અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશોક ચાવડા 'બેદિલ'/ધારીને મેં જોયા


ધારીને મેં જોયા

અશોક ચાવડા 'બેદિલ'

ધારીને મેં જોયા કર્યું છે ક્યાંય તડ નથી,
કારણ વગર આ આરસીમાં મારું ધડ નથી.
કોઈ ઉકેલી જાય તો આભાર માની લઉં,
રેખાઓ મારા હાથથી સ્હેજે સુઘડ નથી.
મળવું જ હોય જો મને ખુલ્લો થઈને મળ,
મારાય ચ્હેરા પર હવે એકેય પડ નથી.
તોરણ બનીને ઝૂલવાનો બારસાખ પર,
હું પાંદડાનો જીવ છું લાચાર થડ નથી,
‘બેદિલ’ મૂકીને જાત ખુદની ક્યાં જતો રહ્યો?
આખું નગર છે મૌન એના કૈં સગડ નથી.



આસ્વાદ: ‘નથી’ની પાછળ રહેલી નરવી નિખાલસતા – રાધેશ્યામ શર્મા

ગઝલસ્વરૂપની સંરચનામાં રદીફ ‘નથી’, જે પાયાનો પથ્થર છે ‘નથી’ – એના ઉપર ‘નથિંગનેસ’ની ઇમારત ચણી છે, પણ આ નથી–ત્વ નહિવત્ છે કેમ કે પાર્શ્વ ભાવભૂમિકામાં નિરાળી નિખાલસતાની વિધેયાત્મકતા સંનિહિત છે.

પાંચ શે’રની આ – કૃતિમાં પ્રત્યેક બેતમાં સાયંત આવતા કાફિયા તડધડ, સુઘડ, પડ, થડ, સગડ, છ છ ‘ડ’ કાર આવ્યા છતાં ડચકાં લેતા નથી પણ ડચકારાના પ્રવાહી લયને હંકારી શક્યા છે! ‘ક્યાંય તડ નથી’ શીર્ષકનો મત્લામાં સરસ વિનિયોગ જુઓ… ગઝલ પ્રકારની એ ખાસિયતનો અહીં બખૂબી મલાજો પળાયો છે કે પ્રત્યેક શે’રની સ્વતંત્ર અને સ્વાવલંબિત આબોહવા ટકી રહે.

મત્લામાં કાવ્યનાયક જુએ છે કે આરસીમાં ક્યાંય તડ નથી પણ તે પ્રથમ કડીમાં નહિ, પણ બીજીમાં સૂચિત છે, તે પછી આ મિસરા–એ–સાનીમાં વિસ્મયનો દારૂગોળો બરાબરનો સંભર્યો છે: ‘કારણ વગર આ આરસીમાં મારું ધડ નથી.’

નાયક આરસી સામે ઊભો હશે, તાકીને જોતો હશે તેને નોંધી શક્યો કે આરસીમાં તો ક્યાંય તડ નથી, પણ પછી માત્ર મસ્તક જ ચહેરાસમેત ભળાયું જ્યાં બાકીનો દેહાંશ ધડ નથી, પણ સાવ એવુંયે નથી કેમ કે કર્તાએ ‘કારણ વગર’ શબ્દો પ્રયોજ્યા છે. કમાલ ‘કારણ વગર’ની જ છે, એનું તાત્પર્ય એવું પણ નીકળે કે કાંઈ કારણ વગર જ આરસીમાં મારું ધડ નથી, કદાચ સકારણ જ મારું ધડ છે. આરસીમાં જેમ તડ નથી તેમ નાયકનું ધડ ‘નથી’ છતાં છે – એમ કલ્પી શકાય. મસ્તક અને ધડ બંને સાબૂત દર્શાવવાનો આ કીમિયો, છે છતાં નથી અને નથી છતાં છે સૂચવવાનો તરીકો કર્તા જાણતા લાગે છે. આ ‘માસ્ટર–કી’ હરેક શે’રમાં લાગુ પાડવાથી દરેકની સ્વ–તંત્રતાનો આસ્વાદ લઈ શકાશે.

બીજા શેરના દાવા અને દલીલ પણ સુખપાઠ્ય છે. સ્પષ્ટ કબૂલાત છે અભિધાપ્રધાન પંક્તિમાં, મારા હાથની રેખાઓ ‘સ્હેજે સુઘડ નથી’ એટલે ચેલેન્જ સાથે આભાર પણ માની લેવાની તૈયારી છે – અણઘડ હસ્તરેખાઓ કોઈ નજૂમી ઉકેલી આપવાની હામ ભીડે તો.

મનુષ્યો એકબીજા સાથે હળેમળે કે ભળે છે ખરા પણ ક્લૉઝ કપબૉર્ડ–કબાટ–જેવાં! ખુલ્લાશથી મળતા નથી. મહોરાં પહેરીને અકબંધ મળે એનો શો અર્થ? એટલે નાયક નિજી અહમ્‌નો ‘માસ્ક’ અળગો કરવાની પહેલ કરી નિમંત્રી શકે છે: ‘મારાય ચહેરા પર હવે એકેય પડ નથી.’ (આ કડીમાં બબ્બે ‘ય’– કાર સાભાર લાગે છે!)

ગઝલનો ‘હાસિલે–ગઝલ–શે’ર’ આ લાગ્યો:

તોરણ બનીને ઝૂલવાનો બારસાખ પર, હું પાંદડાનો જીવ છું લાચાર થડ નથી.

નાયકની આસોપાલવનું તોરણ હોવાની ખાતરી નથી. નથીના ‘નથિંગનેસ’ નાદાગ્નિને બુઝાવી શકનાર શમને–ઊર્જાનો મંગલ અહેસાસ અર્પે છે!

પરંતુ મક્તાનો સૂર, નાયક–કર્તાની, અર્થાત્ કર્તા–નાયકની બેદિલીને ગુમનામ પસંદ બિનહયાતી(nothingness)ને શબ્દાંકિત કરવામાં ઓછો સફળ નથી થયો. જાત ક્યાંક ગુમ થઈ ગઈ અને સગડ નહિ સાંપડવાથી નગર કહેતાં જગત મૌન થઈ રહ્યું છે!

કાંઠાઓ ભલે રોઈ રોઈ પૂછી રહ્યા હોય જળને ભુલાયેલાં પગલાં વિશે, પણ ગઝલકાર અશોક ચાવડાનાં આવાં પગલાંની કર્તૃત્વછાપ ભવિષ્યમાં જોઈ મોહીને માન્યતા પ્રાપ્ત કરશે ખરી. (રચનાને રસ્તે)