અર્વાચીન કવિતા/નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી

નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી
(૧૮૦૨-૧૮૭૨)-
નભૂવાણી (૧૯૦૩)

કાવ્યપ્રદેશમાં નભૂલાલ કવિ દયારામની કેડીએ તેને પગલે જ, કહો કે તેનાં પગલાં દાબતા તરત જ ચાલ્યા આવે છે. તેમનાં પદોમાં ક્યાંક દયારામ જેટલું જ લાક્ષણિક લાલિત્ય છે. તેમનાં કથાત્મક કાવ્યોની શૈલી મધુર છે, ક્યાંક પ્રેમાનંદની જોડણી છે. તેમનો બહુચરાજીનો ગરબો વલ્લભને યાદ કરાવે તેવો છે. તેમનાં બધાં પદોમાં ભાષા શિષ્ટ, અને વિષયને ઘટતી પ્રૌઢિ તથા હળવાશવાળી છે. પ્રાચીન ઢબની રચનામાં પણ તેઓ નવું બળ લાવી શક્યા છે. દલપતની રીતિનાં ચિત્રકાવ્યો પણ તેમણે લખેલાં છે. નભૂલાલના મૃત્યુ વખતે તો દલપતશૈલી ખૂબ વાજતીગાજતી હતી. નર્મદ સાથે તેમને ઘણો સારો સંબંધ હતો. તત્ત્વજ્ઞાનનો પણ કવિ ઠીક પરિચય ધરાવતા દેખાય છે. તેમનાં કૃષ્ણની બાળલીલાનાં ગીતો ખૂબ મનોહર છે. કૃષ્ણ ગોપીનાં મહી ખાઈ જાય છે તેનું એક પદ જોઈએ. લેખકે કેટલી અને કેવી મૌલિક રસિકતા દાખવી છે!

‘રાધાનો ઓળંબો’ (રાવ)
પ્રીતમ પોંચાયા નહિ તે કીધી પેરવી,

ગેડી ભરાવી ગોરસની કીધી ધાર;
મેં તો ધાર્યું તું હરજીની ચોરી હેરવી,
સેજે સંતાઈ બેઠી’તી બીજે દ્વાર.
ઘરમાં ઘેર્યા રે ગિરધારી હમે સહુ મળી,
મેં જઈ હરજી કેરો ઝાલ્યો જમણો હાથ;
વહાલે દુધનો કોગળો માર્યો મારી આખમાં,
સાને નસાડ્યો છે ગોવાળનો સાથ.

કવિએ પ્રાસ્તાવિક વિષયો પર પણ લખ્યું છે. હિંદુસ્તાનીમાં કવિતા કરવી એ તો તે વખતે સૌને માટે સ્વાભાવિક હતું. કલમની બરછીનું એવું એક નાનકડું કાવ્ય જોઈએ.

મારે બરછી કલમકી લગે કોશ હજાર,
દુનિયાં ઘા દેખે નહીં, બડા કલમકા માર,
બડા કલમકા માર, રૂદેકા ઘાવ ન રૂઝે,
અક્કલ કે મેદાન ઢાલ કાગદ સે ઝૂઝે,
કહે નભૂ ગુન જાન, ઇનુસેં સબહી હારે,
લગે કોશ હજાર, કલમકી બરછી મારે.

કવિનાં સૌથી ઉત્તમ કહેવાય તેવાં બે ગીતો રેંટિયા વિશે છે. માત્ર એક ગીતની થોડીક પંક્તિઓ જોઈએ :

રેંટિયો તે રિદ્ધ ને સિદ્ધ મારા વાલા.
કાંતે કુળવંતી નારી રેંટિયો રે.
જી રે પૂર્વ સંચિત પાકા સાગનો રે,
હેના શુક ને શોણિત બે સુથાર.
...એનાં ચિત્ત રે ચમરખાં ચોડિયાં રે,
એનાં તોરણિયાં શશિયર ભાણ.
એની ત્રાક સુધારી સુષુમણા રે,
એની મૂળકુંડળની માળ.
જી રે પૂણી ગૃહી તે નિજ પ્રેમની રે,
ભરી સોહમ્‌ ચપટી સાર.
હેનું મન રે ફરી રહ્યું ફાળકો રે,
ઊણ્યું અનુભવ વસ્તુ વિવેક :
જી રે સતસંગ ગંગાજળથી ફુંકારિયો રે,
વાળી આંટી અનેકની એક.
કોઈ સંત રે સુતરીને સુતર મૂલવ્યું રે;
આવ્યો લાભ અખંડ આનંદ

કવિએ આવાં અનેક ગીતોમાં ‘નભૂ સખી’ની સહી કરેલી છે.