અપરાધી/૮. બે વચ્ચે તુલના

૮. બે વચ્ચે તુલના

શિવરાજ અને સરસ્વતી વચ્ચે જ્યારે સો જોજનનું અંતર પડી રહ્યું હતું, ત્યારે એમના બંનેના બુઢ્ઢા પિતાઓ અંદર બેઠા બેઠા જુદો જ વાર્તાલાપ છેડી રહ્યા હતા. ડેપ્યુટીએ જ પ્રશ્ન ઉખેળ્યો હતો: “આપણે બંને પરદેશીઓ છીએ. વતનમાં કોઈ આપણાં છોકરાંને સંઘરશે નહીં, ને આંહીં પણ ગુજરાતીઓ પોતાને સુધારકો કહેવરાવે છે એટલું જ માત્ર. આંહીંના સંસારસુધારા સમાજો અને થિયોસોફિકલ સમાજ એ તો એના સભ્યોને મન શોભાની કલગીઓ છે. બાકી એ કોઈ કુટુંબમાં આપણાં છોકરાંનો સંસાર બંધાવાની આશા રાખવા જેવું નથી.” “હું જાણું છું. એમાંના ઘણાખરા લોકો કુલીનો છે; કુલીનો હોવાનો દાવો કરે છે ને એક-બે આંતરજાતીય લગ્નો પોતાને ત્યાં થયાં છે એવું અભિમાન લે છે. પણ મારા જેવા કાઠિયાવાડમાં પરણેલાઓને તો એ ઊતરતી જાતના જ ગણે છે.” “મને ડગલે ને પગલે ફાળ પડે છે, કે આ સરસ્વતીને કોઈક અમદાવાદી જુવાન લગ્નની લાલચ આપશે ને પાછળથી એનાં કુટુંબીજનોની કુલીનતાનું દબાણ આવશે ત્યારે એ છોકરીને ધક્કો દેશે.” “ને શિવરાજની મા તો ઢેડડી હતી એમ આજ પણ છાને ખૂણે વાતો કરનારા સુધારકો પડ્યા છે!” “આપણે બંને આપણી મૈત્રી છોકરાંનાં જીવનમાં ન રોપી શકીએ?” “એમને એમની જાતે જ નિર્ણય લેવા દઈએ તો?” “આપણા મનોભાવની એમને જાણ થાય તો એમનો રસ્તો સરલ બનશે.” “ભલે.” સરસ્વતી અને શિવરાજ અંદર આવ્યાં. સહેજ શ્યામવરણો શિવરાજ અને ગોરી સરસ્વતી એકમેકથી ખીલતાં હતાં. શિવરાજના ગાંભીર્ય ફરતી સરસ્વતીની ચંચળ ધૃષ્ટતા, મેઘ ફરતી જ્યોતની કિનાર ટાંકતી વીજળીનું સ્મરણ કરાવતી હતી. પરંતુ આંતરિક વિરોધને ન ઉકેલી શકનાર બંને બુઢ્ઢાઓ આ દેખાતા મેળથી છેતરાતા હતા. શિવરાજ જોડા પહેરવા લાગ્યો. “ઘેર આવવું છે ને?” પિતાએ પૂછ્યું. “હા જી.” “ક્યાંથી લેતો જાઉં?” “હું રસ્તા પર પીરની દરગાહ પાસે આપની રાહ જોઈશ.” “સારું.” “વારુ ત્યારે, આવજો!” એટલો વિવેક કરીને જ સરસ્વતી પોતાના ઓરડામાં ધસી ગઈ. ત્યાંથી એના સ્વરો ઊઠતા હતા. શિવરાજ ચાલ્યો જતો જતો સાંભળતો હતો:

જુગજુગના અન્યાય –
     ભેદો જુગજુગના અન્યાય;
પુરુષજાતિ ફીટ જાય –
     ભેદો જુગજુગના અન્યાય.

કેમ્પની બહાર ચાલ્યા જતા શિવરાજને પછવાડેથી કોઈક હાકલા થતા સંભળાયા. પોતે પાછળ જોયું. ખેતરમાંથી આડે માર્ગે રામભાઈ દોડ્યો આવતો હતો – શિવરાજનો સ્નેહી અને દેવકૃષ્ણ મહારાજનો દીકરો. રામભાઈ આવીને ઊભો રહ્યો ત્યારે એના ચહેરા પર ફિક્કાશની ફૂગી વળી ગઈ હતી. કાંઈ બોલ્યાચાલ્યા વિના જ એ કોઈ ગુનેગારની જેમ ઊભો રહ્યો. “કેમ? દોડ્યો આવ્યો ને બોલતો કેમ નથી?” રામભાઈનાં નેત્રોમાં જળનું કૂંડાળું હતું – જેવું કૂંડાળું કોઈ કોઈ વાર ચંદ્રમા ફરતું અંકાય છે. “અમે બધાં આજે ઘરમાં રડ્યાં-કકળ્યાં છીએ. મારી બા અને મારી બહેનો તારી માફી માગે છે.” “શા માટે?” “મારા બાપુએ તને છાપામાં બદનામ કર્યો છે એ ખબર પડતાં જ અમારા બધાંના હોશ ઊડી ગયા છે. શિવરાજભાઈ, તું...” રામભાઈએ શિવરાજનો હાથ ઝાલી લીધો. “અમે એને પનારે પડ્યાં છીએ. અમે એની ગંદી રોટલી ખાઈને જીવીએ છીએ!” “તું મનમાં કાંઈ ન લાવ.” “મારી બાએ ને બહેનોએ એક વાર તને મળવા તેડાવ્યો છે.” “કાલે આવી જઈશ.” “મનમાં કાંઈ...?” “કાંઈ નથી – હતું તે ઊતરી ગયું. જા, તું તારે.” “મારી બાએ તલ અને દાળિયાના લાડવા કર્યા છે; તને ચખાડવા છે.” “તેં તો આજ સુધી એકલા એકલા ખાધા કર્યા ને!” “ના, હું અડક્યો જ નથી. અમારા ખેતરમાં એ વાઘડાની દીકરીનાં ને એની માનાં આંસુ છંટાય છે. હું એ તલના લાડવા જોઉં છું ત્યાં મને એ યાદ આવે છે.” “મને તો થાય છે કે તારા બાપુની પાછળ તું ખેતર-વાડી સાચવી રહ્યો!” “બાપુ પણ મને એમ જ કહે છે; એમાં તું નવું શું કહી રહ્યો છે?” “અજવાળીને હજુય એનો બાપ મારે છે?” શિવરાજે અજવાળીની વાતનો તાંતણો ન ગુમાવ્યો. “પરણાવી’તી પૈસા લઈને, ત્યાંથી વળતે જ દિવસે બહાનું કાઢીને પાછી લઈ આવ્યો છે, તે હવે મોકલતો નથી.” “કેમ?” “ફરી વાર ઘરઘાવીને પૈસા કમાવા માટે. એ શિખવણી પણ મારા બાપુની જ છે.” “શા માટે પણ?” “બાપુને પોતાનું લેણું પતાવવું છે. મારાથી તો હવે ઘરમાં રહી શકાતું નથી, ભાઈ!” “હવે ક્યાં ઝાઝી વાર છે? એક વર્ષ પછી તું પણ તારો સ્વતંત્ર ધંધો માંડી શકીશ.” “પણ આ સંતાપનો માર્યો વાંચવામાં મન જ પરોવી શકતો નથી ને!” “મને પાસ થઈ જવા દે. પછી મારી જોડે જ રહેજે.” સંધ્યાકાળના ચોર જેવા ચાલ્યા જતા અજવાળામાં દૂર દૂર સરતો જતો કાળો ડગલો રામભાઈની આંખોએ પારખી લીધો: એ હતા દેવકૃષ્ણમહારાજ. ડરેલો રામભાઈ બીજી દિશામાં સરકીને ચાલી નીકળ્યો. ગામડાનાં ખોરડાંમાંથી સાંજના રાંધણાનો ધુમાડો છાપરાં વીંધતો હતો. છાપરે છાપરે ધુમાડાની શેડ્યો ગૂંચળાં ખાતી ખાતી નીકળતી હતી. પડી ગયેલો પવન ગુંડાશાહી કરી કરીને એ ધુમાડાની રેખાઓને આમ કે તેમ ક્યાંય જાણે કે છટકવા દેતો નહોતો. ખેતરમાં ભરવાડો ગાડર ને બકરાં દોહી રહ્યા હતા. નાનાં બચળાંના બેંબેંકાર ગામના વાતાવરણમાં કોઈ અકળ ઉદાસી ભરતા હતા. ભરવાડના કૂતરા એક ગધેડીના પગને બચકાં ભરી ભરી રાતના ભોજનની વહેલી વહેલી તજવીજ કરતા હતા. અજવાળી એ વખતે ઓરિયાની માટી ખોદીને ચાલી આવતી હતી. શિવરાજને જોતાંની વાર જ એને શરમની ફાળ પડી. પોતાનું ઓઢણું એણે સંકોડીને હૈયા પર ઓઢી લીધું. પણ એ સંકોડવું – ન સંકોડવું એકસરખું જ હતું. ઓઢણાના તો લીરા લીરા થઈ ગયા હતા. બાપાની સાથે ડાકણરૂપ ધરીને બાખડનારી તે દિવસની પ્રભાતની અજવાળી, અને ઉદાસ સંધ્યાના કરુણાર્દ્ર વાતાવરણની વચ્ચે ઉદ્યમ કરીને એકલી ચાલી આવતી અજવાળી, એકબીજાથી જુદી જ હતી. ‘હું વકીલ થઈ જાઉંને એક વાર,’ શિવરાજને વિચાર આવ્યો: ‘તો પછી આ છોકરીને એના બાપના જુલમોમાંથી છોડાવી દઉં.’ ગામના ઝાંપામાં પેસીને અદીઠ બની ત્યાં સુધી અજવાળી એક જ સરખી લજ્જાળુ ચાલે ચાલી જતી હતી. સંકોડેલા ઓઢણાને એણે છેવટ સુધી ઢીલું મૂક્યું નહોતું. એની અદબમાં કોઈ પ્રકારની બનાવટ ન લાગી. એણે કુતૂહલથી પાછળ પણ જોયું નહીં. સરસ્વતી અને અજવાળી વચ્ચે શિવરાજના અંતરમાં આપોઆપ સરખામણી સ્ફુરી: પુરુષોના સિતમો સામે પડકાર કરતી સરસ્વતી હજુ પુરુષજાતના એક પણ સિતમનો અનુભવ ચાખ્યા વિનાની જ હતી. અન્યાયોની સામે હાકલ કરવાનો જાણે કે એ કોઈ નાટકિયો પાઠ કરી રહી હતી. એની પાસે શબ્દો હતા. અજવાળીને મોંએ ને હૈયે મૌન હતું. સિતમોના સોળ એની રગ રગ પર ઊઠ્યા હતા. ઝઝૂમવાનું જોમ તેમ જ ઝનૂન – બંને એના મનમાં ભરપૂર હતાં, છતાં અજવાળીના સ્વભાવની ક્રિયા જુદી હતી. આ સરસ્વતીઓ, આ શહેરની સભાઓ ગજવનારીઓ, કદી આ અજવાળીના અંત:કરણ સુધી પહોંચવાની છે? નાટક અને જીવન વચ્ચેનો ફરક સમજવાની છે? ઉકેલ આપવાની છે? ના, રે ના, સરસ્વતીઓને એનો પોતાનો જુદો જ વર્ગ છે – વર્ગીય અમીરાત છે. અજવાળીઓનો સમૂહ અલગ છે. સ્ત્રીજાતિ નામના એક વર્ગ નીચે એ બે સમૂહો આવી શકે નહીં. બંનેનાં શરીરો જ કેવળ સ્ત્રીત્વની છાપ ધારણ કરી રહ્યાં છે. એ છાપની એકતા ઉપરાંત બંને સમૂહોને એકબીજા સાથે કોઈ જાતની નિસબત નથી.