અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/બે

બે


અમૃતા અવારનવાર જૂહુ જઈને સ્વજનોને મળતી હતી. આગ્રહ થાય તો ત્યાં જ રોકાતી હતી. પોતાના પહેલાંના રૂમમાં જઈને બેસી રહેતી હતી. આગાશી પર ગોળ ગોળ આંટા લગાવતી હતી. સમુદ્રને સાંભળતી હતી. પુરાતત્ત્વ મંદિરમાં ધ્યાનથી કામ કરતી હતી. દરરોજ ઊંઘતી હતી. અનિયમિત રીતે મરીન ડ્રાઈવ પર ફરવા જતી હતી. સાહિત્ય વાંચતી હતી. એને વહેમ હતો કે હવે એનાથી કંઈક લખાઈ જશે તેથી જેની સાથે ઘણા સમયથી ફરવા નીકળી ન હોય તેવી કોઈ સખી મળી આવે તો ચલચિત્ર જોવા જતી હતી અને સખીના મુખેથી એ ચિત્રની સમીક્ષા ધ્યાનપૂર્વક સાંભળી રહેતી હતી. હીંચકા પર બેસીને ઝૂલતી રહેતી હતી. જે થઈ શકે તે સઘળું કરતી હતી. કશાયની ઉપેક્ષા કરતી ન હતી. અને કશીય ઉતાવળ વિના એક પછી એક દિવસો પૂરા કરતી હતી.

કોઈના તરફ અણગમો રાખીને અતડા રહેવાની જરૂર લાગતી ન હતી. ખાનગી એકાન્તની શોધ એણે છોડી દીધી હતી. હળીમળીને રહેતાં ખમચાતી ન હતી. છૂટાં પડતાં આભાર માનવાનો વિધિ અચૂક પાળતી હતી. ન ગમે એવું કોઈથી બોલી જવાય તો એ માઠું લગાડતી ન હતી. એ સમજી ચૂકી હતી કે કોઈના પર ખોટું લગાડવાનો એને અધિકાર નથી. સ્વતંત્રતા માટે સંઘર્ષમાં ઊતરી હતી. હવે એને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ચૂકી હતી. એ જાણતી હતી કે પોતાને અભીષ્ટ હતી તે સ્વતંત્રતાનો અર્થ થાય છે — નિસ્સંગ એકલતા.

એ સહુના સંગે જીવતી હતી અને પૂર્વપરિચિત સહુ કોઈ એને અણજાણ લાગતું હતું. સહુના સંગે એ એકાકિની હતી. એની એક માત્ર સખી હતી રિક્તતા. રિક્તતાની સખી તરીકેની યોગ્યતા એ વધુને વધુ કેળવી રહી હતી.

લખવાની ઇચ્છા થઈ — એક આખો યુગ પલટાઈ ગયો છે.

એના ચહેરા પર અમુખર ઉદાસી છવાયેલી રહેતી હતી. એમાં મોટે ભાગે પરિવર્તન થતું નહીં. હા, કોઈક વાર એ ઉદાસી ઘેરી થઈને પોપચાં પર એકત્રિત થતી અને એનાં દીર્ધ લોચનને ઢાંકી દેતી. આંખોની પ્રશંસા પામેલી ચમક હવે નિસ્પંદ સફેદી બની ચૂકી હતી. દર્પણમાં જોઈ રહી હોય ત્યારે આંખની સફેદીનો રંગ ઝાંખા પડેલા કાચને મળતો આવતો.

એને પ્રતીતિ થઈ ચૂકી હતી કે પોતે ઇચ્છે છે તેવી પોતાની જિન્દગી બની શકે તેમ નથી. એટલું જ નહીં, પોતે નહોતી ઇચ્છતી તેવી પણ હવે પોતાની જિન્દગી બની શકે તેમ નથી.

અનિર્ણયજનિત વિફળતાએ ઉદાસીનું રૂપ ધારણ કર્યું હતું. ઉદાસી યથાસમય ગમગીનીનું રૂપ ગ્રહણ કરતી અને ગમગીની પથારીનો આશ્રય શોધતી.

સૂર્યાસ્ત પછી બારીમાંથી નીચે નજર કરીને કશુંય ન જોતી હોય એમ એ ઊભી રહેતી.

ઑફિસમાં બપોરે એકલી બેઠી બેઠી પાણીના ખાલી પ્યાલા તરફ જોઈ રહેતાં એ થાકતી ન હતી:

જાગ્રત થવાનું મૂલ્ય ચૂકવવું પડશે. જાગ્રત થનારને સુખ દેખાશે નહીં. સુખી થવા માટે મારે વંચના વહોરવી પડે. અને વંચના એટલે મૃત્યુ. પણ મૃત્યુ એટલે વંચના નહીં. મૃત્યુ — અંતિમ વાસ્તવિકતા, નિશ્ચિત નિરર્થકતા. સહુએ એમાં પાછા વળવાનું છે. જીવન અર્થશૂન્ય છે. એમ નહીં હોય તો એમ હશે કે જે નિરર્થક છે તેનો જીવનરૂપે સાક્ષાત્કાર થાય છે.

જાગૃતિને સહુથી પહેલું દેખાય છે મૃત્યુ. એક નિરર્થકતાનું એક અર્થશૂન્યતામાં પરિણમવું — જીવન અને મૃત્યુ.

All men are obliged to do if they are to escape a meaningless life. આ અર્થહીન જિન્દગીથી પલાયન કરવાનું મળે તો સહુ કોઈ ઉપકૃત થાય.

અનિકેતે આ નિરર્થકતાને સમજીને પલાયન સ્વીકાર્યું હશે? કે પછી એણે જે સ્વીકાર્યું છે તે પલાયન નથી? અવાન્તર સ્થિતિ છે?

ઉદયન આ નિરર્થકતાને અર્થ આપવા ઝઝૂમે છે? તો પછી આટલી બધી અસ્વસ્થતા શા માટે? વ્યગ્રતા શા માટે? ઉપેક્ષા શા માટે? કે પછી આ બધા એના વિશેના મારા ભ્રમ છે?

આજ સુધી જીવનની જે વ્યાખ્યાઓ સાંભળી, જે તત્ત્વજ્ઞાન વાંચ્યાં, જે રહસ્ય જાણ્યાં તેમને અને હું જીવું છું તે જીવનને કશો સંબંધ છે? જેને હું પ્રેમ માનતી હતી તે તો વ્યતીતનો વિષય લાગે છે. કેટલાક વીતી ગયેલા પ્રસંગોમાં જ એની હયાતી હતી. હવે એની પ્રતીતિ નથી. અર્થાત્ સંતત સમયમાં એનું અસ્તિત્વ નથી. તેથી જે ચિરંજીવ નથી એ પ્રેમ નથી. અને જે પ્રેમ નથી તે સકલ મારા માટે અર્થશૂન્ય છે. હું પ્રેમ ન બની શકું તો અર્થશૂન્ય રહીને શું કરું?

મને કોઈએ અન્યાય કર્યો નથી. સ્વતંત્ર છું. સંપન્ન છું. તંદુરસ્ત છું. મારી સ્થિતિ કોઈ પણ સ્ત્રી માટે ઉત્તમ કહેવાય. તો પછી ઉત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી દરેકને અર્થશૂન્યતાનો અનુભવ થતો હશે? આ નિસ્સંગતા, આ એકલતા, ઉદાસીનતાભર્યું આ મૌન મેળવવા હું આગળ વધી રહી હતી? મારી વરણી પણ નિર્દોષ રહી ન શકી. એકને હું વ્યગ્ર અને ત્રસ્ત કરી બેઠી, બીજાને તટસ્થ અને નિસ્પૃહી બનવા પ્રેરી બેઠી. અને હું રહી સૂકી નદીની જેમ અતૃપ્ત.

બંને કાંઠાઓ વચ્ચેની નદી આજે સૂકી છે.

નદી હવે અંત:સ્રોતા છે. નિસ્સંગ છે. વાસ્તવિક અર્થમાં એકલી છે.

મારે અર્થશૂન્યતાને જીવવાની છે? કે આ મારી અતૃપ્તિનો પ્રતિઘોષ છે? હું અસર્મપિતા છું તે કારણે તો આ અર્થશૂન્યતા પ્રતીત નથી થઈ રહી ને? અનાઘ્રાત યૌવનનો ભાર અસહ્યા બનતાં — વાંછિતના અભાવથી પીડાતા સકળ કોશોની આ અસ્તિત્વ સામે ફરિયાદ તો નથી ને? નિસ્સંગતાની વેદના સહન ન થવાથી તો આ બધું માની લેવા પ્રેરાઈ નથી ને?

જ્યાંથી આ ગ્રીષ્મ સુધી આવી છું તે શિશિરમાં પાછા જવાનું હવે શક્યા બને? શિશિરમાંથી વસંત સુધી પહોંચવા માટે સમય સિવાય અન્ય કોઈના સાથની જરૂર નથી. સંગહીન વસંત પણ સહજ ભાવે ગ્રીષ્મ સુધી પહોંચી શકશે. પરંતુ ગ્રીષ્મ ઋતુ કેવળ સમયના પરિણામથી વર્ષામાં પરિણમી શકશે નહીં. મેઘનું આગમન થવું જોઈએ. સ્નિગ્ધગંભીર ઘોષ કરીને એક તરફ વહી જાય તેવો મેઘ નહીં, જે અનરાધાર વરસી રહે તે મેઘ. જે આકાશની અવહેલના કરીને ધરતીને આવરી લે. મેઘ વિના ગ્રીષ્મઋતુ વર્ષામાં પરિણમતી નથી. પછી ધરિત્રીના અંતરંગમાં એક પ્રક્રિયા શરૂ થાય અને એ અંકુરિત થવા લાગે. જલસિક્ત ધરિત્રીની એ વેદના કેવી હશે? મારા આ સ્પંદનહીન કોષોની અપરિવર્તનશીલ સ્થિતિ… શું આ જ મારી નિયતિ છે?

‘તો અહીં આવવામાં શો વાંધો છે?’ સ્વજનોએ અનેક વાર કહ્યું છે. ‘અને નોકરી કરવાની શી જરૂર છે?’ અધ્યયન કરો અને લખો, પુરસ્કાર — રૉયલ્ટી તો એમાંથી પણ મળશે.’

‘ના હમણાં તો કંઈ લખવું નથી. એમાં ઉતાવળ નહીં કરું પણ અહીં રહેવા આવીશ.’

‘ક્યારે?’ હાજર હતાં તે સહુએ એક સાથે પૂછયું હતું.

‘જે દિવસ લાગશે કે હવે તો જવું જ પડશે તે દિવસ સ્વાભિમાનનો મુદ્દો મને નડશે નહીં.’

સહુ નિરુપાય શાંત રહ્યાં હતાં.

એ સહુની મારા તરફની મમતા ઊંડી છે.

તો જાઉં?

એ સામાન તૈયાર કરવા લાગી. તે દિવસ બાબાએ આગ્રહ કરીને અનિકેતની છબી હાથમાં લીધી હતી. પછી એ છબીને ફરીથી ન ટીંગાડતાં કબાટમાં પુસ્તકો પર મૂકી હતી. આજે પુસ્તક ખેસવતાં એ છબી નીચે પડી ગઈ. કાચ ફૂટી ગયો. ટુકડા એકઠા કરીને એણે સ્વસ્થતાપૂર્વક ફેંકી દીધા. કાચ વિનાની છબીને પુસ્તકો ભેગી મૂકી દીધી. એને હાથમાં લઈને ધ્યાનપૂર્વક જોઈ રહેવાની ઇચ્છા ન થઈ. વસંત માત્ર સમયના સંગે જ ગ્રીષ્મમાં પરિણમી શકે છે.

સિક્કાનગરનું અનિકેતનું મકાન આજથી ખાલી છે.

પાંચમી એપ્રિલે દિલ્હીથી એ જાપાન જવા ઊપડશે, અનિકેત દિલ્હી આવ્યો હતો. એણે આપી શકાય એટલો બધો સમય આપ્યો. આજ સુધી ભારતમાં ફર્યો. જુદા જુદા પ્રદેશો વિશે લખાણ કર્યાં. એણે એના કેટલાક અનુભવો વિશે લખ્યું નહીં, એના માટે એ બધા નોર્મલ હતા. જેમ કે — એક બીમાર કામદારને સ્થાને એને હવે વધુ રજાઓ મળી શકે તેમ ન હતી માટે એની ટિકિટ પર પૂરતી કાળજીથી પાંચ દિવસ કામ કર્યું હતું અને એને ઘેર પાકીટ ભૂલતો આવ્યો હતો.. હૈદરાબાદમાં એક વૃદ્ધા નર્તકીને ઘેર અઠવાડિયા સુધી પેઈંગગેસ્ટ તરીકે જમીને એની કથની સાંભળી હતી અને માતા થવાની એની કામના કેવી રીતે ધૂળમાં મળી તે જાણીને એ સુખી માણસો પર રોષે ભરાયો હતો… વિવેકાનંદ રૉકથી આગળ વધીને કન્યાકુમારીના સમુદ્રમાં સ્નાન કરતી વેળા એ ડૂબતાં ડૂબતાં બે વાર બચ્યો હતો, અથવા બે વાર ડૂબ્યો હતો. અને તે પછી પણ મોડે સુધી નાહ્યો હતો..પોંડીચેરીથી મુદ્રાસ જતી ગાડીમાં ગાળો બોલતા એક દારૂડિયાને વચમાં સ્ટેશન આવતાં બાવડાં પકડીને સાચવીને પ્લેટફોર્મ પર ઉતારી દીધો હતો અને એ ચડવા ગયો ત્યારે એક સિગારેટ આપીને એને નીચે રાખ્યો હતો..મદુરા નજીક એક બસમાં ટિકિટ વિના મુસાફરી કરતા એક છોકરાને માર મારવા જતા કંડકટરને ફટાફટ બે લાફા લગાવી દીધા હતા અને છાપામાં એનો ફોટો છાપવાની ધમકી આપીને કેમેરો બતાવ્યો હતો… કલકત્તામાં મજૂરોની હડતાલ જાણીને એમના ભેગો ભળીને સૂત્રો બોલવા લાગ્યો હતો. ચાલતાં ચાલતાં પાછળથી કોઈના પગની આંટી ભરાતાં એ નીચે પડી ગયો હતો અને એને નોંધપાત્ર વાગ્યું હતું છતાં અશ્રુવાયુ ન છૂટ્યો ત્યાં સુધી એ સરઘસ સાથે રહ્યો હતો અને પોલીસોના કહેવાથી ખટારામાં બેસીને થાણા સુધી ગયો હતો. ત્યાં જઈને પોલીસધર્મ ઉપર એણે એક વ્યાખ્યાન આપ્યું હતું અને એને મળીને ઉપરી અધિકારી પ્રસન્ન થયા હતા… લખનૌના એક ફૂટપાથ પર કવ્વાલીની મહેફિલમાં સવારના પાંચ સુધી સજગ હાજરી આપી હતી અને ઊંધ આવતાં વચ્ચે બે વાર નાચ્યો હતો. એક શાયર થવા માગતા નવજવાનને પાંચ મિનિટમાં એક બેહતરીન કવ્વાલી રચી આપી હતી… નવેમ્બરથી માર્ચ સુધીના ગાળામાં એ ત્રણ વાર મુંબઈ ગયો હતો. ત્યાં સમુદ્રકિનારે ફરવા ગયો ન હતો. કોઈને મળ્યો પણ ન હતો.

એને સ્વપ્ન આવે છે ખરાં પણ એ ટૂંકાં હોય છે. એની માન્યતા છે કે સ્વપ્નની સૃષ્ટિ પર આપણું નિયંત્રણ નથી તો પછી એમનો સંબંધ આપણી સાથે કેવી રીતે જોડી શકાય? સ્વપ્ન આવ્યું હોય તો ભૂલી જવાય તે જ યોગ્ય. કારણ કે એ કદીયે મૂળ રૂપે યાદ આવતું નથી. યાદ કરવા જતાં એમાં કલ્પનાના અંશો ઉમેરવા પડે છે. એક તો સ્વપ્ન પોતે જ વાયવ્ય અને એમાં ઉમેરાતી કલ્પના પણ વાયવ્ય! ફાલતુ, બેકાર માણસને તો નકકરતા સાથે લેવાદેવા હોય.

જાપાનમાં એ પાંત્રીસ દિવસ રોકાયો. તેમાંના તેર દિવસ એણે હીરોશીમામાં ગાળ્યા. કેટલાં માણસોનો સંહાર થયો હતો તે એ જાણતો હતો. પણ અહીં આવીને જાણ્યું કે એ આંકડો સાઠ હજારનો નથી પણ સ્ત્રી-પુરુષ-બાળકો મળીને એંશી હજારનો છે અને એ બધાં વિસ્ફોટ સાથે જ ખતમ થયેલાં. વધારે ઊંડા ઊતરતાં એણે જાણ્યું કે સંહારનો આંકડો જેમ વધુ મોટો રાખીએ તેમ સત્યની વધુ નજીક રહેવાશે. એક લાખ માણસો ઘાયલ થયાં હતાં. અઢી લાખ માણસોની વસ્તીવાળો બંદર વિભાગ અગ્નિની જ્વાળાઓથી ભસ્માવશેષ થયો.

મૃતકોની સંખ્યા મેળવવા પોતે કેવી ચોકસાઈ કેળવી રહ્યો છે અને તે પણ આટલાં વરસ પછી! એ પોતાની આ કુશળતા પર હસી પડ્યો. એને યાદ આવ્યું — આલ્બેર કામૂના ‘પ્લેગ’માં ડૉકટર રિયોનું કહેલું એક વાક્ય એને યાદ આવ્યું… ‘પણ હવે આપણે મરણના આંકડા રાખીએ છીએ. તમારે માનવું પડશે કે આનું નામ પ્રગતિ છે.’ એક સારા પ્રસંગે, વરસો પહેલાં એણે અમૃતાને કામૂની ત્રણ નવલકથાઓ ભેટ આપી હતી. તેમાં ‘પ્લેગ’ જોઈને એ ચિડાઈ હતી. એના ચિડાવા પર આજે ઉદયન ફરી હસ્યો.

એને લાગ્યું કે આ આખો હીરોશીમા કાંડ હાસ્યાસ્પદ છે. ‘પ્રગતિ, પ્રગતિ, પ્રગતિ,… આ તમારી પ્રગતિની ફલશ્રુતિ! ભલા, દોડો છો શા માટે? જરા પહેલાં નજર પોતાના ભણી તો કરી લો, જુઓ તો ખરા કે તમે છો શું?’

માનવજાતિના વિકાસનું એક સીમાચિહ્ન—આ એક હત્યાકાંડ’, આપણા વિકાસનું પ્રતીક. ઈ. સ. 1945, 6ઠ્ઠી ઑગસ્ટ, સવારના આઠ અને પંચાવન મિનિટે એક ઉગ્ર પ્રકાશનો દુર્દાન્ત ચમકારો. અને પછીની દારુણ અશાંતિ.

પ્રકૃતિએ પણ આટલા વેગે કદી કોઈ પ્રલય કર્યો હશે કે કેમ તેની શંકા છે. વરસોનાં સંશોધન અને પ્રયોગો પછીની સિદ્ધિ! આ સિદ્ધિ? આ સંશોધન-કાર્યમાં એકલા અમેરિકન વૈજ્ઞાનિકો ન હતા, જુદા જુદા દેશોના ચુનંદા વૈજ્ઞાનિકો કામે લાગ્યા હતા, એમાં જાપાની પણ હતા.

ઈ.સ.1945, 6ઠ્ઠી ઑગસ્ટની સવાર. વીસમી સદીની બે મોટી શોધોની સમન્વિત ઉપલબ્ધિ! આઈન્સ્ટાઈને કહ્યું કે પદાર્થનું શક્તિમાં રૂપાંન્તર કરી શકાય અને એથી ઊલટું શક્તિનું પદાર્થમાં રૂપાંન્તર કરી શકાય. એનું નામ સાપેક્ષતાનો સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત આવ્યો નીલ્સ બોરનો પરમાણુ-સિદ્ધાંત! પરમાણુ જે એના ગ્રીક અર્થ પ્રમાણે અવિભાજ્ય હતો, હવે વિભાજ્ય બન્યો. સૂર્યની પરિક્રમા કરતા અન્ય ગ્રહોની ગતિ. એ ગ્રહમાળા જેવું જ આ સૂક્ષ્મદર્શકયંત્ર વડે જોઈ શકાતા પરમાણુનું વિશ્વ. Nucleus પરમાણુનું કેન્દ્ર. એની ફરતે ઈલેકટ્રોનની વ્યસ્ત પરિક્રમા. કેટલા નાના કણની કેવી અસાધારણ શક્તિ! દસ કરોડ પરમાણુ એક બીજાને અડે તે રીતે ગોઠવવામાં આવે તો એક ઈંચ જગા રોકે..

તો આ પ્રોટોન અને ઈલેકટ્રોનમાં જે સ્વત: એવી ઘનાત્મક અને ઋણાત્મક વિદ્યુત છે તે કોના પ્રતાપે? કોણે એ શક્તિ ત્યાં મૂકી છે? એ આત્મનિયંત્રિત ગતિ કોની છે?

તો હું જેને જડ પદાર્થ કહું છું તેના લઘુતમ ઘટકની શક્તિ મારાથી ઘણી વધારે કહેવાય.

પરમાણુમાં છે તે કઈ શક્તિ? એની પોતાની જ? પદાર્થની જ એ પ્રક્રિયા કે આસ્તિકો જેને ચૈતન્ય કહે છે તે જ આ? આ ચૈતન્ય પેલા ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરી ન બેસે. માટે ઈશ્વરને નકારવા આ પદાર્થના વિજ્ઞાનને જાણવું પડશે.

આ ઘટનાને ઈશ્વરેચ્છાનું પરિણામ માની લઉં તો બધું સરળ બની જાય. નિમિત્ત માત્રં ભવ સવ્યસાચી! તો શું પેલો હીરોશીમા પાયલોટ માત્ર નિમિત્ત હતો? ના. ઈશ્વર હોય અને એ પ્રયત્ન કરે તોપણ આ યુદ્ધ મહદ્ અંશે ધર્મ્ય હતું. તેથી શ્રી કૃષ્ણે એને યુદ્ધની અનિવાર્યતા સમજાવી અને વિશ્વરૂપદર્શન કરાવ્યું. પણ આ તો યુદ્ધ નથી, છેતરપિંડી છે. એક પક્ષે તો સંપૂર્ણ સલામતી છે. આ તો થઈ રાજનૈતિક રમત. અહીં દોષિત માણસ છે. આને પેલા પરમ ચૈતન્યની લીલા કહીને આખો દોષ એના માથે ઢોળી દેનારા આસ્તિકો પણ કેવા! આ કારણે તો ઈશ્વર માટે સહાનુભૂતિ જાગે. પરમ ચૈતન્ય! એના વિશે વિચારવું પડશે? જો એ હોય તો આપણને શો વાંધો છે? જેને ભૌતિક ઘટના કહું છું તેને ચૈતન્યનો આવિષ્કાર કહીશ.

આજે એ પ્રસન્ન હતો. એને લાગ્યું કે પોતાની સંચિત અભાવાત્મકતા ઓછી થઈ રહી છે. એને ઠેર ઠેર નજાકતનું દર્શન થવા લાગ્યું. એક હોટલના નૃત્યહોલમાં સહૃદય પ્રેક્ષક તરીકે એણે સારો એવો સમય ગાળ્યો. એક ચલચિત્ર જોયું. એણે જોયું કે હીરોશીમાના નાગરિકો પ્રસન્ન છે. કોઈ ઉદાસ નથી. કઈ શક્તિના બળે પેલી ઘટનાની મૂર્છામાંથી એ મુક્ત થયા? કોઈને પૂછું કે બંધુ, પંદર વરસ પહેલાંની ઘટનાને આમ આટલી સરળતાથી કેમ કરીને વીસરી શક્યા?

બીજાં શહેરોમાં હોય છે તેવી વિલાસની સામગ્રી અહીં લેશમાત્ર ઓછી નથી. એવા જ રાગરંગ, એવી જ લીલા.

એવી મોટી ઘટનાને પચાવી શકનારા લોકોની સહનશક્તિ અને સ્વસ્થતા સ્તુત્ય છે. આ બધા મસ્તરામ ફરે છે એમાંના કોઈનું સ્વજન પેલી મહાન હૉસ્પિટલમાં નહીં હોય? પણ પોતાનું સ્વજન પીડાતું હોય માટે પોતે પણ નિ:શ્વાસ નાંખ્યા કરવા એ ક્યો ધર્મ?

આ હત્યાંકાંડથી સહુથી વધારે દુ:ખી તો થયો નિમિત્ત બનનારો પેલો પાયલોટ ઈથર્લી. નીરોની જેમ બળતા નગરને જોઈને એણે વાંસળી ન વગાડી. એ અશોકની જેમ સાચો માણસ નીકળ્યો. એ ન્યાયાલય પાસે ગયો. કહ્યું કે હું એંશી હજારનો હત્યારો છું મને સજા કરો. મને પ્રાયશ્ચિત કરવાની તક આપો. પરંતુ કોણ સાંભળે? એના પરાક્રમની પ્રશંસા થઈ રહી હતી. એણે અવકાશયુદ્ધના ક્ષેત્રમાં નવો વિક્રમ સ્થાપ્યો હતો. અભિનંદન આપવા માટે એની સામે હાથ લંબાતા હતા. જ્યારે એનું અસ્તિત્વ ડામાડોળ હતું. એણે પોતાની ધરી ગુમાવી હતી. એને પાગલખાનામાં સુરક્ષિત રાખવામાં આવ્યો. એની માન્યતા પ્રમાણે આ જમાનાના સહુથી મોટા જલ્લાદ તરીકેનું વર્ષાસન મેળવીને એ જીવી રહ્યો છે. એના મુખે આજનો જાગ્રત માણસ પોતાને પોતાના જ વ્યંગથી આહત કરવા માગે છે. આ આત્મઘાત નથી તો શું છે? ઈ. સ. 1950માં ટ્રુમેને હાઈડ્રોજન બૉમ્બ બનાવ્યો ત્યારે એણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો. અનિકેતને આ માણસ વિશે જાણવાનું ગમશે. એને લખું? એ કહેશે આ માણસના પ્રાયશ્ચિતમાં રહેલા માનવજાતિ માટેના પ્રેમના બળે ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. એને પત્ર લખું? પણ એ કદાચ જાણતો જ હશે. એને લાગશે કે ઉદયને કેટલુ મોડું જાણ્યું! એને એમ લાગે તો એ સાચું હશે. એને લખીશ. રેડિયો-એકિટવનો ભોગ બનેલાંની હૉસ્પિટલ વિશે તો મારે એને લખવું જ રહ્યું.

ઉદયન એ હૉસ્પિટલમાં ચાર દિવસ સતત ગયો. પાંચમા દિવસે ડૉકટરે ન આવવા વિનંતી કરી. એ દિવસ એ એક દરદી પાસે ઊભો રહીને વાતો કરતો હતો. એ દરદી લગભગ એની જ વયનો હશે. એ ભાષાશાસ્ત્રનો વિદ્વાન હતો અને હિન્દી સારી રીતે જાણતો હતો. વિસ્ફોટ પછી આઠ વરસે એના શરીરમાં વિકૃતિ આવી હતી. વનસ્પતિ અને ખોરાકમાં એકરૂપ થઈ ગયેલ રેડિયો સ્ટ્રોન્શિયમે એના શરીરમાં પ્રવેશ કર્યો હતો. પાંચ વરસથી એ આ હૉસ્પિટલમાં છે. ભવાં અને પાંપણો ખરી પડવાથી એનો ચહેરો કુરૂપ થઈ ગયો હતો. એનો ચહેરો જોઈને ઉદયનને આઘાત લાગતો હતો છતાં દરરોજ એની પાસે જઈને એ ઊભો રહેતો હતો. એ માણસના પગને તળિયે કાળા ફોલ્લા થયા હતા. એના હાથપગની આંગળીઓના નખ ખરી પડ્યા હતા. નખ વિનાનાં ટેરવાં પરથી જાણે પ્રવાહી બનીને માંસ ઝમી આવવા મથતું હતું. એ આપમેળે પડખું પણ બદલી શકતો ન હતો. પરંતુ એની ચેતના ર્મૂછિત થઈ ન હતી. એ કોઈની સાથે ભાગ્યે જ વાત કરતો હતો. ઉદયને એનું એક પુસ્તક મેળવીને વાંચ્યું હતું. તે માટે અભિનંદન આપ્યાં. એનો શિથિલ હાથ સાચવીને હાથમાં લઈને ઉદયને અભિનંદન આપ્યાં. તે પછી પેલા માણસની વાચા રોકી રોકાઈ નહીં. ઉદયનને લાગ્યું કે માણસ મારો પ્રશ્ન સહી શકે તેમ છે તેથી નિર્મમ થઈને એણે પૂછયું —

‘તમને આશા છે કે તમે સાજા થશો?’

‘ના,’

‘તો કેમ કરીને જીવી રહ્યા છો?’

‘મોતની સજા પામેલો માણસ જીવે એ રીતે.’

‘માફ કરજો બંધુ, તમને મારાથી ન પૂછવા જેવું પુછાઈ ગયું. આદતોથી મજબૂર છું.’

‘માફ કરવાની વાત જ નથી મિત્ર! હું તો એક બલહીન વિવશ પ્રાણી છું. મારી જિહ્વા હજી કામ કરે છે તેથી લાગે છે કે હું માણસ છું. પડખું બદલવા માટે પણ બુરખો પહેરીને ફરતા પરિચારકની મદદ લઉં છું. અને તમારો આ સહૃદય સ્પર્શ!… આશા અને ભવિષ્યથી વંચિત માણસને જિન્દગીનો આવો સ્પર્શ ક્યાંથી? હું કેવળ વર્તમાનને જીવું છું. જીવું છું એમ પણ કેમ કહી શકું? એટલું જ કહી શકું કે જીવતો છું. મારા જેવો માણસ કોઈને માફ કરવાનું ગૌરવ કેવી રીતે અનુભવી શકે? અને છતાંય તમારો ભાર હળવો થતો હોય તો કહી દઉં છું કે જાઓ, મેં તમને માફ કર્યા. આ પરમાણુશક્તિનો આવો વિઘટનાત્મક ઉપયોગ શોધનારા વૈજ્ઞાનિકોને પણ મેં માફ કરી દીધા છે..અમારો ભોગ લેવાયા પછી જો નવા બનેલા હાઈડ્રોજન બૉમ્બ અને કોબાલ્ટ બૉમ્બનો ઉપયોગ થવાનો ન હોય તો અમારો ભોગ સાર્થક છે. અને એંશી હજારનો વિનાશ એ સમગ્ર વિશ્વક્રમમાં બહુ મોટી ઘટના નથી. તમે તો ભારતીય છો. મહાકાળ તમારે ત્યાં તો દેવતા કહેવાય છે. તમારી બાજુમાં ડૉકટર ઊભા છે. હું માનું છું અને ઈચ્છું છું કે એ તમને હવેથી અહીં ન આવવા સમજાવી શકશે.

પોતાના દરદીને બોલવામાં સુખ મળી રહ્યું છે એ જોઈને ડૉકટર શાન્ત ઊભા હતા. એ ઉદયનને પોતાના રૂમમાં લઈ ગયા. બેસાડ્યો. કલાક સુધી ઉદયનના પ્રશ્નોના ઉત્તર આપ્યા. પછી એને પ્રયોગશાળામાં લઈ ગયા. ડૉકટર અમેરિકન હતા અને છેલ્લાં દસ વરસથી આ હૉસ્પિટલમાં માનદ સેવાઓ આપતા હતા. એમણે પોતાના લેખો ઉદયનને ભેટ આપ્યા. ઉદયને અનુવાદ કરવાની સંમતિ મેળવી લીધી.

જાપાનનો પ્રવાસ પૂરો કરીને ઉદયન દિલ્હી પહોંચ્યો તેની બે દિવસ પહેલાં એનો એક ‘વિજ્ઞાનની અપૂર્વ સિદ્ધિઓ’ નામનો સચિત્ર લેખ અંગ્રેજી અખબારમાં પ્રગટ થયો હતો. દિલ્હી ખાતેની પોતાની સંસ્થાની ઑફિસે જાપાન વિશેનું લખાણ સોંપીને એ અમદાવાદ ઊપડ્યો.

ગાડીમાં એને એક વૃદ્ધ સાહિત્યકારનો ભેટો થઈ ગયો. એમની ષષ્ઠીર્પૂતિ ઊજવાતી હતી તે વર્ષે ઉદયને એમની મર્યાદાઓ પર એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો હતો. એક પરિસંવાદમાં ઉદયન વક્તા હતો અને એ અધ્યક્ષ હતા. ઉદયને વિષયાન્તર ન લાગે એવી કુશળતાથી પ્રમુખશ્રીની સાહિત્યિક પ્રતિષ્ઠાની ઝાટકણી કાઢી નાંખી હતી. પરંતુ ઉપસંહારમાં પ્રમુખ તરીકે એમણે ઉદયનની જાગૃતિની અને પરિશીલ- નથી કેળવાયેલી અભિરુચિની પ્રશંસા કરી હતી. ઉદયનનો લેશમાત્ર વિરોધ ન કર્યો કે પોતાનો બચાવ પણ ન કર્યોં. એથી તો ઉદયન વધુ અકળાયો હતો. એમની સ્વસ્થતાથી ત્રાસી ઊઠયો હતો. આ ઘટનાને બે-અઢી વરસ થયાં. તે પછી મળવાનું થયું નહીં. ઉદયન કદી કોઈ મુરબ્બીને મળવા જતો નથી. તેથી એમને ઘેર પણ ગયેલો નહીં. એની એક વાર્તાનું એમણે પોતાના સામયિકમાં પુનર્મુદ્રણ કર્યું હતું. વર્તમાન ભારતીય સાહિત્ય નામના પુસ્તકમાં ગુજરાતી પર લખ્યું હતું અને ઉદયને વાર્તામાં આણેલા નવા વળાંકની ધ્યાન ખેંચે એવી ચર્ચા કરી હતી. ઉદયનને એમણે એ પુસ્તક ભેટ આપ્યું —

‘હું તો તમને મારા વિરોધી માનતો હતો.’

‘તેથી શું?’

‘તમારે મારો વિરોધ કરવો જોઈએ.’

‘એમ! વિરોધ એ તમારી પેઢીની ખાસિયત છે. આજના યુગસંદર્ભને જીવનાર અને જાણનાર સાહિત્યકારના ચહેરા પર એકાદ પણ અહંજન્ય વિરોધની રેખા ન દેખાય તો મને આશ્ચર્ય થાય. એ તો નવી પેઢીની એક લાક્ષણિકતા છે. તમે જે અર્થ અને મૂલ્ય જગતને આપવા મથો છો તેને જગત સ્વીકારી રહેશે તે પછી વળી નવાં અર્થ અને નવાં મૂલ્ય લઈને આવનાર પેઢી તમારો વિરોધ કરશે. તેથી મૂલત: આ વિરોધ નથી. સંવાદની એક વિશિષ્ટ પ્રક્રિયા છે.’

‘તમારો મુદ્દો વિચારવા યોગ્ય છે… હું સિગારેટ પી શકું? તમને વાંધો ન હોય તો..’

‘ખુશીથી પીઓ.’

પાંચેક મિનિટ મૌન.

‘થોડાક દિવસ પહેલાં તમારો એક લેખ જોયેલો. તે પરથી લાગ્યું કે તમે જાપાન ફરી આવ્યા છો, મજાનો દેશ છે કેમ?’

‘તમે પણ જાપાન ગયા હતા કદાચ, મેં એ સમાચાર વાંચેલા.’

‘હા. હું ગયેલો. સારું એવું ત્યાં રોકાયો હતો.’

‘હીરોશીમા ગયેલા?’

‘હા. એ વિસ્ફોટનો ઈતિહાસ સાચવી રાખ્યો છે તે મ્યુઝિયમમાં જોયેલો એક પદાર્થ મને પણ હજુ યાદ છે. માણસના પગનું હાડકું અને મકાનની દીવાલનો ચૂનો વિસ્ફોટની જ્વાળાઓના પ્રભાવથી એક થઈ જઈને ગઠ્ઠો થઈ ગયેલાં, એ ગઠ્ઠો એ આખી ઘટનાનું રહસ્ય કહી શકે તેમ છે.’

‘મને ત્યાં સાચવી રાખેલું ઊંચા મકાનનું લોખંડના સળિયારૂપે બચેલું હાડપિંજર યાદ રહી ગયું છે. આપણી સિદ્ધિઓનું ખાલીપણું અને આપણી ઊંચી આકાંક્ષાઓની પોકળતા એમાં મને દેખાઈ. હીરોશીમા આજના લેખકની અશ્રદ્ધાનું ઊગમસ્થાન છે.’

‘એમ તો કેમ કહેવાય? હું તો કદાચ એથી ઊલટું કહું. તમને ખ્યાલ હશે જ કે હીરોશીમાના નગરપતિએ એક વાર કહેલું — જો પરમાણુ બૉમ્બ કોઈની ઉપર પણ પડવાનો જ હતો, તો ભલે અમારી ઉપર પડ્યો. જો બીજા કોઈની ઉપર ભવિષ્યમાં કદી પણ પરમાણુ બૉમ્બ ન પડે, તો ભલે તે અમારી ઉપર પડ્યો.’

‘હા. જાણું છું. ત્યાંના એક ભાષાતત્ત્વવિદ્દ દરદીએ પણ એવા ભાવાર્થનું જ કહેલું.’

અને તત્ક્ષણ એ દરદીના સ્મરણથી અકળાઈ ઊઠયો. એની આંખ સામે આખી હૉસ્પિટલ ઊભી થઈ. એ આર્ત પરંતુ અશબ્દ વેદના… એ શબવત્ શરીરોમાં બુઝાવા આવેલી આંખો… માનવ શરીરનાં એ છિન્ન વિદીર્ણ અંગો… એ અનંત- સૂનકાર… મોતની સજા પામેલું જીવન. ઉદયન સમસમી ઊઠયો હતો. એ ઊભો થયો. ગાડીનું બારણું ખોલીને બહાર જોવા લાગ્યો.

જૂન અને જુલાઈનો સમય કેન્દ્ર સરકાર સાથેના પત્ર-વ્યવહારમાં ગયો. સંસ્થાને આપવા કબૂલેલી રકમમાં કાપ આવી રહ્યો હતો. હવે સંસ્થાનું સંચાલન અનિકેતે કરવાનું હતું તેથી એણે જહેમત ઉઠાવીને અધિકારીઓને પ્રતીત કરાવી આપ્યું કે આ સંસ્થાને પૂરતી મદદ આપવી જરૂરી છે. ઉદયને પણ આ અંગે પ્રત્યક્ષ-પરોક્ષ મદદ કરી.

અનિકેત એ અંગે નિશ્ચિંત થઈને કામ કરવા લાગ્યો. પણ એ નિશ્ચિંતતા બહુ ટકી નહીં. સહકાર્યકરો એકબીજા વિશે ફરિયાદ કરવા લાગ્યા હતા. એણે બેઠક બોલાવીને નમ્રતાપૂર્વક કહ્યું કે આ પ્રકારની ફરિયાદ હું સાંભળીશ નહીં. કોઈના પર અવિશ્વાસ રાખીને હું એનો સાથ મેળવી શકું નહીં. પોતાને કંઈ મુશ્કેલી હોય તો એ અંગે જરૂર ચર્ચા કરવા આવવું. પણ આ કક્ષાએ આત્મનિરીક્ષણને સ્થાને અન્યની ચિંતા કરવી શોભે નહીં. આકલન કરવામાં અનુકૂળતા રહે એ માટે હવે હું દરેક સંશોધકનું કામ જાણવા ઇચ્છું છું. દરેકની પાસે ત્રણ ત્રણ દિવસનો સમય માગું છું. આપ સહુ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે જણાવશો.

સંસ્થાના મકાન માટે એણે સિચ્યુએશન જોવાનું શરૂ કર્યું. પિતાજીને લખ્યું કે ત્યાંથી બની શકે એટલી મદદ મોકલે. ભારતવાસી મિત્રોને પણ લખે. જેટલો લોકફાળો થશે એટલી મદદ સરકાર આપશે એવું નકકી થયું છે. સરકારે પૂર્વનિશ્ચિત યોજનામાં કાપ મૂકવાનું નક્કી કરીને એને જરા બેચેન કર્યો હતો તે કારણે પણ કોઈ સૂક્ષ્મ પ્રતિક્રિયા જાગી હોય અથવા એને એમ જ સૂઝયું હોય. પણ એણે લોકફાળાની ઘણી મોટી રકમ એકઠી કરી બતાવવાનું નક્કી કર્યું.

એણે પોતાના સહકાર્યકરોનું કામ જોયું અને એમનો નિકટ પરિચય પ્રાપ્ત કર્યો. એમનો સ્તર એણે જાણ્યો. ચિંતા થઈ. આ સહકાર્યકરોનો ઉત્સાહ કેવી રીતે વધે તે શોધી કાઢવું પડશે. એવું મનોમન નક્કી કરીને દરેકમાં જે કંઈ અતિ અલ્પ પણ સારું હતું તે તરફ એમનું ધ્યાન ખેંચ્યું. અને વિકસાવવા કહ્યું. તમારું જે આ કામ છે ને, એ કક્ષાએ બધું થવું જોઈએ. તમારા સહયોગ માટે આભાર! આ કામમાં સ્વેચ્છાએ જોડાય એવા માણસો ક્યાં છે?

એણે આ અંગે દ્વૈમાસિક પરિસંવાદની યોજના વિચારી, અને દેશના આ વિષયના ખ્યાતનામ વિદ્વાનોનો લાભ લેવાનું નક્કી કર્યું. એક સચિત્ર ત્રૈમાસિક શરૂ કરવાની પણ જાહેરાત કરી.

ઉદયનનો પત્ર હતો. એ સિલોનનો પ્રવાસ અધૂરો મૂકીને મુંબઈ આવી ગયો છે. કામમાં ચેન પડતું નથી. શરીર ભારે ભારે લાગે છે. બરડા નીચે દુખે છે. તેથી સપ્ટેમ્બર આખો રોકાઈને આરામ કરવો અને લખવું. આરામ વિના લાંબા લાંબા પ્રવાસ કર્યા કરવાથી આમ થયું હશે. એવું લખીને ચિંતા ન કરવા એણે જણાવ્યું હતું.

મુંબઈ છોડ્યો સવા વરસ જેટલો સમય થયો. આથી અધ્યાપકો, વિદ્યાર્થીઓ, નવાં પ્રગટ થયેલાં પુસ્તકોથી દૂર રહી જવાશે. મુંબઈ જવું જોઈએ. પણ, પણ શું? જવું જ જોઈએ.

નમેલી સાંજે એ પરસાળમાં બેઠો હતો. ગુલમહોરના ચોકમાં આવીને લક્કડખોદ પંખી આવીને બેઠું હતું. એ એકલું જ હતું. એની ચાંચ સ્થિર હતી. અનિકેતને થયું — એ કેમ બેસી રહ્યું છે? એ ચાંચના ઘા કરે અને અવાજ થાય તો વાતાવરણમાં કંઈક સંચાર અનુભવાય. પણ પંખી બેસી રહ્યું હતું. એની ચાંચ ઊપડતી ન હતી.

મોડી રાત્રે એણે પોતાનાં જૂનાં લખાણ કાઢયાં. સાચવવા જેવું હોય તે રાખીને બીજું ફાડીને ફેંકી દેવાનું નક્કી કર્યું. એક પછી એક લેખ હાથમાં લેવા લાગ્યો. ફાડી ફાડીને ફેંકી દેવા લાગ્યો. ઝીણવટથી જોવા જતાં એને કશુંય સાચવવા જેવું ન લાગ્યું. એક વાર્તા જે ઉદયનને ગમેલી તે પણ આજે એને વાગ્મિતા-પ્રચુર લાગી. પ્રગટ કરી ન હતી તેથી એનો આમૂલ નાશ કરી શકાયો. થોડાંક અધૂરાં ગીત પડ્યાં હતાં. તે પણ જરા વિલંબ કરીને પછી ફાડી નાંખ્યાં. કાગળના ટુકડા એકઠા કરીને બહાર ફેંકવા ચાલ્યો. છાપાના લાંબા કાગળમાં બધા ટુકડા એકઠા કર્યા હતા. બહાર જતાં પવનની ઝાપટ વાગી. કેટલાય ટુકડા ઊડીને આંગણામાં ફેલાઈ ગયા…

હવે લખવું? ન લખવું? અહ્વાનનો અનુભવ થશે તો ઉત્તર આપ્યા વિના ચાલવાનું નથી. પણ આજકાલ બર્હિવિશ્વ કંઈક ઓછું સંવેદ્ય લાગે છે.

અને લખીનેય શું? લખવા યોગ્ય સ્ફુર્યું હોય તે પણ ન લખાતાં વિસ્મૃત થઈ જાય તોપણ શું? કેટલા ઓછા માણસોને આ પ્રવૃત્તિમાં રસ છે? જેમને રસ છે તેમાંના પણ કેટલા ઓછા આપણી રચના વાંચી શકવાના ? જે લોકો વાંચે તેમાંના પણ કેટલા પામવાના? તો તો, આ ર્કીતિની વાત કેટલી ભ્રામક છે? અને આજનો વિશ્વસંદર્ભ જોતાં સાહિત્ય દ્વારા અમર થવાની વાત કોઈ જાગ્રત માણસથી થઈ શકે તેમ નથી. નિરપેક્ષ થવું જ રહ્યું. પોતાની કૃતિના પરિણામ વિશે નિરપેક્ષ થવું પૂરતું નથી. કૃતિ રચવાની કામનાથી પણ નિરપેક્ષ થવું. તો જ કદાચ કંઈક લખાશે, જે કંઈક હશે. જેનું મારાથી નિરપેક્ષ એવું અસ્તિત્વ હશે, કૃતિને બહાને પોતાને સ્થાપવા મથનારો બેચેન રહેવાનો. બેચેન હોય એ નિરપેક્ષ ન થઈ શકે અને નિરપેક્ષ થયા વિના છુટકારો નથી. આખરે તો અનંતમાં ભળી જવાનું છે. અંતિમ વાસ્તવિકતા તરીકે નાછૂટકે પણ નિરપેક્ષતાને સ્વીકારવાની છે તો પહેલાંથી જ સાવધ કેમ ન થવું?

જગતમાં પૂર્ણાહુતિનો મહિમા શા માટે હશે? એટલા માટે કે પૂર્ણાહુતિ અથવા મૃત્યુ અંતિમ વાસ્તવિકતા છે. મૃત્યુને પામીને માણસ અનંતમાં ભળે છે. મૃત્યુને જાણ્યા વિના જીવનને પ્રમાણી શકાય નહીં. અને મૃત્યુનું જ્ઞાન એટલે નિરપેક્ષતાનું જ્ઞાન..પણ એ નિરપેક્ષતાની હું તો વાતો કર્યા કરું છું. એને જાણું છું ખરો? આજ સુધી તો પોતાની નિષ્ફળતાને જ જાણી શક્યો છું.

એ ઊભો થયો. આકાશમાં સફેદ વાદળ છવાયેલાં હતાં. આ વર્ષે વરસાદ ઓછો થયો. હા, સહુ કહે છે કે આ વર્ષે વરસાદ ઓછો થયો.