અન્વેષણા/૪૦. किराट ‘વેપારી’


किराट ‘વેપારી’



સને ૧૯૪૭માં ગુજરાતી સાહિત્ય પરિષદ માટે ‘પંચતંત્ર'નું સંપાદન અને ભાષાન્તર, એ સમયના પરિષદપ્રમુખ સ્વ. રામનારાયણ વિ. પાઠકની સૂચનાથી, હું કરતો હતો ત્યારે પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર’માં વેપારીઓની રીત વર્ણવતો, નીચેનો શ્લોક વાંચવામાં આવ્યો : पूर्णापूर्णे माने परिचितजनवञ्चन तथा नित्यम् । मिथ्याक्रयस्य कथनं निजधर्मेऽय किरातानाम् ॥

(બામ્બે સંસ્કૃત સિરીઝની વાચના, તંત્ર ૧, શ્લોક ૧૭)

‘પંચતંત્ર’ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અનુવાદોમાં આ શ્લોકનો અર્થ નીચેના આશયનો આપવામાં આવ્યો હતો –‘ઓછાંવત્તાં માપ ભરીને પરિચિત જનોને નિત્ય છેતરવાં અને માલની ખોટી કિંમત કહેવી એ કિરાતોનો નિજધર્મ છે.' વળી બધા અનુવાદકો અને ટિપ્પણકારોએ આ શ્લોકમાંના किरात શબ્દનો અર્થ ‘એક આદિવાસી જાતિ (કિરાત)' એવો આપ્યો હતો. કિરાતો કોઈ કાળે લૂંટફાટનો ધંધો કરતા હશે એમ ગણીને આ શબ્દપ્રયોગમાંથી તાણીતૂશીને કંઈ અર્થ કાઢી શકાય, પણ એ અર્થ સંતોષકારક નથી. ‘પંચતંત્ર’ના મારા અનુવાદમાં પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર'નું ભાષાન્તર આપવા ઉપરાંત ‘પંચતંત્ર'ની બીજી મૌલિક પાઠપરંપરાઓ સાથે એની તુલના કરી હતી તથા બીજી પાઠપરંપરાઓમાંની વધારાની કથાઓ પણ આપી હતી. આ માટે મળી તેટલી મુદ્રિત વાચનાઓ ઉપરાંત કેટલીક હસ્તપ્રતો પણ તપાસી હતી. પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર’ની, મુનિશ્રી પુણ્યવિજયજી પાસેની સં. ૧૫૩૨માં લખાયેલી એક પ્રતમાં ઉપર્યુક્ત શ્લોકનો પાઠ આ પ્રમાણે છેઃ

पूर्णा पूर्ण माने परिचितजनवञ्चन तथा नित्यम् । मिथ्याकयस्य कथनं निजधर्मोऽयं किराटानाम् ॥ અર્થાત્ બૉમ્બે સંસ્કૃત સિરીઝની વાચનામાંના किरात શબ્દને સ્થાને અહીં किराट છે. પણ किराट શબ્દનો અર્થ શો? પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમન્દિરમાંની એ જ ગ્રન્થની સં.૧૫૭૫માં લખાયેલી હસ્તપ્રતમાં એ શ્લોક નીચે પ્રમાણે છે : पूर्णापूर्णो माने परिचितजनवञ्चनं तथा नित्यम् । मिथ्याक्रयस्य कथनं प्रकृतिरियं स्याद्वणिजानाम् ॥ અહીં ‘કિરાટ’ને સ્થાને ‘વણિક’ને મૂકયો છે. એ બતાવે છે કે એ બન્ને શબ્દો પર્યાયવાચી છે. ‘કિરાટ’નો આ જ અર્થ સન્દર્ભમાં પણ બંધ બેસે છે. ‘પંચતંત્ર'ની મૌલિક પાઠપરંપરાઓમાંથી સૌથી અર્વાચીન ‘પંચાખ્યાન’ (ઈ.સ.૧૧૯૯)ના કર્તા પૂર્ણભદ્રે આ શ્લોકનો પાઠ નીચે મુજબ આપ્યો છેઃ पूर्णा माने परिचितजनवञ्चनं तथा नित्यम् । मिथ्याक्रयस्य कथनं स्वभावरूपं किराटानाम् ॥ આમ પૂર્ણભદ્રે किरात નહિ, પણ किराट શબ્દ સ્વીકારેલો છે. એક બ્રાહ્મણ વિદ્વાન યશોધરે ઘણું કરીને સોળમા શતકમાં ‘પંચતંત્ર’નો ગુજરાતી ગદ્યાનુવાદ કરેલો છે, જે વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગની ‘પ્રાચીન ગુર્જર ગ્રન્થમાળા’માં હમણાં છપાય છે. એમાં પ્રસ્તુત શ્લોકનો પાઠ તથા એનો અનુવાદ નીચે મુજબ છેઃ पूर्णापूर्णे माने परिचितजनवञ्चनं तथा नित्यम् । मिथ्याक्रयस्य कथनं निजधर्मोऽयं किराटकानाम् ॥ पूरु ल्ये अनइ ओछूं आपे. ओलर्षितानिं षोटुं आपे. जुठु मूल कहे. ए महाजननु निजधर्म.

યશેાધરને મન किराट એટલે ‘મહાજન ’ અર્થાત્ વણિક છે. હવે, સંસ્કૃત-પ્રાકૃતાદિ સાહિત્યમાં આ શબ્દના પ્રયોગ વિષે જોઈએ. ‘ભાગવતપુરાણ’માં આપેલા. ભવિષ્યકથનમાં બરાબર આ અર્થમાં किराटનો પ્રયોગ છે: पणयिष्यन्ति वै क्षुद्राः किराटा कूटकारिणः । अनापद्यपि मस्यन्ते वार्तां साधुजुगुप्सिताम् ॥

(સ્કન્ધ ૧૨, અધ્યાય ૩, શ્લોક ૩૫)

મૉનિયર વિલિયમ્સે પોતાના ‘સંસ્કૃત-અંગ્રેજી શબ્દકોશ'માં ‘ભાગવત’ના આ શ્લોકનો નિર્દેશ કર્યો છે, પણ શબ્દ किराटને બદલે किरीट આપ્યો છે! ઘણું કરીને મૉનિયર વિલિયમ્સને અનુસરીને આપટેએ પણ ‘સંસ્કૃત-અંગ્રેજીકોશ’માં ‘વેપારી’ના અર્થમાં, किरीट શબ્દ આપ્યો છે! પરન્તુ ‘ભાગવત’ના ટીકાકારો શ્રીધરસ્વામી, વીરરાઘવાચાર્ય, વિશ્વનાથ ચક્રવર્તી અને શુકદેવે આ સ્થળે किराटाः પાઠ સ્વીકાર્યો છે, એટલું જ નહિ પણ किराटा वणिजः એવો સ્પષ્ટ અર્થ આપ્યો છે એ નોંધપાત્ર છે. જૈન આગમગ્રન્થ ‘સૂત્રકૃતાંગસૂત્ર'ના, વિક્રમના આઠમા સૈકામાં થયેલા ટીકાકાર શીલાંકદેવે એક રસપ્રદ હકીકત નોંધી છે, જે किराट શબ્દના પ્રયોગ તેમજ અર્થનિર્ણય પરત્વે બહુ ઉપયોગી છે. તેઓ કહે છે કે જેનો જે દોષ હોય તેને અનુસરીને તેને બોલાવવામાં આવે, એમાં વણિકને किराट કહેવામાં આવે છે : ब्राह्मणं डोडमिति ब्रूयात्तथा वणिजं किराटमिति शूद्रमाभीरं श्वपाकं चाण्डालमित्यादि तथा कारणं काणमिति तथा खञ्जं कुब्जं चडभमित्यादि यो यस्य दोषस्तं तेन खरपरुषं ब्रूयात् यः स जगदर्थभाषी ।

(આગમોદય સમિતિની આવૃત્તિ, પત્ર ૨૩૪)

ઈસવી સનના દસમા શતકમાં થયેલા અપભ્રંશ મહાકવિ પુષ્પદંતે પોતાના ‘મહાપુરાણ’માં પ્રસ્તુત શબ્દનો વિસ્તારુ રૂપે પ્રયોગ કર્યો છે: णरवइहिँ णारि-रयणाइं होन्ति, किं कहिँ मि किराडहँ भवगि जन्ति ॥

(સંધિ ૯૯, કડી ૭, પં. ૧)

અને અર્થની સમજૂતી આપતાં સંસ્કૃત ટિપ્પણકાર લખે છેઃ किराडहँ भवणि —वणिग्गृहे. ઈસવી સનના અગિયારમા શતકના આરંભમાં જિનેશ્વરસૂરિએ રચેલા પ્રાકૃત કથાગ્રન્થ ‘કથાકોકોશ પ્રકરણ’માંની એક કથામાં જુઓ: विरुदत्तो उप्पिं ठितो भणइ-अरे किराड ! कीस मुहा मच्चुं पत्थेसि? न किंचि भणियं सेट्ठिणा । (સિંધી સિરીઝની આવૃત્તિ, પૃ. ૧ર૧, પં. ૧૧-૧૨) “વિષ્ણુદત્ત ઉપર ઊભો રહીને કહે છે— ‘અરે કિરાટ! નાહક શા માટે મૃત્યુને ઇચ્છે છે?’ શ્રેષ્ઠી કંઈ બોલ્યો નહિ” અહીં શ્રેષ્ઠી અથવા શેઠને ‘કિરાટ’ કહેવામાં આવ્યો છે એ વસ્તુ એના અર્થ ઉપર પ્રકાશ પાડે છે. ઈસવી સનના બારમા શતકમાં કાશ્મીરનું ઇતિહાસકાવ્ય ‘રાજતરંગિણી’ રચનાર કવિ કહ્લણે વણિકોના કપટનું વર્ણન કરતાં किराट શબ્દનો પ્રયોગ કર્યો છે चन्दनाङ्कालिके श्वतांशुके धूपाधिवासिनि । विश्वस्तः स्यात् किराटे यो विप्रकृष्टेऽस्य नापदः ॥ ललाटदक्क्षत्रश्रोत्रद्वन्द्वहृद्ग्रस्तचन्दनः । षड्बिन्दु वृश्चिक इव क्षणात प्राणान्तकृद्वणिक् II(૮.૧૩૨-૩૩)

‘કપાળ ઉપર ચંદનની અર્ચા કરનાર, શ્વેત વસ્ત્ર પહેરનાર અને સુવાસિત શરીરવાળા કિરાટનો-વણિકનો*[1] જે વિશ્વાસ રાખે છે તેનાથી આપત્તિઓ દૂર રહેતી નથી. કપાળ, બે પોપચાં, બે કાન અને છાતીએ (એમ છ સ્થળે) ચન્દનની અર્ચા કરનાર વણિક ષડ્બિન્દુ વૃશ્ચિકની જેમ ક્ષણવારમાં પ્રાણ હરે છે. ’ કહ્લણને મતે ‘કિરાટ’ અને ‘વણિક’ની એકાર્થકતા સ્પષ્ટ છે. સંસ્કૃત ‘વસ્તુપાલચરિત્ર’ (ઈ.સ. ૧૪૪૧) લખનાર જિનહર્ષગણિ પણ વિરાટ શબ્દ ‘વણિક' અર્થમાં પ્રયોજે છે. લાટરાજ શંખ અને ધોળકાના રાણા વીરધવલના વણિક મંત્રી વસ્તુપાલનો પત્ર વાંચીને એ પત્ર લાવનાર ભટ્ટને શંખ કહે છેઃ निजोचितमुवाचैषः किराटकुलपांसनः । वाचो वंशानुसारेण यत् स्फुरन्ति शरीरिणाम् ||

(પ્રસ્તાવ ૪, શ્લો. ૧૪૦)

‘કિરાટકુળ – વણિકકુળને કલંક લગાડનાર આ વસ્તુપાલે પોતાને યોગ્ય વચન કહ્યું છે, કેમકે મનુષ્યોને પોતાના વંશને અનુસરતી વાણી જ સ્ફુરે છે.’ किराट શબ્દનો અર્થ ‘વણિક' છે એ આમ નિશ્ચિત પ્રમાણોથી સિદ્ધ થાય છે. એ શબ્દ પ્રશંસાત્મક રીતે નહિ, પણ ઘણુંખરું કુત્સિત અર્થચ્છાયામાં વપરાયો છે. किरातના તનું મૂર્ધન્યીકરણ થતાં किराट વ્યુત્પન્ન થયો છે એમાં શંકા નથી, પરંતુ એની સાથોસાથ ઉદ્ભવેલો અર્થફેર પણ એક પ્રકારના સાદૃશ્યનું પરિણામ જણાય છે. કિરાત જેવી જંગલી જાતિનું ચૌરકર્મ અને વેપારીઓની છેતરપિંડી વચ્ચેના સામ્યને પરિણામે આ અર્થસંક્રાન્તિ નિષ્પન્ન થઈ હશે.

[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૬૨]


  1. * ‘રાજતરંગિણી’નો River of kings એ નામથી અંગ્રેજી અનુવાદ કરનાર શ્રી. રણજિત પંડિત ‘કિરાટ’નો અનુવાદ ‘કિરાત' કરે છે અને ‘વિન્ધ્ય પર્વત અને રાજપુતાનામાં રહેતી એક આદિવાસી જાતિ-ભીલ' એવો તેનો અર્થ આપે છે, તે સન્દર્ભમાં બંધબેસતો નથી. [‘પરબ’, સપ્ટેમ્બર ૧૯૬૦]