અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/સીમ અને ઘર


સીમ અને ઘર

ઉમાશંકર જોશી

હજીય લીલીછમ સીમ બાકી,
કેમે ન ખૂટે, ભરપેટ ખાધી.
અલોપ થાશે હમણાં નિશામાં,
ચાલ્યાં ધણો સૌ ઘરની દિશામાં.

બપોરવેળા વડલા તળે ત્યાં
વાગોળતાં, ઝોકુંય ખાઈ લેતાં,
અસીમ શી શાંતિ હસી રહી હતી,
નસે નસે સીમ ધસી રહી હતી.

ઘરે ગમાણે બમણે બગાઈઓ,
ને ભૂખની ઊઘડતી જ ખાઈઓ,
અંધારું આંખો મહીં મેંશ ઘૂંટે. —
બંધાઈ, જૈને ઘડી માંહીં ખૂંટે.

જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછડે,
સારીય તે સીમનું હીર ત્યાં દડે.

૧૯૭૯
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૯)


આસ્વાદ: સીમ, ઘર માતૃત્વ — રમેશ ર. દવે