અર્વાચીન કવિતા/‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ

‘મકરન્દ’ – રમણભાઈ મહીપતરામ નીલકંઠ
[૧૮૬૮ – ૧૯૨૮]

તેમની ગંભીર કવિતાપ્રવૃત્તિ

રાઈનો પર્વત (૧૯૧૩), કવિતા અને સાહિત્ય, ભાગ ૪ (૧૯૨૯) રમણભાઈની કવિતાપ્રવૃત્તિ તેમની વિવેચનપ્રવૃત્તિને મુકાબલે અલ્પ પ્રમાણની રહી છે, પણ તે જેટલી છે તેટલી પૂરેપૂરી ગંભીર પ્રકારની રહી છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો સારી પેઠે જાણીતાં છે, પરંતુ ‘રાઈનો પર્વત’માં વ્યક્ત થયેલી તેમની ઊંચા ગુણવાળી કાવ્યકળા તરફ બહુ થોડું ધ્યાન ગયું, છે. બળવંતરાય જેવાની ‘અર્ધ નિન્દા’માંથી રમણભાઈને ઉગારવા નીકળેલ નરસિંહરાવ પણ રમણભાઈના આ નાટકમાંના ૧૦૧ જેટલા શ્લોકોની સમૃદ્ધિને પોતાના સમર્થન માટે ઉપયોગમાં લેવાનું ચૂકી ગયા છે.

રમણભાઈની શૈલી

રમણભાઈની શૈલીમાં પ્રારંભમાં દલપતરીતિની તથા પ્રાર્થનાસમાજની-ભોળાનાથની રીતિની અસર છે. જોકે એ રીતિમાં પણ તે દલપતરામ અને ભોળાનાથ કરતાં ઘણું સારું કામ કરે છે, પરંતુ તેમની શૈલીએ એમાંથી વિકસીને શિષ્ટ પ્રૌઢ સંસ્કારી રૂપ થોડા જ વખતમાં લઈ લીધું છે. એના ઉત્તમમાં ઉત્તમ રૂપે તે કાન્તની શૈલીની પણ હરોળમાં બેસે તેવી હૃદયંગમ અને સુન્દર બનેલી છે, તેમનો પદ્યબંધ દૃઢ રૂપનો છે, શબ્દની પસંદગી ઊંચા ઔચિત્યથી ભરેલી છે, અને નિરૂપણ અતિ ઘન નહિ તો પણ પૂરતી પ્રવાહિતાવાળું તથા પ્રાસાદિક રહેલું છે. શબ્દનું અને ભાવનું ઊંચી કોટિનું સૌંદર્ય, તેજસ્વી કલ્પના, તેમનું સાહજિક બુદ્ધિબળ, અને તેમનાં બીજાં લખાણોમાં જેને વ્યક્ત થવા અવકાશ નથી મળ્યો તે ભાવનાબળ રમણભાઈની કવિતાનાં ખાસ લક્ષણો છે.

રમણભાઈનાં કાવ્યો

રમણભાઈનાં કાવ્યોમાં દલપતરીતિનાં સંસારસુધારાનાં બોધપ્રધાન ગીતો, ભોળાનાથની ઢબનાં અભંગ પદ વગેરેમાં લખેલી પ્રાર્થનાઓ, અર્વાચીન અંગ્રેજી ઢબનાં ઊર્મિકાવ્યો, તથા સંસ્કૃત નાટકની રીતિનાં મુક્તકોનો સમાવેશ થાય છે. રમણભાઈની દલપતરામ અને ભોળાનાથની રીતિમાં રચાયેલી કૃતિઓને કળાદૃષ્ટિએ નિઃસાર જેવી કહી શકાય; પણ તેમની કેટલીક પ્રાર્થનાઓમાં પ્રભુપરાયણતા અને સમર્પણના ભાવ બીજા પ્રાર્થનાસમાજી કવિઓ કરતાં ઘણી ઊંચી રીતે, વાણી અને અર્થના વધારે કળામય સંયોજનપૂર્વક વ્યક્ત થયેલા છે. એ કાવ્યોમાં ‘પ્રભુમય જીવન’, ‘બારણે પુકાર’ ‘ઈશ્વરેચ્છા’ વગેરે જાણીતાં છે; પણ અજાણીતાં એવાં ‘સૂરદાસની પ્રાર્થના’ ‘યાચના’ ‘મૂલ્યજ્ઞાન પ્રાર્થના’ ‘તરણબલ પ્રાર્થના’ ‘ઈશ્વરાજ્ઞાનું વહન’ એ પણ પેલાં જાણીતાં કાવ્યોના જેટલાં જ સુંદર છે. આ કાવ્યોમાંના ભાવ ઉપરાંત રમણભાઈની સૂક્ષ્મગ્રાહી બુદ્ધિનો તર્કયુક્ત વિચારસંભાર તેમને બીજાં ઊર્મિલ કાવ્યો કરતાં ઘણે ઊંચે દરજ્જે બેસાડે છે. તેમની વૃત્તિમયભાવાભાસ વિરુદ્ધની સત્યપ્રિયતાની દૃષ્ટિ પણ તેમણે એક સ્થળે સુંદર રીતે ગૂંથી આપી છે :

અમારી ઇચ્છાને કદિ સફલતા જો ન મળતી,
નિરાશાએ ઘેરી પ્રકૃતિ અમને સર્વ દિસતી;
અમે ના લેખન્તા પ્રકૃતિ કરી આનન્દમય તેં –
અમારા મોહેથી વિકૃતિ નહિ તેમાં કદિ બને.

આ કાવ્યોમાં રમણભાઈ વિરલ ઉચ્ચ ભાવાનુભવની કેટલીક ક્ષણોને અત્યંત સમર્થ રીતે રજૂ કરે છે. ‘બારણે પુકાર’નું ગાન સાંભળતાં સાંભળતાં,

ચક્ષુની સમીપથી જ અક્ષરો ખસી ગયા;
શબ્દ એક તે થઈ ગયો જુદા ન બે રહ્યા,
અર્થતર્કના વિભાગ ભાવમાં મળી ગયા;
ગીતરાગથી દિઠી અખંડ એક કલ્પના.

‘રાઈનો પર્વત’માંના શ્લોકો સંસ્કૃત નાટકોની પદ્ધતિએ વસ્તુના વિકાસમાં ગૂંથેલા છે. આપણે ત્યાં નાટકમાં કાવ્ય ગૂંથવાનો મણિલાલ નભુભાઈના ‘કાન્તા’ નાટક પછી આ તેવો જ ગંભીર અને એટલો જ, બલ્કે કેટલીક વાર વધારે ઔચિત્ય અને કળાવાળો બીજો પ્રયત્ન છે. એમાંના કેટલાક શ્લોકો માત્ર વસ્તુના તંતુનું પદ્યમાં કથન જેવા છે, કેટલાક દલપતશૈલીનાં ફિક્કાં સુભાષિતો જેવા છે, પણ મોટા ભાગના, ખાસ કરીને રાઈના મોંમાં મુકાયેલા શ્લોકો ડ્રામેટિક લિરિક પ્રકારના વિવિધ મનોભાવોને તથા વિષયોને સ્પર્શતાં મુક્તકો જેવા છે. આ શ્લોકો અને રમણભાઈનાં બીજાં કાવ્યોનું નિરીક્ષણ એકસાથે થઈ શકે તેમ છે. અર્વાચીન પાશ્ચાત્ય પદ્ધતિની સ્વાનુભવરસિક કવિતાના પ્રખર પુરસ્કારક રમણભાઈની આ કૃતિઓમાં અર્વાચીન કવિતાએ ખેડેલા સર્વ વિષયો પ્રકૃતિ પ્રણય ચિંતન ઇત્યાદિનાં વધુઓછાં કાવ્યો જોવા મળે છે. ‘રાઈનો પર્વત’માંનાં પ્રકૃતિવર્ણનનાં થોડાં મુક્તકોમાં કેવળ સ્વભાવોક્તિથી પણ ઊંચી જાતનું વર્ણનબળ રમણભાઈ બતાવે છે :

રાત્રીએ ઝટ અંધકારપટ આ સંકેલિ કેવું લિધું!
આકાશે ભરી દીધિ શી દશ દિશા આછા રૂપેરી રસે!
વર્તાવી દિધું કેવું પ્રેંખણ બધે લ્હેરો થકી વાયુએ!
ઊગ્યો ચન્દ્ર અને પ્રવૃત્તિ પ્રસરી, નિશ્રેષ્ઠ સૂતું ન કો!

કેટલીક વાર તેમની શૈલી ઓજસ પણ વ્યક્ત કરે છે; પરંતુ જે હળવી કે ગંભીર કલ્પનાસમૃદ્ધ રીતે અર્વાચીનોમાંના નવીનોની કવિતા વિષયનિરૂપણ કરે છે તે રીતિનાં બે કાવ્યો ‘તુંગભદ્રા’ અને ‘તેજ અને તિમિરથી અતીત’ ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. આમાંના બીજા કાવ્યની પ્રૌઢિ, તેમાંની કલ્પનાનું ઊંચું ઉડ્ડયન તેમજ વિચારસામર્થ્ય તેને ગુજરાતી કવિતાનાં ઉત્તમ પ્રકૃતિકાવ્યોમાં મૂકે તેટલાં સમૃદ્ધ છે. અર્વાચીન ઢબે ચિંતનને જ વિષય કરતાં કાવ્યોમાં ‘આશા’ તથા ‘શતક્રતુ’ આવે છે. ‘શતક્રતુ’ની શૈલી તો ઘણી અદ્યતન કહેવાય તેવી છે. એનો પ્રાસાદિક ઉપજાતિ છંદ એને, ૧૮૯૯ જેટલા ભૂતકાળમાં લખાયેલા કાવ્યને, ૧૯૩૦ પછી લખાવા માંડેલાં ચિંતનલક્ષી કાવ્યોમાં આદિ સ્થાન અપાવે તેવો છે. જોકે એ ચિંતનમાં તર્કની સુરેખતા જળવાઈ નથી, તોપણ શૈલીની વિષય પર જે પકડ છે તે તેની લાક્ષણિકતા છે.

ઊર્મિપ્રધાન કાવ્યો

રમણભાઈનાં ઊર્મિપ્રધાન કાવ્યો તેમનાં બધાં કાવ્યોમાં સૌથી સમૃદ્ધ છે. ‘તું ગઈ’ ને ‘રેખાશૂન્યતા’ એ વિરહનાં બે મીઠાં તત્ત્વસમૃદ્ધ કાવ્યો છે. ‘તત્કાલમહિમા’ અને ‘નરગિસ સરીખાં નેન’ની જાણીતી ધ્રુવપંક્તિવાળું ‘સર્વસ્વ’ સૌંદર્યનો હળવો મધુર સ્પર્શ આપે છે, પરંતુ સૌથી વધુ સમૃદ્ધ કૃતિઓ ‘રાઈનો પર્વત’માંની છે. આ શ્લોકો રમણભાઈની વધારે પક્વ શૈલીનાં સર્જનો છે. ‘જે પુષ્પનાં દલ ખોલિને રજ સ્થૂલને રસમય કરે’ એ મુક્તકમાં રમણભાઈની કલ્પનાશક્તિ ઉત્તમ રીતે વ્યક્ત થયેલી છે.

રમણભાઈ, ઊંચા શિષ્ટ કવિ

નાટકમાં રાઈના મોંમાં મુકાયેલા શ્લોકો તેના વિવિધ હૃદયભાવોના જુદાજુદા પ્રસંગોમાં પ્રગટતા જતા સૌથી વધુ કળામય ઉદ્‌ગારો છે. એક બાજુ તેમાં સંસ્કૃત કવિઓની શિષ્ટ મધુર સૌંદર્યસભર રચનાઓની હરોળમાં બેસે તેવું તત્ત્વ છે, તો બીજી બાજુ અર્વાચીન ઊર્મિકવિતાનાં પણ તેમાં ઉત્તમ લક્ષણો છે. રાઈની માતૃસ્નેહની ઝંખના, તેનાં ચિંતનો, મંથનો અને છેવટે તેનો તથા વીણાવતીનો પ્રણયભાવ એ બધું આ મુક્તકોમાં વ્યક્ત થયેલું છે. એમાં યે ૭૧થી ૯૨ સુધીના પ્રણયના શ્લોકો, વચ્ચેથી અમુક નબળાને બાદ કરતાં, એક રીતની સળંગતા પણ ધારણ કરે છે. રમણભાઈની સૌંદર્યદૃષ્ટિ, ભાવોની સબલતાને ઝીલી લેતી તેમની ઊંડી સંવેદનશીલતા, તથા ઊંડી રસિકતા અહીં વ્યક્ત થયેલી છે, જે એમને આપણા શિષ્ટ કવિઓમાં ઊંચા સ્થાનના અધિકારી કરાવે તેવી છે. એમની કવિતાને વિશે પણ કહી શકાય કે,

પ્રણયના મધુર રંગની પિછી
હૃદયના પટ પરે ફરંતિ જ્યાં,
સળગતો પ્રબળ અગ્નિ કષ્ટનો
નિકટ એ પટ પુઠે અદૃષ્ટ ત્યાં.