અપરાધી/૧૪. ‘સાચવીને રે’જો!’

૧૪. ‘સાચવીને રે’જો!’

શિવરાજે બધી વાત કહી દેવા પ્રથમ તો અજવાળીની માને એકાંતે બોલાવી. માનો પહેલો જ બોલ આ પડ્યો: “બાપા, મારા બેટા, મારે કોઈની સામે ફરિયાદ નથી કરવી. મને એટલી જ ખબર જો પડેને, કે મારી અંજુ જીવતી છે ને ઠેકાણે પડેલી છે, તો હું તમારે ઘેર સાત અવતાર લઉં, મારા દીકરા!” એના પગ અજવાળીની માના કપાળને કોણ જાણે કેટલી વાર સ્પર્શ પામ્યા. રવિવાર હોવા છતાં જુવાન મૅજિસ્ટ્રેટે ગરીબ ખેડૂતોની કેટલી વહાર કરી! વચન આપ્યું કે, “તમારી પુત્રીને શોધાવ્યા વિના હું જંપીશ નહીં; એ જીવતી જ છે – મારું અંતર સાક્ષી પૂરે છે.” “બસ બાપા!” એની માએ સાતમી વાર શિવરાજના પગ પાસે શિર નમાવ્યું. શિવરાજ જોરમાં આવી ગયો. “એ ગમે ત્યાં હો, એ જીવતી રહે તેટલું જ મારે કામ છે.” “હું તમને ખાતરી આપું છું કે કાલે મેં એને મેળામાં જોઈ હતી. તે પછી રાતે હું સ્ટેશને ઊતર્યો ત્યારે એ જ ગાડીમાં મેં એને એક જુવાન સાથે ચડતી જોઈ છે. પણ એ દેવકૃષ્ણ મહારાજનો દીકરો નહોતો. મારી એ નજરે જોયેલી ખાતરી પછી મારે અહીં કોઈની વાતો સાંભળવી નથી.” “ઈ જુવાન કેવોક હતો, હેં બાપા?” “મને તો આબરૂદાર કોઈ ખેડુ-જુવાન લાગ્યો. મેં તો માન્યું કે બેય ધણી-ધણિયાણી પોતાને ઘેર જઈ રહેલ છે.” “બસ ત્યારે, મારી છોકરી જીવતી છે. પછી મને કોઈ વાતે ફફડાટ નથી, માડી! પણ એ મારી અંજુડી જ હતી ને? એને ગાલે કાળો મોટો મસ હતો ને? એનો પગ જરીક લચકાતો’તો ને? એની આંખ્યું મોટિયું ને કાળિયું ઝેબાણ હતી ને, હેં માડી? તમે ધારીધારીને તો ક્યાંથી જોઈ હોય ઈ ટાણે? સારા માણસ કાંઈ તાકીને તો થોડા જોવા ઊભા રે’? પણ આ તો તમે ઝાંખી ઝાંખીય જો યાદ રાખી હોય તો—” “મને તો ખાતરી છે કે એ તમારી દીકરી જ હતી.” શિવરાજનું અંતર ડંખતું હતું. પોતે આબરૂદાર માણસ! સારું માણસ! તાકી તાકીને જોવાનું શું બાકી રહ્યું હતું! “તો બસ, સાહેબ; મારે કોઈના ઘરની ઝડતી લેવરાવવી નથી. કોઈ આબરૂદારની આબરૂ માથે હાથ નાખવો નથી. મારે તો મારી દીકરીનું આ રાખહના ઘરમાં કામ પણ નથી. હુંય ભલે એને જોવા ન પામું. ઈ જીવતી હોય તો બસ!” શિવરાજે બાઈના ધણીને બોલાવી કહ્યું: “તમારે, છોકરીના રક્ષક તરીકે, શરમાવું જોઈએ. એને તમે અધરાતે કાઢી મૂકી છે. એણે કૂવો નથી પૂર્યો તેની શી ખાતરી? તમારા કહેવા પરથી હું કોઈની આબરૂ લેવરાવું? સૌ પહેલાં તો મારે તમને જ પોલીસમાં સોંપવા પડશે.” એ દમદાટીએ ખેડૂતને ઠંડોગાર બનાવ્યો. “મારે ફરિયાદ જ નથી કરવી, સાહેબ! મને છોડો તો બસ.” કહીને એણે ચાલતી પકડી. કચેરીમાંથી છૂટીને શિવરાજ સુજાનગઢ જવા નીકળ્યો. કોઈ માણસને મળ્યા વિના પોતે ટ્રેન પર પહોંચી ગયો. લોકોએ માન્યું કે જુવાન મૅજિસ્ટ્રેટ પોતે ઊઠીને આ ભાગેડુઓની તપાસ કરવા જાય છે. કેવો લોકલાગણીથી ભરેલો અમલદાર! કોઈ બીજાઓએ કહ્યું: “પોતાના ભાઈબંધનો અપરાધ ઢાંકવાની પેરવીમાં છે.” પણ એ પોતે જ અપરાધી હતો એમ તો કોઈએ ન કહ્યું, કોઈને શંકા ન ગઈ. મોડી રાતે જ્યારે શિવરાજ પાછો વળ્યો ત્યારે તેની સંગાથે બુઢ્ઢો માલુજી હતો. મકાનનું તાળું ઉઘાડ્યું, ત્યારે અંદર અંધકાર હતો. અંધકારની વચ્ચે અજવાળીનું શરીર સળવળ્યું. શિવરાજની ઇજ્જત સાચવવા માટે એક જુવાન છોકરી જાણે કે કાળા અંધકારની કબરમાં જીવતે જીવે ચણાઈ ગઈ હતી. અજવાળી ફફડી ઊઠી – સાપને માળા પર આવતો સાંભળી પારેવું ફફડે તેમ. શિવરાજે બત્તી કરી; પાંચ દીવાસળી બગાડ્યા પછી દીવો થયો – કારણ કે એના અંતરનો દીપક ગુલ થયો હતો. દીવો પેટાતાં અજવાળીને થયું કે જાણે કોઈ એનાં લૂગડાં ઉતારી લે છે. પ્રકાશ કૃતાંત કાળ સમો દેખાય એવી પળો માનવીના જીવનમાં આવે છે. માલુજીએ અજવાળીને નિહાળી. બુઢ્ઢાના મોંમાંથી ‘અરર!’ એવી અરેરાટી નીકળી ગઈ. એણે પોતાની શ્વેત પાંપણો શિવરાજ સામે ઊંચી કરી. એ જઈફ નેત્રોના અંગારા અબૂઝ હતા. “આમની જોડે જઈશ? મારા બાપ સમા છે એ.” શિવરાજનો લાચાર ચહેરો અજવાળીની સામે લળી રહ્યો. અજવાળીએ બુઢ્ઢાને નખશિખ નિહાળ્યો ને ડોકું હલાવ્યું. “આ લે.” શિવરાજે ગજવામાંથી કંઈક કાઢ્યું. એ હતો નોટોનો થોકડો. અજવાળીએ નકારમાં માથું ધુણાવ્યું. એ નોટો એને કાળી નાગણીઓ લાગી. “આંહીં લાવો.” માલુજીએ થોકડો લઈ લીધો. “બાંય ઊંચી ચડાવો.” માલુજીએ એટલું કહીને શિવરાજનો જમણો હાથ પકડ્યો. માલુજી શું કરવા માગે છે તે શિવરાજને ન સમજાયું. માલુજીએ જ શિવરાજની બાંય ઊંચી ચડાવી અને ભુજા પરથી માદળિયું છોડ્યું – છોડ્યું શું, ઝટકો દઈને જાણે કે તોડી દીધું. “તારો હાથ લાવ, બેટા!” એટલું કહી માલુજીએ, એ માદળિયું અજવાળીના હાથ પર બાંધી આપ્યું – બાંધતાં બાંધતાં અજવાળીને કહ્યું : “હું કદાચ નહીં હોઉં. મારો અંતકાળ હવે ઢૂકડો છે. હું નહીં હોઉં, કોઈ નહીં હોય, ત્યારે આ એક જ ચીજ આ નાલાયક માણસના અપરાધની સાક્ષી પૂરશે, સાચવીને રાખજે. એ બદલી બેસે તે દી દુનિયાને આ મૂંગું માદળિયું દેખાડજે.” શિવરાજનું મસ્તક પૃથ્વીને જાણે કે વીનવતું હતું કે મારગ આપ, માતા! સરસ્વતીએ જેની હાંસી કરી હતી, દેવનારાયણ જેને વહેમનું રમકડું સમજી ઉપહાસ કરતા હતા, ને જેને માટે માલુજીએ જીદ ચલાવી હતી, તે જ એ માદળિયું: શિવરાજની માએ પુત્રને પહેરાવેલું – ને માલુજીએ આટલાં વર્ષ સંઘરાવેલું. મને ક્યાં લઈ જાઓ છો, મારું શું ધાર્યું છે, મને હવે તમે ક્યારે મળશો? – એવા સો-સો સવાલોને એકસામટા ઘૂંટીને જાણે કોઈએ આ છોકરીની બેઉ આંખોમાં આંજ્યા હતા. એની જીભ ને એનું હૃદય આંખોમાં આવીને બેસી ગયાં હતાં. માલુજીની પાછળ જ્યારે અજવાળી દાદર ઊતરતી હતી ત્યારે ઉપર ઊભીને શિવરાજે અજવાળીની હડપચી ઝાલી મોં એક વાર ઊંચું કર્યું. એટલું જ કહ્યું: “તને હું નહીં રઝળાવું; વહેલામાં વહેલી તકે મારી કરીશ.” બસ, એટલું કહીને એણે હડપચી છોડી દીધી. છતાં અજવાળીને માથું ઢાળતાં થોડી વાર લાગી. ન કથી શકાય તેવા ભાવ એના મોંમાં સમાયા હતા. “સા... ચ... વી... ને... રે’... જો!” એ બોલ બોલતાં અજવાળીને ગળે કાંચકી બાઝી ગઈ. તે પછી અર્ધાક કલાકે શિવરાજ પોતાની બારીએ ઊભો ઊભો કાન માંડીને સાંભળતો હતો: ગાર્ડની સીટી, સાંધાવાળાના ડંકા, એન્જિનનો પાવો, વરાળના ફૂંફાડા, અને પાંચસો પૈડાંના ચગદાટ: પા કલાકની અક્કેક યુગ જેવડી પંદર મિનિટો: શિવરાજ જાણે એક દટણ-પટણમાંથી જીવતો ઊભો થયો. એ સૂતો – પણ પલેપલ એણે એક જ બોલ સાંભળ્યા કર્યો: “સા... ચ... વી... ને... રે’... જો!”