અન્વેષણા/૧૯. ચાંપાનેર


ચાંપાનેર



પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર એ ગુજરાતનાં ઇતિહાસપ્રસિદ્ધ શહેરોમાંનું એક છે. રાજપૂત યુગમાં તેમ જ ગુજરાતી સલ્તનતના કાળમાં ચાંપાનેર ગુજરાતનું એક આબાદ નગર હતું. મહમૂદ બેગડાએ એને ગુજરાતનું પાટનગર બનાવ્યું હતું. ઈસવીસનના સોળમા શતકના ઉત્તરાર્ધમાં સુલતાન મુઝફરશાહને હરાવી અકબરે ગુજરાત ઉપર વિજય કર્યો અને ચાંપાનેર પણ મુગલ રાજ- સત્તા નીચે આવ્યું, ત્યારથી અનેક કારણોને લીધે, ચાંપાનેરની ઊતરતી કળા શરૂ થઈ-જોકે ઠેઠ અઢારમા સૈકા સુધી ચાંપાનેર વિષેના જે છૂટાછવાયા ઉલ્લેખો મળે છે એ બતાવે છે કે એ નગર પોતાનું કંઈક મહત્ત્વ જાળવી રહ્યું હતું તથા ત્યાં વેપારી વર્ગની વસતી પણ ઠીક પ્રમાણમાં હતી. વડોદરા શહેરનો ચાંપાનેર દરવાજો પણ ચાંપાનેરની અગત્ય બતાવે છે. પણ ત્યાર પછી કાલક્રમે ચાંપાનેર સાવ ભાંગી ગયુ. અને આજે તો પાવાગઢની તળેટીમાં એક નાના ગામડાને ચાંપાનેર તરીકે ઓળખવું પડે છે. અત્યારના ચાંપાનેરને જે કિલ્લો છે તે નગરનો મુખ્ય કિલ્લો નથી, પણ તેની અંદરનો રાજગઢીનો એટલે કે ભદ્રનો કિલ્લો છે. અત્યારનું ચાંપાનેર એ મુસ્લિમ રાજ્યકાળ દરમિયાન વિકસેલા સમૃદ્ધ શહેરનો નાનો, દરિદ્ર અવશેષ છે. એની પહેલાંનું, હિંદુ યુગનું જૂનું ચાંપાનેર પાવાગઢની તળેટીમાં ઈશાન ખૂણે, અત્યારના ચાંપાનેરથી એકાદ ગાઉ દૂર આવેલું છે. એનાં મકાનોના પાયા સૂચવતા અવશેષો આસપાસના જંગલમાં માઈલો સુધી પથરાયેલા છે અને ગુજરાતના બીજા એક સાવ વિલુપ્ત થઈ ગયેલા નગરની-આબુ પર્વતની તળેટીમાં આવેલ, પરમાર રાજાઓના પાટનગર ચંદ્રાવતીની તે યાદ આપે છે. અમદાવાદના સુલતાનોના સમયમાં વિકસેલી હિંદુ અને મુસ્લિમ વાસ્તુશાસ્ત્રના સંગમ સમી એક વિશિષ્ટ સ્થાપત્યકલાના નમૂના સમી મસ્જિદો અને અન્ય બાંધકામો નવા ચાંપાનેરની આસપાસ અનેક સ્થળે દેખાય છે, અને નગરનો વિસ્તાર સૂચવતા બીજા પુરાવાઓને સહાય કરે છે. ચાંપાનેરની સ્થાપના, પાટણ વસાવનાર વનરાજ ચાવડાના એક મંત્રી ચાંપાએ કરી હતી એવી કિંવદન્તી સામાન્ય રીતે પ્રચલિત છે. પાટણ વિક્રમના નવમા સૈકાના આરંભમાં વસ્યું, એ સમયે ચાવડાઓનું રાજ્ય નાનકડી ઠકરાત જેવું હતું અને એમની હકૂમત માત્ર ઉત્તર ગુજરાતમાં, પાટણ આસપાસના થોડા પ્રદેશ ઉપર હતી. વનરાજ ચાવડાનું પણ ઇતિહાસમાં જે સ્થાન છે, તે કોઈ મોટા રાજ્યશાસક તરીકેનું નહિ, પણ ગુજરાતના ઇતિહાસમાં પાછળથી અસાધારણ રાજકીય તેમ જ સાંસ્કૃતિક મહત્ત્વ પ્રાપ્ત કરનાર પાટણના સ્થાપક તરીકે જ છે. આ જોતાં વનરાજનો મંત્રી દૂર પાવાગઢની તળેટીમાં શહેર વસાવે એમ માનવું જરા મુશ્કેલ લાગે છે. અલબત્ત ચાંપાનેર નામ તો સ્પષ્ટ રીતે સૂચવે છે કે એની સ્થાપનાને ચાંપા નામના કોઈ માણસ સાથે સંબંધ છે. ચાંપાનેરમાં ચાંપનાથ મહાદેવનું મંદિર છે તથા એક ચાંપા ભીલનો ચોરો બતાવવામાં આવે છે, તે ઉપરથી લાગે છે કે અમદાવાદ પાસેના અસારવાના સ્થાપક આશા ભીલની જેમ, ચાંપાનેરની સ્થાપના મૂળ ચાંપા નામે કોઈ ભીલ ઠાકોરે કરી હોવી જોઈએ. ગુજરાત અને માળવાનાં રાજ્યો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સ્પર્ધા ચાલ્યા કરતી હતી અને એ સ્પર્ધા કેટલીક વાર યુદ્ધનું રૂપ પણ લેતી હતી. ચાંપાનેર માળવાની સરહદની ઠીકઠીક નજીક આવેલું હોઈ ગુજરાતનું એક અગત્યનું રાજકીય કેંદ્ર બન્યું, તેમ જ પશ્ચિમ ભારતના એક અગત્યના બંદર ભરૂચથી માળવા જવાના ધોરીમાર્ગ ઉપર તે આવેલું હોઈ, વ્યાપારી દૃષ્ટિએ પણ એ મહત્ત્વનું સ્થાન બન્યું. સોલંકી યુગમાં તેમ જ ત્યાર પછી ગુજરાતી સલ્તનતના કાળમાં ચાંપાનેરની લક્ષ્મી ત્યાં વસતા સમૃદ્ધ વ્યાપારીવર્ગને આભારી હતી. જૈનસાહિત્યમાંથી પ્રાપ્ત થતા ચાંપાનેર વિષેના સંખ્યાબંધ ઉલ્લેખો પણ એ સૂચવે છે. ચાંપાનેર ઉપરાંત ચંપકનેર અને ચંપકદુર્ગં એવાં એનાં નામ મળે છે. ચાંપાનેર અને પાવાગઢ જૈન તીર્થો તરીકે પ્રસિદ્ધ હતાં અને આજે પણ ત્યાં જૈન મંદિરોના અવશેષ છે. પાવાગઢ-ચાંપાનેર વિષેનો જૂનામાં જૂનો પ્રાપ્ત ઉલ્લેખ પણ એક જૈન ગ્રંથમાંથી મળે છે. ચાંપાનેરના જૈનસંઘે બાવન જીનાલયનું મોટું મદિર બંધાવ્યું હતું અને એમાં અભિનંદનનાથ અને જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિઓની પ્રતિષ્ઠા સં. ૧૧૧૨માં ગુણાકરસૂરિને હસ્તે ભારે ઉત્સાહપૂર્વક થઈ હતી. અર્થાત્ કોઈ ભીલ ઠાકોરે વસાવેલું ચાંપાનેર બારમા સૈકાના પ્રારંભમાં ઠીક વિકાસ પામી ચૂકયું હતું. વિક્રમના તેરમા સૈકાના ઉત્તરાર્ધમાં ધોળકાના રાજા વીરધવલના સેનાપતિ તેજપાલે ગોધરાના રાજા ઘૂઘુલને હરાવ્યો, ત્યાર પછી તેણે ચાંપાનેર-પાવાગઢની યાત્રા કરી એક મંદિર બાંધ્યુ હતું. સોળમા શતકમાં રચાયેલા, ‘ઉપદેશતરંગિણી’ નામે કથાગ્રંથમાં પાવાગઢને ‘પુરુષપ્રવર્તિત' તીર્થ તરીકે વર્ણવ્યું છે. અઢારમા શતકના અંત સુધી ચાંપાનેર-પાવાગઢના જૈન તીર્થની યાત્રા થયાના પુરાવા મળે છે; પણ ધીમેધીમે જૈન તીર્થ તરીકે એ સ્થાનનું મહત્ત્વ ઘટતુ ગયું લાગે છે. ઉપર જેની વાત લખી તે જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિને પણ ત્યાંથી સં.૧૮૮૯માં વડોદરા લાવીને, મામાની પોળમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અર્વાચીન ગુજરાતમાં ચાંપાનેરની પ્રસિદ્ધિ, શક્તિપૂજાના એક કેંદ્ર સમા પાવાગઢની તળેટીમાં તે આવેલું છે એ કારણે છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે એ સંબંધમાં પણ કિંવદન્તીઓ સિવાય બીજા કોઈ સાધનો નથી એને ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરી શકાય એવા થોડાક પુરાવા કેવળ જૈન સાહિત્યમાંથી મળે છે. સં. ૧૬૯૧માં રચાયેલા, અમરસાગરસૂરિષ્કૃત એક સંસ્કૃત ચરિત્રમાં મહાકાલીને અંચલગચ્છની અધિષ્ઠાત્રી તથા ‘પાવાદુર્ગનિવાસીની’ તરીકે વર્ણવ્યાં છે. વળી બીજા એક જૈનગ્રંથમાં પાવાગઢને ‘પાવાપીઠ' કહ્યું છે, તે પણ શક્તિપૂજાના એક કેંદ્ર તરીકેનું એનું મહત્ત્વ સૂચવે છે. પાવાગઢનાં મહાકાળી અને પતાઈ રાવળના પતન વિષેનો ગુજરાતમાં અતિ લોકપ્રિય થયેલો ગરબો તો વલ્લભ મેવાડાનો હોઈ, ઠેઠ અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં રચાયેલો છે. એ પહેલાંની, લોકસાહિત્યની એક પ્રસિદ્ધ રચના તે મેના ગુજરીનો ગરબો છે. ગુજર એટલે એક પશુ- પાલક પ્રજા, જે ઉપરથી આપણા પ્રાંતને ગુજરાત નામ મળ્યું છે. મેના નામે એક લાવણ્યવતી અને તેજસ્વી ગુજરીને પાદશાહ જોવાની ઇચ્છા થાય છે અને તે મહિયારણને વેશે પાદશાહની છાવણીમાં જાય છે. પાદશાહ એનાથી મોહિત થઈને એને જવા દેતો નથી. પછી પાદશાહના સૈન્ય અને ગુજરો વચ્ચે લડાઈ થાય છે અને ગુજરો મેનાને છોડાવે છે. પણ એના ઘરની બીજી સ્ત્રીઓ એને મહેણાં મારી ઘરમાં પેસવા દેતી નથી; આથી મેનાને સત ચડે છે અને પાવાગઢમાં આવીને તે અલોપ થાય છે, ત્યારથી એ મહાકાળી તરીકે ઓળખાય છે એવું સૂચન એ ગરબામાં છે. મહાકાળીનું મંદિર એ ગુજર પ્રજાનું માન્ય શક્તિપીઠ હતું એમ આ ગરબામાંની કિંવદન્તી પણ સૂચવે છે. . ગુજરાતના વાઘેલા રાજાઓના યુગમાં તથા મુસ્લિમ સત્તા ગુજરાતમાં નવીનવી સ્થપાઈ એ સમયે પણ ચાંપાનેર એક આબાદ શહેર હતું. પદ્મનાભકૃત જૂના ગુજરાતી કાવ્ય ‘કાન્હડદે-પ્રબંધ’ના પહેલા ખંડમાં કરણ વાઘેલા ઉપર અલાઉદ્દીન ખિલજીનો વિજય વર્ણવ્યો છે. એમાં ગુજરાતનાં જે મુખ્ય શહેરોનો કબજો મેળવાયો એમાં ચાંપાનેરની વાત પણ કવિ કહે છે :

અસાઉલિ, ધૂલકું, ખંભાયતિ સૂરતિ નઇ રાનેર;
બીજાં નગર કેતલાં કહીઇ ? ચંપઇ ચાંપાનેર.

અર્થાત્ આસાવલ, ધોળકા, ખંભાત, સુરત અને રાંદેર લીધાં. બીજા કેટલાં નગર કહેવાં? ચાંપાનેર પણ દબાવી દીધું. પરંતુ અલાઉદ્દીનની ફત્તેહોને પરિણામે જ ચાંપાનેરમાં એક સ્વતંત્ર રાજપૂત રાજ્ય સ્થપાયું. મુસ્લિમ સત્તાના પ્રારંભિક દોરને લીધે રાજપૂતાના છોડી ગુજરાતમાં આવેલા, પાલણદેવ નામે એક ચૌહાણ રાજપૂતે ચાંપાનેરનું રાજ્ય સ્થાપ્યું. કહે છે કે આ પાલણદેવ પૃથ્વીરાજ ચૌહાણનો વંશજ હતો. એનો એક પૂર્વજ ખીચી નામે હતો, તે ઉપરથી ચૌહાણોની આ શાખા ખીચી ચૌહાણ તરીકે ઓળખાઈ. વિક્રમના સોળમા સૈકામાં મહંમૂદ બેગડાએ ચાંપાનેર જીત્યું ત્યાં સુધી, એટલે લગભગ બસો વર્ષ સુધી આ રાજવંશે ચાંપાનેર અને આસપાસના પ્રદેશ ઉપર શાસન કર્યું. જયસિંહ ચૌહાણ જેને લોકસાહિત્યમાં પતાઈ રાવળ તરીકે ઓળખવામાં આવે છે તે આ વંશનો છેલ્લો રાજા હતો. આ ચૌહાણ રાજાઓની હકૂમત નીચેના ચાંપાનેરના નાના રાજ્યની સીમાઓ નક્કી કરવાનાં સાધનો આપણી પાસે નથી. પણ એ સમયનો એક એવો મહત્ત્વનો સાહિત્યિક પુરાવો મળે છે, જે ચાંપાનેરને વિદ્યા અને કલાના એક કેંદ્ર તરીકે પુરવાર કરે છે અને ત્યાંના રાજાઓ વિદ્યાકલાને કેવી રીતે ઉત્તેજન આપતા એ બતાવે છે. દક્ષિણના વિજયનગરનો રાજકવિ ગંગાધર પર્યટન કરતો સં. ૧૫૦૫ના અરસામાં ચાંપાનેર આવ્યો હતો અને ત્યાંના રાજા ગંગાદાસના આશ્રયે રહ્યો હતો. અમદાવાદના સુલતાન મુહમ્મદ બીજાએ પોતાના મિત્ર ઈડરના રાવની સાથે ચાંપાનેર ઉપર કરેલા આક્રમણનું તથા ગંગાદાસે કરેલા એમના પરાજયનું વસ્તુ લઈને ગંગાધર કવિએ ‘ગંગાદાસ પ્રતાપવિલાસ' નામે નવ અંકનું વીરરસપ્રધાન સંસ્કૃત નાટક રચ્યું હતું અને તે ચાંપાનેરમાં ત્યાંના રાજવંશની કુલદેવતા મહાકાળીના મંદિરના સભાગૃહમાં ભજવાયું હતું. પાવાગઢ અને ચાંપાનેરની સમૃદ્ધિ, પ્રજાની મહાકાળી પ્રત્યેની ભક્તિ અને ગંગાદાસનો અડગ ટેક– એ બધાંનો એમાંથી સારો ખ્યાલ મળે છે. આ નાટકની જાણવામાં આવેલી એક માત્ર પ્રત લંડનમાં, અગાઉની ઈંડિયા ઑફિસના પુસ્તકાલયમાં છે. એની પ્રસ્તાવનામાં કહ્યું છે કે વિજયનગરમાં પ્રતાપદેવરાયનો પુત્ર મલ્લિકાર્જુન પોતાના પિતાના શત્રુઓ–ઓરિસ્સાના રાજા અને બિદરના સુલતાનને હરાવીને ગાદીએ આવ્યો. એકવાર તે દરબાર ભરીને બેઠો હતો, ત્યારે એણે પોતાના પિતાના વખતનો કવિ ગંગાધર સભામાં કેમ નથી, એ વિષે પૂછ્યું, ત્યારે કહેવામાં આવ્યું કે સદ્ગત રાજાએ રત્નો અને બિરુદો આપીને ગંગાધરનો પુરસ્કાર કર્યો હતો, અને ત્યાર પછી ગંગાધર બીજા રાજાઓના સભાકવિઓ ઉપર વિજય કરવા માટે ગયો છે. એટલામાં તો ઉત્તર તરફથી આવી પહોંચેલા વૈતાલિકે ગંગાધરના પ્રવાસના સમાચાર આપ્યા. વૈતાલિકે કહ્યું કે પ્રતાપદેવરાયની વિદાય લઈને ગંગાધરે દ્વારકાની યાત્રા કરી અને ત્યાર પછી તે ગુજરાતના સુલતાનના દરબારમાં ગયો. દરબારના બધા પંડિતોને મૂંગા કરી દઈ, ત્યાં છ માસ રહીને તે પાવાચલ અને ચંપકપુર અથવા ચાંપાનેરના અધિપતિ ગંગાદાસ પાસે ગયો. એની લોકોત્તર વિદ્યા અને ઊર્જિત કવિતાથી ગંગાદાસ સંતુષ્ટ થયો અને પોતાના ચરિત્રને લગતું કોઈ નાટક રચવાનું એને કહ્યું. આથી કવિએ આ નાટક રચ્યું અને તેથી પ્રસન્ન થયેલા રાજાએ પુષ્કળ સુવર્ણ અને રત્નોથી એનો સત્કાર કર્યો. આટલી હકીકત વર્ણવીને પછી વૈતાલિક કહે છે કે આ નાટકનો અભિનય કરનાર કોઈ નાટ્યકાર આવી પહોંચે તો સારું, એનો વિચાર હવે રાજા ગંગાદાસ કરે છે. આ સાંભળીને સભામાં બેઠેલો એક નાટ્યકાર ઉઠ્યો અને નાટકનું સૂત્રસંચાલન કરવા માટે ચાંપાનેર આવી પહોંચ્યો. નાટકના પ્રારંભમાં કંઈક આલંકારિક રીતે વર્ણવેલી આ ઘટનાઓમાંથી વિજયનગર અને ચાંપાનેરનાં રાજ્યો વચ્ચેના સાંસ્કારિક સંપર્કનું સૂચન થાય છે. સોલંકી યુગમાં તો ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સંસ્કૃત નાટકો ભજવાતાં અને લોકો તે ઉત્સાહપૂર્વક જોવા જતા, પરંતુ એ પરંપરા સોળમા સૈકા સુધી ચાંપાનેરમાં ચાલુ રહી હતી એ પણ આથી જણાય છે. ચાંપાનેરના સાંસ્કારિક ઇતિહાસનું આ તો આકસ્મિક રીતે સચવાયેલું એક પાનું છે. એ પ્રકારની બીજી ઘટનાઓ કે ગ્રંથો વિષે આ ઉપરથી અનુમાનો જ કરવાનાં રહે છે. ઉપર જેને વિશે લખ્યું છે, તે સુલતાન મુહમ્મદ બીજો ચાંપાનેર જીતી શક્યો નહિ, પણ એના પુત્ર મહમૂદ બેગડાએ તે જીત્યું. પર્વતની તળેટીમાં આવેલા આ નગરની નિસર્ગશ્રીથી મહમૂદ એટલો તો આકર્ષાયો કે એણે પોતાની રાજધાની અમદાવાદથી ચાંપાનેર બદલી અને વર્ષનો ઘણો સમય ત્યાં રહેવા માંડ્યું. મહમૂદ પછી પણ બહાદુરશાહ સુધીના બધા ગુજરાતી સુલતાનો ચાંપાનેરમાં ઘણો સમય રહેતા. મહમૂદ બેગડો ઉનાળો અમદાવાદનાં શાહી ઉદ્યાનોમાં ગાળતો, પણ ચોમાસું તો પ્રકૃતિની ગોદમાં લપાયેલા ચાંપાનેરમાં જ ગાળતો. આ બધાં કારણે સુલતાનો તેમ જ અમીરઉમરાવોએ ચાંપાનેરને શણગાર્યું તથા એની વેપારી સમૃદ્ધિ પણ ખૂબ વધી. સુલતાનોના સમયમાં ગુજરાતનાં પાંચ શહેરોની ટંકશાળમાં સિક્કા પડેલા છે, એમાં અમદાવાદ, ઈડર પાસેનું અહમદનગર અથવા અમનગર, મુસ્તફાબાદ અથવા જૂનાગઢ, તથા જેનું સ્થાન ચોક્કસ નક્કી થઈ શક્યું નથી એ ખાનપુર, ઉપરાંત ચાંપાનેર પણ છે. ગુજરાતી સલ્તનતનો યુગ એ ચાંપાનેરની સર્વોચ્ય આબાદીનો સમય છે. ચાંપાનેરનું રેશમી કાપડ અને એના રંગ પ્રખ્યાત હતાં. પાણીદાર તલવારો માટે ચાંપાનેર સૈકાઓ સુધી જાણીતું હતું. ત્યાંની તલવારોના કેટલાક નમૂના વડોદરાના પ્રતાપ શસ્ત્રાગારમાં છે. ત્યાં ચંદન એટલું થતું કે મકાન બાંધવામાં પણ એ વપરાતું. મહમૂદ બેગડાના અવસાન પછી બેત્રણ વર્ષે ગુજરાતમાં આવેલા પોર્ટુગીઝ મુસાફર બાર્બોસાએ ચાંપાનેરનાં ઘણાં વખાણ કર્યાં છે તથા એના વર્ણન ઉપરથી વસ્તી, વેપાર, બાગબગીચા, ચોગાનો, મકાનો, રસ્તા એ બધી બાબતમાં એ સમયે ચાંપાનેર કરતાં ચડિયાતું શહેર ગુજરાતમાં માત્ર અમદાવાદ હતું એમ જણાય છે. ગુજરાતનું પાટનગર ચાંપાનેરથી પાછું અમદાવાદ ખસેડાતાં તથા ગુજરાતી સુલતાનોની હકૂમતમાંથી માળવા પ્રાંત ચાલ્યો જતાં ચાંપાનેરનું મહત્ત્વ ઓછું થયું. માળવા અને ગુજરાતને રાજકીય તેમ જ આર્થિક દૃષ્ટિએ જોડતા અગત્યના કેંદ્રને બદલે ચાંપાનેર એક સરહદી શહેર બની ગયું. અક્બરે ગુજરાત જીતીને મોગલ સામ્રાજ્યમાં સમાવી દીધા પછી ચાંપાનેર અવગણાયું અને એની પડતી શરૂ થઈ. અકબરના સમયમાં થયેલો સુપ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરો ચાંપાનેરનો હતો એવી કિંવદન્તી છે. ઈ. સ. ૧૬૧૬માં ‘મિરાતે સિકંદરી’ રચાઈ એ સમયે તો ચાંપાનેરનો ઘણો ભાગ જંગલ બની ગયો હતો. એ જ વર્ષમાં બાદશાહ જહાંગીર હાથીના શિકારે ચાંપાનેર આવ્યો હતો અને ઈ. સ. ૧૬૪૫માં તો આસપાસના જંગલોમાંથી ૭૩ હાથીઓ પકડવામાં આવ્યા હતા. આ હકીકતો ચાંપાનેરના ઇતિહાસ માટે ઉપયોગી છે તે સાથે ગુજરાતની વન્ય પશુસૃષ્ટિના ઇતિહાસ માટે પણ કામની છે; કેમકે સૌરાષ્ટ્રનાં જંગલોમાં પણ હાથી થતા હતા એમ કૌટિલ્યના ‘અર્થ શાસ્ત્ર’માં કહ્યું છે. ચાંપાનેરની મુખ્ય વસ્તી આમ ધીરેધીરે અન્યત્ર ચાલી ગઈ અને ગુજરાતનું એકવારનું એ પાટનગર જંગલની વચ્ચે આવેલા ગામડા જેવું બની ગયું. યાત્રાધામ ઉપરાંત, એક ‘હિલ-સ્ટેશન’ તરીકે, આબુની જેમ પાવાગઢનો વિકાસ કરવામાં આવે, તો ત્યાંની નિસર્ગશ્રી વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષે તથા ચાંપાનેરની નગરલક્ષ્મી નવપલ્લવિત થાય.

[‘અખંડઆનંદ', જાન્યુઆરી ૧૯૫૪]