અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચૈત્રની રાત્રિઓમાં


ચૈત્રની રાત્રિઓમાં

ઉમાશંકર જોશી

આવે ગ્રીષ્મ ત્વરિત ગતિ, નાસે મધુ ધૂર્ત, છાનો
વેરી ચારે દિશ વિભવ ઉદ્રેક-ઘેલી કલાનો:
ઝૂમી પુષ્પે સુરભિ, તરુની ઝૂકી ઘેઘૂર છાયા,
ને આસન્નપ્રસવ સુહતી શી વનશ્રીની કાયા!
સ્વપ્નૌત્સુક્યે વિકલ ઝબકી ઊઠતી કોકિલાનો
         કુંજે કુંજે સ્વર ભટકતો ચૈત્રની રાત્રિઓમાં.

વ્યોમે પૃથ્વી મૃદુ અભિસરે સૌરભોન્મત્ત મંદ,
દિક્પ્રાન્તોમાં અવિરત વહંતો મુખોચ્છ્વાસગંધ.
હૈયે એને યુગ યુગ તણી ઊછળે પ્રીતિ છાની,
લ્હેરે અંગે પરિમલભરી પામરી ચંદિરાની.
બ્રહ્માંડે એ ભ્રમણ કરતી, ગુંજતી નવ્ય છંદ,
         નક્ષત્રોથી પ્રણય રચતી ચૈત્રની રાત્રિઓમાં.

ચિત્તે આવી કુહુક સહસા ક્યાંકથી થાય સાદ.
જન્મોનો શું ક્ષણ મહીં સરે-ઓસરે સૌ વિષાદ!
વિશ્વાન્તર્ના નિભૃત સભરા મૌનનું હૈયું ખોલી,
કો સંચેલું સકલ મૃદુ સંગીત દેતું શું ઢોળી!
સૂરો વ્હેતો લહર લહરીએ લચે સંપ્રસાદ,
         રોમે રોમે રતિ વિરચતો ચૈત્રની રાત્રિઓમાં.

મારે હૈયે મધુર કહીંથી મોગરો મત્ત મ્હેક્યો;
મુદ્રા પામી શુચિ દલની કો શુભ્ર હૈયેથી લ્હેક્યો.
હો ધોવાતા અમૃતમય કાસારમાં કૌમુદીના
એવા સોહે ઉડુગણ નભે મોગરા મોદ-ભીના.
ને ખીલેલી તિમિર-લતિકાથીય ઉત્ફુલ્લ બ્હેક્યો
         તારે હૈયે સહજ રસ જે ચૈત્રની રાત્રિઓમાં.

મૂંગી-ઘેરી કટુક-મધુરી આંગણે લીમડાની
ફેલી છાયા ગુપત સુણતી ગોઠડી મલ્લિકાની.
શેરી ખૂણે અરણિ પમરે, ને ભરીને અરણ્ય
લ્હેરાતી સૌરભ કરમદી ને કડાની વરેણ્ય.
પૃથ્વી પારે રમી ઢળકતો માતરિશ્વા, મુદાની
         સંચારી ર્હે અઢળક સુધા ચૈત્રની રાત્રિઓમાં.

આ શાતામાં જગત-સરણીનાં રહસ્યો પ્રમાણું,
ધીરું ધીરું ખળળ વહતું વિશ્વનું વ્હેણ માણું;
ઉષ્માસ્પર્શે થતી ફલવતી સૃષ્ટિનું ઝીલું હાસ;
ચૈત્ર-શ્રીમાં સૃજનપ્રતિભાનો સમુલ્લાસ-રાસ.
પૃથ્વી-હૈયે થકી સરી જતું કોડીલું ગીત છાનું
         કાને મારે પડી જતું કશું ચૈત્રની રાત્રિઓમાં!

અમદાવાદ, ૧૭-૪-૧૯૫૨


આસ્વાદ: સુગંધથી રણકતી ને ચાંદનીથી છલકતી રાત્રિઓનો અ-પૂર્વ અનુભવ — જયદેવ શુક્લ