અન્વેષણા/૪ર. વિષ્ટિ


વિષ્ટિ



મારા નાનાભાઈ ચિ. ઉપેન્દ્ર મુખ્યત્વે મહાભારતને આધારે શ્રીકૃષ્ણચરિત્ર તૈયાર કરે છે; તેમાં કૌરવોના દરબારમાં પાંડવો તરફથી સમાધાનની વાટાઘાટ-વિષ્ટિ કરવા માટે શ્રીકૃષ્ણ જાય છે એ પ્રસંગ વર્ણવતું, ‘શાન્તિદૂત’ શીર્ષક નીચેનું પ્રકરણ વાંચતાં ‘વિષ્ટિ' શબ્દ વિષે કેટલીક ચર્ચા થઈ અને આ નોંધ તૈયાર કરવાનું નિમિત્ત મળ્યું. ગુજરાત વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’માં અને ‘ભગવદ્ગોમંડલ’માં ‘વિષ્ટિ’ શબ્દને સંસ્કૃત તત્સમ ગણ્યો છે અને બીજા અર્થો સાથે ‘સમાધાનીની વાટાઘાટ’, ‘સંધિવિગ્રહ કરવામાં કુશળ વકીલનું પ્રેષણ તે’ એવા તેના અર્થો આપ્યા છે. ‘વિષ્ટિકાર’ અને ‘વિષ્ટિપત્ર’ શબ્દોનો સમાવેશ ‘ભગવદ્ગોમંડલ’માં આથી, સ્વાભાવિક રીતે જ, સંસ્કૃત તત્સમ તરીકે છે. મારો પોતાનો અને જેમની સાથે ચર્ચા કરવાનો પ્રસંગ મળ્યો એવા બીજા અનેક સંસ્કૃતજ્ઞ મિત્રોનો પણ એ જ ખ્યાલ હતો, પરંતુ સંસ્કૃત કોશોમાં ‘વિષ્ટિ’નો આ અર્થ છે જ નહિ. વિષ્ટિનો ‘વેઠ–બેગાર’ એ અર્થ મોનિયર વિલિયમ્સ અને આપટેએ આપ્યો છે; એના ઉપર્યુક્ત અર્થ તેમાં નથી. विष् ધાતુનો ‘જવું’ (To go) અર્થ આપટેમાં છે તથા विष्टि નામનો મોકલવું (Sending) प्रेषण અર્થ અનુક્રમે આપટે અને ‘શબ્દકલ્પદ્રુમ’માં છે, એને ‘વિષ્ટિ’ના પ્રસ્તુત અર્થ સાથે કંઈક મળતો ગણી શકાય. ‘સેંટ પિટર્સબર્ગ લેક્સિકોન’ અને ‘વાચસ્પત્ય’માં પણ विष्टि શબ્દ પ્રસ્તુત અર્થમાં નથી. હિન્દી કે મરાઠીમાં ‘વિષ્ટિ’ શબ્દ આ અર્થમાં વપરાતો નથી. મરાઠીમાં એ માટે ‘શિષ્ટાઈ’ શબ્દ છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં, જ્યાં કૃષ્ણવિષ્ટિનો પ્રસંગ સવિસ્તર વર્ણવ્યો છે, ત્યાં विष्टि શબ્દનો મુદ્દલ પ્રયોગ નથી. વિક્રમના સત્તરમા શતકમાં ખંભાતનિવાસી કવિ વિષ્ણુદાસે કરેલા ઉદ્યોગપર્વના ગુજરાતી ભાષાન્તરમાં (ગુજરાતી પદબંધ મહાભારત, ગ્રન્થ ૩, સંપાદક શ્રી. કેશવરામ શાસ્ત્રી, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૩૬) ‘વિષ્ટિ' શબ્દ નથી. આમ હોવા છતાં ‘વિષ્ટિ’નો ઉપર્યુક્ત અર્થ ગુજરાતીમાં વ્યાપક છે—બલકે, સંસ્કૃત અર્થાન્તરોની તુલનાએ આ જ અર્થ ગુજરાતીમાં પ્રચલિત છે. નરસિંહ મહેતાને નામે ચઢેલા ‘સુરતસંગ્રામ'માં ‘વિષ્ટિ'ના અનેક પ્રયોગ છે. જેમકે— લઈ વિષ્ટિનું પત્ર, જાની તું રે તત્ર. (પદ ૧૨) ધિક્ રે વિષ્ટિકાર પેં… બળ દાખે. (પદ ૧૫) શું વિષ્ટિએ આવિયો, કે લઢાઈ લાવિયો. ( પદ ૧૬ ) વિષ્ટિ કરનાર મોકલિયે કોય. (પદ ૨૩) વિષ્ટિએ જાવ તમે જયદેવા. વિકટ બહુ એની વિષ્ટિ સેવા. નીચ એ છે ઘણું કામ વિષ્ટિ તણું. ( પદ ૨૪) તમે લઢો શા ઋણે, વિષ્ટિને કારણે. ( પદ ૨૬ ) વિકળ મનથી થયું, વિષ્ટિ ભૂલી ગયો. દગ ચમકમાં ડૂબિયો વિષ્ટિ કરતાં. બાહર જઈ મૂકિયો, વિષ્ટિ તે ચૂકિયો. ( પદ ૨૮ ) ‘સુરતસંગ્રામ' નરસિંહકૃત નથી, પણ અર્વાચીન રચના છે, એમ શ્રી. કેશવરામ શાસ્ત્રીએ પ્રમાણો આપીને લગભગ નિશ્ચિતપણે બતાવ્યું છે (ગુજરાત સાહિત્ય સભા કાર્યવહી, સને ૧૯૪૨-૪૩; પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને કાવ્યમાળા' એ લેખ, પૃ. ૮૭–૯૫). તોપણ ‘વિષ્ટિ'ના કોઈ પણ સંસ્કૃત અર્થાન્તરની તુલનાએ તેનો આ અર્થ ગુજરાતીએ કેટલો આત્મસાત્ કરેલો છે એ દર્શાવવા માટે તો એમાંનાં અવતરણો ઉપયોગી છે. ઉદ્યોગપર્વમાં વર્ણિત શ્રીકૃષ્ણના સામોપચારનું વસ્તુ લઈને રચાયેલાં સંખ્યાબંધ કાવ્યો જૂના ગુજરાતી સાહિત્યમાં છે, જેનાં નામને અંતે ‘વિષ્ટિ' શબ્દ આવે છે; જેમ કે—ભાલણકૃત ‘કૃષ્ણવિષ્ટિ’, માંડણકૃત ‘પાંડવવિષ્ટિ', નાકરકૃત ‘કૃષ્ણવિષ્ટિ’, ભાઉકૃત ‘પાંડવવિષ્ટિ', અને ફૂઢકૃત ‘પાંડવિષ્ટિ.’ (ભાઉ અને કૂઢની રચનાઓ મુદ્રિત છે; બાકીની હજી અપ્રગટ છે.) આ બતાવે છે કે નિદાન ભાલણ અને માંડણના સમય પૂર્વેથી—વિક્રમના સોળમા સૈકા પહેલાંથી આ પ્રકારનાં કાવ્યોની પરંપરા ચાલી આવે છે. એકમાત્ર શામળભટની ‘અંગદવિષ્ટિ'માં કથાવસ્તુ જુદું છે, પણ રાજકીય સામોપચારની તાત્ત્વિક વાત તો સમાન છે. પ્રાચીન સંસ્કૃત શબ્દકોશમાં તપાસ કરતાં આચાર્યં હેમચન્દ્રના ‘અનેકાર્થકોશ’માં विष्टिના વિવિધ અર્થો પૈકી प्रेषण અર્થ પણ મળે છે — विष्टिः कर्मकरे मूल्ये भद्राऽऽजूप्रेषणेषु च ॥

(‘અનેકાર્થ સંગ્રહ’, ૨. ૧૦૧ अब )

અર્થાત્ કામ કરનાર, મૂલ્ય, ભદ્રા (જ્યોતિષના પારિભાષિક શબ્દ-કરણ ), આજૂ-વેઠ અને પ્રેષણ એટલા અર્થમાં વિષ્ટિ શબ્દ છે. (આમાં ‘મૂલ્ય' અર્થ નોંધપાત્ર છે, કેમકે આજે પણ ગુજરાતમાં કેટલેક સ્થળે યજમાનવૃત્તિ કરનાર બ્રાહ્મણો દક્ષિણાના અર્થમાં ‘વિષ્ટિ’ શબ્દ વાપરે છે; જેમ કે ‘કેટલી વિષ્ટિ મળી?') આપટે વગેરે કેટલાક અર્વાચીન કોશકારોએ ‘વિષ્ટિ’નો ‘પ્રેષણ’ અર્થ હેમચન્દ્રને આધારે આપ્યો હશે એવું અનુમાન થાય છે. સામાન્ય ‘પ્રેષણ’માંથી રાજકાજ માટે પ્રેષણ એવું વિશિષ્ટ અર્થાન્તર સહેલાઈથી નિષ્પન્ન થાય. હેમચન્દ્રના પોતાના સમયમાં-વિક્રમના બારમા સૈકામાં ગુજરાતમાં એ પ્રચલિત હોય એ અશક્ય નથી. બલકે સોળમા સૈકાના ભાલ, માંડણ વગેરે શિષ્ટ કવિઓની સાહિત્યકૃતિઓમાં પૂર્ણ પરિચયની રીતિએ ‘વિષ્ટિ’ શબ્દ આ અર્થમાં પ્રયોજાયો છે એ બતાવે છે કે એનાથી ઠીક ઠીક સમય પૂર્વે લોકબોલીમાં એ સ્થિર બની ચૂકયો હશે. અન્ય પ્રાચીન સંસ્કૃત કોશો કે સાહિત્યમાં વિષ્ટિનો ‘પ્રેષણ’ અર્થ જણાતો નથી અને હેમચન્દ્રના કોશમાં તે છે. એ ઉપરથી અનુમાન થાય છે કે હેમચન્દ્રના સમય પહેલાં નિદાન એકબે સૈકાથી પ્રાચીન ગુર્જર દેશની બોલીમાં અને ગુજરાતના પ્રાદેશિક સંસ્કૃતમાં એનો પ્રયોગ હોવો જોઈએ. ‘વિષ્ટિ' શબ્દનું રૂપ સંસ્કૃત તત્સમ, પણ તેનો આ અર્થ પ્રાદેશિક—ગુજરાતી. એ જ કારણે એ શબ્દને ગુજરાતમાં આપણે સંસ્કૃત તત્સમ ગણતા આવ્યા છીએ—અર્થની દૃષ્ટિએ વસ્તુસ્થિતિ જુદી છે એ લગભગ ધ્યાન બહાર રહ્યું છે. મહાભારતમાં કે પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘વિષ્ટિ'નો આ અર્થ નથી તે એટલું જ બતાવે છે કે સંસ્કૃત એક જીવંત ભાષા હતી, અને એથી જ એનાં પ્રાદેશિક સ્વરૂપો તેમ જ એના શબ્દોનાં નવાં અર્થાન્તરો વિકસ્યે જતાં હતાં.

[‘બુદ્ધિપ્રકાશ’, ફેબ્રુઆરી ૧૯૬૭]