અનેકએક/પથ્થર

પથ્થર



કદાવર ચપટા ગોળ ખરબચડા
અણીદાર લીસા
એકમેકને અઢેલા એકમેક પર પડેલા
એકમેકમાં રહેલા
પથ્થરો

ઇચ્છું તો
કાળા ઉબડખાબડ પથ્થરનો પ્હાડ કરું
ભૂરા ભૂખરા પથ્થરમાં
થંભી થીજી ગયેલાં જળ વહાવું, ઉછાળું
સ્હેજ ભીના, લીલા પથ્થરમાં
વિવિધ વનસ્પતિને સૂંઘું
ચકમક પથ્થરોમાં
ઝબકતો અગ્નિ જોઉં
ઝીણા પથ્થરોમાં ખૂંતી ગયેલ
સૂર્ય ઉડાડું
ઇચ્છું
તો

ઇચ્છું તો

પથ્થરોને અક્ષરોમાં ફેરવી દઉં
ફૂંકું કાગળ પર
અથડાવું ઘસાવું ટિપાવું ભીંજાવું
વીખરાવું
નિ:શેષ કરું

ના,
ના,
આ કાળમીંઢામસ પથ્થરો વચ્ચે
ચુપચાપ
ચૂપ..ચાપ
પથ્થરને વધુ પથ્થર કરું




પથ્થરો તૂટ્યા... પથ્થરો રહ્યા

પથ્થરો ગબડ્યા
ધૂળધૂળ થયા
થયા પહાડ.... પથ્થરો રહ્યા

પથ્થરો પર તડકા ઢોળાયા
પથ્થરોના પડછાયા પડ્યા... પથ્થરો રહ્યા

પથ્થરો
અવાક્ અચલ... પથ્થરો રહ્યા

પથ્થરોએ
અગ્નિ પીધા શોષ્યાં જળ
જોયા વા વાયુ વંટોળ
ખુલ્લાં ખાલીખમ્મ આકાશ સાંભળ્યાં... પથ્થરો રહ્યા

પથ્થરો રહ્યા પથ્થરો