારિત્ર્યઘડતરનું મર્મગ્રાહી દર્શન તેઓ પ્રભાવક રીતે આપે છે. બીજાં અસંખ્ય ચરિત્રોમાં ચરિત્રનાયકની મુખ્ય જીવનપ્રવૃત્તિનું વર્ણન કરતાં અમુક બનાવો કાર્યો સંવાદો વગેરે યુક્તિઓ યોજે છે. ઉ.દા. ડૉ પ્રફુલ્લચંદ્ર રોયનું વ્યક્તિચિત્ર ડાયરીના ૧૭મા પુસ્તકમાં પૃ. ૧૩-૧૫ અને પૃ. ૭૦-૭૬ વચ્ચે જે રીતે રજૂ થયું છે તેમાં આ સર્વ યુક્તિઓનું સુભગ સંયોજન થયું છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ચિત્રકારના થોડાક જીવંત લસરકા સમી થોડીક મૂર્ત વિગતોમાં તેમનું આંતરબાહ્ય વ્યક્તિત્વ સમર્થ રીતે ઉપસાવી આપે છે. તેમની બાહ્ય આકૃતિનું વર્ણન ઘણું વેધક છેઃ ‘એમના અંગ ઉપર નાનકડી ખાદીની ધોતી, અને ટૂંકા કોટ સિવાય બીજું કશું જ ન હતું.’ ડૉ. રાયના વ્યક્તિત્વની ઝાંખી કરાવતા તેમના એક પત્રનું વર્ણન આ પ્રકારનું છે : ‘તેમાં એક પત્ર ધ્રૂજતે હાથે લખેલા અક્ષરોવાળો હતો. બંગાળીમાં હતો. ધ્રૂજતા હાથ છતાં અક્ષરોનું સૌંદર્ય અને સફાઈ મોહક હતાં.’ ડૉ. પ્રફુલ્લચંદ્રની મનોઘટના ડૉ. બોઝની મનોઘટનાથી કેવી રીતે ભિન્ન છે તે મહાદેવભાઈ સ્વચ્છ રીતે દર્શાવે છે : ‘પ્રૌઢ વિજ્ઞાનશાસ્ત્રી છતાં પોતે ભારે વિદ્યાવ્યાસંગી છે, એટલે એક વિષયરત(સ્પેશિયાલિસ્ટ)ની શુષ્કતા એમનામાં ક્યાંય નથી. ડૉ. બોઝની સંસ્કૃતિમાં કશી ઊણપ નથી, પણ તેમનામાં એક-વિષયરતની શુષ્કતા નજરે પડે છે. આનું કારણ ડૉ. રોયમાં વિજ્ઞાનના રસ કરતાં માનવજાતિ વિશેનો રસ વધારે છે એ છે...’ ડૉ. રોયનો શેઇક્‌સ્પિયર માટેનો અનહદ પ્રેમ, પ્રકૃતિના સૌંદર્યની ઘેલછા, વિનોદવૃત્તિ અને આત્યંતિક સાદગી – જેવાં લક્ષણો મહાદેવભાઈ રસાર્દ્ર શૈલીમાં રજૂ કરે છે. ચક્રવર્તી રાજગોપાોલાચારીના વિરલ વ્યક્તિત્વની ઝાંખી આમ તો ડાયરીઓમાં તેમને વિશેના અનેક નાનામોટા પ્રસંગોલ્લેખોમાંથી થાય છે. પણ હરિજનોના મંદિરપ્રવેશ અંગેની તેમની અપૂર્વ લડતનો એક મુખ્ય વૃત્તાંત ‘ધર્મનું અપમાન!’ પ્રકરણમાં રજૂ થયો છે. તિરુચન્નુરના મંદિરમાં માલા જાતિનો એક અંત્યજ દર્શનાર્થે ધસી ગયો તેથી તેની સામે હિંદુસ્થાનના ફોજદારી કાયદાની કલમ પ્રમાણે ધર્મનું અપમાન કરવાના અને પવિત્ર સ્થાનને અપવિત્ર કરવાના અપરાધ બદલ કેસ દાખલ કરવામાં આવ્યો. એક કેસમાં રાજગોપાલાચારીએ જે રીતે અપીલ ચલાવી તેનું આલેખન મહાદેવભાઈએ ખૂબ ઝીણવટથી કર્યું છે. અહીં મને જે અભિપ્રેત છે તે તો એ કે ચરિત્રનિર્માણની અંતર્ગત મેજિસ્ટ્રેટ સમક્ષ રાજગોપાલાચારીની કાયદાકીય દલીલોનું પણ વિગતે નિરૂપણ કર્યું છે. આખાય પ્રકરણને આગવો નાટ્યાત્મક ઢાંચો મળ્યો છે. રાજગોપાલાચારીની અપ્રતિમ બુદ્ધિશક્તિ અને દલિતોપીડિતો પ્રત્યેની તેમની અપાર અનુકંપા એમાં પ્રગટ થયાં છે. દેશબંધુના વ્યક્તિત્વ વિશે આમ તો ડાયરીઓમાં અનેક પ્રસંગે ઉલ્લેખ મળે જ છે, પણ તેમનું સમગ્રદર્શી વ્યક્તિચિત્ર તો તેમના અવસાનપ્રસંગે શ્રદ્ધાંજલિરૂપે લખાયેલી લેખમાળામાં મળે છે. એમાં તેમના જીવનકાર્યની ઝલક નિમિત્તે મહાદેવભાઈએ એમાં સ્મરણપ્રસંગો, શ્રાદ્ધનો વિધિ, વ્યક્તિત્વદર્શન એમ ભિન્નભિન્ન નિમિત્તે ઓળખ આપી છે. ગાંધીજી અને અન્ય નેતાઓનાં શ્રદ્ધાંજલિરૂપ વક્તવ્યોય એમાં સાંકળી લેવાયાં છે. દેશબંધુના અંતરમાં હિંદુસ્તાનની સ્વતંત્રતા સિવાય બીજી કોઈ વાત નહોતી અને તે માત્ર બે વાત પર શાંતિ અને સત્ય પર અવલંબે છે. એમ ગાંધીજીએ કહ્યું હતું. આ લેખમાળામાં ‘દેશબંધુ’ શીર્ષકના મણકામાં મહાદેવભાઈની સ્મરણકથા અત્યંત આર્દ્ર હૈયે રજૂ થઈ છે. ગંગાસ્વરૂપ વાસંતીદેવીએ વજ્રાઘાત શા બનાવને વિરલ હૈયે અને સંયમથી સહી લીધો તેનું વર્ણન એટલું જ મર્મવેધક છે. દેશબંધુના સાહિત્યમાં શબ્દવિલાસનો ત્યાગ હતો, એટલું જ નહિ દેશસેવા માટે એ પ્રવૃત્તિ જ છોડી દીધી તે વાત પણ તેમણે બરોબર રેખાંકિત કરી આપી છે. ‘દેશબંધુનું સ્મરણ’ શીર્ષકના ખંડમાં ‘શ્રાદ્ધ’ નિમિત્તે ‘હરિકીર્તન’ની જે પ્રથા જન્મી છે તેનું રસવાહી શૈલીમાં તેમણે આલેખન કર્યું છે. કીર્તનકારે ગૌરાંગ મહાપ્રભુના સંન્યાસનો વૃત્તાંત જે રીતે માતાપુત્રના સંવાદમાં રજૂ કર્યો તે પન અહીં મહાદેવભાઈએ અંકિત કરી આપ્યો છે. એમાં ગૌરાંગ મહાપ્રભુનો પ્રેમભક્તિનો સંદેશ ગુંથાયેલો છે. દેશબંધુના ચરિત્રનિર્માણમાં એ રીતે બંગાળની વિલક્ષણ ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાનો આપણને પરિચય મળે છે. નોંધપાત્ર બાબત એ છે કે લેખમાં મહાદેવભાઈનાં અંગત સ્મરણો ઓતપ્રોત થયાં હોવાથી એ ગદ્યમાં સઘન સંવેદનાઓનો સંસ્પર્શ થયો છે. એમાં તેમની ચિત્રાંકનશક્તિ પણ સુખદ અનુભવ કરાવે છે. ગાંધીજીના નિકટના કુટુંબીજન અને આશ્રમના કુશળ સંચાલક મગનભાઈના અણધાર્યા અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિરૂપે લખાયેલો લેખ ‘વજ્રાઘાત’ પણ મહાદેવભાઈની ચરિત્રલેખનની શક્તિનુંક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. ગાંધીજીની જીવનભાવના તેમણે પૂર્ણપણે પોતાના જીવનમાં સાકાર કરી હતી. એમ મહાદેવભાઈ હૃદયસ્પર્શી ભાષામાં વર્ણવે છે. મગનભાઈના જીવનધ્યેયની વાત તેમના જ ઉદ્‌ગારોમાં મૂકી છે. તેમનો વિરલ કર્મયોગ, તેમની અસાધારણ જાગૃતિ અને આશ્રમનિષ્ઠા એ બધી બાબતો ઘણી અસરકારક રીતે અહીં મુકાઈ છે. ‘એક સતીનું અવસાન’ શીર્ષકનો લેખ પણ કાકાસાહેબનાં ધર્મપત્નીના અવસાનનિમિત્તે લખાયો હતો. કાકાસાહેબ અને ‘કાકી’ વચ્ચે જન્મી પડેલા માનસિક વિસંવાદની વાતે મહાદેવભાઈએ પૂરી સહૃદયતાથી કરી છે તે સાથે ‘કાકી’માં પ્રત્યક્ષ થયેલી હિંદુ નારીની અનન્ય પ્રતિનિષ્ઠાનો તેમણે મહિમા કર્યો છે. મહાદેવભાઈના ચરિત્રદર્શનમાં પ્રયોજાયેલું ગદ્ય સુકુમાર પ્રાસાદિક અને હૃદયસ્પર્શી બન્યું છે.

૧૦

અત્યારસુધીમાં ડાયરીઓનાં જે ઓગણીસ પુસ્તકો પ્રગટ થયાં છે તેમાં તા. ૧૩-૧૧-૧૭ થી તા. ૫-૨-૩૫ સધીના ગાળાની ગાંધીજીની જીવનપ્રવૃત્તિઓની નોંધ મળે છે. ગાંધીજીની રાષ્ટ્રીય મુક્તિની લડત આ ગાળામાં જુદાજુદા તબક્કાઓમાંથી પસાર થઈ રહી હતી. આ લડત નિમિત્તે તેમ રચનાત્મક કાર્યક્રમના પ્રસાર નિમિત્તે ભારતના જુદા જુદા પ્રાંતોમાં વારંવાર તેમને પ્રવાસો કરવાના આવ્યા. વળી ૧૯૩૧ના વર્ષમાં અંતરની દ્વિધા છતાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપવા ઇંગ્લેંડનો પ્રવાસ ખેડી આવ્યા. એ જ રીતે બ્રહ્મદેશ અને સિલોનની યાત્રા પણ કરી આવ્યા. આવા બધા પ્રવાસના કાર્યક્રમની પણ મહાદેવભાઈએ ઘણી વિસ્તૃત નોંધો લીધી છે. તેમના ઇંગ્લેંડના પ્રવાસની કથા ડાયરીના પંદરમા પુસ્તકનાં ઘણા એક પૃષ્ઠો રોકે છે. એ રીતે એ પુસ્તક ઘણે અંશે પ્રવાસકથા જ બન્યું છે. જોકે આ પ્રવાસો પાછળ ગાંધીજીનો ઉદ્દેશ સામાન્ય પ્રવાસીજન કરતાં જુદો છે. ત્યાંની પ્રજા સમક્ષ આપણા દેશના રાજકીય સામાજિક અને આર્થિક પ્રશ્નોનીક રજુઆત કરવી, સત્યાગ્રહની લડતનું સાચું સ્વરૂપ સ્પષ્ઠ કરવું, સ્વરાજ વિશેની પોતાની ભાવના સમજાવવીક અને આંતરરાષ્ટ્રીય સમાજના પ્રશ્નોની જાણકારી મેળવવી એવા ઉદ્દેશથી ઇંગ્લેંડમાં બ્રહ્મદેશમાં અને સિલોનમાં સર્વત્ર તેમણે નાનામોટા સમૂહોનો સંપર્ક કેળવ્યો હતો. જુદા જુદા નેતાઓ બુદ્ધિજીવીઓ કે અન્ય ક્ષેત્રના અગ્રણીઓને મળવાની તક તેઓ ઝડપી લેતા રહ્યા. એ રીતે પ્રવાસ દરમ્યાન જે જે પ્રવચનો અને વાર્તાલાપો તેમણે આપ્યાં, અને જે જે પ્રશ્નોત્તરીઓ થઈ તેની વિગતે નોંધ ડાયરીઓમાં મળે છે. પણ અહીં આપણને જે મુદ્દો પ્રસ્તુત છે તે તો એ કે ડાયરીઓની પ્રવાસકથાઓમાં તેમના ગદ્યની નવી લઢણો જોવા મળે છે. એમાં યશાવકાશ કથન રીતિ (narrative mode)નો ઢાંચો યોજાતો રહ્યો છે. ક્રમિક બનાવોનું કથન અને દૃશ્યવર્ણન એમાં મહત્ત્વનું સ્થાન લે છે. જો કે પ્રજાજીવનના પ્રાણપ્રશ્નો સાથે ગાંધીજી અને મહાદેવભાઈની નિસ્બત રહી છે. કર્ણાટકમાં પ્રવાસના પ્રસંગે ગાંધીજીની ભાવનાને વશ વર્તીને મહાદેવભાઈએ શિમોગાનો જગપ્રસિદ્ધ ગેરસપ્પાનો ધોધ જોવાની અનિચ્છા દર્શાવી હતી. એ પ્રસંગે ગાંધીજીએ કહ્યું હતુંઃ ‘મહાદેવનો ગેરસપ્પાનો ધોધ હું છું – જો આમ કહેવું એ અહંકારની અવધિ ન કહેવાય તો.’ અને મ્હૈસુરનાં પ્રકૃતિદૃશ્યોથી ઊંડી પ્રસન્નતા અનુભવતા મહાદેવભાઈ એવું માર્મિક વિધાન કરે છે. ‘આ પ્રવાસનો કેટલોક ભાગ તો ત્રાવણકોરના સૌંદર્યનું સ્મરણ કરાવે એવો હતો. પણ એ સૌંદર્ય નીરખવાનું મન ગાંધીજી ક્યાંથી લાવે!’ આમ બંને સંયમી પુરુષો પ્રકૃતિની શોભા જોવા ખાસ રોકાતા નથી. એ પ્રવાસમાં માર્ગમાં બેલુર આવતું હતું. તે તેમણે ઝડપથી જોઈ લીધું હતું, જ્યારે હળેબિડ સુધી જવાનું ટાળ્યું હતું. એ પ્રસંગે ગાંધીજીએ એવા ઉદ્‌ગાર કાઢ્યા હ તા : ‘આ અદ્‌ભુત સ્થળેથી આવવાનું કોનું મન ન લોભાય ? પણ મારા જેવા દરિદ્રનારાયણના પ્રતિનિધિને માટે એ બધું નથી. મારો બધો સમય અને શક્તિ ગરીબની સેવાર્થે દેવાઈ ગયેલાં છે. એટલે એ સેવા નિમિત્તે જેટલું જોવાય તે જોઈ લઉં, પણ સેવાના ક્ષેત્રની બહાર મારાથીન જવાય.’ એટલે ડાયરીઓની નોંધમાં પ્રકૃતિસૌંદર્યનાં વિગતપ્રચુર વર્ણનો માટે દેખીતી રીતે અવકાશ રહેતો નથી. છતાં મહાદેવભાઈની દૃષ્ટિમાં પ્રકૃતિનાં મનોહર દૃશ્યો જે રીતે સમાઈ ગયાં તેની ઝાંખી કરાવ્યા વિના તેઓ રહી શક્યા નથી. પ્રવાસના અનુભવોમાં એ રીતે પ્રકૃતિશોભાનાં ચિત્રો આછી લકીરોમાં અંકિત થયાં જ છે. ‘વાઈકોમ’ વિશેની પ્રવાસનોંધનો આરંભ જ તેના સૃષ્ટિસૌંદર્યના વર્ણનથી થયો છે. ‘જળ અને સ્થળની અપૂર્વ વ્યવસ્થા રચીને વિધાતાએ એવા તો ચિત્તહારી સાથિયા પૂર્યા છે કે કાશ્મીર જોવાને જે માણસ જાય તે જ અર્થે મલબાર પણ એણે જવું જોઈએ. અહીં દૂર રહીને મલકાયા કરવાને બદલે સમુદ્રને જમીનને સાથે ગેલ કરવાનું અને ગમ્મત કરવાનું મન થયું છે.’ ઈંગ્લેંડના પ્રવાસમાં પ્રભાતે એડનના બંદરમાં પ્રવેશ કરતાં જોયેલું દૃશ્ય તેમણે બહુ અસરકારક રેખાઓમાં આંકી દીધું છે. ‘અમે પહોંચ્યા હતા તો આજે પ્રભાતમાં, પણ એડનના કાળા રાખ જેવા ખડકો તો અંધારામાંયે દેખાતા હતા. હવે પછીનો બધો પ્રદેશ જ જ્વાલામુખી અને ધરતીકંપોનાં પરિણામોનાં ચિહ્ન દાખવતો જણાય છે. એડનના ખડકોનો કાળી રાખ જેવો રંગ એની એ જ ઉત્પત્તિ સૂચવે છે. એમાં ઝાડપાનનું નામ ન મળે. આ ખડકોએ એડન શહેરને ઘેરી લીધું છે...’ ઈટાલિના કીનારા નજીક પહોંચ્યા તે સમયનું ચિત્ર જુઓ : ‘આખી મુસાફરીમાં ભવ્યમાં ભવ્ય દૃશ્ય આગળથી પસાર થઈને અમે ઈટાલિના કિનારા નજીક જઈ પહોંચ્યા ત્યાં સુધી દરિયો થોડોથોડો તોફાની હતો. દરિયો હવે ગાઢ ભૂરા રંગનો થઈ ગયો હતો અને શાંત સરોવર ઉપર થઈને જતી હોય તેમ અમારી મોટી સ્ટીમર એના ઉપર થઈને જલદી જલદી સરકી જતી હતી. જમણી બાજુ એકાદ બે માઈલ દૂર ઈટાલિના સુંદર પર્વતો નજરે પડતા હતા. એઓ અત્યાર સુધી જોવામાં આવેલા પર્વતો જેવા ઉજ્જડ અને વેરાન નહોતા. પરંતુ સાયપ્રસ અને ઓલિવનાં ઝાડોથી ઢંકાયેલા હતા...’ વગેરે. પ્રવાસની નોંધોમાં મહાદેવભાઈ આ રીતે પ્રસંગે પ્રકૃતિનાં સુંદરભવ્ય દૃશ્યોનું જે સંક્ષિપ્ત વર્ણન આપતા જાય છે તેમાં રંગરેખાના પ્રત્યક્ષીકરણની તેમની સૂક્ષ્મ સૂઝ પ્રગટ થાય છે, એટલું જ નહિ, સમગ્ર દૃશ્યને જોતાં જન્મેલો નિજી પ્રતિભાવ પણ સારી રીતે અંકિત થાય છે. પણ, મહાદેવભાઈ આપણી પૃથ્વીના સૌંદર્યની વિગતે નોંધ લેવા ભાગ્યે જ રોકાય છે. ગાંધીજીની સંગે તેઓ જુદા જુદા પ્રાંતના (અને વિદેશના) પ્રજાસમૂહોના સામાજિક આર્થિક અને રાજકીય પ્રશ્નો પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા છે. પ્રવાસનું સ્થળ સિમલા હોય, દાર્જિલીંગ હોય, પૂર્વબંગાળ હોય કન્યાકુમારી હોય કે વાઈકોમ હોય – સ્થાનિક લોકોના મુખ્ય પ્રશ્નો સાથે તેમણે નિસ્બત કેળવી દેખાશે. મહાદેવભાઈની વિશેષતા એ કે આવા સ્થાનિક પ્રશ્નોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવા જે તે પ્રદેશના સામાજિક આર્થિક માળખાની નક્કર વિગતો તેઓ આપતા જાય છે. આપણી પ્રજાના પ્રાણપ્રશ્નો વિશેનું તેમનું જ્ઞાન સુખદ વિસ્મય જગાડે તેવું છે. પ્રવાસની કથાઓમાં મહાદેવભાઈનું ગદ્ય જુદી જુદી છટાઓ ધારણ કરે છે. પ્રકૃતિનાં દૃશ્યો અને ભૌગોલિક પરિસ્થિતિઓનાં વર્ણનમાં તેમનું ગદ્ય વારંવાર ચિત્રાત્મકતા ધારણ કરે છે. તો સામાજિક આર્થિક પ્રશ્નોની ચર્ચાઓમાં એ સ્વચ્છ સુરેખ વિગતો સાથે કામ પાડે છે. જોકે લોકોનાં સુખદુઃખનું વર્ણન કરતાં તેમાં તેમના અંતરની ઊંડી કરુણા પ્રગટ થાય છે. એવી સંવેદનાના ગાઢ સ્પર્શે તેમનું ગદ્ય હૃદયસ્પર્શી બન્યું છે. વળી ઇંગ્લેંડ, બ્રહ્મદેશ અને સિલોનના પ્રવાસોમાં ગાંધીજીએ આપેલા પ્રવચનો અને વાર્તાલાપોની તેમણે જે નોંધ લીધી છે તેમાં તેમનું ગદ્ય સરળ પ્રાસાદિકક અને અર્થસભર બન્યું છે.

૧૧

ગાંધીજીના જીવનમાં અસાધારણ કસોટીરૂપ એવી કેટલીક ઘટનાઓ બની – જે તેમના વૈયક્તિક જીવનમાં તેમ ભારતની મુક્તિના ઇતિહાસમાં અતિ નિર્ણાયક રહી છે — તેના આલેખનમાં મહાદેવભાઈની ગદ્યનિર્માણની શક્તિ અનનન્ય ઉન્મેષો પ્રગટાવતી દેખાય ચે. એવી એક કસોટીરૂપ ઘટના તે હિંદુમુસ્લિમ કોમી રમખાણોથી વ્યથિત થઈ ઊઠેલા ગાંધીજીએ ૧૯૨૪ના સપ્ટેંબરમાં આદરેલા ઉપવાસની છે. ‘એ તપશ્ચર્યાનો મર્મ’ શીર્ષકની લેખમાળામાં ઉપવાસ માટે ગાંધીજીનો નિર્ણય, નેતાઓની પ્રતિક્રિયાઓ, ઉપવાસ છોડાવવા અંગે વાટાઘાટો વગેરે પ્રસંગોનું વર્ણન ચોક્કસ દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. પણ એ આખીય ઘમાળના આલેખનમાં ગદ્યસર્જક તરીકે મહાદેવભાઈનું અનોખું દર્શન થાય છે. મધ્યકાલીન કવિ પ્રીતમનું પદ ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને’ લેખમાળાના આરંભે આખેઆખું તેઓ ઉતારે છે. ગાંધીજીની તપસ્‌ વૃત્તિનું હાર્દ એમાં બરોબર ઝીલાયું છે. આ લેખમાળામાં તેમની સર્ગશક્તિ, અલબત્ત, બે વિશિષ્ટ રૂપે દેખા દે છે. એક, આ દિવસોમાં ગાંધીજીની મનઃસ્થિતિનું તેમની પ્રત્યેક પ્રવૃત્તિઓનું ઝીણીઝીણી પણ મૂર્ત વિગતોમાં તેઓ આલેખન કરે છે. બે, મહાદેવભાઈ પોતાના અંતરનો ભાવોદ્રેક જે રીતે હૃદયસ્પર્શી વાણીમાં મૂકવા પ્રેરાયા છે તે પણ નોંધપાત્ર છે. ગાંધીજીના ઉપવાસના બીજા સપ્તાહનું આ દૃશ્ય જુઓ : ‘બીજા સપ્તાહને અંતે શરીર કાંઈ વિશેષ કૃશ, પણ કાંતિ પ્રથમના જેટલી જ તેજસ્વી, વિશેષ સૌમ્યતાવાળી જણાય છે. પ્રથમ સપ્તાહમાં પોતે ઊઠીને નહાવા ધોવા માટે જતા હતા, બહાર ફરવા જવા માટે દાદર ઊતરતા હતા. બીજામાં આ બંને વસ્તુ બંધ થઈ ગઈ છે. હવે પલંગ ઊતરીને જવાની શક્તિ નથી રહી. પલંગમાં પોતાની મેળે ઊઠીને બેસવાની શક્તિ પણ નથી રહી. એટલે આખો દિવસ ગાંધીજી સૂતેલા જ રહે છે. કેવળ કાંતવાને માટે સંકલ્પબળનો ઉપયોગ થતો હોય એમ જણાય છે.’ આ દિવસોમાં પ્રાર્થના ગીતાપાઠ અને ધર્મચિંતનથી જે આધ્યાત્મિક બળ તેમણે મેળવ્યું તેનું વર્ણન પણ એટલું જ પ્રેરક અને ચિત્તસ્પર્શી છે. ભજનો પદોની અને કડીઓ એમાં અસરકારક રીતે સ્થાન પામી છે. ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ પ્રખ્યાત દાંડીયાત્રા નિમિત્તે ગાંધીજી અને તેમના ચુનંદા સાથીઓએ આશ્રમમાંથી પ્રયાણ કર્યું તે બનાવને મહાદેવભાઈએ ‘મહાભિનિષ્ક્રમણ’ લેખમાં એટલી જ પ્રભાવક વાણીમાં વર્ણવ્યો છે. એ બનાવના વર્ણનમાં મહાદેવભાઈના આત્માનો ઉત્સાહ અને સાત્ત્વિક ભાવાવેશ ઊભરી આવતો દેખાય છે. તેમનું આ બયાન જુઓઃ ‘આ, આ યુગનું મહાભિનિષ્ક્રમણ નહિ તો બીજું શું? એવા હું જાણું છું જેઓ એને મહાભિનિષ્ક્રમણ માનવાને તૈયાર થાય. અહિંસાના એક અનુપમ, અપૂર્વ પ્રયાસ તરીકે માનવાને તૈયાર થાય, છતાં શંકા કરે છે કે આ ‘અંધારામાં કૂદકો તો ન હોય?’ પણ બુદ્ધ ભગવાનને પણ કવિએ ‘ચાલ્યો, શ્યામ રજનીમાં ચાલ્યો’ કહીને વર્ણવ્યા છે. આપણે માટે એ શ્યામ રજની છે. પેલા હજારો પ્રેમિકા પ્રેક્ષકોને માટે પણ એ શ્યામરજની હોય એવો સંભવ છે. ગાંધીજીને તો એ રજની ઉજાળનાર જ્યોતિ, સત્ય અને અહિંસાનાં અહર્નિશ દર્શન છે. એટલે એ રજની નથી. આપણી સૌની રજની ફીટતાં જેટલી વાર લાગે તેટલી એ લડત લંબાશે...’ વગેરે.

૧૨

મહાદેવભાઈનું રસજગત, ઉપલક નજરે દેખાય છે એ કરતાં ઘણું વધારે વિશાળ ઉદાર અને સમૃદ્ધ છે. જ્ઞાન અનેરસના ક્ષેત્રમાં તેમની ગતિ ક્યાં ક્યાં કેવી કેવી રીતે થાય છે તેનો અંદાજ ડાયરીઓમાં સ્પર્શેલા કેટલાક વિલક્ષણ વિષયોમાંથી કદાચ મળી શકે. જેમકે, ‘પરોપકારમૂર્તિ’ શીર્ષકના એક લેખમાં બૅગતલોર ડેરીની ‘જીલ’ નામની પરોપકારી ગાયના અવસાન પ્રસંગે તેનું ભાવભીનું સ્મરણચિત્ર રજૂ કર્યું છે. એ ગાયની કેટલીક ચોકસાઈભરી માહિતી પણ એમાં ગૂંથી લેવાયેલી છે. પણ એ લેખની વિશેષ પ્રભાવકતા ગાયની પવિત્રતાનો મહિમા કરતાં તેમણે જે આધ્યાત્મિક ચિંતન કર્યું છે તેમાં રહી છે. તેજસ્વી રસાર્દ્ર અભિવ્યક્તિ અને દૃઢ સુરેખ બંધને લીધે એ ઉત્કૃષ્ટ કોટિનો લલિતનિબંધ બની રહે છે. ‘પત્રં પુષ્પં’ શીર્ષકનું લખાણ પણ એવો સરસ લલિત નિબંધ જ છે. ગાંધીજી જેલમાં હતા એ દિવસોમાં આંગણામાંની તુલસીના દર્શન સાથે મહાદેવભાઈ ગાંધીજીના તુલસીપ્રેમનં સ્મરણ કરવામાં લીન બને છે, તે સાથે જ તુલસી કૃત રામાયણનું ભાવનાજગત પણ તેમના અંતરમાં ઝંકૃત થઈ ઊઠે છે. તુલસીદાસની ‘વિનયપત્રિકા’નું એક ભાવવાહી પદ એમાં ઉદ્દીપક બળ બને છે. તુલસી, ભક્તિ અને ગાંધીજીનું જીવનદર્શન એ સર્વ તેમનાં ભાવસાહચર્યોથી સરસ રીતે ગૂંથાયાં છે.

૧૩

બ્રિટીશ સરકારે ૧૯૨૮ના વર્ષમાં બારડોલી પ્રદેશના ખેડૂતો પર અન્યાયી અને અસહ્ય એવો મહેસૂલ-વદારો કર્યો તેની સામે એ પ્રદેશના ખેડૂતોએ ગાંધીજીના આશીર્વાદ મેળવી સરદાર વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહની જે લડત આપી તેનો વિસ્તૃત ઇતિહાસ મહાદેવભાઈએ તેમના પુસ્તક ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’માં આપ્યો છે. અન્યાય અને જુલ્મનો પ્રતિકાર કરવા ગાંધીજીએ આપણી પ્રજા સમક્ષ સત્ય અને અહિંસાનાં જે શસ્ત્રો મૂક્યાં હતાં તેનો એ ઘણો પ્રભાવક પ્રયોગ હતો. ભારતના જુદાજુદા પ્રાંતોમાં સત્યાગ્રહની જે લડતો થઈ તેમાં એ ઘણી સંગઠિત અને શિસ્તબદ્ધ લડત હતી. પણ મહાદેવભાઈ સામે આ ઇતિહાસના લેખનનું મૂળભૂત પ્રયોજન વિશિષ્ટ હતું. લડત પાછળની ભૂમિકા, લડતનું સ્વરૂપ અને સંગઠન, બ્રિટીશ સરકાર સાથેની વાટાઘાટો વગેરે બાબતોની પૂરી ચોકસાઈથી અને પ્રામાણિકતાથી તપાસ કરીને તેનું યાથાર્થ ચિત્ર આપવાનું હતું. મહાદેવભાઈએ આથી આ પુસ્તકમાં બારડોલીના ખેડૂતોની સામાજિક અને આર્થિક દશા વિશે પૂરતી આંકડાકીય માહિતી આપી છે. સરદારનાં પ્રવચનોક અને સંગઠનની પ્રવૃત્તિઓનું પણ એટલુંક સ્વસ્થ અને સંયમી ભાષામાં તેમણે વર્ણન કર્યું છે. દેખીતીક રીતે જ એની ગદ્યશૈલીમાં તાર્કિક પ્રતિપાદન પર મોટો ભાર પડ્યો છે. દેખીતી રીતે જ એની ગદ્યશૈલીમાં તાર્કિક પ્રતિપાદન પર મોટો ભાર પડ્યો છે. જો કે, પોતાના વક્તવ્યને વધુ અસરકારક બનાવવા પ્રસંગેપ્રસંગે સબળ રૂઢિ પ્રયોગો અને રૂપકો ઉપમાઓનો સહજ વિનિયોગ તેઓ કરતા રહ્યા છે. ‘રાનીપરજ લોકોમાં આત્મશુદ્ધિનો જબરજસ્ત પવન વાયો હતો’ ‘આવા લોકોમાં સત્યાગ્રહનું બીજ ઊગી નીકળે અને ફળે’ ‘તે ભલામણ પણ સરકાર ધોળીને પી ગઈ!’ ‘મિ. એંડર્સન એક બાબતમાં તો ભીંત જ ભૂલ્યા’ ‘એક તરફ વાવ, બીજી તરફ કૂવો! સરકારે કૂવો અને વાવ બંને પસંદ કર્યા!’ ‘લોકોની આંખમાં ધૂળ નાંખવાની તેમણે બતાવેલી તરકીબને પણ તેઓ વશ થયા’ ‘બે જબરદસ્ત સ્તંભો ભાંગવાની ખબર વાયુવેગે ગામેગામ ફરી વળી’ ‘બારડોલીમાં હવે લોઢું ને હથોડાની હરિફાઈ ચાલી રહે છે.’ આા પ્રયોગોમાં મહાદેવભાઈની વાણી અસાધારણ ચોટ ધરાવે છે. લડતમાં સરદારનું નેતૃત્વ અજબ ખુમારી સાથે ખીલી નીકળ્યું તેના વર્ણનમાં મહાદેવભાઈનું ગદ્ય એટલું જ સમર્થ પુરવાર થયું. ‘આ વેળા એમની વાણીમાં જે તેજ ભાળ્યું, આંખમાંથી કેટલીક વાર જે વહ્નિ વરસતો જોયો તેવો કદી નહોતો જોયો. લોકોની જમીન ખાલસા થાય તેમાં જાણે પોતાના શરીરના કટકેકટકો થતા હોય ને જે તીવ્ર વેદના થાય તેવી વેદનાથી ભરેલા તેમના ઉદ્‌ગારો નીકળતા હતા...’ વગેરે. મહાદેવભાઈએ ‘વીર વલ્લભભાઈ’ ‘સંત ફ્રાન્સિસ’ ‘બે ખુદાઈ ખિદમગાર’ ‘મૌલાના અબુલ કલામ આઝાદ’ ‘અત્યંજ સંત નંદ’ જેવાં ચરિત્રપુસ્તકો અને ‘સંત તુકારામની આત્મકથા’ જેવી વિલક્ષણ લેખમાળા આપ્યાં. એ પૈકી ‘વીર વલ્લભભાઈ’માં સરદારનું બારડોલી સત્યાગ્રહના નેતૃત્વ સુધીનું જીવનચિત્ર આપ્યું છે. એક રીતે તેમના પૂર્વજીવનની આ સંક્ષિપ્ત પરિચયપુસ્તિકા માત્ર છે. પણ નોંધપાત્ર બાબત એ છે કે સરદારના વ્યક્તિત્વ વિશે તેમ તેમના જીવનના પ્રેરક હેતુઓ વિશે મહાદેવભાઈની અતિ વેધક દૃષ્ટિનાં અવલોકનો અહીં મળે છે. ગાંધીજીના વ્યક્તિત્વ સાથે સરદારના વ્યક્તિત્વની તુલના કરતાં તેમનાં આ અવલોકનો જુઓ : ‘જેમ ગાંધીજીનું સત્ય તેમના જીવનને પાનેપાને ઝબકે છે, તેમ વલ્લભભાઈની નિર્ભયતા, સાહસ તેમના જીવનને પ્રસંગેપ્રસંગે પ્રતીત થાય છે.’ ‘...(સરદાર) વીર યોદ્ધા છે. એટલે વીરોચિત ક્ષમા તેમનામા ભરેલી છે. પણ સત્યાગ્રહીની શૂન્યતાના આદર્શથી તેઓ દૂર છે. ગાંધીજીના જીવનના મૂળમાં ધર્મના અખંડ ઝરાએ પોષણ આપ્યું છે.’ ‘ગાંધીજીનું અંતર ખેડુનું છે, મજુરનું છે, ભંગીનું છે, પણ તેમનું હાડ ખેડુ ઇત્યાદિનું છે એમ કબૂલ કરવું મુશ્કેલ પડે. વલ્લભભાઈનું તો અંતર તેમ જ હાડ બંને ખેડુનાં છે...’ ‘ગાંધીજીના પગ જમીન ઉપર ભલે હોય, તેઓ પ્રાયઃ આકાશમાં ઊડતા જણાય છે. વલ્લભભાઈનું અંતર ભેલ આકાશમાંલ ઊડતું હોય, પૃથ્વી ઉપર તેઓ છે એવું ભાન તેઓ વધારે કરાવે છે...’ વગેરે. તુલનાત્મક અવલોકનોની ભાષામાં મહાદેવભાઈ સહજ રીતે રૂપકાત્મક પ્રયોગો કરવા પ્રેરાયા છે તે નોંધવા જેવું છે. ‘સંત ફ્રાન્સિસ’ શીર્ષકની પુસ્તિકામાં મહાદેવભાઈએ ઇટાલિમાં તેરમી સદીમાં થઈ ગયેલા એક અનોખા ખ્રિસ્તી સંતનું ટૂંકું જીવનચરિત્ર આપ્યું છે. એ સંતનું પાવનકારી તપોમય જીવન – આત્મશુદ્ધિ માટેની તેમની અતિ કઠોર ઉગ્ર સાધના – મહાદેવભાઈની ધાર્મિક વૃત્તિને અપીલ કરી ગયું હોય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. એટલે, આ પુસ્તિકામાં સંતના જીવનપ્રસંગોની સિલસિલાબંધ લાંબી કથા કહેવા કરતાંય તેમનો વિશેષ રસ તો સંતની આધ્યાત્મિકાનું દર્શન કરાવવામાં રહ્યો છે. કોઈ મોટા કાપડિયાનો પુત્ર અને રંગીલો સૈનિક ભૌતિક સુખસમૃદ્ધિ ત્યજીને કેવો તો મહાન ત્યાગી સંન્યાસી બન્યો તેની આ ઘણી પ્રેરક કથા છે. અપરિગ્રહ બ્રહ્મચર્ય પીડિતો અને પતિતોની સેવા અપાર શ્રમ અને સમસ્ત માનવજાતિ પ્રત્યે પ્રેમ અને કરુણા તેમના આધ્યાત્મિક જીવનમાં સિદ્ધ થતાં રહ્યાં છે. ઈશુના આદેશોનું સૌથી વધુ સચ્ચાઈપૂર્વક પાલન કરવા પ્રયત્નશીલ એવા એ સંતમાં ગાંધીજીને અભિમત વિશુદ્ધ ચારિત્ર્ય અને આત્મોન્નતિનું મહાદેવભાઈને સરસ દૃષ્ટાંત જડ્યું છે, એટલે સંતની કથા કહેતાં તેમની ગદ્યશૈલી પ્રસંગેપ્રસંગે ચિત્રાત્મકતા અને ભાવાદ્રેક છતાં કરે છે. એમાં ભારતના ધર્મગ્રંથોની શબ્દાવલિઓ આગવો સંસ્કાર પૂરે છે. ‘કર્મયોગી ભક્તસાધુ’ ‘સવિતાગાયત્રી’ ‘ધર્મ ગ્લાનિ અને અધર્મનું ઉત્થાન’ ‘ભિક્ષાંદેહિ’ ‘દરિદ્રતાનું વ્રત’ ‘ગોવર્ધનધારીનું બળ’ ‘પરિવ્રાજકનું એક અભેદ્ય કવચ’ ‘ભગવત્કાર્ય’ ‘મહાભિનિષ્ક્રમણ’ ‘વેદી’ ‘ભિક્ષુણી’ ‘વિહારો’ ‘વાસુદેવં સર્વમતિ’ ‘સવિતાસ્તોત્ર’ વગેરે પ્રયોગો એ દૃષ્ટિએ તેમની શૈલીમાં વિશિષ્ટ પરિવેશ રચી આપે છે. સંતગના આત્મવિકાસના જે કેટલાક પ્રસંગો મહાદેવભાઈએ વર્ણવ્યા છે તેમાં સંયત લાઘવભરી રજૂઆત એટલી જ ધ્યાનપાત્ર છે. ‘બે ખુદાઈ ખિદમતગાર’ નામની પુસ્તિકામાં આપણા સ્વાતંત્ર્યના સંગ્રામમાં પૂરી આત્મનિષ્ઠાથી જોડાયેલા સરહદ પ્રાંતના નેતાઓ શ્રી અબ્દુલ ગફાર ખાન – જેઓ સમય જતાં ‘સરહદના ગાંધી’નો ઇલ્કાબ પામ્યા – અને તેમના મોટા બંધુ દાક્તર ખાનસાહેબનાં ટૂંકા ચરિત્રો મહાદેવભાઈએ આપ્યાં છે. ગાંધીજીની લડતના સત્ય અહિંસા અને ત્યાગના મહાન આદર્શો એ બે બંધુઓએ સ્વીકાર્યા હતા, અને રાષ્ટ્રીય મુક્તિની ચળવળમાં તેઓ સાચા અર્થમાં ગાંધીજીના અનુયાયી બન્યા હતા. પણ તેમની રાજકીય પ્રવૃત્તિઓના અહેવાલ કરતાંય તેમની ઊંડી ધાર્મિકતા પર મહાદેવભાઈનું ધ્યાન ઠર્યું છે. તેમના વિશુદ્ધ ચારિત્ર્યની કથા પૂરા પરિપ્રેક્ષ્યમાં મૂકવા ભારતના એ સરહદી પ્રાંતોમાં વસતી કોમો, તેમની ભૌગોલિક પરિસ્થિતિ, ઐતિહાસિક સંયોગો અને તેમની જીવનરીતિની વિગતસભર પ્રશ્ચાદ્‌કથા તેમણે અહીં રજૂ કરી છે. તેના ગદ્યમાં સાદી સરળ પણ અસરકારક અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. ‘મૌલાના અબુલ કલામ આઝાદ’ની જીવનકથા મહાદેવભાઈએ મૂળ તો અંગ્રેજીમાં લખી હતી, અને એનો અધિકૃત અનુવાદ શ્રી ચંદ્રશંકર શુકલે કર્યો છે. એમાં મૌલાના સાહેબની પ્રખર રાષ્ટ્રીય ભાવના, ઇસ્લામ ધર્મ અંગેની તેમની અનન્ય વિદ્વત્તા અને તેમના વિશુદ્ધ ચારિત્ર્યનો સુપેરે પરિચય મળે છે. ‘અત્યંત સાધુ નંદ’ લેખમાળા (જે પછીથી પુસ્તિકા રૂપે પ્રગટ થઈ છે) દક્ષિણ ભારતના એક અત્યંજ સંતની પ્રેરક કથા રજૂ કરે છે. અત્યંજ વર્ગમાં જન્મ્યા છતાં આત્મશુદ્ધિ અને આત્મોન્નતિની કઠોર સાધના કરી તેઓ મોટા સંત બન્યા તે વિશેની આ કથા અસ્પૃશ્યતાનિવારણના કાર્ય સંદર્ભે અપૂર્વ મહત્ત્વ ધારણ કરે છે. અંતભાગમાં નંદના અગ્નિસ્નાનનો પ્રસંગ વર્ણવતાં મહાદેવભાઈની કથનશૈલીમાં અનોખી ચિત્રાત્મકતા અને ઓજસ્વિતા પ્રગટ્યાં છે : ‘નંદ સ્નાન કરી આવ્યો. ભસ્મ લગાડી, રુદ્રાક્ષની માળા તો ગળામાં હતી જ. ભીણે વસ્ત્રે એ અગ્નિપ્રવેશ કરવાને માટે સજ્જ થઈને ઊભો દીક્ષિતો દૂર ઊભા હતા. હુતાશ ભડભડ સળગી રહી હતી. નંદે ત્રણવાર અગ્નિની પ્રદક્ષિણા કરી અને નટરાજનું નામ લઈ, મંદિરના કળશને પ્રણામ કરી, ‘નટરાજ! નટરાજ! જો હું મન, વાચા અને કાયાથી પવિત્ર હોઉં, જો મેં કોઈ પણ પ્રાણીની હિંસા ન કરી હોય, જો તું જ કલ્યાણકારી ઈશ્વર હોય, પરાયાનો અને બ્રાહ્મણનો તું ઈશ્વર હોય તો આ અગ્નિની ભયંકર જ્વાળા મને હોમકુલમના જળ જેવી શીતળ પાવક બનો,’ એમ બોલતાં બોલતાં ઝંપલાવ્યું.‘ અહીં મહાદેવભાઈના ગદ્યમાં તેમની વિરલ સર્જકપ્રતિભાનો વિરલ ઉન્મેષ જોવા મળે છે. સંસ્કૃત કવિતાની પ્રાસાદિકતા કોમળતા અને રસકીય દીપ્તિનો વિસ્મયકારી અનુભવ થાય છે. કથાકથનની અનોખી સુઝ આ સંતના ચિરત્રમાં છતી થાય છે જ, પણ તેથીય વધુ તુ શિષ્ટ અભિજાતક ગદ્યશૈલીનો અતિ રમણીય ઉન્મેષ એમાં નોંધપાત્ર બને છે.

૧૪

ગાંધીજીની સમગ્ર લેખનપ્રવૃત્તિ તેમની કોઈ ને કોઈ જાહેર પ્રવૃત્તિને અનુલક્ષી ચાલી હતી. પ્રજાના ચારિત્ર્યઘડતરનો ઉદ્દેશ તેમાં એક મુખ્ય પ્રવર્તક વસ્તુ હતી. પણ સાથોસાથ સત્ય અહિંસા બ્રહ્મચર્ય આદિ પોતાના સૌથી પ્રિય મહસિદ્ધાંતો અન્ય નેતાઓ કાર્યકારો અને ચિંતકો-લેખકો સમક્ષ સ્પષ્ટ કરતા રહેવું એ પણ તેમને માટે એટલી જ અનિવાર્ય બાબત હતી. સત્યના ઉપાસક લેખે તેમણે આવી જે ભાષા યોજી, બલકે, ક્રમશઃ ઘડી, તેમાં સદી સંયમી અને અતિ લાઘવભરી શૈલી જન્મી આવી. શબ્દવિલાસ કે શબ્દવ્યય તેમને રજ માત્ર મંજૂર નહોતો. અને છતાં ગાંધીજીના ગદ્યાસાહિત્યમાં અસંંખ્ય સંદર્ભે ઉપમારૂપકોના પૂરા ઔચિત્યપૂર્વકના સહજ પ્રયોગો થતા રહેલા જોવા મળશે. શ્રી. ચી. ના. પટેલ તેમની ગદ્યશૈલીને વિશે એમ નોંધે છે : ‘એમની ગદ્યશૈલીમાં કવિના જેવી સહજ, અનવરુદ્ધ સંવેદનશીલતા અનુભવાય છે. એટલું જ નહિ, એ લખાણો ભાષણો ને પત્રો એમનામાં, બીજમાંથી વૃક્ષ ઊગે અને તેના ઉપર ફળ આવે એવી જીવંત વિકાસપ્રક્રિયાની ઝાંખી કરાવે છે, અને એમના જીવનને એક કળાકૃતિનિ આકાર આપે છે. આ પારદર્શકતાએ ગાંધીજીના અક્ષરદેહને સત્યદૃષ્ટિની એક વિશિષ્ટ અભિવ્યક્તિ બનાવી છે. મહાદેવભાઈએ ડાયરીઓમાં ગાંધીજીની જીવનચર્યા અને તેમના વિચારો, ઉદ્‌ગારોની જે નોંધો લીધી, તેમાં સત્યનું પૂરું જતન કરવાના તેમના પ્રામાણિક અને સંનિષ્ઠ પ્રયત્નો રહ્યા છે પણ એ સિવાય, જ્યાં મુક્તપણે ગદ્યલેખન માટે તેમને અવકાશ આવી મળ્યો, ત્યાં તેમના અંતરનો ભિન્ન હેતુ અને ભિન્ન હૃદયવૃત્તિ, તેમના ગદ્યમાં અનેકવિધ છટાઓ જન્માવે છે, અને તેમના ગદ્યના પોતમાં એ રીતે જુદાં જુદાં સ્તરો ખુલ્લાં થાય છે. શબ્દોની પસંદગી, અન્વય, અને વાક્યતંત્રમાં વક્તવ્યને અનુરૂપ અવનવી તરેહો એમાં રચાય છે. એમાં સાહિત્યિક સંસ્કારો અને સાહચર્યોથી મંડિત પોતાની સમૃદ્ધિ વિસ્તરે છે. સ્વંયસ્ફૂર્ત સર્જકતાનો સંસ્પર્શ પામીને એ ગદ્યમાં ઉપમારૂપકાદિ અલંકારો ઊપસી આવતા હોય છે. જો કે ગાંધીજીના ગદ્યામાંય, ઝીણીક નજરે જોનારાને પ્રસંગે પ્રસંગે સમુચિત અને સમર્થ અલંકારોપ્રયોગો મળી આવશે જ. પણ મહાદેવભાઈના ગદ્યમાં અનેકવિધ સંદર્ભે વત્તેઓછે અંશે સંપ્રજ્ઞપણે સાહિત્યિક પોત ખેડવાનું વલણ કામ કરતું દેખાય છે. એવા સંદર્ભોમાં તેજસ્વી અર્થસમૃદ્ધ તત્સમ શબ્દો, કોમળ પ્રાસાદિક શબ્દબંધ અને વિલક્ષણ અલંકારો આપણને વિશેષ રીતે સ્પર્શી જાય છે. પ્રસ્તુત કરવા ધારેલા વિચાર કે પ્રસંગને સહજ ઉત્કટતા અર્પે એવા રૂપકાત્મક પ્રયોગો તેમના ગદ્યલેખનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તેમની નોંધમાં તેમના વિશાળ અધ્યયનમાંથી ઊતરી આવેલા વિશિષ્ટ શબ્દો-શબ્દપ્રયોગો-સૂત્રો-પંક્તિઓ પણ પ્રસ્તુત સંદર્ભમાં અર્થને નવું પરિમાણ અર્પે છે. તેમની સદોદિત સ્મૃતિમાં હંમેશા કોઈ ને કોઈ સ્રોતમાંથી ચમત્કૃતિજનક સાહચર્ય ઉપસ્થિત થઈ જાય છે. તેમની સર્જકપ્રતિભાની ઝાંખી આવા સાહચર્યસભર શબ્દો-અર્થોના વિનિયોગમાં થાય છે. દૃષ્ટાંતો લેખે થોડાક પ્રયોગો અહીં નોંધીશું.

‘તમારા જેવા અણલિંગીને, ‘સર’ શું, ‘ડૉક્ટર’ શું – કશી ઉપાધિ વળગે એમ નથી.’ ‘અસહકારીનાં છાપતિલક કેમ નથી?’ ‘(દેશબંધુ) દાનમાં જ્યાંત્યાં પાત્રઅપાત્ર ભૂમિના વિચાર વિના વરસી પડતા. એમનામાં વર્સાદની ઉન્મતત્તા હતી.’ ‘ઇશુ ખ્રિસ્તનો ધર્મ વસન્તઋતુમાં ફૂલ ખીલી નીકળે તેટલો સહજ છે.’ ‘ત્રીસ વર્ષના જાગ્રત અનુભવની એરણ ઉપર ટીપીટીપીને ઘડેલો (શબ્દ)’ ‘એમની સાથે વાતચીતમાંથી આપણને પ્રકાશ મળે છે. કોઈ સ્વર્ગોદ્યાનમાંથી ઊડીને આવતા પવનની માફક એમની પાસે ગુરુના આશ્રમની સુગંધ મળે છે.’ ‘પણ એમાંનો છેવટનો ભાગ સાગર જેવી ક્ષમાથી ઊભરાતા પિતાના હૃદયમાંથી ટપકતાં લોહીના બુંદ જેવો છે.’ ‘ભરેલા ઘડામાં ગંગાજળ નાખવા ઈશ્વર પણ સમર્થ નથી. એટલે આપણે ખાલી હાથે જ ઈશ્વર પાસે રોજ ઊભવાનું છે.’ ‘બુદ્ધિને ધુમાડો લાગે એટલે પછી માણસ ગમે તે કરે.’ ‘એક અંગ્રેજ બાઈ જે નર્સોની મુખી છે, તે તો જાણે મોટા સાગરના મોજાઓ ઉપર મહાલતા હોકડાની જેમ, જ્યારે આવે ત્યારે, હસતી ને હસતી જ.’ ‘વિદ્યાર્થીઓ તો પરિસ્થિતિનું આભલું છેે, તેમનામાં દંભ નથી, દ્વેષ નથી, ઢોંગ નથી. જેવા છે તેવા ને તેવા તેઓ પોતાને દેખાડે છે.’ ‘ગુલામ જ્યારે ગુલામીની શૃંખલાની ચમક જોઈને મુગ્ધ થાય ત્યારે તેની ગુલામી સંપૂર્ણ થઈ કહેવાય.’ ‘એ દેહની જ્યારે વિયોગભક્તિ માટે પણ જરૂર ન રહી ત્યારે પરિપક્વ ફળની જેમ એ ખરી પડી.’

– અભિવ્યક્તિના આવા વિશિષ્ટ પ્રયોગોમાં પણ, વાસ્તવમાં મહાદેવભાઈની નૈતિક અને રસકીય ચેતના સૂક્ષ્મ સ્તરેથી સક્રિય રહી છે એ વાત હૃદયના લક્ષ્ય બહાર ન જવી જોઈએ. ડાયરીઓનાં લખાણોમાં, તેમ તેમનાં અન્ય પુસ્તકો, લેખો આદિમાં, તેમની ચિંતક-સર્જક તરીકે જે અખિલાઈવાળી પ્રતિમા ઊપસે છે, તે ગાંધીજીના સર્વ અનુયાયી ચિંતકો-લેખકોમાં આગવી મુદ્રાવાળી છે. તેમનું ગદ્યસર્જન, વિશેષતઃ તેમની ડાયરીઓમાંનું ગદ્યસર્જન, માત્ર ગાંધીયુગમાં જ નહીં, આપણા ભાષાસાહિત્યના સમગ્ર ઇતિહાસમાં વિરલ ઉપલબ્ધિ સમું છે. ગાંધીજીના જીવનકાર્યની નોંધો લેતાં લેતાં આપણા પ્રજાજીવનમાં આંતરિક વહેણો પર તેમણે વેધક પ્રકાશ નાખ્યો છે; અને આપણા બૌદ્ધિક, નૈતિક અને સાંસ્કૃતિક સંચલનોનો વિગતસભર આલેખ તેમણે રચી આપ્યો છે. એ રીતે તેમનાં લખાણોનું દસ્તાવેજી મૂલ્ય તો આંકિએ એટલું ઓછુ જ છે. પણ, એટલી જ, બલકે એથીય કદાચ વધુ મહત્ત્વની બાબત એ છે કે, આપણા ગદ્યમાં વિરલ સામર્થ્ય અને સૌંદર્ય તેમણે આગવી રીતે નિપજાવ્યાં છે. આપણા મહાન પ્રશિષ્ટ ગદ્યસર્જકોમાં એ કારને મહાદેવભાઈનું અપ્રતિમ સ્થાન છે, અને હંમેશ માટે બની રહેશે.

* ‘શુક્રતારક સમા મહાદેવભાઈ’(૧૯૯૧)– ગ્રંથમાં પ્રકાશિત

* * *