અન્વેષણા/૭. ચૈત્યો અને વિહારો


ચૈત્યો અને વિહારો



ભગવાન ગૌતમ બુદ્ધ અને તેમણે સ્થાપેલો બૌદ્ધ ધર્મ એ ભારતનું એક મહાન સાંસ્કારિક બળ હતું અને કાળાન્તરે એ બળ સારાયે એશિયામાં અને ત્યાર પછી વિશ્વભરમાં પ્રસર્યું હતું. બુદ્ધના ઉપદેશોને, સ્વાભાવિક રીતે જ, સૌ પહેલાં ભારતમાં આવકાર મળ્યો અને ભારતમાં એનો બહોળો પ્રચાર થયો. તત્કાલીન સમાજની પરિસ્થિતિ આવા કોઈ સામાજિક પરિવર્તન માટે અનુકૂળ હતી અને બુદ્ધના જીવનકાળમાં જ એમને બહોળો ઉપાસક વર્ગ મળ્યો અને સુવ્યવસ્થિત શ્રમણ સંઘોની સ્થાપના થઈ. ઈ. સ. પૂર્વે ૨૫૫માં અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો તે પછી આશ્ચર્યજનક ઝડપથી, પણ તદ્દન શાન્તિમય માર્ગોએ એશિયાના સર્વ દેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાયો. કલા પર અસર ભારતમાં થયેલા આ ધાર્મિક પરિવર્તનની અસર કલા ઉપર થઈ અને બૌદ્ધ ધર્મ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પોતાના ઉપદેશો, માન્યતાઓ અને આચારો સ્થાપત્ય અને શિલ્પનાં સ્વરૂપો અને સંકેતો દ્વારા તેણે રજૂ કર્યાં. પ્રારંભિક બૌદ્ધ ધર્મ જેને સામાન્ય રીતે ‘હીનયાન’ તરીકે ઓળખવામાં આવે છે તેમાં મૂર્તિપૂજા વિહિત નહોતી, પણ બુદ્ધ અને તેમના શિષ્યોના પવિત્ર અવશેષોની પૂજા સર્વસંમત હતી. એવા અવશેષો ઉપર ચણેલાં સ્થાપત્યો તે સ્તૂપ. ‘સ્તૂપ’ શબ્દ પ્રાકૃત ‘થૂપ’ કે ‘થૂભ’ શબ્દનું સંસ્કૃતીકરણ છે. બુદ્ધ પૂર્વેના ભારતમાં પણ સ્તૂપ અપરિચિત નહોતા, પણ બૌદ્ધ સંઘની ધાર્મિક અપેક્ષાઓએ સ્થાપત્યકલાના આ પ્રકારને ઘણો વ્યાપક બનાવ્યો અને ભારતના સર્વે પ્રદેશોમાં વૈવિધ્યપૂર્ણ શિલ્પકલાથી સુશોભિત નાના મોટા સ્તૂપો રચાયા. એના અવશેષો આજ સુધી મળે છે. આ લોકસંમત કલારૂપ દ્વારા સારાયે એશિયાખંડને બૌદ્ધ ધર્મ, એની કલા અને કલાપ્રતીકો મળવામાં ભારે સહાય થઈ. બૌદ્ધ ધર્મની સાથોસાથ વિકસેલા જૈન ધર્મે પણ આ સ્તૂપ-સ્થાપત્ય સ્વીકાર્યું; મથુરાનો ‘દેવનિર્મિત’ જૈન સ્તૂપ ઇતિહાસરસિકોમાં પ્રસિદ્ધ છે, તોપણ તુલનાએ જોઈએ તો સ્તૂપનિર્માણ એ બૌદ્ધ ધર્મ અને કલાની એક નોંધપાત્ર ખાસિયત બની ગઈ. એની આસપાસ ચૈત્યો અને વિહારો ઉદ્ભવ્યા. આ સ્તૂપો, ચૈત્યો અને વિહારોનુ નિર્માણ ઈંટો અને પથ્થરથી થયું. તે સાથે પહાડોમાં કોરેલાં ગુફામન્દિરો દ્વારા પણ થયું. આવાં ગુફામન્દિરોનું બૌદ્ધની જેમ જૈન અને બ્રાહ્મણ સંપ્રદાયમાં પણ નિર્માણ થયું. ઓરિસામાં કલિંગ–ચક્રવર્તી જૈન રાજા ખારવેલના શિલાલેખવાળી ઉદયગિરિ-ખંડગિરિની ગુફાઓ અને ઇલોરાનાં ગુફામન્દિરો એના સૌથી પ્રસિદ્ધ નમૂનાઓ છે. પણ આવાં ગુન્ફ્રામન્દિરો બૌદ્ધ સંપ્રદાયને આશ્રયે મુકાબલે મોટી સંખ્યામાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં બન્યાં હોય એમ જણાય છે. આ ગુફ્રાસ્થાપત્યનું નિર્માણ લાંબા સમય સુધી ચાલુ રહ્યું હતું. એના સર્વપ્રથમ પ્રાપ્ત નમૂનાઓ ઈ. સ. પૂર્વે ત્રીજી સદીના છે. ઈસવીસનની આખીયે પહેલી સહસ્ત્રાબ્દી દરમિયાન એ સ્થાપત્ય ચાલુ રહ્યું હતું. બૌદ્ધ ધર્મને અનુલક્ષીને કહીએ તો, આ ગુફાસ્થાપત્યના બે સ્પષ્ટ વિભાગો પડી જાય છે. પહેલો હીનયાન યુગ ઈ. સ. પૂર્વે ત્રીજી સદીથી શરૂ થઈ ઈસવીસનની બીજી સદી સુધી અર્થાત્ લગભગ ચારસો વર્ષ સુધી ચાલે છે. પછીની લગભગ ત્રણ સદી સુધી આ સ્થાપત્યપ્રવૃત્તિ કંઈક શિથિલ પડેલી જણાય છે. પાંચમી સદી આસપાસ એનુ પુનર્જીવન થાય છે તથા એનું સૌથી સમૃદ્ધ, બલવાન અને વૈવિધ્યપૂર્ણ રૂપ અવતાર પામે છે. એને આપણે મહાયાન યુગનુ સ્થાપત્ય કહી શકીએ. એનો સૌથી જાણીતો નમૂનો તે અજંટાની જગપ્રસિદ્ધ ગુફાઓ છે. હીનયાન સંપ્રદાયનાં ગુફામન્દિરો મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં આવેલા છે. નાસિક શહેરને કેન્દ્ર તરીકે લઈએ તો એની આસપાસ આશરે ૨૦૦ માઈલની ત્રિજ્યામાં એમાંનાં ઘણાં આવી જાય. આ ગુફામન્દિરો જેમને મઠ નામ પણ આપી શકાય, એના બે સ્પષ્ટ વિભાગ હોય છે–એક ચૈત્ય અને બીજો વિહારચૈત્ય. એટલે પ્રાર્થના કે ઉપાસના કરવાનું સ્થાન. આ પ્રાર્થના કે ઉપાસના બૌદ્ધ શ્રમણ- સંઘની વ્યવસ્થા અનુસાર સમૂહમાં કરવાની હોઈ ચૈત્ય એ એક વિશાળ લાંબો ખંડ હોય છે. ચૈત્યને સામે છેડે એક સ્તૂપ હોય છે. આ સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો મૂકીને ગોળાકારે બાંધેલી સમાધિ. એની આસપાસ પ્રદક્ષિણા કરવા માટેની જગા હોય છે અને ત્યાંથી ચૈત્યમંડપનાં બારણાં સુધી બન્ને બાજુ થાંભલાની હાર હોય છે. થાંભલાની હારવાળા આવા સુન્દર ચૈત્યમંડપોમાં પૂના પાસે કારલાની ગુફાનો મંડપ ઘણો જાણીતો છે અને પાઠ્યપુસ્તકોમાં પણ એનાં ચિત્ર વારંવાર અપાય છે. ભાજા અને કન્હેરીના ચૈત્યમંડપો પ્રખ્યાત છે. જે મૂળમાંથી ‘ચિતા’ શબ્દ વ્યુત્પન્ન થયો છે એમાંથી જ ‘ચૈત્ય’ શબ્દ પણ આવેલો છે, અને એ રીતે નિર્વાણ પામેલ પૂજ્ય વ્યક્તિના અવશેષો સાથેનો તેના અર્થગત સંબંધ સ્પષ્ટ થાય છે. જોકે પાછળના સંસ્કૃત સાહિત્યમાં ‘ચૈત્ય’ એટલે બૌદ્ધ કે જૈન મન્દિર એવો સર્વસાધારણ અર્થ પણ થઈ ગયો. ચૈત્યની ઊંચાઈ વિશેષ હોય છે અને તેનું પ્રવેશદ્વાર શિલ્પનાં અલંકરણોથી ખચિત અને ભવ્ય હોય છે. દ્વારની ઉપર ઘેાડાની નાળના આકારની બારી હોય છે, જેમાંથી ચૈત્યમંડપમાં પૂરતો પ્રકાશ મળે છે, પણ સૂર્યનો તાપ અંદર જઈ શકતો નથી. આ બારીને શિલ્પશાસ્ત્રજ્ઞો ‘ચૈત્યવાતાયન’ (Chaitya-window) તરીકે ઓળખે છે. પ્રાચીન ભારતના સ્થાપત્યમાં આ ચૈત્યવાતાયન એક અગત્યના કાર્યસાધક અલંકરણ રૂપે વિવિધ સ્વરૂપે વારંવાર લેવામાં આવે છે, અને અર્વાચીન સ્થપતિઓએ આ મનોરમ આકારના વિનિયોગ નવીન સ્થાપત્યેામાં પણ કર્યો છે. આ ગુફાઓનો બીજો વિભાગ તે વિહાર અથવા વિહારમંડપ છે. વિહાર એટલે ભિક્ષુઓનું નિવાસસ્થાન. વિહારમંડપનો વિશાળ ચોરસ ખંડ હોય છે અને તેનું એક મુખ્ય દ્વાર હોય છે. આ મધ્યસ્થ ખંડમાં, ચારેબાજુના નાના નાના ચોરસ કે લંબચોરસ ખંડોનાં બારણાં પડે છે. એ નાના ખંડો તે ભિક્ષુઓનાં નિવાસસ્થાનો. આ વિહારો બને ત્યાં સુધી ચૈત્યની નજદીક હોય એવી જૂની પરિપાટી હતી, પણ ભિક્ષુઓની સંખ્યા વધતી જાય તેમ પહાડ ઉપર આગળ ને આગળ નવી ગુફાઓ કોરી કાઢવામાં આવતી, સામાન્ય ભિક્ષુઓ કરતાં જેમનો મોભો ઊંચો હોય એવા આચાર્યો સાધારણ સમુદાયથી જુદા વિહારમાં રહેતા, કારલાનો પાંચમા નંબરનો વિહાર એનું ઉદાહરણ છે.

હીનયાન ને મહાયાન

પ્રાચીનતર બૌદ્ધ ધર્મમાં પ્રત્યેક વ્યક્તિએ જાતે ધર્મસાધના કરીને નિર્વાણનો અધિકાર મેળવવાનો હતા. આવો અધિકાર આપબળે થોડાક માણસો જ મેળવી શકે છે, માટે એને ‘હીનયાન’ કહેવામાં આવે છે. પાછળથી વિકસેલા મહાયાન સંપ્રદાયમાં લોકોત્તર શક્તિઓ અને સિદ્ધિઓ ધરાવતા બુદ્ધો અને બોધિસત્ત્વોની આરાધના કરીને નિર્વાણનો સરળ માર્ગ બહુજનસમાજને દર્શાવ્યો છે. બુદ્ધ અને બોધિસત્ત્વોની મૂર્તિની પૂજા એમાં બહુ વ્યાપક છે. તે એક પ્રકારનો લોકપ્રિય ભક્તિમાર્ગ છે, અને એ રીતે એનું ‘મહાયાન’ નામ સાર્થક છે.

ગાંધાર શૈલી

બૌદ્ધ ધર્મના આ મહાયાન સંપ્રદાયના આશ્રયે થયેલાં ધાર્મિક સ્થાપત્યો ખાસ ધ્યાન ખેંચે છે. એના મુખ્યત્વે બે વિભાગ પડી જાય છે-એક, પશ્ચિમોત્તર ભારતનું ગાંધાર શૈલીનું સ્થાપત્ય, અને બીજું, તળ ભારતનું મહાયાન સ્થાપત્ય. વાયવ્ય સરહદ અને અફઘાનિસ્તાનના પ્રદેશમાં આપણી ભારતીય શૈલી અને ઈરાન દ્વારા આવેલી ગ્રીક શૈલીનો સંગમ થયો, અને એમાંથી ગાંધાર શૈલી તરીકે ઓળખાતી મિશ્ર શૈલીનો જન્મ થયો. બૌદ્ધ ધર્મ જેવા ભારતીય ધર્મની અપેક્ષાઓ પૂરી પાડવા માટે આ સ્થાપત્યનુ નિર્માણ થયું હોઈ એની પાછળનો ઉદ્દેશ તથા એનું કલેવર ભારતીય છે, પણ એનાં કલાપ્રયોજનોમાં, અલંકરણોમાં તેમ જ સ્તૂપ અને દેવગૃહ જેવાં અંતર્ગત ધાર્મિક સ્થાનોના નિર્માણમાં ગ્રીક અને ઈરાની શૈલી અને કલાપ્રયોજનોની ઊંડી અસર દેખાય છે. સ્થાપત્યો બાંધનાર નિપુણ કારીગરોનો અમુક ભાગ ગ્રીક અથવા ઈરાની હશે એવું અનુમાન આ ઉપરથી કરીએ તો વધારે પડતું નથી. પશ્ચિમ ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં, અમદાવાદમાં ગુજરાતી સલ્તનતની સ્થાપના થયા પછી, મસ્જિદોના સ્થાપત્યની એક મિશ્ર મનોરમ કલાશૈલી ઉદ્ભવી, જે ધાર્મિક આશયની બાબતમાં સંપૂર્ણાંશે મુસ્લિમ, પણ સ્થાપત્યરીતિ અને અલંકરણોની બાબતમાં ભારતીય છે, તેની તુલના આ સાથે કરી શકાય. ખરું જોતાં, મસ્જિદના સ્થાપત્યનો એ ભારતીય અવતાર છે; અને એ બાંધનાર સ્થપતિઓ અને કારીગરો પણ મોટે ભાગે હિન્દુ હતા.

હૂણોની વિનાશવૃત્તિ

પશ્ચિમોત્તર ભારતમાં ગાંધાર શૈલીનાં સ્થાપત્યો આખાયે કુશાણ રાજ્યકાળ દરમિયાન બંધાતાં હતાં. ઈસવીસનની ત્રીજી સદીમાં કુશાણ રાજસત્તા નબળી પડી ત્યાર પછી પણ બૌદ્ધ મઠો અને વિહારોની આબાદી તો પૂર્વવત્ ચાલુ રહી હોય એમ જણાય છે, કેમકે પ્રસિદ્ધ ચીનો પ્રવાસી ફાહિયાન ઈ. સ. ૪૦૦ના અરસામાં આ પ્રદેશમાંથી પસાર થયા ત્યારે તેણે આ મઠોને સારી સ્થિતિમાં જોયા હતા. એ પછી લગભગ પચાસ વર્ષે ભારત ઉપર આક્રમણ કરનાર હૂણ સરદાર મિહિરગુલે પશ્ચિમોત્તર ભારતમાં બૌદ્ધ ધર્મ તેમ જ સ્થાપત્યને ભારે નુકસાન કર્યું. ‘રાજતરંગિણી’ના કર્તા કલ્હણે નોંધ્યું છે તેમ, મિહિરગુલે ૧૬૦૦ સ્તૂપો અને મઠોનો નાશ કર્યો હતો.

અજંટાના કલામંડપો

તળ ભારતમાં પહાડોમાંથી કોરી કાઢેલ મહાયાન વિહારોમાં અજંટા, ઇલોરા અને ઔરંગાબાદની ગુફાઓ નોંધપાત્ર છે. અજંટામાં ઈસવીસનની શરૂઆતમાં કોરાયેલાં, હીનયાન સંપ્રદાયનાં ચૈત્યો અને વિહારો છે. એ પછી લગભગ ચાર સૈકા બાદ, પાંચમી સદી આસપાસ ત્યાં મહાયાન ગુફામંદિરો કોતરાયાં છે, જે એમાંની ચિત્રકળાને કારણે જગમશહૂર બન્યાં છે. એ ચિત્રકારોમાંના કેટલાક ધંધાદારીઓ હશે, પણ બીજા કેટલાક ત્યાં રહેનારા બૌદ્ધ સાધુઓ જ હતા એમ માનવામાં આવે છે. એ ચિત્રોમાંનો કેટલોક ભાગ નાશ પામ્યો છે, ખરી પડ્યો છે કે કોઈએ ખોદી નાખ્યો છે, પણ જે બાકી રહ્યું છે અને હવે તે સારી રીતે સચવાયું છે. એમાં બુદ્ધો અને બોધિસત્ત્વો, સાધુઓ, રાજદરબારો, નાગરિકો, સુંદરીઓ, પ્રણયોત્સવ કરતાં યુગલો, કટિભંગ કરી ચામર લઈ ઊભેલી પરિચારિકાઓ, લાલિત્યપૂર્ણ અપ્સરાઓ, શસ્ત્રસજ્જ અશ્વારોહી યોદ્ધાઓ અને એ સર્વની પીઠમાં રહેલા દયામય બુદ્ધના આદર્શોની એક અદ્ભુત ચિત્રમય સૃષ્ટિ ખડી થાય છે. અજંટામાં ભારતીય શિલ્પ સાથે ચિત્રકળાનો પરમોત્કર્ષ દેખાય છે. ઇલોરામાં બૌદ્ધ અને જૈન ગુફાઓ છે, પણ ત્યાંનાં સૌથી પ્રસિદ્ધ ગુફામંદિર બ્રાહ્મણ સંપ્રદાયનાં છે. મહાયાન સ્થાપત્યમાં ચૈત્યમંડપ અને તેમાંનો સ્તૂપ તો પૂર્વવત્ રહ્યાં. જોકે એમાં પણ બુદ્ધની મૂર્તિનું આલેખન થયું ખરું. પરંતુ વિહારમંડપના નિર્માણમાં હીનયાન અને મહાયાન વચ્ચે કેટલાક મહત્ત્વના ભેદો થયા. હીનયાન સંપ્રદાયમાં વિહારનો ઉપયોગ માત્ર ભિક્ષુઓના નિવાસ પૂરતો હતો. હવે તેમાં બુદ્ધની મૂર્તિ દાખલ થઈ. અર્થાત્ વિહાર એ કેવળ નિવાસગૃહ ઉપરાંત દેવગૃહ પણ બન્યો, બુદ્ધની અવશેષપૂજાને સ્થાને મૂર્તિપૂજા આવી અને એ રીતે માત્ર બૌદ્ધ ધર્મ ઉપર જ નહિ પરંતુ એનાં સ્થાપત્ય અને કલા ઉપર પણ હિન્દુ ધર્મની ઊંડી અસર થઈ. હમણાં કહ્યું તેમ, ઉત્તરકાલીન સંસ્કૃતમાં ‘ચૈત્ય’ અને ‘વિહાર’ એ બે શબ્દો લગભગ સમાન અર્થમાં વપરાયા છે એનું કારણ પણ આ ઘટનામાં રહેલું છે.

ગુજરાત-સૌરાષ્ટ્રમાં

પ્રાચીન ગુર્જર દેશમાં અથવા ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને માળવામાં એક કાળે બૌદ્ધ ધર્મનો બહોળો પ્રચાર હતો. ભારતનું એક મોટું બૌદ્ધ વિદ્યાપીઠ સૌરાષ્ટ્રમાં વલભીમાં હતું અને તળાજાના ડુંગરમાં આવેલા બૌદ્ધ વિહારમાં ગુણમતિ અને સ્થિરમતિ જેવા મહાન આચાર્યો રહેતા હતા. તળાજામાં કુલ ત્રીસ ગુફાઓ છે. એમાંની એભલમંડપ નામે ઓળખાતી ગુફા આશરે બે હજાર માણસો બેસી શકે એટલી વિશાળ છે. એનો ઉપયોગ ચૈત્યમંડપ અથવા સભાગૃહ તરીકે થતો હશે. સ્તૂપ સહિત બીજું એક ચૈત્યગૃહ પણ તળાજામાં છે અને એની રચના ક્ષત્રપયુગમાં થયેલી માનવામાં આવે છે.

વલભીપુરમાં

વલભીપુરમાં આવેલા વિહારોનાં બે જૂથ હતાં–એક ભિક્ષુઓના વિહારોનું, બીજું ભિક્ષુણીઓના વિહારોનું. ભિક્ષુઓના વિહારોનુ જૂથ રાજા ધ્રુવસેન બીજાની ભાણેજી દુદ્દાએ બંધાવેલા વિહારની આસપાસ રચાયું હોઈ ‘દુદ્દા વિહાર મંડપ’ તરીકે ઓળખાતું અને ભિક્ષુણીઓના વિહારોનું જૂથ યક્ષશૂર નામે ગારુલક વંશના સામંતે બાંધેલા વિહારની આસપાસ રચાયું હોઈ ‘યક્ષશૂર વિહાર મંડપ’ કહેવાતું. આ બન્ને મંડપોની અંદર તેમ જ બહાર આવેલા સંખ્યાબંધ વિહારો વિષેના ઉલ્લેખો આપણને મળે છે. એમાંના એક મે વિહારોની સ્થાપત્ય યોજનાને પણ વ્યવસ્થિત ઉત્ખનનો દ્વારા પુરાવસ્તુશોધકો બહાર લાવે તો ચૈત્યો અને વિહારોના સ્થાપત્ય નિર્માણની ગુજરાતમાં વિકસેલી પ્રણાલીનો પ્રત્યક્ષ પરિચય થઈ શકે.

[‘જન્મભૂમિ,’ તા.૨૪ મે, ૧૯૫૬; બુદ્ધ પરિનિર્વાણ દિન પૂર્તિ]