અનેકએક/કિલ્લો

કિલ્લો





કિલ્લો છે કિલ્લો નથી

બુરજોના ઊડી ગયા છે ઉ
કાંગરા પરથી ગબડી પડ્યા છે અનુસ્વાર
ભીંતોમાં ઠેરઠેર ગાબડાં ભંગાણ
ડોકાબારીઓના તરડાઈ તૂટી ગયા છે કાનોમાતર
જોડાક્ષરો વચ્ચેથી
જડબેસલાક પથ્થરો ખસી ગયા છે
દ નથી રહ્યો દરવાજાનો
ખીલાઓ હ્રસ્વ ને હ્રસ્વ
શસ્ત્રને
જીવની જેમ ઝાલી ઊભા
ચોકિયાતને
અણસારે નથી
કિલ્લો તો ક્યારનોય ધૂળધૂળ
રજ થઈ રહ્યો છે
ને અણધાર્યું, સામું
કટક ધસી આવે
તો એ અવાક્ મૂંગો મૂઢ થઈ ગયો છે

કિલ્લો છે
ફરફરે છે ધજાઓ
બજે છે નગારાં રણશિંગાં દુંદુભિઓ
ધણધણે છે તોપ
તગતગે છે તલવારો
પથ્થરોને અઢેલી ઊભી તત્પર સેનાઓ
અક્ષરોને અઢેલી ઊભા થવા જતા
કાનોમાતર
કડડભૂસ
ઢળી પડે છે
કોરા કાગળ પર

કિલ્લો નથી
રજ રજ, ધૂળ થા
ધૂળ ધૂળ, કાંકરી થા
કાંકરી કાંકરી, પથ્થર થા
પથ્થર પથ્થર, પ્હાડ થા
પ્હાડ પ્હાડ, કિલ્લો થા
કિલ્લા કિલ્લા, ક થા
ક ક ક
ક... ક... ક
ક... કા... કિ
કિ... કિ... કિ...




રેત
વહે છે રેત ઉપર
તળે ખસી જાય છે
સરી જાય છે વચ્ચેથી
ધસી જાય છે ઊંડે
સળવળે છે
તપે તતડે રાતીચોળ ઝાંયમાં
ઝગઝગે છે
ઠરે છે
ઝીણી થાય છે
કણ થાય છે રણ થાય છે
પડી રહે છે અવાક્
ઊછળે પડે ઊછળે છે
ક્યારેક
વંટોળે ચડે
ત્યારે
રેતવલયો વચ્ચે વેગીલાં ઊંટ ઊડે છે
હાથીઓ
ફંગોળી દે છે દરવાજા
લસરતા ઘેરાવ ઊંચકાતા ઊભા થાય છે
લસરે છે
દોડદોડ દીવાલોમાં
તલવાર બખ્તર ભાલા બંદૂક
અશ્વો
રણશિંગાં
ફૂંકાય છે
ઢળી પડતી રાંગોમાં ખૂંપી ગયેલ
તોપનાં મોં
આછો આછો ધૂમ્ર ઉડાડે છે

પવનના જોમે
કિલ્લો
ચકરાવા લે છે
રેત રેત રેત
સૂસવે છે




કિલ્લો
હચમચતો
પથ્થરે પથ્થર
વિખેરી રહ્યો છે
અક્ષરેઅક્ષરના ફુરચા
ધૂળડમરીમાં
આકાશ તરફ
ઊડી રહ્યા છે
કે
ક કિલ્લાનો
ક કવિતાનો
ક કક્કાનો
ઊખડી રહ્યો છે કાગળ પરથી
ને ફૂંકાઈ રહી છે ઝીણી રેત
શ્વેત
વળાંકો થઈ રહ્યા છે આરપાર
કે
ચિત્તમાં
નિરાકાર થઈ રહ્યા છે
પથ્થર
અક્ષર
ને કોષેકોષ કોરા ખાલીખમ્મ
કે
પથ્થર નથી તો કિલ્લો નથી
અક્ષર નથી તો કિલ્લો નથી
કે
પથ્થરમાં છે તે કિલ્લો નથી
અક્ષરમાં છે તે કિલ્લો નથી
કે
ચિત્તમાં નથી
તે કિલ્લો છે
કે
કિલ્લો
નથી




પથ્થર પથ્થર વચ્ચે પીળું ઘાસ
રાતી રેતી
કાળી કીડી
ક્યાંક હવા
દરવાજો
ઉઘાડો, તૂટી ગયેલો
પડુંપડું ભીંતો
ઊડી ઊડી ઢળતો
વીખરાતો
વીખરાઈ વીખરાઈ
ડુંગરોમાં ઝિલાતો
કિલ્લો
કહેતાં કહેતાંમાં તો
ઊખડતા
ઊખડી ઊખડીને ગબડતા
અક્ષર
ફસડાય
પીળાં છિદ્રોમાં
નિરાધાર
ન વળાંક
ન અર્થ
ન ધ્વનિ લય ન અજવાળાં
ન ચૂપકીદી
ન ઘોંઘાટ
ક્યાંય
ન આયુધો ન સેના
ન રણશિંગાં
ન દુશ્મનછાવણી
ન ઘેરો
ન હુમલો
ન હુમલાની દહેશત
દિગ્વિજયી થવા નીકળેલા રાજાનું
રહ્યુંસહ્યું સૈન્ય
દિશાદિશાઓથી
પાછું ફરી રહ્યું હોય એમ
સાવ એમ
ક્ષતવિક્ષત અક્ષરો તળેથી
ખસી રહ્યો છે
કાગળ...



કિલ્લો નથી
કિલ્લો છે

નથી-છેની વચ્ચે
કિલ્લાનાં કોઈ ખંડેર કોઈ અવશેષ નથી
રેતી-ધૂળનો કણ પણ નથી
કાનો નથી માતર નથી
અણુઝીણું ટપકુંય નથી
છતાં
કિલ્લો તૂટી ગયા પછીનો
કિલ્લો ભૂંસાઈ ગયા પછીનો
પથ્થર વિનાનો
અક્ષર વિનાનો
કિલ્લો તૂટ્યો-ભૂંસાયો નથી

અવ્યક્તમધ્યમાં
કિલ્લો નથી પછીનો
કિલ્લો છે

જ્યાં સુધી કિલ્લો નથી
ત્યાં સુધી
કિલ્લો છે