અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/મૂળિયાં


મૂળિયાં

ઉમાશંકર જોશી

લોકો કહેતાં: ઝાડ છે,
         એમને મન અમે ન હતાં.
લો કો કહે છે: ઝાડ નથી,
         એમને મન અમેય નથી.
         અમે હતાં, અમે છીએ.
         અમે તો આ રહ્યાં.

         રસ કો ધસી અમોમાં
                  ઊડ્યો આકાશે.
                           ધબકતો સ્થિરવત્ ફુવારો.

કિરણોનો કસ અમે ચૂસ્યો અંધકારમાં,
નસનસમાં ઘૂમી વળ્યો હવાનો મહાસમુદ્ર,
પાંદડાંના પોપચાં મિચકાવતાં હસી રહ્યાં
અમે, ક્યારેક આભ આગળ કૈં બબડી રહ્યાં
એકમેકનેય અહીં ખબર ના પડે તેમ.
હવે આ ગાઢ ભીંસ સહી જશે કેમેય ના,
આધાર આપવાનું જતાં અમે નર્યાં નિરાધાર,
તેજોયાત્રા પૂર્ણ થઈ અમારી.
         હવે ધૂળિયાં,
         અમે મૂળિયાં.

૨૯-૧૦-૧૯૭૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૨)


આસ્વાદ: ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ — સુમન શાહ