અન્વેષણા/૨૦. अइवड्डऊ : અણહિલવાડ પાટણનુ એક પર્યાય-નામ
પાટણની સ્થાપના સં. ૮૦૨ (ઈ સ. ૭૪૬)માં વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે લાખારામ નામે એક જૂના ગામડાની જગા ઉપર કરી હતી. ઈસવી સનના પંદરમા સૈકાના આરંભમાં સુલતાન અહમદશાહે અમદાવાદ વસાવ્યું ત્યાં સુધી પાટણ એ ગુજરાતનું રાજકીય તેમ જ સાંસ્કૃતિક અને વેપારી કેન્દ્ર હતું. એની સ્થાપના પછી ગુજરાતમાં તેમ જ ગુજરાત બહાર રચાયેલા સંસ્કૃત સાહિત્યમાં એ નગર अणहिलपाटक, अणहिलवाटक, अणहिलपत्तन, अणहिलपुर, अणहिलवाडपत्तन, पत्तन, पुटभेदन આદિ નામોએ તથા પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં अणहिलवाड અથવા अणहिलवाड्य, अणहिलपट्टण, पट्टण આદિ નામોએ તથા આધુનિક ગુજરાતીમાં સામાન્યત: ‘પાટણ’ નામની ઓળખાય છે. પ્રભાસપાટણથી તથા ભારતમાં જુદે જુદે સ્થળે આવેલાં ‘પાટણ’ નામનાં નગરોથી અલગ દર્શાવવા માટે એને ઘણી વાર ‘સિદ્ધપુર પાટણ’ પણ કહેવામાં આવે છે. મુસ્લિમ ઇતિહાસકારો એને ‘નહરવાલા’ કહે છે, જે ‘અણહિલવાડા'નું અપભ્રષ્ટ રૂપ છે. આધુનિક પાટણ શહેરથી આશરે બે માઈલ પશ્ચિમે, જૂના શહેરની જગ્યા ઉપર અત્યારે પણ ‘અનાવાડા' નામે એક નાનું ગામ છે, જે પ્રાચીન સ્થળનામનું અત્યાર સુધીનું સાતત્ય બતાવે છે. હમણાં આ નગરનું એવું એક પર્યાય-નામ મારા વાંચવામાં આવ્યું, જે પ્રત્યે ઐતિહાસિક દૃષ્ટિએ હજી વિદ્વાનોનું ધ્યાન દોરાયું જણાતું નથી. આ નામનો ઉલ્લેખ સ્વયંભૂકવિના ‘પઉમચરિઉ’માં છે. ‘પઉમચરિઉ’ એ જૈન રામાયણ વર્ણવતું અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય છે, અને ત્રણ ગ્રન્થોમાં એનું સંપાદન (સિંધી જૈન ગ્રન્થમાલા ૩૪, ૩૫, ૩૬ ) ડૉ. હરિવલ્લભ ભાયાણીએ કરેલું છે. આ કૃતિમાં એક સ્થળે (સંધિ ૪૫, કડવક ૪) વિદ્યાધર રાજા હનુમાનની રાજધાની શ્રીનગરનું વર્ણન કરતાં જુદાં જુદાં સ્થળોની પ્રસિદ્ધ વસ્તુઓની વાત કવિ કરે છે. ત્યાં એ કહે છે-
रामउरउ गुलु सरु पइठाणउ
अइवड्डउ भुजङ्गु वहु-जाणउ ।
(રામપુરનો ગોળ, પ્રતિષ્ઠાનનું બાણ અને અઈવડ્ડનો બહુ જાણીતો ભુજંગ-વિલાસી.) અઇવડ્ડ એ કયું સ્થળ? ‘પઉમચરિઉ'માંના કેટલાક વિરલ અને કઠિન શબ્દો સમજાવતી એ સંસ્કૃત ટિપ્પણીઓ છે. પહેલા ટિપ્પણમાંના અર્થો ‘પઉમચરિઉ’ના ત્રણેય ગ્રંથોમાં સંબંધ ધરાવતા સ્થળે પાદનોંધો તરીકે છાપવામાં આવ્યા છે, જ્યારે એ મહાકાવ્યનો મોટો ભાગ છપાઈ ગયા પછી બીજા ટિપ્પણની હસ્તપ્રત મળી હોવાથી તે આખુંયે ત્રીજા ગ્રંથને અંતે પરિશિષ્ટ ૪ તરીકે છપાયું છે. આ બીજા ટિપ્પણમાં પ્રસ્તુત સ્થળનામની સમજૂતી આ પ્રમાણે આપેલી છે- अइवड्डउश्रीमदणहिलपत्तनस्य नामेदम् । પહેલા ટિપ્પણમાં અર્થ તો એ જ છે, પણ આ સ્થળે એનો પાઠ ભ્રષ્ટ જણાય છે— अइवड्डउश्रीमदुव(?)-हिलपत्तनस्य પહેલા ટિપ્પણની રચના ઈ.સ. ૧૪૬૪-૬૫ પહેલાં થઈ છે (‘પઉમચરિઉ’, પુ.૨, પ્રસ્તાવના, પૃ.૨); બીજું ટિપ્પણ અંદાજે એ અરસામાં રચાયું હશે; પણ એનુ નિશ્ચિત રચનાવર્ષ આપી શકાય એવો કોઈ પુરાવો નથી. બંને ટિપ્પણોને આધારે નિઃસંદેહ કહી શકાય કે अइवड्डउ (અને તેનાં પાઠાન્તરો अइवड्डउ અને अइवड्डओ) વડે ઉદ્દિષ્ટ સ્થળનામ એ બીજું કોઈ નહિ, પણ અણહિલવાડ પાટણ છે. ‘પઉમચરિઉ’ના પ્રસ્તુત કડવકમાં સ્વયંભૂ કવિ જુદાં જુદાં સ્થળોની પ્રસિદ્ધ વસ્તુઓ ઉપરાંત કેટલાંક સ્થળોની વિશિષ્ટ લાક્ષણિકતાઓની પણ વાત કરે છે. નહિ તો वाणि सुहासिणी णन्दुरवारी (‘નંદુરબારની સુભાષિતા – સારી રીતે બોલાયેલી – વાણી')નો ઉલ્લેખ બીજી કઈ રીતે સમજાવી શકાય ? अइवड्डउની વ્યુત્પત્તિ સંસ્કૃત अइवृद्ध ઉપરથી સાધી શકાય, અને તેનો શબ્દાર્થ ‘અતિશય વૃદ્ધિ પામેલું – વિશાળ’ એવો થાય. પ્રાચીન સાહિત્યમાં ઉજ્જયિનીનું એક નામ ‘વિશાલા' છે, એના જેવું જ આ નામ ગણાય. અણહિલવાડનાં જે વર્ણનો આપણને જૂના સાહિત્યમાં મળે છે તે ઉપરથી જણાય છે કે એની વસ્તી ઘણી મોટી હતી. કેટલેક સ્થળે અંતે 'નરસમુદ્ર' તરીકે વર્ણવેલ છે. સમકાલીન સાહિત્યગ્રન્થોમાં પણ આ નગરનાં અનેક વર્ણનો મળે છે. હેમચન્દ્રનાં બંને ‘દ્વયાશ્રયકાવ્ય’નાં તથા સોમેશ્વરકૃત ‘કીર્તિકૌમુદી’નાં વર્ણનો આમાં વિશિષ્ટ છે, અને કાવ્યસહજ અતિશયોક્તિઓ અને અલંકારો એમાં હોવા છતાં અભ્યાસીની ઇતિહાસલક્ષી કલ્પનાને ઉત્તેજે એવી વાસ્તવદર્શિતા એમાં અવશ્ય રહેલી છે. अइवड्डउभुजङ्गु वहु-जाणउનો સ્વયંભૂએ કરેલો ઉલ્લેખ વાંચતાં ગુજરાતના એ પાટનગરના સામેશ્વરે કરેલા વર્ણનમાંના નીચેના શ્લોકો (‘કીર્તિ કૌમુદી,’ સર્ગ ૧, શ્લોક ૬૭-૬૮) યાદ આવે છે–
भाति यत्र कपालान्तःसंक्रान्तेन्दुर्वधूजनः ।
राजमुद्रांकित: कोश: कन्दर्पनृपतेरिव ॥
यत्र यत्र प्रसर्पन्ति सलीलं यन्मृगीदृशः ।
दासीव दृष्टिरन्वेति तत्र तत्र विलासिनाम् ॥
‘પઉમચરિઉ’નું वहु-जाणउ પદ શ્લિષ્ટ છે, અને તેનો અર્થ ‘વધૂઓ– યુવતીઓનો જાણ–પરીક્ષક’ એવો પણ થાય છે. અણહિલવાડ પાટણનું ઉક્ત નવું પર્યાય નામ જણાવતો ‘પઉમચરિઉ’નો ઉલ્લેખ બીજી રીતે પણ ઘણો રસપ્રદ છે. ચાવડાઓના રાજ્યનો અંત આવ્યો અને ચૌલુક્ય વંશનો પહેલો રાજા મૂલરાજ ઈ.સ. ૯૪૨માં પાટણની ગાદીએ આવ્યો ત્યાર પછી જ મોટા રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્રરૂપે પાટણનો વિકાસ થયો હતો એવી એક માન્યતા ઇતિહાસકારોમાં પ્રચલિત છે. ડૉ. ભાયાણીએ સ્પષ્ટ રીતે એમ દર્શાવ્યું છે કે 'પઉમચરિઉ’ની રચના ઈ.સ. ૮૪૦ અને ૯૨૦ની વચ્ચે થયેલી છે (ગ્રન્થ ૩, પ્રસ્તાવના, પૃ. ૪૧). સ્વયંભૂ કવિ કર્ણાટકમાં થઈ ગયો. એના મહાકાવ્યમાં એક સુવિખ્યાત નગર अइवड्डउ તરીકે પાટણનો ઉલ્લેખ હોય એ બતાવે છે કે ગુજરાતમાં ચૌલુક્ય રાજવંશની સ્થાપના થઈએ પૂર્વે જ એ નામ પ્રચલિત થયું હતું અને દૂર કર્ણાટક સુધી (સંભવતઃ ભારતના બીજા ભાગોમાં પણ) જાણીતું થયું હતું. વળી તે એમ પણ દર્શાવે છે કે ચાવડાનું રાજ્ય શરૂઆતમાં નાની ઠકરાત જેવું હશે, પણ નિદાન ઉત્તરકાલીન ચાવડાઓના સમય પહેલાં એની રાજ-ધાની ‘અતિવિશાળ’ નગર (अइवड्डउ) રૂપે વિકસી હતી. અર્થાત્ મૂલરાજને ચાવડાઓ પાસેથી જ એક આબાદ નગર મળ્યું હતું, જેની જાહોજલાલી ચૌલુક્યયુગમાં કુમારપાલના સમય સુધી ઉત્તરોત્તર વધતી ગઈ. અંતમાં એક સ્પષ્ટીકરણ જરૂરી છે. અણહિલ પાટણનાં બધાં પર્યાયનામોમાં अइवड्डउ નોંધપાત્ર એ રીતે છે કે બીજાં નામો, ગુજરાતની જનશ્રુતિમાં અમર બનેલ વનરાજ–મિત્ર અણહિલ ભરવાડ સાથે સંબંધ ધરાવે છે (જ્યાં ‘પત્તન’ કે ‘પાટણ' કહેવાય છે ત્યાં પણ એ મૂળ આખા નામનો સંક્ષેપ છે), જ્યારે अइवड्डउ નામ ચાવડાયુગના અંત પહેલાં જ વિકસેલી એ નગરની વિશાળતા અને મહત્તાનુ દ્યોતક છે. ‘અણહિલવાડ’ ઉપરથી अइवड्डउ વાગ્વ્યાપારની દૃષ્ટિએ ભાગ્યે જ વ્યુત્પન્ન થઈ શકે. એટલે अइवड्डउ શબ્દ પરત્વે ઉપર્યુક્ત વિમર્શ સ્વીકારવાથી અણહિલ ભરવાડ વિષેની સદીઓથી ચાલી આવતી અનુશ્રુતિ નિરાધાર ગણવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ‘અણહિલવાડ પત્તન' (કે પટ્ટણ) નામ ઈ. સ. ૭૪૬માં નાનકડા પાટણની સ્થાપના થઈ ત્યારનું છે, જ્યારે अइवड्डउ નામ કાળાન્તરે એ નગરનું મહત્ત્વ વધતાં પ્રચલિત થયું અને કર્ણાટક જેવા દૂરના પ્રદેશોમાં પણ જાણીતું થયું એવું અનુમાન ઉચિત થશે.
[‘બુદ્ધિપ્રકાશ’, માર્ચ ૧૯૬૨]