અર્વાચીન કવિતા/‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ

‘કાન્ત’ – મણિશંકર રત્નજી ભટ્ટ
[૧૮૬૭ - ૧૯૨૩]

અર્વાચીન કવિતામાં કળાનો ‘વસન્તવિજય’

પૂર્વાલાપ (૧૯૨૩) નવી કેળવણીની અસર હેઠળ ઇતર સાહિત્યની કવિતાના સંસ્કારો ઝીલી લખાવા માંડેલી અર્વાચીન કવિતાનું સુભગ કળાયુક્ત અને આત્મોપજીવી સ્વાધીન સ્વરૂપ પહેલી વાર કાન્તની કવિતામાં પ્રકટ થાય છે. સંસ્કૃત અને ફારસીની અસર હેઠળ લખનાર બાલાશંકરમાં પ્રથમ વાર ગુજરાતી કવિતા રસોન્મુખ થઈને કળાસિદ્ધિ તરફ વળી, પણ તેના કળાદેહમાં કંઈક શિથિલતા હતી, કંઈક વિરૂપતા હતી, તેમાં સદાજાગ્રત કળાદૃષ્ટિનો અભાવ હતો. કાન્તમાં એ ઊણપો ચાલી ગઈ અને જાગ્રત કળાદૃષ્ટિના સિંચનથી શ્લિષ્ટ સુરૂપ બનેલું અને સુભગ મૌલિક પ્રતિભાથી દીપતું કાવ્ય અર્વાચીન કવિતામાં પ્રથમ વાર પ્રગટ્યું. અત્યાર લગીના નવા કવિઓમાં નવી રીતની કવિતા લખવા પ્રત્યે જેટલી ધગશ હતી તેટલી કાવ્યકળાની શક્તિ ન હતી, તેમનામાં શબ્દ અને અર્થનું, છંદનું અને બાનીનું સંપૂર્ણ ઔચિત્ય અને સામંજસ્ય ન હતું, તેમનામાં મૌલિક પ્રેરણા પણ ઓછી હતી, અને તેથી એ કવિતા મોટે ભાગે અનુકરણ જેવી પ્રયોગરૂપની રહી છે, પેલી બીજી કવિતા તરફ જ નજર માંડીને બેસી રહેનારી રહી છે. કાન્તમાં એ પરાવલંબિતા, અનુકરણાત્મકતા અને પ્રયોગાત્મકતા સર્વથા જતી રહી છે, અને તેમનું કાવ્ય અત્યાર સુધીની કાવ્યકળાની શિશિરમાં કાવ્યકળાનો પહેલો ‘વસન્તવિજય’ બનીને આવે છે. આ પછી કવિતાનું પ્રયાણ કાન્તે સફળતાથી આંકેલી સૌંદર્યની કેડીએ જ છે. કાન્ત પછીના કવિઓએ પોતાના નવા અને નવીન-પ્રતિભાઅંશોથી સમૃદ્ધ ઉન્મેષો પ્રગટાવ્યા છે તોપણ તેમની બાનીનું ઉત્તમ સ્વરૂપ કાન્તની બાનીની જ નજીકનું રહ્યું છે.

નૂતન શૈલીનું પ્રથમ ઉત્તમ રૂપ : સર્વાંગસામંજસ્યની પૂર્ણતા

કાન્તની કવિતામાં નૂતન જીવનનું નૂતન શૈલીમાં પહેલી વાર સફળ કળાયુક્ત સર્જન થાય છે. પશ્ચિમની સંસ્કૃતિની અસરથી આપણા ભાવતંત્રમાં જે નવાં લક્ષણો પ્રગટવા લાગ્યાં તથા નવા ભાવો જન્મવા લાગ્યા, તેને અનુરૂપ શિષ્ટ અને સમર્થ શૈલી પહેલી વાર કાન્ત નિપજાવી શક્યા છે. તેમની કળાદૃષ્ટિએ અંગ્રેજી કવિતા તથા તેનાં વિવેચનનાં ધોરણોમાંથી પોષણ મેળવ્યું છે; તેમની નિરૂપણરીતિમાં પણ અંગ્રેજી કવિતાની અસર છે; તેમની જીવનદૃષ્ટિમાં પશ્ચિમને વધારે મળતું એવું અર્વાચીન યુગનું ખાસ લક્ષણ કહેવાય તેવું મન્થન છે, સત્યની ખોજ છે, ન્યાયનો આગ્રહ છે, અને સૌંદર્યની ઉપાસના છે; પરંતુ એ બધાં તત્ત્વો તેમના વ્યક્તિત્વમાં એટલાં ઓતપ્રોત અને સાહજિક બની ગયાં છે કે તે તેમનામાં કોઈ વિજાતીય તત્ત્વ જેવાં ન લાગતાં તેમના વ્યક્તિત્વનાં અંગ જેવાં જ લાગે છે. વળી કાન્તનાં કાવ્યોમાં રસનું, વિચારનું, ભાવનાનું અને લાગણીનું જે તત્ત્વ છે તે તો તેમનું પોતાનું સર્વથા મૌલિક જ છે અને એ સર્વને કળારૂપ આપવાની રીત પણ કાન્તે પોતાની જ ઉપજાવેલી છે. છંદો, ભાષા, કાવ્યપ્રકારો વગેરે સામગ્રીને તેમણે બીજાં મૂલોમાંથી સમૃદ્ધ કરી છે, તોપણ તે સર્વના નિયોગમાં તેમની આગવી હથોટી છે, સર્જકનું સામર્થ્ય છે, અને નૂતન ઉન્મેષની પ્રફુલ્લતા છે. કાન્તની કવિતામાં દેહ અને આત્માનું સંપૂર્ણ સામંજસ્ય છે અને તે જ તેમની કવિતાની અનેકવિધ રસવત્તાનું પ્રધાન ઘટકતત્ત્વ છે. કાન્તની કવિતાનું કલેવર સમલંકૃત, સૌષ્ઠવયુક્ત, અંગઉપાંગોમાં સપ્રમાણ સમગ્રતાવાળું, અશિથિલ અને દૃઢ છે. કાન્તની શૈલીમાં કવિતામાં આંતર- બાહ્ય તત્ત્વોની અન્યોન્યધારકતા અને સંવર્ધતા ઉત્તમ રીતે સધાય છે. કાન્તનો મોટામાં મોટો કળાઉન્મેષ એ છે.

કાન્તના ગૌણ ઉન્મેષો – (૧) વૃત્તસંયોજન

કાવ્યસમગ્રના આ ઉન્મેષ ઉપરાંત કાન્તે કાવ્યનાં ગૌણ ઉપકરણોમાં પણ મહત્ત્વના કહેવાય તેવા નવા ઉન્મેષો નિપજાવ્યા છે. છંદોમાં તેમણે મરાઠીમાંથી ‘અંજની’ વૃત્ત લઈ આવીને ઉમેર્યું, એક જ વૃત્તના ચરણમાંથી સંવાદી ટુકડા કરી તેનાં વિવિધ સંયોજન કર્યાં, અને એક જ કાવ્યમાં એક કરતાં વધારે વૃત્તોનો પ્રયોગ કર્યો. ગુજરાતી કવિતામાં અંગ્રેજી કવિતાની અસર હેઠળ પદ્યમાં પ્રયોગદૃષ્ટિ દાખલ થઈ તેમાં કાન્તનો પોતાનો આટલો મહત્ત્વનો ફાળો છે. એ પ્રયોગદૃષ્ટિને અનુસરીને આપણા બીજા કવિઓ પેઠે તેમણે પણ બીજાં બે તત્ત્વો પોતાની પદ્યરચનામાં સ્વીકાર્યા : અર્થાનુસારી વિરામચિહ્ન, અને ચરણાંતયતિ અથવા પંક્ત્યંત વિરામનો ત્યાગ. કાન્તમાં તેમના સમવયસ્ક મિત્ર બળવંતરાયના ‘અગેય’ પદ્યના પ્રયોગમાંનાં યતિભંગ, શ્રુતિભંગ કે શ્લોકભંગનાં તત્ત્વો દેખાતાં નથી એનું કારણ બળવંતરાયની આ અગેય પદ્યની પ્રવૃત્તિ તે વખતે હજી પ્રારંભાતી જ હતી, ઉપરાંત કાન્તમાં સંગીત અને માધુર્યની દૃષ્ટિ અને શક્તિ પણ વિશેષ હતી, અને તેથી પોતાના ભાવનિરૂપણ માટે તેમને આ બધા ‘ભંગો’ની આવશ્યકતા પણ બહુ ઓછી હતી. તેમનાં વૃત્તોમાં સંસ્કૃત વૃત્તોનો પ્રયોગ વિશેષ છે, પણ તેમણે ગઝલના છંદો, તથા ગરબીના અને ગાયનના ઢાળોમાં પણ ઘણી ગેય કૃતિઓ લખી છે અને તે દરેકમાં તેમણે એકસરખું પ્રભુત્વ બતાવેલું છે.

(૨) સંસ્કૃતની શુદ્ધ દીપ્તિ

તેમની ભાષામાં સંસ્કૃત-શબ્દોની ભરતી અત્યાર સુધીના કોઈ પણ કવિ કરતાં વિશેષ છે, પણ એ શબ્દો આડંબર ખાતર શબ્દના સ્થૂલ મોહમાંથી નહિ પણ અર્થની આવશ્યકતાને ખાતર કાવ્યમાં અનિવાર્ય બનીને આવે છે. શબ્દ પ્રથમતઃ અર્થપર્યવસાયી હોવો જોઈએ એ દૃષ્ટિ કાન્તમાં બહુ જ સ્પષ્ટ છે અને તેથી તે ફારસી શબ્દો, બોલચાલના દેશ્ય શબ્દો પણ તેટલા જ સૌકર્યથી, પ્રાચુર્યથી અને ઔચિત્યથી વાપરે છે; તોપણ તેમનાં સંસ્કૃત વૃત્તોની પેઠે તેમણે વાપરેલા સંસ્કૃત શબ્દોની દીપ્તિ ઓર જ છે. તેમના બધા શબ્દો કાવ્યના કલેવરની એકવર્ણી સંવાદી ભૂમિકા રચી આપે છે, અને તેમાં આ સંસ્કૃત શબ્દો સુવર્ણમાં જડેલાં નંગ પેઠે શોભી રહે છે.

(૩) ખંડકાવ્યો

કાવ્યના પ્રકારોમાં કાન્તનો મોટામાં મોટો ફાળો ‘ખંડકાવ્ય’નો છે. આપણે ત્યાં કોઈ પણ પ્રસંગ કે અમુક વાર્તાવસ્તુને લઈ કાવ્યો તો પહેલેથી થતાં આવ્યાં છે; પરંતુ આપણી અર્વાચીન ગદ્યની ટૂંકી વાર્તા જેવી રીતે પહેલાંની વાર્તાઓનો નવો અવતાર છે તેવી રીતે આ ‘ખંડકાવ્ય’ એ પહેલાંનાં કથાકાવ્યોનો નવો અવતાર છે. વળી ગદ્યાત્મક ટૂંકી વાર્તાને માટે આધાર રૂપે પશ્ચિમનાં સાહિત્યોમાં તૈયાર ઘાટ પણ હતો, પણ ખંડકાવ્ય માટે તેવું કશું ન હતું, એ સંયોગોમાં થોડાએક પ્રયોગો પછી કાન્તે એક નવા જ રચનાવિધાનવાળો આ કાવ્યપ્રકાર નિપજાવ્યો એ તેમનો ઘણો મોટો ફાળો હોવા ઉપરાંત, તેમની સર્ગશક્તિનું પણ ઉત્તમ પ્રતીક છે. અંગ્રેજી કવિતામાંથી લિરિક જાતિનાં આત્મલક્ષી ઊર્મિકાવ્યો તેમણે અત્યંત સફળતાથી લખેલાં છે. બળવંતરાય ઠાકોરની પ્રેરણા હેઠળ તેમણે ઉત્તમ સૉનેટ પણ લખ્યાં છે, પણ તે બહુ થોડા પ્રમાણમાં.

(૪) પ્રાચીનતા અને અર્વાચીનતાનું સુભગ મિશ્રણ

તેમની કળારીતિમાં પ્રાચીન અને અર્વાચીન બંને અંશોનું ઉત્તમ પ્રકારનું મિલન છે. તેઓ આંગિક શોભાનાં અલંકરણો વર્ણસગાઈ, અનુપ્રાસ અને અર્થાલંકારોનો ઉત્તમ રીતે પ્રયોગ કરે છે, પરંતુ તે બધાં કાવ્યનાં વક્તવ્યનાં ઉપકારક થઈને, વશવર્તી બનીને જ હંમેશાં આવે છે. અલંકરણો અને સુશોભનોનો ઉપયોગ કરવા છતાં કાન્તની રીતિ બીજા સ્થૂલ દૃષ્ટિવાળા કવિતાલેખકોમાં ઘણી વાર બને છે તેમ તેમના દાસત્વમાં સરી જતી નથી. કાન્તનાં કાવ્યોમાં એ સર્વ બહિરંગી સૌંદર્યની પ્રતિષ્ઠા કાવ્યના પ્રધાન વક્તવ્યને રસાત્મક કરવાના એકમાત્ર લક્ષ્યથી જ થાય છે. અલંકરણોની મદદ વિના, કેવળ નિરૂપણના સામર્થ્યથી પણ કાન્ત સંપૂર્ણ રસાત્મકતા સાધી શકે છે.

સર્વાંગસુભગ કલાપુદ્‌ગલ

કાન્તમાં કળાનાં ઉપકરણો, પદ્યરચના, ભાષા, તથા વસ્તુવિન્યાસના ઔચિત્યપૂર્વક પ્રયોગની ઘણી પરખ છે, અને તેને યોજવાનું કૌશલ પણ છે. કાન્ત કવિતાના એક તલસ્પર્શી વિવેચક પણ હતા. તેમણે મોટા પ્રમાણમાં વિવેચન નથી કર્યું, પણ ‘કુસુમમાળા’ ઉપરની તેમની ખાનગી નોંધ, તથા ન્હાનાલાલના નૂતન કાવ્યનો તેમણે કરેલો સત્કાર તેમની આ શક્તિનાં ઉદાહરણ છે. કાન્તનાં કાવ્યોમાં પ્રયોજાયેલી કળાસામગ્રીનાં ઉપર જોયેલાં તત્ત્વો પોતપોતાના વિશિષ્ટ આવિર્ભાવમાં પણ સ્વપર્યાપ્ત રીતે સુન્દર અને મોહક રૂપનાં છે, પરંતુ તે સર્વમાંથી નિષ્પન્ન થતો કળાપુદ્‌ગલ તેથી યે વિશેષ સુંદર અને મોહક છે. છંદોની સુભગતા, લયની સંવાદિતા, પદ્યબંધની દૃઢતા, પ્રાસ અને અલંકારોની નૂતનતા અને સ્વાભાવિકતા, શબ્દનું વર્ણમાધુર્ય, તેમની અર્થવાહકતા, ભાષાની સંસ્કૃતમિશ્રિત છતાં પ્રાસાદિક નાગરોચિત શિષ્ટ છટા, નવી ઉપમાઓ અને ઉત્પ્રેક્ષાઓ, કાવ્યના વસ્તુ તથા ભાવનું યથોચિત સંક્ષેપ અને વિસ્તારથી, અર્થવાહક શબ્દોથી, શ્લિષ્ટ અને સંવાદી રીતે, અંગઉપાંગના પ્રમાણસર સંયોજનથી થતું નિરૂપણ, એ કાન્તની કળારીતિનાં પ્રધાન લક્ષણો છે.

કાન્તની કવિતાની પ્રયોગઅવસ્થા

કાન્તની કૃતિઓનો સંગ્રહ ‘પૂર્વાલાપ’ તેમના આકસ્મિક મરણ સમયે ૧૯૨૩માં પ્રસિદ્ધ થયો, પણ તેમની કવિતાપ્રવૃત્તિ તેમના છેક નાનપણથી પ્રારંભાઈ હતી, અને તેમની જાણીતી કૃતિઓ તે પ્રત્યેકના રચનાસમયની આસપાસ જ પ્રસિદ્ધ થઈ ચૂકી હતી, તથા કવિતાભોગી વાચકવર્ગમાં પરમ આદરને પાત્ર થઈ હતી. ‘વસન્તવિજય’ના અપૂર્વ રચનાકૌશલે કાન્તને તરત પ્રસિદ્ધિમાં લાવી દીધા. ‘વસન્તવિજય’ ઉપરથી કેટલાકે એમ માની લીધેલું કે તે કાન્તની એકદમ સહસા ઉદ્‌ભૂત થયેલી કૃતિ છે. પણ ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિમાં તેમની તે પહેલાંની અપક્વ પ્રયોગાત્મક દશાની કૃતિઓમાંથી તેમને હાથે નાશ પામતાં બચી ગયેલી તે પ્રસિદ્ધ થઈ છે, તે ઉપરથી જણાય છે કે કાન્તની સફળ કવિતાને પણ પ્રયોગની એક અવસ્થામાંથી પસાર થવું પડ્યું છે; જોકે આ અવસ્થામાંથી કાન્ત બહુ જ ઝડપથી પસાર થઈ ગયા છે. પંદર વરસે દલપતશાહી રીતે પ્રારંભાયેલી કાન્તની કવિતા પાંચ જ વરસમાં પોતાની કાયાપલટ કરી લે છે, અને ૨૧-૨૨ વરસની નાની ઉંમરે તો તેઓ કળાની પૂર્ણ હથોટી મેળવી લે છે. પણ તે એટલું જ બતાવે છે કે કાન્તની શક્તિએ પોતાનો અનોખો માર્ગ બહુ જોતજોતામાં શોધી લીધો. ૧૮૮૭થી ૧૮૯૦ સુધીનાં ચાર વરસ કાન્તની કવિતાનાં સમૃદ્ધ વરસો છે. એ વરસોમાં એમનાં ઉત્તમ ખંડકાવ્યો લખાયાં. તે પછી ધર્મમંથનની અંદર તેમનું કાવ્ય મંદ થઈ જાય છે, તોપણ તેણે પોતાની ઉત્કૃષ્ટતા કદી ગુમાવી નથી. તેમનાં ખ્રિસ્તી ધર્મભાવનાં તથા નાટકોનાં ગાયનો બીજાં કાવ્યોને મુકાબલે ફિક્કાં છે, પણ તેનાં કારણો બીજાં છે અને તેને કાન્તની સર્ગશક્તિ સાથે સીધો સંબંધ નથી. કાન્તની કૃતિઓના ત્રણ મુખ્ય વર્ગ પડે છે : લાંબાં કથાત્મક કાવ્યો, ઊર્મિકાવ્યો, અને પ્રાસંગિક રચનાઓ. તેમની કવિતાનો વિકાસ પણ આ જ ક્રમે છે. કિશોરવયમાં સ્વાભાવિક રીતે અર્વાચીન કાળના ઘણા કવિઓ પેઠે તે દલપતરીતિથી મંગલાચરણ કરે છે, પણ થોડા જ વખતમાં તે આગળ વિકાસ સાધે છે. કાન્ત પોતાના કાવ્યની રીતિ તથા કાવ્યના વિષયો નવા જ લઈ આવે છે. તેમની કવિતા સપાટી ઉપરના ક્ષણિક રંગોના વિષયો કરતાં ઊંડાં શાશ્વત તત્ત્વોને વધારે સ્પર્શે છે. કાન્ત પોતાનાં હૃદયમંથન અને પ્રણયપિપાસામાં મસ્ત કવિઓને મળતા આવે છે. તેમનું મંથન પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કથી આપણા માનસમાં ન્યાય, સ્વાતંત્ર્ય, પ્રણયસૌંદર્યની જે ભાવનાઓ જાગ્રત બની તે ભાવનાઓની ભૂમિકા ઉપર છે. તેનાં શોધ અને ઉકેલ પણ કાન્તે પશ્ચિમમાંથી, સ્વીડનબૉર્ગના ક્રિશ્ચિયન વિચારોમાંથી મેળવ્યો, એટલે આ ખોજ અને તેનું દર્શન એ બંને પેલા મસ્ત કવિઓ કરતાં જુદા અને લગભગ નવા કળાસ્વરૂપમાં જ વ્યક્ત થયા.

કથાત્મક કાવ્યોનું મહત્ત્વ

કાન્તનાં કથાત્મક કાવ્યોનું એક કરતાં વધારે રીતે મહત્ત્વ છે. કાન્તે કવિતાલેખનના પ્રારંભમાં જ વર્ણનાત્મક અને કથાત્મક કાવ્યો લખવા માંડ્યાં, એ તેમની કળાશક્તિની સર્વાનુભવરસિકતા બતાવે છે. એ કાવ્યોમાં કાન્તની કળાના વિકાસનાં સ્પષ્ટ પગથિયાં જોઈ શકાય છે. એમાંથી ખંડકાંવ્યનો ગુજરાતી કવિતામાં એક નૂતન કાવ્યપ્રકાર પ્રવેશ પામે છે. વળી એ કાવ્યોમાં કાન્તના રચનાકૌશલનું ઉત્તમ સ્વરૂપ વ્યક્ત થાય છે. અને છેલ્લું અને સૌથી મહત્ત્વનું તત્ત્વ એ છે કે એ સર્વમાં કાન્તના જીવનમંથનનાં રહસ્યોનું કળામય નિરૂપણ થાય છે. કાન્તે પોતે પ્રસિદ્ધ કરેલાં અને તે પછી તેમનાં બીજાં મળી આવેલાં ખંડકાવ્યો આ પ્રમાણે છે : ‘સૃષ્ટિસૌંદર્યથી થતી મન ઉપર અસર’, ‘પ્રિયા કવિતાને આશ્વાસન’, ‘સ્વર્ગગંગાને તીર’, ‘મૃગતૃષ્ણા’, ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’, ‘રમા’, ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’. કવિતાના અતિ ઊંચા આદર્શને લીધે, ખાસ કરીને ડાન્ટે વાંચ્યા પછી, કાન્તે પોતાનાં ઘણાં કાવ્યોનો નાશ કરેલો, તથા જેનો નાશ ન કરેલો તેમાંથી પણ ઘણાંકને પોતાના સંગ્રહમાં મૂકવા જેવાં ગણ્યાં ન હતાં. આ ખંડકાવ્યોમાંથી પહેલાં ત્રણ કાન્તે પ્રસિદ્ધિ યોગ્ય નહિ ગણેલાં કાવ્યો છે અને કાન્તની સિદ્ધ કલારૂપવાળી બીજી રચનાઓ સાથે તુલનાત્મક અભ્યાસની એક કીમતી તક તેઓ આપે છે એ તેમનું ખાસ મહત્ત્વ છે. કાન્તની કળાના વિકાસનાં અત્યાર લગી ઢંકાઈ રહેલાં પગથિયાં ગોઠવી આપવામાં તે કાવ્યો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ કાવ્યોમાં કાન્તની બધી લાક્ષણિકતાઓ, છંદોવૈવિધ્ય, કાવ્યબાની તથા નિરૂપણરીતિના અંકુરો ફૂટેલા દેખાય છે. તે પછીનાં ‘અતિજ્ઞાન’ સુધીનાં ચાર કાવ્યોમાં કાન્તની કળા પોતાના ઉન્મેષમાં દૃઢતા પ્રાપ્ત કરતી જાય છે અને છેવટનાં ત્રણ કાવ્યમાં કાન્તની શક્તિ પૂરેપૂરા વિકસિત રૂપે વ્યક્ત થાય છે. ‘દેવયાની’માં અલંકારોનું પ્રમાણ વધ્યું છે અને સંસ્કૃત શબ્દોના પ્રયોગ વિશેષ બન્યા છે, અને તેમ છતાં કાવ્યનું ચારુત્વ ક્લિષ્ટ ન થતાં ઊલટું વધ્યું છે.

કાન્તની વિશિષ્ટ રીતિ

આ સાત કાવ્યોમાં ખંડકાવ્યમાં વસ્તુ નિરૂપવાની કાન્તની એક વિશિષ્ટ રીતિ બંધાય છે. કવિ કાવ્યના કેન્દ્રમાં કોક રહસ્ય મૂકીને તેને અમુક પાત્રોના જીવનની એકાદ સૂચક પરિસ્થિતિમાં ગોઠવે છે, અને એ પરિસ્થિતિને અર્વાચીન નવલિકાની પેઠે કળાત્મક રીતે નિરૂપે છે. કાન્તની ખંડકાવ્યોની કળા અર્વાચીન નવલિકાની કળાનો જાણે કે કાવ્યમાં લાક્ષણિક અવતાર છે. ગુજરાતમાં નવલિકા લખાવી શરૂ થઈ તે પહેલાં કાવ્યમાં આટલી કથનકળા સિદ્ધ કરવામાં કાન્તની અસાધારણ સર્ગશક્તિ પણ દેખાઈ આવે છે. કાન્તની કથનની કળા જેટલી નવીન છે તેટલી જ મનોહર છે. કથાવસ્તુનો ઉપાડ કાન્ત ચોટપૂર્વક કરે છે અને વસ્તુને પ્રમાણસર ઉઠાવ આપતાંઆપતાં તેને ઘટતા વેગે ક્રમશઃ પરાકાષ્ઠાએ લઈ જાય છે, અને કળાત્મક રીતે કાવ્યનું સમાપન કરે છે. કાન્તમાં પ્રસંગનું, પરિસ્થિતિનું કે મનોભાવનું યથાર્થ અને સંક્ષેપમાં ચિત્રણ કરવાની ઘણી ફાવટ છે. ‘રમા’ જેવા પ્રારંભદશાના કાવ્યમાં ‘ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી.’ જેવી એક જ પંક્તિમાં કાન્ત એક વિશાળ ચિત્ર પૂર્ણ રીતે રજૂ કરી દે છે. આ પછીનાં કાવ્યોમાં પણ તેઓ હરકોઈ દૃશ્યને લગભગ ચારેક પંક્તિમાં જ સંપૂર્ણ રીતે મૂર્ત કરે છે. પરિસ્થિતિ નિરૂપવામાં વિગતની પસંદગી, તે માટેના ઉચિત શબ્દની પસંદગી કાન્ત બહુ કુશળતાથી કરે છે. તે પોતાના હરેક ચિત્રને ઘણું સુરેખ કરી શકે છે. ગતિનાં, અવાજનાં, સ્પર્શનાં, રંગનાં ઘણાં તાદૃશ વર્ણનો તેઓ આપે છે. તેમનાં મનોભાવનાં આલેખન પણ તેવાં જ હોય છે અને તાદૃશ કરવાની એ શક્તિને લીધે તેમનાં કાવ્યોમાં ભાવ ઘણો સરળતાથી મૂર્ત બને છે. તેમણે પાત્રોના મુખમાં મૂકેલી ભાષાની પસંદગી પણ ઔચિત્યપૂર્વકની હોય છે. રમાના મુખમાંની ‘મારા મહીં જ નથી માલ ખરું કહું છું’ જેવી તદ્દન સાદી ભાષા કે ચક્રવાકના મુખમાંની ‘આ ઐશ્ચર્યે પ્રણયસુખની, હાય! આશા જ કેવી!’ જેવી સંસ્કૃતમિશ્રિત ભાષા બંને એકસરખી ઉચિત છે. એનું કારણ એ છે કે પાત્રની મનોદશાને તે બરાબર વ્યક્ત કરે છે. તે પછી ભાષા તળપદી કે અતિ શિષ્ટ હોય તોપણ તે વિસંવાદી કે અસ્વાભાવિક બનતી નથી. વસ્તુના વર્ણનમાં કાન્ત ઉપમા વગેરે અલંકારોનો યથાવશ્યક ઉપયોગ કરે છે. વળી ‘દેવયાની’ કાવ્યમાં એક જ સ્થિતિના વર્ણન માટે એકસાથે ત્રણ-ત્રણ ઉપમાઓ પણ તે વાપરે છે. આ કાવ્યમાં તે અલંકારરચના તરફ વિશેષ ઢળેલા દેખાય છે.

કાવ્યોનું રહસ્ય

કાન્તનાં આ ખંડકાવ્યોમાં રજૂ થતા રહસ્યની સત્યાસત્યતા વિશે મતભેદનો સંભવ શક્ય છે. ‘વસંતવિજય’માં કર્તા કોનો પક્ષ કરે છે તે બાબત રસિક ચર્ચાઓ ચાલેલી છે. અત્યારે વિકાસની જે ભૂમિકાએ સામાન્ય માનવ ઊભો છે તે ભૂમિકામાંથી નીપજતી તેની રસ સૌન્દર્ય પ્રણય આદિની ભાવનાઓનું અને અપેક્ષાઓનું કાન્ત એકંદરે સમર્થન કરે છે. તે ભાવનાઓ તેના તે રૂપમાં સંતોષાવી જોઈએ અને સિદ્ધ થવી જોઈએ એમ પણ તે માને છે. પાંડુના વાનપ્રસ્થાશ્રમના સંયમી જીવનને કાન્ત ‘યોગાન્ધત્વ’ તરીકે ઓળખાવે છે અને તેની વિરુદ્ધમાં તે વસન્તનો પક્ષ કરે છે; તોપણ કાન્તને એ પણ ભાન છે કે આ ભૂમિકા પર આ રસોની સિદ્ધિ સંભવિત નથી જ. આ વિષમતા કે અશક્યતામાંથી માનવની અપેક્ષા અને પરિસ્થિતિ વચ્ચેનો તીવ્ર કરુણ અને દ્રાવક સંઘર્ષ જન્મે છે. એ સંઘર્ષમાં કાન્ત માનવનો જ પક્ષ લે એમાં એમની પોતાની વિકાસશીલ અને મંથનગ્રસ્ત ભૂમિકા જોતાં અસ્વાભાવિક જેવું પણ કંઈ નથી. પણ એનો અર્થ એ નથી કે કાન્ત માનવની નિર્બળતાનો યા વાસનાનો પક્ષપાત કરે છે. એમનાં પાત્રોની સૌંદર્યની પ્રણયની જીવનરસની તમન્ના ખરેખર સાચી છે. તે જીવનનાં સ્થૂલ તત્ત્વો સાથે ભળી ગયેલી છે એ ખરું, પણ એટલે તો આ મંથન છે. માનવની સત્ય અને અર્ધસત્યના, પ્રકાશ અને તિમિરના મિશ્રણની બનેલી ચેતનાનું એવી રીતનું કાવ્ય કાન્ત પોતે એ સંક્રાન્તિદશાના વમળમાં સપડાયેલા હોવા છતાં આપી શક્યા એ એમની મહત્તા છે. કાન્તનાં પાત્રો પરિસ્થિતિની સામે વિવશ થઈ બેસી રહેતાં નથી, પણ પોતાના અંતઃકરણની પ્રેરણા અનુસાર ઝૂઝે છે. તેમની એ સર્વ પ્રવૃત્તિ પાછળ એક શાશ્વત અનંત તત્ત્વની ઊર્ધ્વગામી ખોજ છે, જ્યાં સદૈવ સૂર્ય વસતો હોય તેવા તેજોમય પ્રદેશમાં આરોહવાની એક તીવ્ર અભીપ્સા છે. આપણી પ્રાચીન કે અર્વાચીન કવિતામાં આ અભીપ્સા આવા આર્ત પુકાર સાથે અને આવા મનોહર કમનીય રૂપે પહેલી વાર પ્રગટે છે.

ટૂંકાં ઊર્મિકાવ્ય

કાન્તનું છેલ્લું ખંડકાવ્ય ‘દેવયાની’ અપૂર્ણ રહી ગયું એની પાછળ વેદનાનો અને મંથનનો ઘેરો ઇતિહાસ છે. એ પછી કાન્તે એકે ખંડકાવ્ય લખ્યું નહિ. એ લખવા જેટલો આયાસ કરવા માટે તેમનામાં ઉત્સાહ હવે રહેતો નથી. જે જીવનમંથનમાંથી આ કાવ્યોની ગૂઢ પ્રેરણા સ્ફુરેલી છે તેનો ઉકેલ કાન્તને આ અરસામાં જ મળે છે. તેઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે; જોકે તેથી તેમની માનસિક વેદનાનો અંત આવતો નથી, અને જીવનના અંતિમ સત્યના દર્શનથી કે પ્રાપ્તિથી જન્મતી પરમ તૃપ્તિની દશાએ તે પહોંચતા નથી. તેમનું જીવન નવા મનોમય જીવનની ધર્મભાવના અને કુટુંબીઓની સ્નેહભાવના વચ્ચે ઝોલાં ખાતું બંનેમાં ટકી રહે છે. આ બંનેમાંથી હવે માત્ર ટૂંકાંટૂંકાં ઊર્મિકાવ્યો જ સર્જાય છે. ઊર્મિકાવ્યોનું એક વહેણ ખ્રિસ્તી ધર્મભાવનાઓને, એ રીતની ઈશ્વરપરાયણતાને મૂર્ત કરે છે અને બીજું વહેણ અંગત મૈત્રી સ્નેહ અને પ્રણયના ભાવોને મૂર્ત કરે છે. કાન્તે રાજકીય ભાવનાનાં, સમાજજીવનનાં, અને નાટકો માટે પણ, કાવ્યો અને ગાયનો લખેલાં છે. આ સૌમાં કાન્તની શૈલી તેના ઉત્તમ તેમ અક્ષુણ્ણ રૂપે અંગત સ્નેહસંબંધોનાં અને કેવળ ઊર્મિપ્રધાન કાવ્યોમાં જ માત્ર ઠેઠ લગી ટકી રહે છે. બીજા વિષયોના સ્પર્શમાં તેમની પ્રતિભાની ચમક તો દેખાય છે જ, પણ એ વિષયની મર્યાદા જ તેમનાં કાવ્યોને જોઈએ તેટલાં રસાવહ થતાં રોકે છે. નાટકનાં ગાયનો પ્રવાહપતિત રચનાઓ જેવાં છે તો ય તેમાં કાન્તની શિષ્ટ બાની છાની નથી રહેતી. તેમનાં દેશપ્રેમનાં બે કાવ્યો ‘હિંદ પર આશીર્વાદ’ અને ‘હિંદમાતાને સંબોધન’ છે. એ બંનેએ આપણાં રાષ્ટ્રીય કાવ્યોમાં સ્થાન લીધું છે. પહેલા કાવ્યમાં તો આપણી પરિસ્થિતિનું સંક્ષિપ્તમાં ઘણું સાચું બયાન છે અને ઈશ્વર પાસેની એ સંયોગોને ઉચિત યાચના છે. ખ્રિસ્તી ધર્મભાવનાનાં કાવ્યો, અત્યાર લગીમાં કોઈ પણ ગુજરાતી બોલનાર ખ્રિસ્તીએ લખેલાં કાવ્યોની તુલનામાં કેટલા ય ગણાં ઉત્તમ છે. પણ તેમાં જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મકથાઓ અથવા પ્રતીકોનો મૂળ રૂપમાં ઉલ્લેખ આવે છે ત્યાં તે કાવ્ય અતડાં લાગે છે. જ્યાં આવાં કોઈ સીધાં સાંપ્રદાયિક તત્ત્વોનો સ્પર્શ નથી હોતો, પણ નર્યું ભાવ-આલેખન હોય છે, તથા ખ્રિસ્તી ધર્મભાવને કુનેહથી ગુપ્ત કરેલો હોય છે, તેવાં ‘કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના’, ‘સખીને આમંત્રણ’, ‘અંતિમ પ્રાર્થના’ કાવ્યોમાં કાન્તને સફળતા મળેલી છે. કાન્તે અંગ્રેજીમાં મિસિસ બ્રાઉનિંગનાં ત્રણ સૉનેટના અનુવાદ પણ કરેલા છે. એમના આ થોડાક ગણ્યાગાંઠ્યા અનુવાદોમાં પણ તેમની સર્ગશક્તિ ઉત્તમ રીતે દેખાઈ આવે છે.

ઊર્મિકાવ્યો, ઉત્કૃષ્ટ કલાકૃતિઓ

કાન્તનાં ઊર્મિકાવ્યો તેમનાં ખંડકાવ્યોને મુકાબલે ઓછાં પ્રસિદ્ધ છે, પરંતુ કલાકૃતિઓ તરીકે તેમની ઉષ્કૃષ્ટતા ખંડકાવ્યો કરતાં લેશ પણ ઊતરતી નથી. આ ઊર્મિકાવ્યોમાંથી મોટા ભાગનાં કાવ્યો કાન્તના અંગત જીવન સાથે સંકળાયેલાં છે, તેમની સાચી અંગત ઊર્મિઓમાંથી નીપજેલાં છે, અને બાકીનાં કેવળ સ્વતંત્ર સ્ફુરેલી રચનાઓ. છે. આ છેલ્લા પ્રકારનાં કાવ્યોમાં ‘સ્મિતપ્રભાને’, ‘અશ્રુને આવાહન’, ‘સાગર અને શશી’, ‘વસંતપ્રાર્થના’, ‘મત્ત મયૂર’ને મૂકી શકાય, આમાંથી પ્રત્યેકને પોતપોતાનું છંદનું ભાષાનું અને નિરૂપણનું અપ્રતિમ સૌંદર્ય છે. ‘સ્મિતપ્રભાને’માંની મનહર છંદની દલપતરીતિમાં પણ કાન્તની કલ્પનાની ચમક છે. ‘અશ્રુને આવાહન’ તેના ગંભીર આર્દ્ર સ્વરૂપમાં કલાપીનાં જાણે બધાં આંસુઓની સંક્ષિપ્ત સંહિતા જેવું છે. ‘સાગર અને શશી’નું શબ્દસંગીત, અર્થગાંભીર્ય અને પ્રકૃતિદર્શનમાંથી જન્મતો અતિમાનુષ હર્ષ, એ તત્ત્વો તેમની અપૂર્વ કલાત્મક રજૂઆતથી જાણીતાં છે. માનવહૃદય અને પ્રકૃતિનો અહીં બતાવ્યો છે તેવો મિલનયોગ આપણાં તમામ પ્રકૃતિકાવ્યમાં અન્યત્ર જડતો નથી. ‘મત્ત મયૂર’ની સંગીતમયતા અનવદ્ય છે. આ બંનેનાં અનુકરણો થયાં છે, પણ તેમનું સાહજિક, શ્લિષ્ટતાયુક્ત, વર્ણ અને અર્થના અનુપમ મેળનું તાજગીભર્યું સૌંદર્ય બીજું કોઈ સર્જાવી શક્યું નથી. ‘વસંતપ્રાર્થના’ની પણ શિષ્ટ સુંદર બાની અને ભાવના મનોહર છે.

અંગત ઊર્મિની કૃતિઓ

કાન્તનાં અંગત ઊર્મિઓનાં કાવ્યોની સંખ્યા વધારે છે. એ ઊર્મિઓમાં ત્રણ રંગ છે : પ્રભુભક્તિ, મૈત્રી અને પ્રણય. પ્રભુભક્તિનાં કાવ્યોમાં સંવેદન સાચું છે, પણ આપણે ઉપર જોયું તે મુજબ તે જ્યાં ખ્રિસ્તી સાંપ્રદાયિક રૂપમાં વ્યક્ત નથી થયું ત્યાં જ ઉત્તમ બન્યું છે. આવાં કાવ્યોમાં કવિએ પોતાના બુદ્ધિચાતુર્યનો પણ આશ્રય લઈ ખ્રિસ્તી અને હિંદુ કલ્પનાનું કદી વિલક્ષણ મનોહર મિશ્રણ નિપજાવેલું છે, જેનું એક ઉદાહરણ ‘ઈશ્વરસ્તુતિ’ છે. આમાં કવિ સાંબ શંકરની સ્તુતિ કરતા દેખાય છે, પરંતુ વાસ્તવિક રીતે તે ઈસુની જ સ્તુતિ છે. શંકરનું જે પ્રધાન સંહારક સ્વરૂપ છે તેનો આમાં ક્યાંય ઉલ્લેખ નથી. શંકરને આમાં ધાતા ને ત્રાતા રૂપે વર્ણવ્યા છે અને પાછા માનવી માતથી અવતરતા કહ્યા છે! જ્યારે આપણા બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ તો આ રીતે જન્મ લીધેલા દેવ નથી. કાન્તે હિંદુ ધર્મના, અને તેમાં યે વેદ ઉપનિષદના જેવા પ્રાચીન ધર્મસંસ્કારોનાં શુદ્ધ ઉત્તમ કાવ્યો પણ બનાવ્યાં છે, જેનું એક ઉત્તમ ઉદાહરણ ‘અપાવરણ પ્રાર્થના’ છે. ખ્રિસ્તી રીતના ભાવવિભાવોથી ભરેલાં કાવ્યો ખ્રિસ્તી પ્રતીકોથી મુક્ત રહે છે ત્યારે ‘અંતિમ પ્રાર્થના’ જેવું અતિ આર્દ્ર કાવ્ય પણ જન્મે છે. ‘મારી કિશ્તી’, ‘પ્રભુની પાઠશાળા’ જેવાં કેવળ ઈશ્વરાભિમુખ ઊર્મિઓનાં કાવ્યોનું પણ તેમની રીતનું વિશિષ્ટ ચારુત્વ છે.

મૈત્રીનાં કાવ્યો

મૈત્રીભાવનાં કાવ્યોમાં અર્વાચીન સંસ્કારોવાળા મિત્રભાવનું નિરૂપણ છે. એમાં જીવનનો સહચાર, જ્ઞાનની આપલે, જીવનની ઉન્નત અભીપ્સાઓ, અને મૈત્રીની મધુર રતિનું નિરૂપણ છે. કાન્તે પોતાનાં લગભગ બધાં મિત્રોને અને સ્નેહીઓને કવિતામાં મૂક્યાં છે. તેમની રમણભાઈ સાથેની મૈત્રીએ પેલી જાણીતી ગીતિનું રૂપ લીધું, અને તે ગીતિ આપણી ‘સાંપ્રત રસમય ઋતુ’ના પહેલા કુન્દપુષ્પ જેવી રમણીય બનેલી છે. ન્હાનાલાલ સાથેના સંબંધમાંથી ‘મહેમાનોને સંબોધન’ જન્મ્યું, જે હજી લગી આપણી આતિથ્યભાવનાનું અજોડ કાવ્ય રહ્યું છે. કલાપીને પણ તેમણે કાવ્યમાં લીધા છે. તેમનો સૌથી ગાઢ સહવાસ બળવંતરાય ઠાકોર સાથે રહેલો છે. આ બંને જણ જીવનમાં અને સાહિત્યમાં એકબીજાની સાથે ગાઢ રૂપે ગૂંથાયેલા છે અને આ મૈત્રીએ બંનેની પાસે ઉત્તમ કૃતિઓ રચાવી છે. કાન્તનાં આ મૈત્રીનાં કાવ્યોમાંથી ‘અગતિગમન’, ‘ઉપાલંભ’, ‘રતિને પ્રાર્થના’ અને ‘ઉપહાર’ એ કૃતિઓ મહત્ત્વની છે. ‘ઉપહાર’ એ સૌમાં ઉત્તમ કહેવાય તેવી છે. એમાં પોતાના આ મિત્રની સૉનેટ પ્રકારની રચના કાન્તે અપનાવી છે અને એમાં એક દર્દભર્યા, વચ્ચે શિથિલ થયેલા છતાં તેટલા જ ગહન રહેલા સ્નેહના, અને સહકારથી સાધેલી જીવનયાત્રાના ઉદ્‌ગાર છે. ‘રતિને પ્રાર્થના’ એ મૈત્રીની દેવી રતિને જ સંબોધન છે, પણ એમાં એ રતિની મૂર્તિ તે કાન્તનું પોતાની પત્નીનું જ અનુપમ આલેખન છે. એ બંને રીતે તથા તેની વર્ણનછટામાં અને સૌંદર્યમાં એ કાવ્ય ઉત્તમ છે.

પ્રણયકાવ્યો

કાન્તનાં પ્રણયનાં કાવ્યો પોતાની બે પત્નીઓને અવલંબીને રચાયાં છે. તેમણે પોતાના બાળકને અંગે લખેલું કાવ્ય જરા નબળું છે. પ્રણયનાં કાવ્યોમાં કેટલાંકમાં જીવનના ઉલ્લાસનું મધુર રસમય વર્ણન છે, જેમાંનાં બે કાવ્યો ‘મનોહર મૂર્તિ’ અને ’આપણી રાત’ એ તેમની અનુત્તમ સુંદરતા માટે જાણીતાં છે. પણ કાન્તના જીવનમાં ઉલ્લાસ કરતાં વ્યથાને વધારે સ્થાન રહેલું છે. પહેલી પત્નીના મૃત્યુની વ્યથા કાન્તને અસહ્ય હતી. બીજી પત્નીને પણ, નવા ધર્મમાં દાખલ થતાં છોડવાનો પ્રસંગ આવ્યો હતો, અને તેની વ્યથા કારમી હતી. આ ઘેરી વ્યથામાંથી કાન્તનાં કાવ્યો જન્મ્યાં. ‘પ્રમાદી નાવિક’, ‘વિધુર કુરંગ’, ‘વિપ્રયોગ’ એ પહેલી પત્નીના મૃત્યુ પછીનાં છે. ‘પ્રિયને પ્રાર્થના’, ‘મુગ્ધાને સંબોધન’, ‘રજાની માગણી’, ‘પુરાની પ્રીત’, ‘આશાગીત’, ‘વત્સલનાં નયનો’, ‘ચંદાને સંબોધન’ એ બીજી પત્નીને અનુલક્ષેલાં, દર્દમાંથી જન્મેલાં આંસુનાં, પાણીદાર મોતી જેવી દીપ્તિવાળાં કાવ્યો છે. આમાંનાં કેટલાંકમાં ગઝલના છંદો પણ કાન્તે વાપર્યા છે, જે તેમાં અનેરી મોહકતા ઉમેરે છે. ‘આપણી રાત’ અને ‘મનોહર મૂર્તિ’ એ પણ બીજી પત્નીને સંબોધી લખાયેલાં છે. કાન્તનાં આ ઊર્મિકાવ્યોના છંદો વાણી વગેરેમાં આપણી ભાષાનું મૌલિક સૌંદર્ય છે. તેમાં આવેલું લાગણીનું નિરૂપણ, તેની કલ્પનાને ખીલવવાની પદ્ધતિ એ ઉત્તમ અંગ્રેજી કવિતાની હરોળમાં બેસે તેવી, અંગ્રેજી કવિતાના ઉત્તમ અંશોના ગુજરાતીમાં સફળ મૌલિક સર્જન જેવી છે. અર્વાચીન ગુજરાતીમાંથી ઉત્તમ કાવ્યો ચૂંટીને જગત આગળ મૂકવાં હોય તો કાન્તનો ફાળો તેમાં ઘણો મોટો આવે. ‘પૂર્વાલાપ’માં મુકાયેલાં કાવ્યોની સંખ્યા ઓછી છે, તથા ૧૮૯૦ પછી તેમનું કવિતાનું વહન મંદ થયેલું છે, પણ તેને કાન્તની પ્રતિભાની અલ્પતાના સૂચક તરીકે નહિ ગણી શકાય. પોતાના વિપુલ કાવ્યસર્જનમાંથી કાન્તે ઉચ્ચ કક્ષાની અમુક કૃતિઓને જ સંગ્રહમાં મૂકી અને કાન્તની પોતે પસંદ કરેલી એ કૃતિઓમાંથી એકે સામે આંગળી ચીંધી શકાય તેમ નથી. કાન્તનાં આ થોડાં કાવ્યોમાં કળાની પૂર્ણતા છે, એ પ્રત્યેકમાં મહાન પ્રતિભાનો સ્પષ્ટ સ્પર્શ છે. કાન્તનું સર્જન મહાકાવ્યની વિપુલતાને પામ્યું નથી, પણ તેમાં મહાકાવ્યની અને મહાકવિની, પ્રતિભા તો રહેલી છે જ.