અન્વેષણા/૪૧. શ્વેતભિક્ષુ


શ્વેતભિક્ષુ



‘પંચતંત્ર' (Textus Simplicior—પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર', બૉમ્બે સંસ્કૃત સિરીઝની વાચના), તંત્ર ૩, શ્લોક ૭૬ નીચે પ્રમાણે છે: नराणां नापितो धूर्तः पक्षिणां वायसस्तथा । दष्ट्रिणां च शृगालस्तु श्वेतभिक्षुस्तपस्विनाम् ॥ (અર્થાત્ મનુષ્યોમાં વાળંદ, પક્ષીઓમાં કાગડો, દાઢવાળાં પ્રાણીઓમાં શિયાળ અને તપસ્વીઓમાં श्वेतभिक्षु ધૂર્ત હોય છે.) ‘પંચતંત્ર’ના લગભગ બધા અનુવાદકોએ श्वेतभिक्षुનો અર્થ ‘શ્વેતાંબર જૈન સાધુ' કર્યો છે. કેટલાંક વર્ષ પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદ માટે, તમામ પ્રાચીન પાઠપરંપરાઓને લગતાં તુલનાત્મક ટિપ્પણો અને વિસ્તૃત ઉપોદ્ઘાત સહિત, ‘પંચતંત્ર’નું ભાષાન્તર હું કરતો હતો તે વખતે મને લાગ્યું હતું કે श्वेतभिक्षुનો ખરો અર્થ આવો ન હોઈ શકે. પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર' પ્રાયઃ જૈનકૃત પાઠપરંપરા છે એ વસ્તુ ઉપોદ્ઘાત (પૃ. ૨૬-૨૯)માં હું બતાવી શકયો હતો, અને એમાં શ્વેતાંબર સાધુ વિષેનો આવો ઘસાતો ઉલ્લેખ પ્રવેશ પામે એમ માનવું મુશ્કેલ હતું. આ જ શ્લોક નજીવા પાઠફેર સાથે, પૂર્ણભદ્રકૃત ‘પંચાખ્યાન’માં Textus Ornatior, હાર્વર્ડ ઓરિયેન્ટલ સિરીઝ)તંત્ર ૩,શ્લોક ૬૬ તરીકે જોયો, તેથી મારા અનુમાનને સમર્થન મળતું લાગ્યું— नराणां नापितो धूर्तः पक्षिणां चैव वायसः । चतुष्पदां शृगालस्तु श्वेतभिक्षुस्तपस्विनाम् ॥ પૂર્ણભદ્ર એ ખરતર ગચ્છના જૈન સાધુ હોઈ જિનપતિસૂરિના શિષ્ય હતા. ‘પંચતંત્ર’નું તેમણે કરેલું રૂપાન્તર ‘પંચાખ્યાન’ સં. ૧૨૫૫ (ઈ.સ. ૧૧૯૯)માં રચાયું હતું. તો પછી श्वेतभिक्षु શબ્દનો અર્થ શો? ‘પંચાખ્યાન’ની શબ્દસૂચિમાં તેના સંપાદક ડૉ. હર્ટલે ટાંકેલા ડૉ. યાકોબીના મત અનુસાર હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત ગદ્ય મહાકથા ‘સમરાઇચ્ચ કહા'માં (ઈ. સ.નો આઠમો સૈકો) पंडरभिक्खु (સં. पाण्डुरभिक्षु)નો ઉલ્લેખ આવે છે, તે આ श्वेतभिक्षु છે. ડૉ. યાકાબીનો મત ઉપર્યુક્ત શબ્દસૂચિમાં ડૉ. હર્ટલે અંગત પત્રવ્યવહારમાંથી ટાંક્યો હોય એમ જણાય છે. ‘સમરાઇચ્ચ કહા’નો ચોક્કસ સ્થળનિર્દેશ ત્યાં કરી શકાય એમ ન હતું, કેમકે પંચાખ્યાન’નું પ્રકાશન સને ૧૯૦૮માં થયું હતું, જ્યારે ‘સમરાઇચ્ચ કહા’નું યાકોબીનું સંપાદન (બિબ્લિયોથેકા ઇન્ડિકા, નં. ૧૬૯) ૧૯૨૬માં પ્રગટ થયું હતું. સ્પષ્ટ છે કે श्वेतभिक्षु અને पंडरभिक्खु (સં. पाण्डुरभिक्षु) એ પર્યાય શબ્દો છે. ‘સમરાઇચ્ચે કહા’માં पंडरभिक्खुનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે— दिट्ठो य ण पिवयंसओ नागदेवो नाम पांडरभिक्खू बन्दिओ सविणयं ।कहवि पञ्चभिन्नाओ भिक्खुणा । (પૃ. ૫૫૨ ) ભિક્ષુઓના આ વર્ગ વિષે કેટલીક વિગતો પણ ત્યાંથી મળે છે— नागदेवेण भणियं । वच्छ, इमं चेव भिक्खुत्तणं पडिस्सुयमणेण । साहिओ से गोरसपरिवज्जणाइओ निययकिरियाकलावो । परिणओ य एयस्स | अइक्कन्ता कइवि दियहा । दिन्ना य से दिक्खा । करेइ विहियाणुट्टाणं । (પૃ. ૧૫૩) પ્રથમ અવતરણમાં ઉલ્લિખિત નાગદેવે જેને पंडरभिक्खु તરીકે દીક્ષા આપી એ ભિક્ષુ પોતાની પૂર્વાશ્રમની વાગ્દત્તાને મળે છે એ પ્રસંગ વર્ણવતાં આગળ કહેવામાં આવ્યું છે— वियलिओ झाणासओ उल्लसिओ सिणोहो । 'समासस समासस'त्ति अब्भुक्खिआ कमण्डलुपाणिएअं । (પૃ. ૫૫૪) આ અવતરણો બતાવે છે કે આ ભિક્ષુઓના ક્રિયાકલાપમાં ગોરસ આદિનો ત્યાગ કરવાનો સમાવેશ થતો હતો તથા તેઓ પાણી ભરેલ કમંડલુ પોતાની સાથે રાખતા હતા. શ્વેતાંબર સાધુઓની ચર્યા સાથે આ વર્ણનનો મેળ બેસતો નથી. જૈન છેદસૂત્ર ‘નિશીથ સૂત્ર' ઉપરની ચૂર્ણિ (ઈ.સ.નો ૭મો સૈકો) સ્પષ્ટ નિર્દેશ કરે છે કે पंडरभिक्खु એ ‘ગોશાલશિષ્યો’ હતા અર્થાત્ આજીવક સંપ્રદાયના મહાવીર-સમકાલીન અગ્રણી ગોશાલ કે ગોશાલકના અનુયાયી હતા— आजीवणा गोसालसिस्सा पंडरमिक्खुआ वि भण्णंति । (વિજયપ્રેમસૂરિની આવૃત્તિ, ગ્રન્થ ૪, પૃ. ૮૬૫) જૈન આગમસાહિત્યમાં पंडरंग (સં. पांण्डुराङ्ग ‘સફેદ અંગવાળો') શબ્દ पंडरमिक्खुના પર્યાય તરીકે પણ વપરાયેલો છે, ‘અનુયોગદ્વાર સૂત્ર’ (સૂત્ર નં. ૨૮૮, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની આવૃત્તિ)માં જુઓ— से किं तं पासंडनामे ? २ पंचविहे पण्णत्ते । तं जहासमणए पंडरंगए भिक्खू कावालियए तावसए । *[1]

‘અનુયોગદ્વાર સૂત્ર’ના ટીકાકાર મલધારી હેમચન્દ્ર આ સૂત્ર સમજાવતાં આજીવકોનો સમાવેશ શ્રમણોમાં કરે છે અને ઉમેરે છે કે ‘પાંડુરંગ’ વગેરે ભિક્ષુઓ બીજા ‘પાષંડ’ અર્થાત્ અજૈન મતના અનુયાયીઓ છે— अत्र 'निग्गंथ सक्क तावस गेरुय आजीव पंचहा समगा' इति वचनाद् निर्ग्रन्थादिपञ्चपाषण्डान्याश्रितः श्रमण उच्यते । एवं नैयायिकादिपाषण्डमाश्रिताः पाण्डुरंगादयो भावनीयाः ।

(દેવચંદ લાલભાઈની આવૃત્તિ, પત્ર ૧૪૬)

મલધારી હેમચન્દ્રે પોતાની ટીકા ઈસવી સનના બારમા સૈકામાં રચી છે. પ્રાચીનતર ‘પાષંડો’ વિષેની કેટલીક પરંપરાઓ તેમના સમય સુધીમાં ભૂંસાઈ ગઈ હશે અને ગેાશાલકના અનુયાયી આજીવકો તો ભાગ્યે ક્યાંય જોવા મળતા હશે; સંભવ છે કે पंडरंग શબ્દની સમજૂતી આપવામાં મલધારી હેમચન્દ્રની કંઈક સમજફેર થઈ હોય; પણ આપણી ચર્ચા માટે પ્રસ્તુત વસ્તુ એ છે કે તેમણે पंडरंगને ‘પાષંડ’ અથવા અજૈન ગણ્યો છે. જૈન આગમગ્રન્થો પૈકી ‘ઓઘનિર્યુક્તિ'ના ભાષ્ય(ગાથા ' ૧૦૭)માં પણ पंडरंगનો પ્રયોગ મળે છે. જૈન સાધુ ચાતુર્માસ ગાળવા માટે કોઈ ગ્રામ-નગરમાં પ્રવેશે ત્યાં થતા અપશુકનનું ફળ વર્ણવતાં ગ્રન્થકાર લખે છે- चक्कयरंमि भमाडो, भुक्खामारो य पंडुरंगंमि । तच्चन्निअ रुहिरपडनं बोडिअमसिए धुवं मरणं ॥ “ચક્રધર ભિક્ષુ સામો મળે તો (ચાતુર્માસમાં) રખડવું પડે; પંડુરંગ ભિક્ષુ મળે તો ભૂખમરો વેઠવો પડે; બૌદ્ધ ભિક્ષુ મળે તો રક્તપાત સહન કરવો પડે; દિગંબર અને અસિત ભિન્ન મળે તો નક્કી મરણ થાય.” વળી નોંધપાત્ર વસ્તુ એ છે કે પાલિ સાહિત્યમાં પણ पंडरंग-परिव्वाजकના ઉલ્લેખો મળે છે, અને श्वेतभिक्षु એ શ્વેતાંબર જૈન સાધુ નથી એ પ્રતિપાદનનું તે દ્વારા સબળ સમર્થન થાય છે. *[2] . ‘દીપવંસ’ (૭.૩૫)માં કહ્યું છે કે સાચા બૌદ્ધોનો સત્કાર થયો ત્યારે पंडरंगનું માન ક્ષીણ થયું— पहीन-लाभ-सक्कारा तित्थिया पुथु-लद्धिका । पण्डरङ्गा जटिला च निगण्ठाऽचेलकादिका ॥ “વિવિધ પ્રકારની વિચારસરણી ધરાવનારા જે (પર) તિર્થિકોનો લાભ અને સત્કાર ક્ષીણ થઈ ગયો તેમાં પંડરંગો, જટિલો(જટા રાખનારા), નિર્ગ્રન્થો અને અચેલકો આદિ હતા.” ‘વિનયપિટક'ની ટીકા ‘સમન્ત-પાસાદિકા' સ્પષ્ટ રીતે ઉમેરે છે કે पंडरंग પરિવ્રાજકો બ્રાહ્મણ પરંપરાના હતા— ब्राह्मणानं च ब्राह्मण-जातीय पासंण्डानं च पंडरंग-परिव्वाजकादीनं

(‘સમન્તપાસદિકા' ૧--૪૪, કોસંબી-સંપાદિત ‘બાહિર-નિદાન-વણ્ણના,’ પૃ. ૪૧ ).

વળી ‘સમન્ત-પાસાદિકા'ની એક ટીકા ‘સારત્થ-દીપની’ (સિંહાલીઝ આવૃત્તિ, પૃ. ૧૦૬) ઉપર્યુક્ત વાક્યખંડની સમજૂતી આપતાં લખે છે— ब्राह्मणानं ति पंडरग-परिब्बाजकादिभावं नूपगते दस्सेति. पंडरंग-परिब्बाजकादयो च ब्राह्मणजातिमंतो नि आह-ब्राह्मण- जातीय-पासण्डानं ति. एत्थ पन दिट्टि-पासण्डादीनं ओड्डनतो पंडरंगादयोऽव पासण्डा ति वृत्तम्. ‘બ્રાહ્મણો એટલે (કર્તાના મત મુજબ) જે પંડરંગ પ્રકારના પરિવ્રાજકો નથી બન્યા તેઓ. પણ પંડરંગ પરિવ્રાજકો બ્રાહ્મણ જાતિના છે એ સમજાવવા માટે ब्राह्मण- जातीय पासण्डानं એવો પ્રયોગ છે. અહીં પંડરંગ આદિને પાષંડ કહ્યા છે, કેમ કે તેઓ પોતાને માટે પાષંડની જાળ બિછાવે છે.”

‘ધમ્મપદ-અટ્ઠકથા’ (૪, પૃ. ૮)માં કહ્યું છે— पंडरंग-पब्बज्जं पब्बजित्वा અર્થાત્ “પંડરંગપ્રવજ્યાની દીક્ષા લઈને” આ ચર્ચા ઉપરથી જણાશે કે ‘પંચતંત્ર’ ૩–૭૬માંના श्वेतभिक्षु શબ્દનો અર્થ ‘શ્વેતાંબર જૈન સાધુ’ થઈ શકે એમ નથી. श्वेतभिक्षु કોઈ અજૈન સંપ્રદાયનો ભિક્ષુ હતો અને તેને पंडरभिक्खु पंडरंग તથા पंडरंग-परिब्बाजक પણ કહેવામાં આવ્યો છે. બૌદ્ધ ગ્રન્થ ‘સમન્ત-પાસાદિકા’ની સારત્થ–દીપની ટીકામાં पंडरंगને ‘બ્રાહ્મણજાતીય પાસંડ' કહ્યો છે, જ્યારે ‘નિશીથચૂર્ણિ’ જેવા પ્રાચીન જૈન ગ્રન્થમાં पंडरंगને આજીવકથી અભિન્ન ગણ્યો છે. પરંતુ સંશેાધનનો એ એક જુદો મુદ્દો છે, અને ‘બ્રાહ્મણજાતીય પાસંડ’ કે આજીવક પરંપરા સાથે पंडरंग- श्वेतभिक्षुની અભિન્નતા પુરવાર કરવા માટે હજી વિશેષ પ્રમાણોની અપેક્ષા રહે છે.


  1. * ‘અનુયોગદ્વાર સૂત્ર'ની ચૂર્ણિમાં पंडरंगનો પર્યાય ससरक्ख (સ. सज्जस्क ‘ધૂળવાળો') આપ્યો છે. મુનિશ્રી કલ્યાણવિજયજીએ પોતાના હિન્દી પુસ્તક ‘શ્રમણ ભગવાન મહાવીર' (પૃ. ૨૮૧)માં એક એવું અનુમાન કર્યું. છે કે આજીવકો ઘણું કરીને નગ્ન ભિક્ષુઓ — નાગા બાવાઓ હતા; ઠંડીથી બચવા માટે તેઓ પોતાના શરીર ઉપર ભસ્મ અથવા કોઈ પ્રકારની સફેદ ધૂળ ચોળતા; કદાચ એ કારણે તેઓ पंडरंग અથવા ससरक्ख કહેવાયા હશે.
  2. પાલિ સાહિત્યમાંના ઉલ્લેખો પ્રત્યે મારું ધ્યાન ખેંચવા માટે પ્રો. પી. વી, બાપટનો હું હાર્દિક આભાર માનું છું.

[‘સ્વાધ્યાય’, ફેબ્રુઆરી ૧૯૬૭]