અર્વાચીન કવિતા/ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ

ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ
(૧૮૫૧ – ૧૮૯૦)

શૈલીની દ્વિવિધતા

પૃથુરાજરાસા (૧૮૯૭), કુસુમાંજલિ (૧૯૦૩) ભીમરાવની કવિતામાં પણ દોલતરામની પેઠે શૈલીઓની સહસ્થિતિ છે. ભીમરાવમાં યુનિવર્સિટીની કેળવણીના સંસ્કારો વધારે ગાઢ હોવાથી તથા તેમનું માનસ સંસારસુધારકોની બીજી પેઢીના વિશેષ વિકાસશીલ સંસ્કારોવાળું હોવાથી તેમની કવિતામાં એક બાજુ પ્રૌઢ સંસ્કૃતશૈલી છે તો બીજી બાજુ નવલરામ વગેરેની, દલપતથી વિશેષ કાવ્યસંસ્કારવાળી દેશી શૈલી પણ છે. વળી રાજકીય જાગૃતિના રંગો પણ તેમની કવિતાએ ઝીલેલા છે, એટલે વિક્ટોરિયા રાણીનાં જયગાન ગાવા સાથે તે ‘અરુણતરુણ’ના ઉદયનું જાગૃતિગાન પણ ગાય છે. તેમની કવિતામાં લોકકવિતાના પણ સંસ્કારો આવેલા છે, એટલું જ નહિ, પણ નર્મદની અને અર્વાચીન પાશ્ચાત્ય ઊર્મિકવિતાની અસરો પણ તેમણે ક્યાંકક્યાંક વ્યક્ત કરી છે. પરંતુ આ અનેક નાનીમોટી છાયાઓમાં ભીમરાવની શૈલીને વ્યક્તિત્વ આપનારી છાયા સંસ્કૃતશૈ લીની જ છે. તેમનાં બાળલગ્નનિષેધ તથા સ્ત્રીકેળવણીનાં ગરબીકાવ્યોને બાદ કરીએ તો બાકીનાં નાનાંનાનાં ઊર્મિકાવ્યોમાં પણ ‘પૃથુરાજરાસા’ની અર્થપ્રૌઢિવાળી સંસ્કૃત છટા જ ઉત્તમ રૂપે આવેલી છે.

પ્રકીર્ણ કાવ્યો – ‘લાવણ્યમયી’ ‘જ્યુબિલી’

ભીમરાવનાં પ્રકીર્ણ કાવ્યોમાં ‘બાળલગ્નનિષેધક’ અને ‘સ્ત્રીકેળવણી’ની ગરબીઓ આવે છે, જે નવલરામની રીતિની છે છતાં નવલરામ જેટલી તે સારી નથી. પરંતુ લોકગીતની છટાનું ‘ગરબે રમવાને ગોરી નીસર્યા રે’ એ જાણીતું કાવ્ય એ કાળની ગરબીઓમાં ક્યાંય નથી એવું અનુપમ કલ્પનાસૌંદર્ય ધરાવે છે. ભીમરાવની ભાષામાં લોકવાણીનો પૂરેપરો પ્રસાદ નથી, સંસ્કૃત છટાનો ભાર તેમાં જરાક વધારે છે, તો યે એના સૌંદર્યનું ચારુત્વ અનવદ્ય છે, નર્મદના ‘કબીરવડ’ની છાયાને ઝીલતું ભીમરાવનું પ્રથમ કાવ્ય ‘આબુ’ સુંદર છે છતાં તેમાં પ્રારંભદશાની કચાશ લાગે છે. અર્વાચીન ઊર્મિકાવ્યોમાં જેને ઉત્તમ ગણી શકાય તેવાં તેમનાં બે કાવ્યો છે, ‘લાવણ્યમયી’ અને ‘જ્યુબિલી’. ‘અરુણતરુણ આ ઉદય થયો, સહુ જાગો સૂતા લોક!’ જેવી અનુપમ પંક્તિથી શરૂ થતા ‘લાવણ્યમયી’માં ગુજરાતની પ્રજાકીય અસ્મિતાનું, રાષ્ટ્રીય નવજાગૃતિનું પ્રથમ મંગળાચરણ થાય છે. ભીમરાવે આવાં દેશપ્રીતિનાં બીજાં કેટલાંક કાવ્યો લખ્યાં છે. ‘જ્યુબિલી વિક્ટોરિયા રાણીનું સ્તવન હોવા છતાં તે એ જમાનાની આવી કૃતિઓ કરતાં કોઈ ઘણી ઊંચી કળાભૂમિએ ઊભેલું છે. ‘પૃથુરાજરાસા’ની પ્રૌઢ મધુર કલ્પનારસિત શૈલી આ કાવ્યમાં છે. એમાંનું કોહિનૂરનું સુંદર વર્ણન તો જાણીતું છે. ભીમરાવે રાણીને વિશે યોજેલી એક ઉપમા તેમની પ્રતિભાનો સારો પરચો આપે છે :

આહ્‌લાદકારિણી વડી જનમાંહિ એવી;
ખીલ્યા વસંત વચલી શશિકાન્તિ જેવી

‘દેવલદેવી’ નાટકનાં કાવ્યોમાં ભીમરાવ ચારણી છટા પણ સફળતાથી નિપજાવી શક્યા છે. આ બધાં ટૂંકાં કાવ્યોમાં આકારની સુરેખતા તથા કાવ્યના ઉછાળની સમતાનો અભાવ છે, નીરસ થઈ જતું લંબાણ પણ છે.

મેઘદૂત

ભીમરાવની મોટી બે કૃતિઓ ‘મેઘદૂત’નું ભાષાન્તર તથા ‘પૃથુરાજ-રાસા’ તેમની કાવ્યશક્તિના પ્રૌઢ ગંભીર આવિર્ભાવો છે. મેઘદૂતના ભાષાન્તરમાં ક્લિષ્ટતા તથા કચાશ બીજી કૃતિઓ કરતાં ઓછી છે. આ અનુવાદનું મહત્ત્વ ગુજરાતીમાં મેઘદૂતના પહેલા સમશ્લોકી અનુવાદ તરીકે છે. આ ભાષાન્તરની ‘સ્વદેશવત્સલ’ માસિકમાં આવેલી કડક ટીકા પરથી ભીમરાવના કાવ્યોત્સાહ ઉપર ઘણી અસર થઈ હતી. આ કૃતિની કચાશનો વિચાર કરતાં તે ભીમરાવની પ્રારંભદશાની કૃતિ છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ.

પૃથુરાજરાસા – ત્રીજું સીમાચિહ્ન

‘પૃથુરાજરાસા’ ભીમરાવની સર્વશ્રેષ્ઠ કૃતિ તો છે જ, ઉપરાંત તેને આ સ્તબકની ‘ક્લાન્ત કવિ’ અને ‘વિભાવરીસ્વપ્ન’ પછીની ત્રીજી શકવર્તી કૃતિ કહેવાય તેટલો ગુણસંભાર તેમાં છે. ગુજરાતી ભાષામાં મહાકાવ્ય રચવાના જે પ્રયત્નો તેની પૂર્વે તથા તેની પછી આજ લગીમાં થયા છે તેમાં સૌથી વધુ સફળ પ્રયત્ન આને કહી શકાય. ભીમરાવે આની પાછળ પોતાની સર્વ શક્તિ ખરચી છે, અને તેનો ૧૮૭૪-૭૫માં પ્રારંભ કરી પોતાના મૃત્યુ સુધીનાં પંદર વર્ષના લાંબા ગાળા દરમ્યાન તેના પર પોતાની આરાધના ઠાલવ્યા કરી છે. આ કાવ્યને રમણભાઈ તથા નરસિંહરાવના સમભાવી તથા તલસ્પર્શી વિવેચનનો અને ટિપ્પણનો લાભ મળ્યો છે અને એ રીતે સંસ્કૃત મહાકાવ્યોનું જે ટીકાયુક્ત રૂપ મળે છે તેવું આ કાવ્યને વિશે અને આપણાં બધાં મહાકાવ્યોમાં તથા બીજાં ઇતર કાવ્યોમાં પણ આ એકને જ વિશે બન્યું છે. બંને વિવેચકોએ કાવ્યના ગુણદોષની બહુ સત્યપરાયણ અને અશેષ આલોચના કરી છે.

રમણભાઈની ટીકા

રમણભાઈના શબ્દોમાં કહીએ તો આ કાવ્યના ગુણદોષ આ પ્રમાણે છેઃ ‘તેમાં કલાની કેટલીક ખામી છે, વ્યાકરણના કેટલાક દોષ છે, વાક્યરચના કેટલીક ક્લિષ્ટ છે, અલંકાર કેટલાક અસ્પષ્ટ છે, કલ્પનામાં કેટલેક ઠેકાણે અસંભવ દોષ છે, શબ્દો કેટલેક ઠેકાણે રુચિને ખિન્ન કરનારા છે, પરંતુ એ દોષથી કાવ્યના ગુણ ઢંકાઈ જતા નથી. સૌંદર્ય, લાલિત્ય, લાવણ્ય એ ભીમરાવની કૃતિનાં અપ્રતિમ લક્ષણ છે.... અદ્‌ભુત રસ, વીર રસ, સમર્થ શબ્દપ્રભાનો ચમત્કાર, મહત્તાને ઘટે તેવી ઉદારતાની ભાવના, આ સર્વ અંશ પણ તેમની કૃતિમાં ઉત્તમ અને પ્રશંસનીય છે.’

કાવ્યની ક્ષતિઓ

આ અભિપ્રાય લગભગ બરાબર છે. કાવ્યમાં વાક્યાર્થની અવિશદતા અને ક્લિષ્ટતા એટલી બધી છે કે નરસિંહરાવ પણ અમુક પંક્તિનો અર્થ બેસાડી શક્યા નથી; પરંતુ રમણભાઈ આ દોષનો બચાવ કરતાં જે કહે છે કે ‘કવિનો અન્તર્ગત ભાવ પરિપૂર્ણ રીતે પ્રકટ કરવાને ભાષા અસમર્થ હોવાથી સ્પષ્ટતા આવી નથી.’ એ બરાબર નથી. ભીમરાવનું માનસ, તેમને આવતો વ્યાકરણનો કંટાળો કે તેની ચીવટની ખામી, તથા તેમની અસ્વસ્થ બીમાર પ્રકૃતિ એ બધાં તત્ત્વો તેમને પોતાના અર્થને વિશદ રીતે રજૂ કરવાનો અવકાશ રહેવા દેતાં લાગતાં નથી અને આ અસ્વસ્થતાને લીધે જ કાવ્યનો એક મોટો દોષ જે રમણભાઈ પણ નથી જોઈ શક્યા તે તેમાં આવી ગયો છે; એ છે કાવ્યનો શિથિલ પ્રબંધ. કાવ્યના સમગ્ર વસ્તુમાં સપ્રમાણ યોજના જોવામાં આવતી નથી. સર્ગોના કદમાં હદ બહારની વિષમતા છે. ભીમરાવ નાની ગરબીમાં પણ આકારની પૂર્ણતા સાધી શકતા નથી તો આવા લાંબા અને તે ય અનેક વરસો લગી લખાતા રહેલા કાવ્યમાં એ દોષ આવી જાય તે સ્વાભાવિક કહેવાય. વળી એક બીજી રીતે પણ આ ખામીનો વિચાર કરવાની જરૂર છે. પ્રબંધની પૂર્ણતાની દૃષ્ટિ જ હજી લગી આપણા કોઈ અર્વાચીન કવિમાં કે વિવેચકમાં જોવા મળતી નથી. એ એક આખું યુગલક્ષણ જ છે, ત્યાં આ દૃષ્ટિના અભાવને, કળાની એ મહા ક્ષતિ છે છતાં, કવિનો ખાસ અપરાધ ગણાય નહિ. રમણભાઈ કાવ્યમાં નિર્મર્યાદ શૃંગારનો દોષ જણાવે છે તે પણ એટલો બધો ગંભીર નથી. વળી એ પ્રમાણેનું દોષત્વ સાચું છે કે કેમ તે પણ ચર્ચાસ્પદ વસ્તુ છે.

કાવ્યનું ઘડતર

ભીમરાવના આ મહાકાવ્યમાં દોલતરામ પેઠે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વ્યાખ્યાનું જડ અનુસરણ નથી. એ બધાં અંગઉપાંગોનું કાવ્યના મુખ્ય વિષય સાથે અસંગત અને નિર્જીવ નિર્માણ કરવાને બદલે કાવ્યની ઘટનાને મધ્યવર્તી રાખી તેની આસપાસ શૃંગાર વગેરેના ગૌણ રંગો ભીમરાવે વિકસાવ્યા છે. આ કાવ્યની પાછળ વિચાર રૂપે સ્કૉટની કવિતાના સંસ્કારો પણ છે, પરંતુ તેનું આખું ઘડતર સંસ્કૃતની અર્થપ્રૌઢિ, અલંકારછટા અને તેમાં રસની સંસ્કૃત રીતિએ પ્રગટતી દીપ્તિ પ્રમાણે થયેલું છે. એનામાં સર્ગેસર્ગે પ્રગટતા રસો ઉપરાંત એનો સમગ્ર પ્રબંધગત ધ્વનિ તેની નાની ક્ષતિઓને આવરી લઈ આ કાવ્યને ગુજરાતી કવિતામાં ઘણે ઊંચે સ્થાને બેસાડે છે. શૃંગાર અને કરુણ કાવ્યમાં ઠીકઠીક ઉદ્દીપ્ત થયેલા રસો છે, પરંતુ તેમાં વીરનો ઉદ્‌ભાવ તથા તે પાછળ ભારતભૂમિનું ગૌરવ, અને તેની સકળ રીતની, સૌંદર્ય વિદ્યા અને વીર્યની તથા શ્રીની ગાઢ ઉપાસનાનું નિરૂપણ આ કાવ્યનો ઉત્તમ રસસંભાર છે. આપણે ઉપર જોયું તે રીતે ભીમરાવની કૃતિમાં અંગોની વિષમતા તથા અર્થની ક્લિષ્ટતા એ બે મુખ્ય દોષો છે; પરંતુ તેમાંનો બીજો દોષ એ ભીમરાવની શૈલીનો સર્વથા પ્રકૃતિગત દોષ નથી, પણ પોતાના કાવ્યને સંસ્કૃતના જેવું કરવાના પ્રયત્નમાંથી નીપજેલો લાગે છે. કાવ્યના આઠમા તથા નવમા સર્ગમાં કવિએ જ્યાં સંસ્કૃત વૃત્ત ન લેતાં રોળા તથા બીજા માત્રામેળ છંદો વાપર્યા છે ત્યાં આ ક્લિષ્ટતા જરા પણ દેખાતી નથી. આ બે દોષો છતાં આ કાવ્ય ગુજરાતી ભાષામાં પ્રથમ વાર સાચ્ચે જ સંસ્કૃત મહાકાવ્યનો સ્નિગ્ધ ગંભીર ઘોષ લાવી શક્યું છે. એની ક્ષતિઓ સાથે જોતાં એ કાવ્ય જાણે કોક સમર્થ પ્રતિભાએ અર્ધજાગ્રત અને અર્ધમૂર્છિત અવસ્થામાં લખેલું હોય તેવું, કોક શીર્ણવિશીર્ણ અંગોવાળા મહાન આલય જેવું લાગે છે. ભીમરાવે આ કાવ્યમાં વ્યક્ત કરેલી પ્રતિભા અને ગુજરાતી ભાષામાં દાખવેલું પ્રૌઢ બળ તેને ગુજરાતી ભાષામાં ‘સરસ્વતીચંદ્ર’ જેટલી જ મોટી સિદ્ધિ ગણાવે તેમ છે.

કાવ્યના ઉત્તમ અંશો

કાવ્યનું વસ્તુ સુરેખ વિન્યાસ વગરનું છતાં તેના સર્ગોની, પ્રસંગચિત્રોની, અલંકારોની, તથા વાક્‌શકિતની સ્વપર્યાપ્ત સુંદરતા ઘણી છે. પહેલા સર્ગનું ભારતભૂમિના મહિમાનું વર્ણન હિંદની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિના અનન્ય સ્તોત્ર જેવું, હિંદભરના સાહિત્યમાં ઊંચે સ્થાને બેસે તેવું છે. કવિની વર્ણનશક્તિ ઘણી સમૃદ્ધ છે, અને પ્રસંગને અનુરૂપ અલંકારો તેમજ ઉક્તિછટા તે લાવી શકે છે. ગુજરાતીમાં ન્હાનાલાલ જેવાની ઉપમા છતાં નરસિંહરાવ ‘ઉપમા ભીમરાવસ્ય’ જેવું કહેવાની ધૃષ્ટતા કરે છે તે અંગત મમતાને લીધે છે, છતાં તેની અતિશયોક્તિ બાદ કરતાં તેની પાછળ નાનકડી પણ હકીકત રહે છે. સંયુક્તાને તે વર્ણવે છે :

હૃદયે વશિ તેવી તે સરમાંહિ શરત્પ્રભા,

એક સમર્થ ઉપમા દ્વારા તે રજપૂતોનો પરાજય વર્ણવે છે :

વિલોકી શત્રુ સહુ ક્ષત્રિમંડળ,
જણાવી અંત્ય ક્ષણનું વૃથા બળ;
પડ્યા કરાલ ક્રમ શત્રુનો થતે,
સુવૃક્ષ જેવા બહુ તીડ ઘેરતે.

ભીમરાવે પ્રતિનાયક ઘોરીનું ચિત્ર પ્રશસ્ય રીતે અને તટસ્થતા જાળવીને તેના શૌર્યના ઉચિત સ્વીકાર સાથે આપ્યું છે : ઘોરીએ,

કાઢી ચમકતી તેગ, વીજ ઝટકા સમ ઝળકી,
જંગી પણ તે જોઈ, રહ્યા ક્ષણમાં તે અભકી;
જે સમશેરે કર્યા રિપુ કુળ કાયર પૂરા,
જ્યાં ઝબકી ત્યાં જીત કતલ કીધા કંઈ શૂરા.

આઠમા સર્ગમાં આવતું જયપાળના ચિન્તનનું ગીત સારું છે, જોકે રમણભાઈ તથા નરસિંહરાવે તેની કરેલી પ્રશંસા વધુ પડતી છે. જળવિહારનાં વર્ણનોમાં કેટલાંક અતિ મૌલિક રમણીય ચિત્રો છે :

સર્વે સખી કામમદે ભરેલી,
વિહાર કર્વે સઘળેથી પ્હેલી,
વહી જતા કો વસનાર્થ દોડે,
ઉતાવળી કો મુખ આપી મોડે.
ક્વચિત્‌ ખભે બે કુણિ દેઈ સ્થાપી,
જુએ સખીને મિત હાસ્ય આપી,
છુપી ચુમે કો અબળા વિનોદે,
જતી તણો કો જઈ માર્ગ રોધે.

આ કાવ્યનો અંત પણ ‘ઇંદ્રજિતવધ’ની પેઠે નાયિકાના સતી થવામાં આવે છે અને બંને કવિઓએ તે પ્રસંગને સરખી ભવ્યતાથી આલેખ્યો છે. સંયુક્તાનો વિલાપ ટૂંકો છતાં આર્દ્ર છે. કવિએ સંસ્કૃત તથા દેશ્ય શબ્દોનો એકસરખા સામર્થ્યથી ઉપયોગ કર્યો છે :

ઉપરાઉપરી અબદ્ધ તે, પડતાં જોઈ જ અશ્રુબિન્દુને,
પ્રિય દાસી જનો મળ્યે છતે, સહુ આંખે વહિ આંસુ ધાર તે.
પિયુજી, કરી આમ વેગળી, ક્ષણમાં તે ક્યમ મૂકીને ગયા?
હતી વૃત્તિ કૃપા ક્ષમા ભરી, પણ આવા નઘરોળ કયાં થયા?
...પિયુજી, મુખ માગ્યું આપિયું, ઝીલી લીધા અરધેથી બોલ તેં,
સઘળું સુખરૂપ જે થયું, નડતું વિઘ્ન થઈ હવે જ તે.

અને અંતે

ધરીને પરિધાન અન્તનાં, કરી ધૂપાર્ચિ પ્રદીપ્ત જ્યોતમાં,
પિયળે શિર, કર્ણિકારનાં કુસુમે તે સતી ચાલી દ્યોતમાં.