અપિ ચ/–


સુરેશ જોષી

મને આ બધી વાર્તાઓ લખ્યા પછી મારા મનમાં મૂળ પ્રશ્ન થયો કે આ વાર્તા કહેવી કેમ પડે છે? શા માટે? વાર્તા કહેવાની જરૂરિયાત જન્મજાત છે. માણસના મનમાં કહેવાની ને સાંભળવાની? એ પ્રશ્ન મારા મનમાં થયો એટલે મેં ‘એકદા નૈમિષારણ્યે’ની વાર્તા લખી. નૈમિષારણ્ય છે એ વાર્તાઓનું જ વન છે. વાર્તાઓ કહેવાતી આવી. આ કથા, તે કથા – એમ શા માટે? કારણ કે માણસ એવાં દુ:ખ અનુભવે છે, એવી વેદના અનુભવે છે કે જેનું મોઢું પોતે જ નથી જોઈ શકતો. એમાં આશ્વાસન પણ શોધવા માગે છે, આશ્વાસન ક્યારે શોધે? જ્યારે એનું મોંજોણું થયું હોય તો. નહિ તો તમે અંધારામાં પાછા ફરો. એટલે એ રીતે આવ્યું. પછી મને લાગ્યું કે મુંબઈ જેવા શહેરમાં રહ્યો, આખા દિવસની જીવનચર્યા જોઈ તો મને થયું કે આપણે ક્યાંય જતા નથી, ક્યાંયથી આવતા નથી. તો ‘અગતિગમન’ની વાર્તા એ રીતે લખી. હવે આ પ્રશ્નો હતા. હવે એવો કોઈ પ્રશ્ન મારા મનમાં નથી. તો છતાંય મને લાગે કે ઘણા વખતથી કશું લખ્યું નથી ને લોકો કહેશે કે વાર્તા નથી લખતા, તો લાવ, લખી જોઉં. એ એક મોટો રોગ છે. તો હવે જેમ તમે આગળ જાઓ, તેમ લખવાનું. તમારે કંઈક વધારે મોટો પડકાર ઝીલવાનો હોય તો તમે લખો. નહિ તો જે કરી ચૂક્યા હો તેનું પુનરાવર્તન કરો તો હથોટી બેસી જાય ખરી, એની ના નહિ, પણ પછી નવું તમે ન કરી શકો. સુરેશ જોષી