અન્વેષણા/૩૩. ‘જીમી’ વિષે


‘જીમી’ વિષે



‘બુદ્ધિપ્રકાશ’ના ઑક્ટોબર અને નવેમ્બરના અંકોમાં શ્રી. સરોજિની મહેતા અને શ્રી. રામનારાયણ વિ. પાઠકનાં ‘જીમી’ વિષેનાં ચર્ચાપત્રમાં નીચે પ્રમાણે ઉમેરવાની રજા લઉં છું. ‘રાઈનો પર્વત’માં અંક ૩, પ્ર. ૪માં એક પુરવાસીની ઉક્તિમાં આવતા ‘ઝીમી’ના ઉલ્લેખ ઉપરથી શ્રી. પાઠકે અનુમાન કર્યું છે કે ‘અહીં સન્દર્ભ જોતાં સોગ ન હોવાનો સંભવ છે’ એ ખરું છે. ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર સ્ત્રીઓમાં અત્યારે ‘ઝીમી' પહેરાય છે; ગમે ત્યારે પહેરાય છે; શોકમાં પહેરવાનું એ વસ્ત્ર નથી. મોટે ભાગે યુવાન સ્ત્રીઓ એ પહેરે છે. જેને કોઈ મોટો સાંસારિક શોક આવ્યો ન હોય એવી પ્રૌઢ વયની સ્ત્રીઓ પણ એ ક્વચિત્ પહેરે છે. આસમાની રંગની એ સાડી હોય છે અને એમાં ટીપકીઓ અને મોટો પાલવ હોય છે. ‘ઝીમી’ની વ્યુત્પત્તિ ग्रीष्मમાંથી સાધવાનું સૂચન પણ મને યોગ્ય જણાય છે. આચાર્ય હેમચન્દ્રના ‘પ્રાકૃત વ્યાકરણ’ (૮-૪-૪૧૨) પ્રમાણે સં. ग्रीष्मમાંથી પ્રાકૃત गिम्ह અને એમાંથી અપભ્રંશ गिम्म શબ્દ વ્યુત્પન્ન થાય છે. ‘ઘીમ’, ‘ઝીમ’, ‘ઝમ’ એ બધા ग्रीष्मના તદ્ભવ છે. गिम्हનો ह શબ્દના આદિભાગમાં જતાં ‘ઘીમ’ રૂપ બને છે. શ્રી. રામનારાયણભાઈએ નોંધેલા પ્રયોગોમાં એકાદ-બેનો ઉમેરો કરું: સિદ્ધપુર-પાટણ આસપાસના પ્રદેશમાં હોળીના દિવસોમાં બાળકના જન્મ પછીની પહેલી હોળીએ એની ફોઈ એને આંબાનો મોર વાટીને પાય છે, એને ‘ઝેમ પાવી' કહે છે, અને એ માટે ફોઈને જે સાલ્લો અપાય એને ‘ઝેમનો સાળુ' કહે છે. ‘ઘીમ કરવી’ (એટલે મશ્કરી કરવી) એવો પ્રયોગ મેં સાંભળ્યો છે, એમાં ‘ઘીમ' (ग्रीष्म)નો સંબધ હોળીના દિવસોમાં થતી મશ્કરી સાથે છે. ‘એને ત્યાં છોકરાંની ઘીમ છે' (ઘણાં છોકરાં છે) એવો રૂઢિ પ્રયોગ ભાલમાં છે, એમાં ‘ટોળા’ના અર્થમાં ‘ઘીમ' હોળીના દિવસોમાં ઘેરૈયા તરીકે ફરતાં છોકરાનાં ટોળાં ઉપરથી હશે. વળી નીચેનું નર્મવાક્ય પણ જોવા જેવું છેઃ અહીં ઈમ છે, ત્યાં તિમ છે, અહી છોકરાંની ઘીમ છે, હવે કિમ કરવું?


[‘બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર ૧૯૫૧]