અનુષંગ/ફ્રૉસ્ટની કવિતાના અનુવાદ


ફ્રૉસ્ટની કવિતાના અનુવાદ

‘કવિતા’, ડિસેમ્બર ૧૯૭૪

મહાન કવિ રૉબર્ટ ફ્રૉસ્ટની જન્મશતાબ્દી નિમિત્તે ‘કવિતા’ને ફ્રૉસ્ટને તેમનાં કાવ્યોના અનુવાદ દ્વારા રજૂ કરવાનું સૂઝ્યું તે જ એક અભિનંદનીય ઘટના છે અને તેમાં એક કાવ્યના એકથી વધુ અનુવાદો આપવાની યોજના ખાસ ધ્યાન ખેંચે છે. કાવ્યના અંતરતમ રહસ્ય સુધી પહોંચવાના પ્રયાસ તરીકે એને જોઈ શકાય. જોકે ફ્રૉસ્ટની કવિતા બાહ્ય રીતે સરળ શૈલીની કહેવાય એવી કવિતા છે. એના તાત્પર્યને લક્ષમાં રાખીને મકરંદ દવેની જેમ મુક્ત અનુવાદ કરવાનો હોય તો જુદી વાત છે. પરંતુ એનો શબ્દશઃ અનુવાદ કરવાનો હોય તો એમાં વૈવિધ્ય અને તુલનાને ભાગ્યે જ અવકાશ રહે. અહીં ફ્રૉસ્ટની કવિતાનો બહુધા શબ્દશઃ અનુવાદ થયો છે એટલે એકથી વધુ અનુવાદ આપવાના પ્રયોગની કાર્યસાધકતા જરા શંકાસ્પદ છે. ‘કવિતા’નો આ અંક પ્રથમ દૃષ્ટિએ તો ખૂબ આકર્ષક લાગે છે. ફ્રૉસ્ટનાં કેટલાંક સુંદર કાવ્યો વાંચ્યાનો આનંદ એમાંથી મળી શકે તેમ છે. પણ પ્રશ્ન એ રહે કે ફ્રૉસ્ટનાં કાવ્યોનું સૌંદર્ય અને તાત્પર્ય અનુવાદોમાં ખરેખર કેટલું જળવાયું છે? અનુવાદોને મૂળ સાથે ઝીણવટથી મેળવીએ ત્યારે જ આની ખબર પડે. ફ્રૉસ્ટનાં કાવ્યો મૂળ અંગ્રેજીમાં વાંચવામાં જે આનંદ આવે છે તે ગુજરાતી અનુવાદમાં આવતો નથી, પણ આ કંઈક અંશે કાવ્યાનુવાદની સ્વાભાવિક સ્થિતિ હોય, કંઈક અંશે આ અનુવાદોની મર્યાદા પણ હોય. પણ અનુવાદનું કાવ્યસૌંદર્ય તપાસવાનું કામ મોટું અને મુશ્કેલ છે. અહીં એવો ઉપક્રમ નથી. અહીં તો અનુવાદોને કેવળ શાબ્દિક ભાષાંતરની રીતે તપાસ્યા છે અને એ રીતે તપાસતાં પણ એવાં ઘણાં-બધાં સ્થાનો જોવા મળ્યાં છે કે જેમાં અનુવાદ કાં તો ખોટો છે અથવા કાવ્યના તાત્પર્ય સાથે અસંગત છે. એટલે એ તરફ ધ્યાન દોરવાનું જરૂરી માન્યું છે. અનુવાદની કેટલીક શિથિલતાઓ સરતચૂકથી આવી હશે પરંતુ કેટલીક શિથિલતાઓ તો એવી છે કે જેમાં અનુવાદકની અંગ્રેજી ભાષાની અને આ કવિતાની ગેરસમજ પણ કારણભૂત હોય તેવું લાગે છે. આ હકીકત નોંધપાત્ર એટલા માટે છે કે અનુવાદકો આપણા જાણીતા કવિઓ અને અભ્યાસીઓ છે. હવે અનુવાદમાં રહેલી કેટલીક ભૂલો અને અશુદ્ધિઓ આપણે ક્રમવાર તપાસીએ : (૧) ‘મેન્ડિંગ વૉલ’ના શ્રી જગદીશ જોશીના અનુવાદમાં પૃ. ૪ પર “આના કરતાં લવલેશ વિશેષ નહીં’ એવી પંક્તિ છે. મૂળ અંગ્રેજી પંક્તિ છે : “it comes to little more.” અનુવાદ આવો કંઈક જોઈએ : “વાત આના કરતાં ખાસ વિશેષ કે જુદી નથી.” અથવા તો “વાત આના કરતાં ભાગ્યે જ કંઈ વિશેષ કે જુદી છે” કાવ્યનો સંદર્ભ પણ આ અર્થને જ ટેકો આપે છે. જેમની વચ્ચે વંડીની જરૂર નથી એવા બે પડોશી વંડીની બે બાજુ રહીને વંડીને સરખી કર્યા કરે એ એક પ્રકારની મેદાની રમત લાગે છે – “એનાથી ભાગ્યે જ કંઈ વિશેષ” હકીકતમાં એ મેદાની રમત નથી એટલે “આના કરતાં લવલેશ વિશેષ નહીં” એ અનુવાદ કાવ્યના તાત્પર્યને મચડી નાખનારો બને. (૨) આ જ અનુવાદમાં “doesn’t love”ને માટે આરંભમાં “નેહ નાતો નથી” એવો અનુવાદ આપ્યો છે, જ્યારે પછીથી “વધાવતું નથી” એવો અનુવાદ આપ્યો છે. એક જ પ્રયોગના આવા બે અનુવાદો કરવાનું ઉચિત નથી, કેમકે એથી કાવ્યનો ઉક્તિલય તૂટી જાય છે. બીજા અનુવાદમાં અર્થછાયા પણ ફરી જાય છે. (૩) એ જ અનુવાદમાં ‘elves’નું ‘ભૂતપલીત’ કર્યું છે તે યોગ્ય લાગતું નથી. ‘તોફાની નાનકડી પરીઓ’ કે એવો કંઈક એનો અનુવાદ કરવો જોઈએ. ઉપરાંત, આ પંક્તિઓમાં અર્થની બીજી ગેરસમજ પણ દેખાય છે :

મારું ચાલે ને તો હું તેને ‘ભૂતપલીત’ કહું,
પણ ખરેખર તો એમ પણ નહીં, છતાં હું તો ઇચ્છું
કે એ પોતે જ પોતાને ‘ભૂતપલીત’ કહે.

કાવ્યનો સંદર્ભ તપાસતાં સમજાય છે કે કવિ પોતાના પડોશીને ‘elves’ કહેતા નથી; ‘elves’ બહુવચનમાં છે એ જ એ બતાવી આપે છે. એવું કંઈક તત્ત્વ છે જે વંડીને ઇચ્છતું નથી, એને વારેવારે તોડી પાડે છે. કવિ એમ ઇચ્છે છે કે એ એના પડોશીને કહી શકે કે આ તો ‘elves’ છે; પણ પછી વિચારે છે કે પડોશી પોતે જ ‘elves’ જ આ બધું કરે છે એમ કહે એ ઇષ્ટ છે. (૪) ‘ડસ્ટ ઑફ સ્નો’ના અનુવાદમાં શ્રી પ્રકાશ દવેએ ‘rue’ શબ્દને ‘પ્રાયશ્ચિત કરવું’ એ અર્થમાં લીધો છે પરંતુ એ શબ્દના બીજા પણ અર્થો છે – ઉદાસ હોવું કે અફસોસ કરવો. કાવ્યનો સંદર્ભ સ્પષ્ટપણે બતાવે છે કે દિવસ ગમગીનીમાં વીતેલો તે મનઃસ્થિતિનું પરિવર્તન કવિ વર્ણવી રહ્યા છે. (૫) ‘અક્વેઇન્ટિડ વિથ ધ નાઇટ’ના અનુવાદમાં શ્રી ઉશનસે “watchman on his beat”નું “ધડકતા પ્રહરી” કર્યું છે તે સાવ ખોટું છે. અન્ય અનુવાદકોએ “પહેરો ભરતા ચોકીદાર’ એવું ભાષાંતર કર્યું છે એ બરાબર છે. ઉશનસે “dropped my eyes”નો અનુવાદ “આંખો મીંચી ગયો છું" એમ કર્યો છે તે પણ કાવ્યના સંદર્ભમાં ઉચિત નથી. બીજા અનુવાદકોએ “આંખોને ઢાળી દીધી છે” એમ કર્યું છે તે બરાબર છે. (૬) એ જ કાવ્યના અનુવાદમાં “unwilling to explain”નું શ્રી શિવકુમાર જોશીએ “ફોડ પાડવા અક્ષમ છું હું” એમ કર્યું છે તે પણ યોગ્ય નથી. અન્ય અનુવાદકોએ “ખુલાસો કરવાની અનિચ્છાથી” એવો અર્થ કર્યો છે તે બરાબર છે. (૭) એ જ કાવ્યના અનુવાદમાં ‘cry’ શબ્દનો અર્થ શ્રી જયંત પાઠક, શિવકુમાર જોશી અને ઇન્દુકુમાર ત્રિવેદીએ ‘ચીસ’ કર્યો છે. બીજા ત્રણ અનુવાદકોએ ‘અવાજ’ કે ‘સાદ’ અર્થ’ કર્યો છે. આ બીજો અર્થ જ કાવ્યના વર્ણન સાથે બંધ બેસે છે કેમકે પાછા બોલાવવા માટે કે વિદાય આપવા માટે ચીસ હોઈ શકે નહીં. માટે જ “interrupted cry” એટલે “ચહેરાયેલી” કે “ગૂંગળાવી દેવામાં આવતી” કે “વિદારક” ચીસ એમ નહીં પણ “અટકીઅટકીને આવતો અવાજ” એમ કરવું જ યોગ્ય છે. (૮) ‘ધ ગિફ્ય આઉટરાઇટ’નો શ્રી સિતાંશુનો અનુવાદ અપૂર્ણ છે. એટલું જ નહીં પણ મૂળ કાવ્યના ચાલુ વાક્યની અધવચ્ચે જ એમણે પોતાનો અનુવાદ પૂરો કર્યો છે. આમ કેમ બન્યું હશે તે સમજમાં આવતું નથી. આ કાવ્યના શીર્ષક “The gift outright”નો જ શ્રી સિતાંશુનો અનુવાદ ભૂલભરેલો જણાય છે. ‘Gift’ એટલે ‘વરદાન’ નહીં પણ ‘ભેટ’ કે ‘બક્ષિસ’ અને ‘outright’ એટલે ‘વણવપરાયેલું’ નહીં પણ ‘સંપૂર્ણ’ કે ‘નિઃશેષ’. કાવ્યનું તાત્પર્ય જોતાં “નિઃશેષ સમર્પણ” એેવો અનુવાદ વધુ યોગ્ય લાગે છે. કાવ્યમાં ‘possessed’ શબ્દના એમણે જુદાજુદા અનુવાદો કર્યા છે : પ્રવેશવું, વિવશ હોવું, વશમાં હોવું વગેરે. આવા જુદાજુદા. અનુવાદો કરવા માટે કોઈ કારણ જણાતું નથી. ઉપરાંત ‘વિવશ હોવું’ને તેમણે ‘પરવશ હોવું’ના અર્થમાં વાપર્યું છે જે ભૂલભરેલું છે. “Possessing what we still were unpossessed by”નો અનુવાદ “આપણે એ ભોમકામાં પ્રવેશી ચૂક્યા હતા જે ભોમકા આપણામાં નહોતી પ્રવેશી શકી” એમ કરવામાં આવ્યો છે પણ એ તો આપણને કાવ્યના તાત્પર્યથી ઊલટી જ દિશામાં લઈ જાય છે. કવિ અહીં ભૂમિ સાથેના આત્મીય સંબંધનો અભાવ દર્શાવવા માગે છે, ત્યારે “ભોમકામાં પ્રવેશી ચૂક્યા હતા” એનાથી ઊલટો જ અર્થ બતાવે છે. ઉપરાંત શ્રી સિતાંશુએ ‘withhold’નો અર્થ ‘હિચકિચાટમાં’ કર્યો છે તે પણ ખોટો છે. (૯) ‘એપિટાફ’ કાવ્યમાં એ શીર્ષકનો અનુવાદ શ્રી ઉશનસે ‘કરુણપ્રશસ્તિ’ કર્યો છે. દેખીતી રીતે જ આ અનુવાદ ખોટો છે. ‘કરુણપ્રશસ્તિ’ એ ‘elegy’નો અનુવાદ થયો. ‘Epitaph’ એટલે તો મૃત્યુલેખ – કબર પરનું લખાણ. (૧૦) ‘ડિઝાઇન’ કાવ્યના અનુવાદમાં શ્રી દિગીશ મહેતાએ ‘dimpled spider’નું “ભીંગડાભર્યો કરોળિયો” અને શ્રી દિનેશ દલાલે “ખંજનિયાળો કરોળિયો” કર્યું" છે. ‘Dimpl’ એટલે ગાલમાં પડતા ખાડા, ખંજનઃ એટલે ‘dimipled’નું ‘ભીંગડાભર્યો’ તો કેવી રીતે થાય? જ્યારે ‘ખંજનિયાળો’ તો બહુ શબ્દશઃ અનુવાદ કહેવાય. ‘ડાઘડૂઘભર્યો’ કે એવો કંઈ અર્થ અભિપ્રેત હશે? (૧૧) એ જ કાવ્યના અનુવાદમાં ‘blight’નું શ્રી દિગીશ મહેતાએ ‘ખુવારી’ અને શ્રી દિનેશ દલાલે ‘વિનાશ’ કર્યું છે. ‘મોત’ (‘death’)ની સાથે ‘વિનાશ’ તો બિનજરૂરી શબ્દ લાગે. ‘blight’ છોડવાઓમાં થતો એક પ્રકારનો રોગ છે; કાવ્યના સંદર્ભમાં એ શબ્દ રુગ્ણતાનો અર્થ સૂચવતો હોય એ સંભવિત લાગે છે. (૧૨) “મૂડ અપાર્ટ’ના અનુવાદમાં આ શબ્દોનું ભાષાન્તર શ્રી નલિન રાવળે શીર્ષકમાં “જુદી જ મસ્તી” અને કાવ્યમાં “મશગુલ મન” એમ બે રીતે કર્યું છે તે યોગ્ય લાગતું નથી. (૧૩) “ધ ટ્રી ઍટ માઇ વિન્ડો’ના અનુવાદો પ્રમાણમાં ઘણા નબળા છે. એ કાવ્યમાં “thing next most diffused to cloud”નો અનુવાદ શ્રી રમેશ જાનીએ “પાસેનું કશુંક ઊંચે વાદળ સાથે સેળભેળ બની એકાકાર બની ગયું” એવો, શ્રી નલિન રાવળે “ઝાંખી બને પાસેની વસ્તુ” એવો અને શ્રી પ્રબોધ જોશીએ “પછીની વાત વાદળ જેમ વિખરાયેલી” એવો કર્યો છે. આ ત્રણેય અનુવાદો ખોટા છે. વૃક્ષનું આ વર્ણન છે અને એને લગભગ (‘next’) વાદળ જેટલી ફેલાયેલી વસ્તુ ગણવામાં આવી છે. અનુવાદકોને ‘next’ નડ્યું છે. (૧૪) એ જ કાવ્યમાં “taken and tossed” તથા “taken and swept”નો શ્રી નલિન રાવળે “લાસ્યમય રૂપ” એવો અનુવાદ કર્યો છે તે કાવ્યના ભાવથી ઊલટો જ અનુવાદ છે. આ તો ઝંઝાવાત દરમિયાન કવિના જોવામાં આવતા વૃક્ષના રૌદ્ર રૂપની વાત છે, નહીં કે લાસ્ય રૂપની. પ્રબોધ જોશીએ કરેલા અનુવાદો “ક્યારેક ઉઠાવી જવાતું તો ક્યારેક કોઈક હાથોમાં ઊછળતું” “અપહરણ કરે જવાતો, ઉશેટાઈ જતો” – બહુ સ્થૂળ, શબ્દશઃ અને હાસ્યાસ્પદ અનુવાદો છે. શ્રી જાની તથા શ્રી જોશી આ પ્રયોગોને રૂઢિપ્રયોગો તરીકે જોવામાં નિષ્ફળ ગયા છે. (૧૫) ‘ધ પાશ્ચર’ કાવ્યમાં શ્રી નિરંજન ભગત અને શ્રી ઉત્પલ ભાયાણીએ ‘clear’ને વિશેષણ ગણ્યું છે, પણ એ ક્રિયારૂપ હોવાનો સંભવ છે. “Wait to watch the water clear” એટલે “પાણીને અવરોધ વિના વહેતું જોવા રોકાવું” એવો ભાવ જણાય છે, નહીં કે “કચરો કાઢી નાખતાં ચોખ્ખું થયેલું પાણી જોવા રોકાવું” એવો. (૧૬) ‘આફ્ટર ઍપલ પિકિંગ’ના અનુવાદમાં ‘pick’નો અર્થ શ્રી જગદીશ જોશીએ ‘સંઘરો કરવો’ એવો કર્યો છે તે બરાબર નથી. ‘Pick’ એટલે ચૂંટવું અથવા તો વીણવું. (૧૭) ‘નાઇધર આઉટ ફાર નૉર ઇન ડીપ’નો શ્રી ચંદ્રકાન્ત બક્ષીનો અનુવાદ ઘણી ભૂલોથી ભરેલો અને સ્વચ્છંદી છે. “The wetter ground like glass”નું “કાચની રેતી પર ચમકતી ભીનાશ” “standing gull” નું “ઊપસેલી બતક”, “the water comes ashore’નું “પાણી કિનારા ઉપર પકડઈ જાય છે” અને “watch”નું “આશા” – આટલાં ઉદાહરણો એ બતાવવા માટે પર્યાપ્ત છે. (૧૮) ‘કમ ઇન’ કાવ્યના અનુવાદમાં ત્રીજી કડીમાં અસ્ત પામતા સૂર્યનું છેલ્લું કિરણ પંખીનું એક વધુ ગાન સાંભળવા માટે હજુ પૃથ્વી ઉપર રહ્યું છે એવી કલ્પના છે. એને બદલે શ્રી યોસેફ મેકવાને “સૂર્યનાં કિરણો ડૂબી ગયાં અને પંખીનું ગાન હજુ પૃથ્વી પર રહ્યું” એવો અર્થ કર્યો છે, જ્યારે શ્રી હરીન્દ્ર દવેએ છેલ્લા કિરણને ગીત થઈને જીવતું વર્ણવ્યું છે. શ્રી મેકવાન બે વાતને જોડી શક્યા નથી અને શ્રી દવે કવિની કલ્પનાને આગળ લઈ ગયા છે, જે ઉચિત છે કે કેમ તે વિચારણીય મુદ્દો છે. ફ્રૉસ્ટની કવિતાના અનુવાદોમાં બીજાં કેટલાંક પણ ચર્ચાસ્પદ અને અસ્વીકાર્ય લાગે એવાં સ્થાનો છે. અહીં તો સહેલાઈથી ચર્ચી શકાય તેવાં કેટલાંક સ્થાનોનો નમૂના રૂપે નિર્દેશ કર્યો છે. આટલું અવલોકન પણ આપણી અનુવાદપ્રવૃત્તિ વિશે વિચાર કરવા પ્રેરે એવું છે. હમણાંહમણાં આપણે ત્યાં પરભાષાના સાહિત્યનો રસ ઘણો વધી રહ્યો છે અને એને અનુવાદ રૂપે ગુજરાતીમાં લાવવાનો ઉત્સાહ પણ દેખાય છે. એ વખતે આ અનુવાદની પ્રવૃત્તિ ખરા રસ અને ખરી સમજથી કેટલે અંશે થાય છે અને કેટલે અંશે દેખાદેખી કે ડોળથી કે ફૅશન ખાતર થાય છે એ તપાસવું અનિવાર્ય બની જાય છે. વળી, પરભાષાની કૃતિઓને પ્રજા સમક્ષ શુદ્ધ સ્વરૂપે આપણે ન મૂકી શકતા હોઈએ તો આપણે અટકીએ. એને વિકૃત સ્વરૂપે મૂકી મૂળ કૃતિઓનો અને પ્રજાનો પણ દ્રોહ આપણે ન કરીએ. આપણે ત્યાં થતા અનુવાદોની સમીક્ષા અભ્યાસીઓ અને ભાષાવિદોને હાથે થતી રહેશે તો પરભાષાના સાહિત્યને ન્યાય થશે અને એ સાહિત્યની આપણી જાણકારી પણ અર્થપૂર્ણ બનશે.

[‘કવિતા’, એપ્રિલ ૧૯૭૫]