અર્વાચીન કવિતા/ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ

ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ
(૧૯૦૨ – ૧૯૨૭)
ગજેન્દ્રમૌક્તિકો (૧૯૨૭)

નર્મ અને મર્મથી ભરેલી ભૌતિક ચિંતનશક્તિના અને કલ્પનાની તથા કાવ્યકળાની વૈયક્તિક લાક્ષણિક છટાઓવાળી કાવ્યશક્તિના થોડાએક અંકુરો પ્રકટ કરીને અવસાન પામનાર આ શક્તિશાળી લેખકની કાવ્યરચનાઓ મૌલિક અને અનુવાદિત મળી સાઠેક જેટલી છે, છતાં એટલી અલ્પ સંખ્યાથી પણ તે કાન્તની પેઠે ગુજરાતી કવિતામાં પોતાના નિરાળા વ્યક્તિત્વની ન ભૂંસાય તેવી છાપ મૂકી ગયા છે. કર્તાના જીવનમાં ૧૯૨૨થી ૨૭ સુધીનાં છેલ્લાં પાંચેક વરસમાં આ રચનાઓ થયેલી છે, અને તેમાંય છેલ્લા વરસમાં થયેલી રચનાઓ સૌથી વધુ કીમતી છે. બીજા સ્તબકના આ કાળ દરમિયાન ગજેન્દ્રની કવિતાએ જે ઉત્તમોત્તમ રૂપ લીધું છે તે તેમને ત્રીજા સ્તબકના ઘણાખરા નવા ઉન્મેષોના પ્રારંભકનું સ્થાન અપાવે તેવું મહત્ત્વભર્યું છે. ગજેન્દ્રની કાવ્યરચનાઓમાં પ્રારંભકાળમાં ગયા સ્તબકના ઘણાખરા અગ્રગણ્ય કવિઓની છાપ જોવા મળે છે. કલાપીની ઢબની ગઝલો, નરસિંહરાવના ખંડહરિગીત, બોટાદકરના રાસ, ન્હાનાલાલનું અપદ્યાગદ્ય તથા તેમના રાસ, બળવંતરાયનાં સૉનેટ તથા કાન્તની શ્લિષ્ટ મધુર શૈલીની છાયાઓ, તે તે લેખકોની કલ્પના તથા કલમના વૈયક્તિક મરોડ સાથે ગજેન્દ્રનાં એકાદબબ્બે કાવ્યોમાં પ્રતિબિંબિત થયેલાં છે. એ છાયાશ્રિત રચનાઓમાં પણ ગજેન્દ્રની કંઈક નવી ચમક આવે છે જ, પરંતુ જોતજોતામાં તેમની કવિતા ત્રીજા સ્તબકની સાહજિકતાભરી, સરળ છતાં પ્રૌઢ અને અર્થઘન છતાં સુંદર કવિતાની આગાહી જેવી ઉત્તમ રસાવહ શૈલી પ્રકટ કરે છે. ગજેન્દ્રની કૃતિઓમાં આ કૃતિનાં સૌષ્ઠવ તથા સુરેખતા જરા ઓછાં છે, તેમની મહત્ત્વની કૃતિઓ હદબહાર લંબાણમાં ખેંચાઈ ગઈ છે, વચ્ચેવચ્ચે ઉદ્‌ગાર ક્યાંક શિથિલ પણ બની જાય છે, ગીતો કેટલીક વાર સાવ ફિક્કાં તથા ઘણે ભાગે વિચારભારથી અલલિત બનતી રચનાઓમાં સરી પડે છે, અને કાવ્યના વસ્તુસમગ્રનો વિન્યાસ પૂર્ણ એકાગ્રત્તાથી તથા સુઘટ્ટ સંયોજનથી થતો નથી; આમ છતાં એમની લગભગ દરેક કૃતિમાં કલ્પનાનો તથા ઉદ્‌ગારનો ઓછામાં ઓછો એકાદ દીપ્તિમય ચમકારો તો આવી જાય છે જ, જેને લીધે એ કૃતિનું અસ્તિત્વ સાર્થક બને છે. એમની રચનાઓનો મુખ્ય વિષય પ્રકૃતિ અને જીવન પર પ્રતિષ્ઠિત થયેલું ચિંતનપ્રાણિત ઊર્મિવહન છે. કવિ જીવનને કે પ્રકૃતિને જ્યાં જ્યાં સ્પર્શે છે ત્યાં ત્યાંથી કોક સત્યગર્ભવાળા રસનો દ્રાવ વહાવે છે. એક ઉનાળાના તાપમાં લૂથી તરફડીને નીચે પડતા પંખીનું કાવ્ય ‘પડતું પંખી’ આનું ઉત્તમ ઉદાહરણ છે. ‘હંસગાન’, ‘શરદપૂનમ’, ‘ગરુડ’, ‘વીજળી’, ‘સૂર્ય-ચન્દ્ર-પૃથ્વી’ એ કાવ્યો પ્રકૃતિના આલંબન ઉપર કવિએ ઉપજાવેલા ચિંતનનાં તથા જીવનરસનાં ઉત્તમ પ્રતિનિધિ છે. આ સૌમાં ‘શરદપૂનમ’ની કેટલીક ઉપમાઓ અત્યંત રુચિરતાથી ભરેલી છે. ‘સૂર્ય-ચન્દ્ર-પૃથ્વી’નું કાવ્ય નરસિંહરાવની શૈલીના ઝબકારા દાખવતી એક જરા શિથિલ છતાં પ્રૌઢ ચિંતનભરી કૃતિ છે. ‘ગિરનારની યાત્રા’ કવિનું સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી કાવ્ય છે. ગિરનાર ચડ્યા પછી કવિને જે કંઈ અગમ્ય પરમતત્ત્વનો સ્પર્શ થાય છે, એ તેમનું ઉત્તમ લાક્ષણિક તત્ત્વ છે. ગિરનારના સૌન્દર્યનું વર્ણન કરવામાં કવિ કલ્પનાની ઠીકઠીક મદદ લે છે, અને તેથી કેટલીક વાર સુંદર ચિત્રો બની આવેલાં છે; પરન્તુ કાવ્યમાં સ્થૂલ વર્ણનો અને હૃદયની ઊર્મિ બંનેનું સરખું પ્રાધાન્ય મળવાને લીધે તથા નિરૂપણ જરા વિશેષ લંબાઈ જવાને લીધે કૃતિનો રસ એક પ્રધાન તત્ત્વની આસપાસ ઘન રૂપે કેન્દ્રિત થતો નથી. પ્રકૃતિના આલંબનથી મુક્ત રહેલાં સીધાં ચિંતનપ્રધાન તથા ભાવનાપ્રધાન કાવ્યોમાં કવિની શક્તિ વધુ વિકસેલી છે. ‘કવિને’ કાવ્યમાં જરા વધારે પડતા આસમાની રંગો હોવા છતાં કવિની કલ્પના કેટલાંક ઉત્તમ વિચારબિંદુઓને રસાવહ રીતે સ્પર્શી શકી છે. બીજાં સારાં કાવ્યોમાં ‘પડદા’, ‘સંભારણાં’, ‘દર્શન’, ‘સ્વપ્ન કે જાગૃતિ’ને મૂકી શકાય. આ સૌમાં નવી લાક્ષણિક શૈલીવાળું કાવ્ય ‘કબૂતરના કકડાને’ છે. તેની રસળતી, ઘરાળુ અને કાવ્યની રૂઢ શૈલીથી મુક્ત એવી ભાષામાં રબરના કબૂતરમાં કવિ જીવનના એક સનાતન તત્ત્વનું દર્શન કરાવી આપે છે. આ જ શૈલી અર્વાચીન કવિતાના ત્રીજા સ્તબકમાં વધારે વ્યાપક અને કાર્યસાધક રૂપે પ્રચલિત થઈ ને તેમાં ઘણું મહત્ત્વનું કાર્ય થયેલું છે. આ લાક્ષણિક શૈલીમાં કવિએ કેટલાંક અનુપમ આર્દ્રતાવાળાં ઊર્મિકાવ્યો આપેલાં છે. ‘પચ્ચીસ વર્ષે’ તથા ‘વિકાસ’ જેવી કૃતિઓ જરા પ્રૌઢ શૈલીની છતાં કવિના વિચારની ઊર્મિની ગહનતા તથા કલ્પનાની દૃઢતાને સારી રીતે વ્યક્ત કરે છે, પણ જેમાં સૌથી વધુ વેધકતા આવેલી છે તે અરૂઢ નવીન શૈલીમાં લખેલાં ત્રણ મૃત્યુકાવ્યો છે : ‘વિધુ’ ‘બાબુ’ અને ‘સ્મશાને’. બાળકના મૃત્યુની વ્યથાને મર્મવિદારક કારુણ્યથી આલેખતાં જે થોડાંક કાવ્યો ગુજરાતીમાં છે તેમાં આ કાવ્યોની ગણના થઈ શકે. સાદી વાણી પણ જ્યારે તે ઊંડી વ્યથા અને અસાધારણ કૌશલવાળા પ્રેરણાજન્ય ઉદ્‌ગારોથી પુષ્ટ બને છે ત્યારે તે કાવ્યત્વની કેટલીક વાહક થઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ‘સ્મશાને’માં મળે છે.

લીધી’તી જે હાથે જરીક રડતાં બાપડી! તને,
ધરી છાતી સાથે જહીં સૂઈ જતાં એક શયને;
તહીંથી તે હાથે, ઉંચકી તુજને પંથ પળતો,
પિતા તારો જો ને જગત ભર બપ્પોર બળતા.

અને એ મધ્યાહ્નના તાપ જેવી પ્રખર વ્યથા, પિતાના કરતાં ય માતાના હૃદયની એ વ્યથા કવિએ ખૂબ વેધકતાથી રજૂ કરી છે.

હતી માની મોંઘી, ફરી મૂકી દઉં માતઉર હું,
રડે બીજાં હું તો ખળખળ જતાં નીર નીરખું;
વળું ખાલી હાથે ઘર ભણી, પૂછે દ્વાર મહીં એ,
‘પ્રતાપી તાપીને તટ મુજ બટુ શું નહિ રૂવે?’

એ વ્યથાને ચિરંજીવ કરતી એ ઘટનાના દિવસને પણ કવિ અમર વ્યથાથી અંકિત કરી દે છે :

શમાવી સર્વના તાપો; પુણ્ય આ દિન છો પળે,
બળેવે બાળકી પોઢી, એ બળેવ સદા બળે.

કર્તાની આ પ્રારંભિક કાળની ૧૯૨૨ની કૃતિ હોઈ કર્તામાં કવિત્વની કેટલીક ગૂઢ શક્તિ છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને ત્રીજા સ્તબકની નવીન કવિતાના પ્રથમ અંકુરને ઠેઠ ૧૯૨૨ સુધી લઈ જાય છે. મહાવીરપ્રસાદ શિવદત્તરાય દાધીચના ‘કોકિલનિકુંજે’ (૧૯૨૭)નાં ત્રીસેક કાવ્યોમાં છંદ અને ભાષાનું મનોહર સૌષ્ઠવ જોવા મળે છે. સંગ્રહનું છેલ્લું કાવ્ય ‘અર્જુન અને ઉર્વશી’ બધાં કાવ્યોમાં ઉત્તમ છે. લેખકે મૂળ વાર્તામાં થોડો ફેરફાર કરી ઉર્વશીને અર્જુન પાસે મૂર્છા પામતી વર્ણવી છે. છેવટના ભાગમાં ઉર્વશી કહે છે :

હા હન્ત! ઓ અસુર્હીણે કુસુમાયુધે રે,
છે જુલ્મ તો બહુ કર્યા મુજ હૈયું ચીરે :
એકાકિની ય અબળા મુજને નિહાળી;
લો પક્ષ, આપ ચરણે ‘શરણાગતાસ્મિ’.

મૂર્છા પછી જાગૃતિમાં આવતી ઉર્વશીનું વર્ણન સુંદર છે :

પ્રભાતે પાંદડી જેવી ઉઘાડે જળપોયણી,
તેવી રીતે ઉઘાડીને આંખ એ નિરખી રહી.

‘કુસુમકળીઓ’ આ લેખકનું આ પહેલાંનું પુસ્તક છે. મારવાડી કુટુંબમાં જન્મેલા આ અ-ગુજરાતી લેખક પોતાને અને પોતાની કવિતાને ‘વિદેશી કોકિલના ટહુકારા’ તરીકે ઓળખાવે છે. અને એ ટહુકારા મીઠા છે તેમાં શંકા નથી. અમૃતલાલ નાથાલાલ ભટ્ટના ‘પુલોમા અને બીજાં કાવ્યો’ (૧૯૨૮)માં શૈલીનો અને નિરૂપણનો એક નવો જ, હળવો છતાં સુંદર પ્રકાર છે. સંસ્કૃત રીતિની શિષ્ટ પ્રૌઢ અને દલપતની ફિસ્સી પ્રાકૃતતાની વચ્ચે રહેતી લેખકની શૈલીમાં સરળતા છે છતાં પ્રાકૃતતા નથી. લેખકે છંદો પણ આજ લગીમાં ઓછા વપરાયેલા એવા ટૂંકા માત્રામેળ રૂપના પસંદ કર્યા છે. આ સંગ્રહમાં વર્ણનાત્મક કાવ્યો વિશેષ પ્રમાણમાં છે. ૧૦૪ કડીનું ‘પુલોમા’ એક પૌરાણિક કથાપ્રસંગને સરલ મનોહર રીતે વર્ણવે છે. અને બીજાં કાવ્યો કરતાં તે સારું છે. ‘થર્મોપાઇલી’ ‘હલદીઘાટ’ ‘ભામાશા’ કિશોર માનસને રસાવહ થઈ પડે તેવાં છે. આ સંગ્રહમાં થોડાં ગીતો તથા ઊર્મિકાવ્યો પણ છે, જેમાં તેમના ભાવ કરતાં સાદાઈની મનોહરતા વિશેષ છે. લેખકના ‘સીતા’ (૧૯૨૮)માં રસના આધારરૂપ કશું તત્ત્વ દેખાતું નથી. રામચંદ્રથી પરિત્યાગ પામેલાં સીતાને પૂર્વજીવનનાં સ્મરણો થાય છે એ પ્રસંગને કવિએ સીતાના મુખમાં ભૂતકાળનાં સ્મરણચિંતન રૂપે મૂક્યો છે, પણ તે સ્મરણો રસથી ધબકતાં થઈ શક્યાં નથી. જદુરાય ડી. ખંધડિયાના ‘હૃદયની રસધાર’ (૧૯૨૮)માં કેટલાંક હાસ્યરસનાં અર્વાચીન ઢબે લખેલાં કાવ્યો છે. ‘કલિયુગનાં કુટુંબોમાં’ ‘ઘરઘાટી’ ‘અસ્પૃશ્ય સ્વામી’ ‘શ્રી પ્રેમ ખાતે ઉધાર’ જેવાં વિષયોમાં તેઓ કટાક્ષમાં સફળ થઈ શક્યા છે. કેટલીક કૃતિઓ તદ્દન નિઃસત્ત્વ છે. લેખકને છંદ વગેરે પર કાબૂ છે, પણ ગંભીર વિષયોમાં એ સફળ નથી થઈ શક્યા. કાવ્યને ગૌરવપૂર્વક રસાવહ કૃતિ બનાવવા જેટલી કળાશક્તિ તેમનામાં નથી દેખાતી. જયેન્દ્રરાય ભ. દૂરકાળના ‘ઝરણાં, ટાઢાં ને ઊન્હાં’ (૧૯૨૮)માં છંદ અને ભાષા પર કાબૂ છે, પણ કલ્પનાનું ઉડ્ડયન બહુ ઓછું છે. લેખકે ‘સ્વરાજ્ય’ અને પ્રણય વિશે વર્ણનાત્મક પ્રકારનાં કાવ્યો લખ્યાં છે. લેખકની વાણી ન્હાનાલાલ અને કાન્તનાં કલ્પનાશીલતા, ગૌરવ તથા લાલિત્યને અપનાવે છે, પણ તેના અતિરેકમાં તે પોતાની અસાહજિકતા વ્યક્ત કરી દે છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો સુંદર બનેલાં છે. તેવી કૃતિઓમાં સદ્‌ગત પત્નીને અંગેનાં કાવ્યો ઉત્તમ બનેલાં છે.

તમારાં યાન વૈકુંઠે, યશો આંહી રહી ગયા,
તમારા સ્વર્ગના પંથો દેવપુષ્પે સ્ફુરી રહ્યા.
...દેવોનાં દર્શને, શુભ્રે, વિસરી અમને જજે,
રખે આંસું ઊન્હાં ઝાંખાં અમારાં તુજને નડે.
...જ્યાં કલા પ્રભુની રાજે, રાજે લક્ષ્મી સ્વયંપ્રભા,
વૈકુંઠજ્યોતિમાં ત્હારા હિંડાળાઓ ઝુલી રહ્યા.
નિર્ખજે આત્મની કાન્તિ માંડીને રસ-મીટડી,
નિમેષો ત્યાં નહિ વારે સમાધિ તુજ મીઠડી.

કવિએ છેલ્લી કડીમાં દેવોને નિમેષ નથી હોતી એ કલ્પનાનો આશ્રય લઈ સુંદર ઉક્તિ સાધી છે. ‘વલ્લભ’નું વાદળી’ (૧૯૨૮) મેઘદૂતની ઢબનું એ જ કાવ્યનું વસ્તુ લઈને રચેલું અલ્પસત્ત્વ કાવ્ય છે. વલ્લભદાસ ભગવાનજી ગણાત્રાનું ‘મેઘસંદેશ’ (૧૯૩૦) મેઘદૂતની અનુકૃતિ છે. તેઓ કદાચ ઉપરના જ કાવ્યના લેખક હોવાનો સંભવ છે. એમાં એક જેલમાં ગયેલો વિદ્યાર્થી ગાંધી મહાત્માને મેઘ દ્વારા સંદેશ મોકલે છે. લેખકે સ્થળ અને પ્રકૃતિનાં વર્ણનોની કેટલીક કલ્પનાઓ મેઘદૂતમાંથી જ ઉપાડી લીધી છે. મુંબઈના સત્યાગ્રહનું વર્ણન રુચિર બન્યું છે. આ લેખકે સંસ્કૃત ભાષામાં પણ ‘સત્યાગ્રહગીતા’ (૧૯૩૧) લખી છે, જેમાંના કેટલાક શ્લોકમાં તેઓ સારી કલ્પનાશક્તિ બતાવી શક્યા છે. શાંતિશંકર વં. મહેતાના ‘ચાઈઠો યાત્રા’ (૧૯૨૬)ને એક પ્રવાસના કાવ્ય તરીકે નોંધપાત્ર ગણી શકાય. લેખકે બર્મામાં એક ખડક ઉપર બાંધેલા પેગોડા ‘ચાઈઠો’ની કરેલી યાત્રાનું પદ્યમાં લુખ્ખી વિગતો આપી માત્ર વર્ણન કર્યું છે. દર્શનાનંદને તે કાવ્યમય બનાવી શક્યા નથી. કવિ ત્રિભુવનલાલ કાશીલાલના ‘ત્રેભુવિનોદિની’ (૧૯૨૯)નાં બસોએક પૃષ્ઠમાં નાટકની તરજો, ગઝલ, કવાલી વગેરેમાં બોધપ્રધાન રીતિની રચનાઓ જોવા મળે છે. ગીતોની ભાષામાં મીઠાશ છે, પણ લેખકનું કાવ્યમાનસ જૂની ઢબનું, કૃત્રિમ રીતિનું છે. વિચાર કે રસનિરૂપણમાં નવીનતા નથી.