અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આદિલ' મન્સૂરી/યાદનાં પગલાં


યાદનાં પગલાં

`આદિલ' મન્સૂરી

દિલમાં કોઈની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.
એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઈને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
આવીને કોઈ સાદ દઈને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા.
વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
`આદિલ', નજર ઉઠાવીને જોતા રહી ગયા.