અમાસના તારા/હિંદી અને અંગ્રેજી


હિંદી અને અંગ્રેજી

પહેલી વખત મુંબઈ આવ્યો હતો. સાંજે ધોબી તળાવ પાસેના ઍડવર્ડ થિયેટરમાં ‘એક જ ભૂલ’ નાટક જોવાના ઇરાદાથી નીકળ્યો. ટ્રામમાં ધોબી તળાવ તો આવ્યો, પણ ત્યાંથી ઘણી દોડધામ કરી પણ ઍડવર્ડ થિયેટર મળ્યું નહીં. આખરે થાકી કંટાળીને પાછા ધોબી તળાવના ચોગાનમાં આવીને એક ટૅક્સી બોલાવી કહ્યું: ‘ઍડવર્ડ થિયેટર લઈ લે.’ ટૅક્સીવાળો સામે જોઈ રહ્યો. મને સમજણ ના પડી. ક્રાફર્ડ મારકેટનું એક મોટું ચક્કર લગાવીને એણે મને ઍડવર્ડ થિયેટર ઉતારી દીધો. પૈસા મેં ચૂકવી આપ્યા. હસતો હસતો એ ચાલ્યો ગયો. પાછળથી ખબર પડી કે ધોબી તળાવના ચોગાનથી ઍડવર્ડ થિયેટર એક જ મિનિટ ચાલો તો આવે એટલું પાસે છે. મને ખબર પડી કે પેલો મોટરવાળો મારી મૂર્ખતા પર જ હસતો હસતો ગયો હશે.

પહેલી વખત લંડનમાં આવ્યો હતો. ઑક્સફર્ડ સરકસના એક ખૂણા પર ઊભા રહીને માત્ર પાટિયું વાંચ્યું કે કેમ્બ્રિજ સરકસના એક સિનેમા હાઉસમાં ‘History is made at night’ નું સુંદર ચિત્ર ચાલે છે. અજાણ્યો હતો એટલે લીધી ટૅક્સી. ટૅક્સીવાળાએ એક જ મિનિટમાં પાસે ઉતારી દીધો. હસી પડ્યો અને કહે, સાહેબ એ તો તમને ખબર નહીં ને! પૈસા આપવા માંડ્યા ત્યારે કહે કે: ‘ના ના, આ તો એક અંગ્રેજની હિંદીને ભેટ છે.’

લુચ્ચાઈએ અજ્ઞાનને હાસ્યાસ્પદ બનાવ્યું. સમભાવે એમાંથી મમતા જન્માવી.