અર્વાચીન કવિતા/પ્રસ્તાવના


પ્રસ્તાવના
(પહેલી આવૃત્તિની)

“અવલોકનકાર અને અવલોકન થનાર એ બે જણના પ્રયાસની ભૂમિ એક જ હોય તો અવલોકનના હેતુ વગેરે વિશે ગેરસમજ થવાનો ભય વધારે રહે છે; પછી ગમે એટલાં સત્ય ધોરણોથી અવલોકન થાય. માટે હેવે પ્રસંગે-કર્તવ્યની લાગણી સબળ હોય નહિં તો – અવલોકનનું કાર્ય આદરવું નહિં એ સલામતીભરેલું છે. પરંતુ કર્તવ્યની આજ્ઞા થઈ એમ લાગ્યું તો પછી ખોટા ભયથી વૃથા દાક્ષિણ્યની સેવા કરી સાચાં ધોરણોને ઘસારો પ્હોંચાડવો એ પણ એક જાત્યની ભીરુતા જ છે.”

(મનોમુકુર ગ્રંથ ૩, પૃ. ર૩)
નરસિંહરાવ ભોળાનાથ
 

આજથી આઠેક વરસ ઉપર મને લખવા માટે સોંપાયેલો આ વિષય આજે એક આકાર પામીને પુસ્તક રૂપે બહાર પડે છે. આ વિષય મને સોંપીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ મને ખરેખર ઋણી કર્યો છે. આ વિષય લખવાનું હાથ લેતાં અર્વાચીન કવિતાના લગભગ સર્વાંગ પરિચયમાં આવવાનો, અને તેનું ઝીણવટથી પરિશીલન કરવાનો મૂલ્યવાન પ્રસંગ મારે માટે ઉપસ્થિત થયો. અને એ બીજી કોઈ રીતે બનવું મુશ્કેલ હતું. અર્વાચીન ગુજરાતી કવિતા વિષે હું લગભગ બધું જાણતો હતો તેવો મારો ખ્યાલ એ વિષયે વાંચવાનું શરૂ કરતાં તરત જ ખોટો નીવડ્યો. મેં જોયું કે પોતાને ગુજરાતી કવિતાનો અભ્યાસી ગણતો માણસ મોટે ભાગે આપણા મોટા મોટા કવિઓના ધોરી રસ્તા પર જ ચાલે છે. એ રસ્તાની સાથે આવી મળતા અનેક નાનામોટા રસ્તા અને ગલીકૂંચીઓનો અને તેમાંની રસસંપત્તિનો ખ્યાલ તેને નહિ જેવો હોય છે. પરિણામે આ કામ મેં ધારી લીધેલું તેના કરતાં ઘણું મોટું નીકળ્યું. ગ્રંથસ્થ થયેલી બધી જ અર્વાચીન કવિતા વાંચવાનો સંકલ્પ કરતાં નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી કૃતિઓ મેં વાંચી.* [1] એમાંથી છેવટે કાવ્યગુણ ધરાવતા અઢીસોએક લેખકો અને તેમની કૃતિઓને મેં અહીં અવલોકન માટે લેવાનું નક્કી કર્યું. સાથે સાથે એ કવિતા અંગે આપણી આજ લગીમાં થયેલી વિવેચનપ્રવૃત્તિ પણ મેં જોઈ. એ બેના વાચનને પરિણામે આ વિષયને જે રીતનો આકાર આપવો ઇષ્ટ અને આવશ્યક લાગ્યો તે આ પુસ્તક છે. મેં જોયું કે આપણા કાવ્યપ્રવાહનાં વિવિધ વહનોનું, એનાં અંગઉપાંગોનું તથા આપણા લગભગ પ્રત્યેક શક્તિશાળી કવિના કાર્યનું, અમુક જૂજ અપવાદ સિવાય, ઘણુંએક તત્ત્વયુક્ત અને તલગામી અવલોકન થઈ ગયું છે. હવે છેલ્લાં સોએક વર્ષની આપણી કાવ્યપ્રવૃત્તિને આપણે એક ઐતિહાસિક સાતત્ય ભરેલી ઘટના તરીકે અવલોકી શકીએ તેવી સ્થિતિ છે, અને આવશ્યકતા પણ છે. અને એ લક્ષ્યમાં રાખી અર્વાચીન કવિતા જે રીતે કાલના ક્રમમાં વિકસતી ગઈ છે તેનો આલેખ, તેની રેખા દોરવા મેં અહીં પ્રયત્ન કર્યો છે. આ રેખા સળંગ રૂપની છે છતાં ઘણી ક્ષીણ છે. આપણી કવિતાને તેના વિવિધ સંદર્ભોમાં જોઈ શકવા માટે આ રેખાને વિવિધ રીતે પુષ્ટ કરવાની અપેક્ષા હજી ઊભી રહે છે. કવિની કળાશક્તિના પ્રતિનિધિત્વરૂપ પર્યાપ્ત દૃષ્ટાંતો, કવિનું સાંસ્કારિક ઘડતર, કવિના કાવ્યને સમજવા માટે ઓછામાં ઓછી આવશ્યક હોય તેટલી કવિજીવનની ભૂમિકા; કવિના જીવનની પશ્ચાદ્‌ભૂમાં કે અગ્રભૂમાં પ્રવર્તી રહેલાં આંતર અને બાહ્ય બળો, સત્ત્વો, પરિસ્થિતિ, પ્રવાહો; અને કાવ્યસમગ્રનો સમગ્ર જીવનમાં થતો વિનિયોગ તથા તેના દ્વારા સધાયેલી કળાની સિદ્ધિ, જીવનના વિવિધ આવિર્ભાવોમાં ઉમેરાયેલો આનંદ અને સૌંદર્યનો નવો આવિર્ભાવ : આ બધાંની અભ્યાસીના અને તત્ત્વપિપાસુના અંતરને તૃપ્ત કરે તેવી રજૂઆત થવી જરૂરી છે. પણ તે એક વ્યક્તિનું કામ નથી; અને હોય તો પણ એક ગ્રંથનું કામ નથી. આપણા કવિઓમાંના કેટલાક તો એવા છે જ જેમની કાવ્યપ્રવૃત્તિ પોતે જ એક કે એકથી વધારે ગ્રંથો માગી લે તેમ છે. એ સિવાયના બીજા કવિઓ અંગે પણ કંઈ નહિ તો, આ પુસ્તકમાં પેટાવિભાગો છે, તે તે વિભાગવાર એક એક સ્વતંત્ર ગ્રંથ થઈ શકે. આવું વિશાળ બૃહત્‌ અને ઉદાર કાર્ય એક દિવસ સિદ્ધ થાઓ એવો મધુર સંકલ્પ જ અત્યારે તો વ્યક્ત કરું છું. આ મહાન કાર્યનો આરંભ અને પૂર્ણાહુતિ ભલે ગમે ત્યારે થાય, પરંતુ કવિતાના અભ્યાસની દૃષ્ટિએ એક વસ્તુ તો તરત જ બનવી જોઈએ એમ મને લાગે છે. એ છે અર્વાચીન કવિતાનું નવેસરથી સંપાદન. કવિતાનો ઇતિહાસ અને તેનું ગુણદર્શન વાચકને મળે તેની સાથે સાથે જ એ કવિતાનો એ ક્રમે પ્રત્યક્ષ પરિચય તે મેળવી શકે એવી સગવડ હોવી જોઈએ. અત્યારે આપણી પાસે શાળામહાશાળાઓની દૃષ્ટિએ સંપાદિત થયેલાં કવિતાનાં પુસ્તકો છે. ‘કાવ્યમાધુર્ય’ અને ‘કાવ્યસમુચ્ચય’ જેવાં સંપાદનોએ લોકોને અર્વાચીન કવિતાનો પરિચય કરાવવામાં ઘણો કીમતી ફાળો આપ્યો છે, પરંતુ, એ કાર્ય પ્રવેશ પૂરતું જ રહ્યું છે. હજી આપણી કવિતાના સમગ્ર મહાલયનો, તેના ખંડઉપખંડોનો પર્યાપ્ત પરિચય સધાવી આપે તેવું સંપાદન બાકી છે. સામાન્ય વાચક કે સાધારણ અભ્યાસી આ કવિતાનાં દોઢેક હજાર પુસ્તકોનો પરિચય સાધે યા સાધી શકે એ બનવું મુશ્કેલ છે. વળી એ બધા ગ્રંથો સર્વત્ર સુલભ પણ નથી. ગુ. વ. સોસાયટી જેવી સંસ્થામાં એ સુલભ છે છતાં એમાંથી કેટલાંક એવી જીર્ણશીર્ણ હાલતમાં છે, યા થવાની શક્યતા છે, કે એ બધાનો ઉત્તમ સારભાગ સંપાદિત કરી ગ્રંથ રૂપે સલામત અને સુલભ કરી નહિ દેવાય તો ગુજરાતી કવિતામાંથી કેટલીક વસ્તુઓ આપણે હમેશ માટે ગુમાવી બેસીશું. વળી કેટલાંક એવાં કીમતી પુસ્તકો છે જેમની, કવિતાના પોતાના હિતને અર્થે પણ, નવી આવૃત્તિઓ કાઢવી ખાસ જરૂરની છે. આ રીતના સંપાદનના સ્વરૂપનું કંઈક દિશાસૂચન આ પુસ્તકમાંથી પણ મળી શકે. જે રીતે મેં અર્વાચીન કવિતાના સ્તબકો, અને તેના ખંડકો તથા પેટાવિભાગો રચ્યા છે તે રીતે પ્રત્યેક પેટાવિભાગ ખંડક કે સ્તબકવાર કંઈ નહિ તો એક એક સંચયગ્રંથ પણ વાચકને સુલભ થઈ જવો જોઈએ. આ કાર્ય સોસાયટી જેવી સંસ્થા જરૂર કરી શકે, તેણે તે કરવું પણ જોઈએ. અને હું માનું છું કે સંસ્થા જો એ કાર્ય ઉપાડશે તો તેના સંપાદન અર્થે કવિતાના અભ્યાસીઓ પણ મળી આવશે, મળી આવવા જ જોઈએ. આટલું આ પુસ્તકની પ્રવૃત્તિ અંગે તથા તેમાંથી ફલિત થતી બીજી ભાવિ પ્રવૃત્તિઓ અંગે. ૧૮૪૫ પછીની આપણી કવિતાને મેં જે રીતે અહીં રેખાંકિત કરી છે તેનું સ્વરૂપ વિગતવાર આ પુસ્તકની અંદરથી સમજાશે. અર્વાચીન કવિતાના બે પ્રવાહો – જૂનો અને નવો, નવા પ્રવાહના ત્રણ સ્તબક, દરેક સ્તબકના ખંડકો અને તેમાં કરેલા પેટાવિભાગ; એ બધા પાછળ રહેલી દૃષ્ટિ એ પ્રત્યેકના પ્રવેશકરૂપના લખાણમાંથી જોવા મળી આવશે. આ ઉપરાંત નીચેની વિગતો તરફ વાચકનું ધ્યાન દોરું છું. આખું અવલોકન કાલાનુક્રમે છે. દરેક લેખકનું સ્થાન તેના પ્રથમ કાવ્ય અથવા કાવ્યસંગ્રહના કાળ પ્રમાણે ગોઠવ્યું છે. આમાં જ્યાં જ્યાં ક્યાંક અપવાદ કર્યો છે તેનો ખુલાસો ઘણું-ખરું તે સ્થળે કર્યો છે. દરેક કવિની છેલ્લામાં છેલ્લી ઉપલભ્ય કૃતિ સુધી અવલોકનને લઈ જવામાં આવ્યું છે. વળી સ્તબકના પેટાવિભાગમાં પણ એ વિભાગની કવિતાની રીતિના બધા કવિઓનો સમાવેશ કર્યો છે. આ રીતે સ્તબકની આંકેલી સ્થૂલ મર્યાદાનો અતિક્રમ થાય છે, તો પણ કાવ્યના આંતરિક સ્વરૂપનું અનુસંધાન જળવાઈ રહે છે એ એક મોટો લાભ છે, ઓછા જાણીતા રહેલા કવિઓ અને કૃતિઓમાંથી બને ત્યાં લગી તેમના ગુણને છતા કરી આપે તેવાં અવતરણો જરા છુટ્ટે હાથે લેવાનું મને જરૂરી લાગ્યું છે. દોષોનાં દૃષ્ટાંતો લગભગ ટાળી નાખ્યાં છે. જાણીતા કવિઓની ચર્ચામાં અવતરણોને મેં બહુ સ્થાન આપ્યું નથી. ગ્રંથની મર્યાદા પણ તેમ કરવા જતાં રોકે તેમ હતી. વિવેચન પાછળ કઈ દૃષ્ટિ હોવી જોઈએ એ હું જેમ જેમ કાવ્યો વાંચતો ગયો અને તે વિષે લખતો ગયો તેમ તેમ સ્પષ્ટ થતું ગયું. કાવ્યથી ઇતર એવી ઘણીએક દૃષ્ટિઓથી કાવ્યને જોવા-ચકાસવાના પ્રયત્નો કરી જોયા પછી હું જોઈ શક્યો કે કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દૃષ્ટિ સૌથી વધારે ન્યાયપૂર્ણ નીવડે છે. કવિતા, સાહિત્ય કે કળા જેવી એક સૂક્ષ્મ સામર્થ્યવાળી વસ્તુ પાસેથી બીજી પ્રવૃત્તિઓ પોતાનું કામ કઢાવવા ઇચ્છે એ સ્વાભાવિક છે. કળાની શક્તિની એમાં એક રીતની કદર પણ છે. જોકે એવી ઇચ્છા પાછળ કળાને પોતાની ઘાણીમાં જોતરવા કરતાં વધારે ઊંચી દાનત ઘણી વાર હોતી નથી. એવી પ્રવૃત્તિઓનો દાવો એ હોય છે કે તેઓ પોતે જ જીવન સમસ્તને વ્યાપીને ઊભેલી છે, અને એમની ગતિરીતિ એ જ સૌ કોઈ માટે ઉત્તમોઉત્તમ કાર્ય છે, લક્ષ્ય છે અને હોવું જોઈએ. વસ્તુસ્થિતિ એ છે કે અત્યારે માણસ જે આર્થિક, સામાજિક, રાજકીય કે નૈતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ આચરી રહ્યો છે તેમાં જીવન સમસ્તનો, જીવનના ઊંડામાં ઊંડા અને વ્યાપકમાં વ્યાપક તમામ આવિર્ભાવોનો સમાસ ભાગ્યે જ થાય છે. વળી એ પ્રવૃત્તિઓ પણ તે તે પ્રવૃત્તિને ખાતર હોતી નથી, ન હોવી જોઈએ. જો કળા કળાને ખાતર નથી, તો નીતિ પણ નીતિને ખાતર ન હોઈ શકે, ધર્મ ધર્મને ખાતર ન હોઈ શકે, સ્વતંત્રતા સ્વતંત્રતાને ખાતર ન હોઈ શકે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ છેવટે તો અસ્તિત્વનાં-જીવનનાં આદિમ અને ચરમ તત્ત્વ એવાં સત્‌ ચિત્‌ અને આનંદને સાધવા માટે છે. બીજી પ્રવૃત્તિઓ અને કળાની વચ્ચે એ ફેર છે કે કળા આ ધ્યેય તરફ વધારે સીધી રીતે ગતિ કરે છે. કળાના આ સીધા ઊર્ધ્વ પ્રવાહને પોતાના કુંઠિત વહનવાળા વહેણમાં વાળવા ઇચ્છવો એમાં કળાને કે તે પ્રવૃત્તિને પોતાને કશો લાભ નથી. કળા કળાની રીતે વિચરણ કરે એમાં જ સૌને ઉત્તમ પ્રાપ્તિ છે. કળાકારે, કવિએ, વિવેચકે અને સમસ્ત સમાજે એ જોવાનું છે કે કળા કવિતા આનંદની અને સૌંદર્યની સૃષ્ટિને કેટલી સાકાર કરે છે. આનંદ સૌંદર્ય અને રસનું નિર્માણ-સર્જન એ કવિતાનું સ્વકર્મ સ્વધર્મ છે. આખા જીવનમાં આ તત્ત્વો વત્તાઓછા અંશે સ્ફુટઅસ્ફુટ છે, તેનો આછો-પાતળો શુદ્ધઅશુદ્ધ અનુભવ દરેકને થાય છે, પરંતુ તે તત્ત્વોને એક ઉચ્ચ પ્રકર્ષમાં અનુભવગમ્ય કરવાનું કાર્ય કળા કરે છે. એ કરવા-કરાવવાની શક્તિ બીજામાં ઓછી છે. એ કાર્ય સાધવાની પદ્ધતિ-પ્રકિયા એ કળાની પોતાની આગવી ખૂબી, વિશિષ્ટતા છે. કવિતા માનવવ્યવહારની પ્રાકૃત વાણીનો આશ્રય લે છે, છતાં તેને એવી અપ્રાકૃત રીતે પ્રયોજે છે કે તેમાંથી એક અનન્ય-અસાધારણ રસપ્રકર્ષ અનુભવાય છે. જમીનનો રસ શેરડીના મૂળમાં થઈને ઉપર ચડતોચડતો જે રીતે એક આહ્‌લાદદાયક આસ્વાદનીય સ્વરૂપ પામે છે, તેવી જ રીતે કવિતામાં પ્રાકૃત વાણીનું બને છે. કવિતા માનવવાણીમાં રહેલાં બીજરૂપ તત્ત્વો – લય, છંદ, અર્થ-સંકેત આદિને ખૂબ વિકસાવે છે, અને તે એટલે સુધી કે વાણી એક નવો જન્મ પામે છે. એ નવીન અને અધિક સમૃદ્ધ ઉપાદાન દ્વારા દૃષ્ટ-અદૃષ્ટ સૃષ્ટ-અસૃષ્ટ જગતમાંથી કવિતા સૌંદર્ય અને આનંદને સાકાર કરે છે. કવિતામાં આ તત્ત્વ ઉત્તમ રૂપે સિદ્ધ થતાં તે તેની ત્રિવિધ સામગ્રી : છંદોલય, શબ્દ-વિચાર-શૈલી અને આંતરિક તત્ત્વ-દ્યુતિના એકસરખા ઉત્કટ રૂપના ત્રિવિધ પ્રકર્ષ રૂપે દૃષ્ટિગોચર થાય છે.* [2]

કવિ, વિવેચક અને વાચકનો પ્રશ્ન એ રહે છે કે હરકોઈ કૃતિમાં આ ત્રણ પ્રકર્ષો પૂર્ણ સામંજસ્ય રૂપે કેવા અને કેટલા પ્રમાણમાં સધાયા છે. આનંદ, સૌંદર્ય અને રસ છેવટે તો સ્વસંવેદ્ય પદાર્થો છે. કૃતિમાં પોતામાં એ પૂર્ણ રૂપે સિદ્ધ થયેલા હોય તો જેની સંવેદનશક્તિ પરિપક્વ થયેલી હોય છે તેને તે અનુભવગોચર થાય જ. વાચકનો કે વિવેચકનો પોતાનો પ્રશ્ન એ છે કે તેની સંવેદનશક્તિ, સૌંદર્યદૃષ્ટિ કેટલી વિકસેલી છે. આચાર્યશ્રી આનંદશંકરે રસાનુભવની અનેક સાપેક્ષ કોટિઓનો સ્ફોટ કરવા સાથે સાથે એ વસ્તુ પ્રત્યે પણ દૃષ્ટાન્તાન્તરે ધ્યાન ખેંચ્યું છે કે દલપતરામ અને કાલિદાસની રસસૃષ્ટિ એકસરખી ન હોઈ શકે અને કાલિદાસના રસપ્રકર્ષને જ આપણે આરાધ્ય ગણી શકીએ.*[3] આપણી અર્વાચીન કવિતાનું એક ઉત્તમ ભાગ્ય એ રહ્યું છે કે તેના ઊગમની સાથે સાથે જ વિવેચનનો જન્મ થયો અને તે કવિતાના વિકાસની સાથોસાથ વિકાસ પામતું ગયું. ઠેઠ આજ લગીની કવિતાનાં અને તેના પ્રત્યેક મહત્ત્વના કવિનાં તલસ્પર્શી અને સૂક્ષ્મગંભીર અવલોકનો આપણને મળતાં રહ્યાં છે. બેશક, આપણા કેટલાક સમર્થ વિવેચકો એકાદ વખત પણ પોતાના દર્શનમાં ચૂકી ગયા છે, છતાં આપણું વિવેચન કવિતાના તત્ત્વને અધિગત કર્યાનો દાવો કરી શકે તેમ છે. આપણા સમર્થ અને સમૃદ્ધ વિવેચકોને પગલે પગલે ચાલવાની સહૃદય અભિલાષા મેં આ પુસ્તકમાં સેવી છે.

૨૬ જૂન, ૧૯૪૬
અમદાવાદ
- સુન્દરમ્‌
 



  1. * મેં ઉપયોગમાં લીધેલાં ગુ. વ. સો. અને ગૂજરાત વિદ્યાપીઠનાં પુસ્તકાલયોમાં ગુજરાતી કવિતાની ઘણીખરી સામગ્રી આવી ગયેલી હોવા છતાં કોઈ કીમતી પુસ્તકો હજી બાકી રહી ગયાં હોય તે સંભવિત છે. એ માટે તો આપણી કવિતાના તમામ ઉપલભ્ય ગ્રંથોની યાદી થવી જરૂરની છે. એ યાદી કરવી એ પોતે પણ એક ઘણું મોટું કામ છે. આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈ અભ્યાસી એ કામ પૂરું કરશે.
  2. * આપણા ‘રસ’ તત્ત્વની આમ ત્રિવિધ પ્રકર્ષ રૂપે વ્યાખ્યા શ્રી અરવિંદે આપી છે. કાવ્યનું ઉત્તમમાં ઉત્તમ આરોહણ ‘મંત્રત્વ’ની કોટિએ પહોંચવામાં છે એ સમજાવતાં તેઓ લખે છે : “The mantra, poetic expression of the deepest spiritual reality, is only possible when three highest intensities of poetic speech meet and become indissolubly one, a highest intensity of rhythmic movement, a highest intensity of verbal form and thought-substance, of style and a highest intensity of the soul’s vision of truth. All great poetry comes about by a unison of these three elements; it is the insufficiency of one or another which makes the inequalities in the work of even the greatest poets...”
    (Future Poetry)
  3. * એક ત્રીજો સિદ્ધાંત જે સાહિત્યનાં પ્રેમીજનો ધ્યાનમાં રાખે તો સારુંં એમ હું ઇચ્છું છું; તે રસની સાપેક્ષતા(relativity)નો છે... ઉદારતાથી ઘણાં કાવ્યોમાં જુદે જુદે સમયે સ્થળે અને પ્રસંગે આપણે રસ લઈ શકીએ... જે જનો રસશાસ્ત્રના વિષયમાં સાંકડા અને જડ વિચારો બાંધી બેસે છે તે સાહિત્યના ઉપયોગની ઘણી સમૃદ્ધિ ખુવે છે... ન્હાનીમ્હોટી ઘણી કૃતિઓ ભોક્તાને સમયવિશેષે પ્રસંગવિશેષે અને મનની અમુક સ્થિતિમાં આનંદ આપી શકે છે...
    વળી એ પણ સત્ય છે કે કાવ્યમાં ‘શુદ્ધ સરળ વાક્યરચના તથા અક્લિષ્ટતાની જરૂર છે.’ પણ તેટલા પરથી શેક્સપિયરને બાજુ પર મૂકી ગોલ્ડસ્મિથને પૂજવાનું કોઈએ ઉચિત ધાર્યું નથી.
    (કાવ્યતત્ત્વવિચાર)