અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મીનપિયાસી'/બારીએ બેસું


બારીએ બેસું

મીનપિયાસી

એકલો બેસું બારીએ મારી.
અવની અને આભની શોભા
         નિત નિહાળું ન્યારી ન્યારી :
         એકલો બેસું બારીએ મારી.

હોય અમાસી રાત અંધારી
         તારલા તેજે ઝગમગે છે,
ઉરના મારા ઘોર અંધારે
         આશ ઊંડેરી તગતગે છે :
તારલાતેજે આશના ભેજે
         કૉળતી મારી ઉરની ક્યારી.
         એકલો બેસું બારીએ મારી.

પૂનમ કેરો ચાંદલો આવી,
         સુધાજલેથી દે નવરાવી,
મનની મારી તપ્ત ભૂમિમાં
         શીતલતા શી દે છવરાવી!
હૈયાના મારા ખોબલે ઝીલું
         અમી રેલે જે આભ અટારી,
         એકલો બેસું બારીએ મારી.

પાન ખરેલી પીપળ-ડાળો
         શોભતી જાણે લીટીઓ લાંબી,
સૂરજ, ચાંદા, તારલિયાનાં
         કિરણો રમે ઓળકોળાંબી :
ખુશખુશાલી ખેલતી ખોળે
         કૂંપળ કોટિ રંગફુવારી :
         એકલો બેસું બારીએ મારી.

રોજ સવારે શેરીએ સૂતો,
         તડકો લાંબો છાંયડો લૂતો,
સાવ રે સૂકાં પાંદડાંની શી
         માયા મહીં મશગૂલ છું હું તો :
ગાડાખેડુ ને ગોવાળિયાની
         નીકળે શી કૈં સાજસવારી!
         એકલો બેસું બારીએ મારી.

હોય જો ગાઢું ખૂબ અંધારું,
         નજર નાખ્યે કાંઈ ના ભાળું,
ઓરડે મારા આરડ્યે જાતો
         ગીતમાં મારા અંતર ગાળું :
કાજળ જેવી કાળવી તોયે
         દીવીએ ઝગે રાત દુલારી.
         એકલો બેસું બારીએ મારી.

(વર્ષાજલ, ૧૯૬૬, પૃ. ૪-૫)