અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’ /બીજું ગગન


બીજું ગગન

અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

વેદના-ભરપૂર ચિંતાતુર મન આપો મને,
આપની આંખોનું ઘેરું સંવનન આપો મને;
જીભ પર વહેતું મહા કો સંસ્તવન આપો મને,
આપના સૌંદર્યનું હરપળ મનન આપો મને;
આપના આગારમાં કાયમ વતન આપો મને.

ઝેર આખા વિશ્વનું હું ગટગટાવું એકલો,
આંખથી સૌની વતી અશ્રુ વહાવું એકલો;
સાજ આ બ્રહ્માંડનાં સૌએ બજાવું એકલો,
બોજ આખા વિશ્વનાં દુઃખનો ઉઠાવું એકલો;
આપને ફરિયાદ કરવા જો કવન આપો મને.

આપની કાતિલ જફાના ઘાવનું ઈનામ લઈ,
ન હકીમોના સકળ ઉપચારને ત્યાગી દઈ;
દર્દથી બેહોશ થઈને હસ્તીથી આઝાદ થઈ,
હું જ પહોંચી જાઉં મારા દેહની મૈયત લઈ;
આપ જો પાલવ તણું એક જ કફન આપો મને.

આજ આ નયનો રડે છે આપ વિરહે ઝારઝાર,
આજ મારું દિલ બન્યું છે આપના વિણ બેકરાર;
આજ તો હૈયે ચડે છે એ અનાદિનો કરાર,
સારી દુનિયા પર સવારે હું ખિલાવું નવબહાર;
રાતભર સાન્નિધ્યનું એક જ સપન આપો મને.

આપના જાદુની વાતો જઈ સુણાવું દબ-બ-દર,
સારી મહેફિલને બનાવું અસ્મિતાથી બેખબર;
ભેદની દીવાલની ખોદી લઉં ઊંડી કબર,
મંદિરો ને મસ્જિદોનાં વીજ થઈ તોડું શિખર;
ઉડ્ડયન થઈને રહે એવું પતન આપો મને.

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા-મઝધારમાં;
આપ જો સુકાન ધરવાનું વચન આપો મને.

આંખ ઊંચા તાલાના તેજને ચૂમી રહી,
ને નજર પ્રતિબિંબ પાડી વિશ્વ પર ઝૂમી રહી;
જ્યાં ફરે ત્યાં સરહદોની ડારતી ભૂમિ રહી,
પાંખ આ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી;
આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.