અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/ત્રણ પાડોશી


ત્રણ પાડોશી

ઉષા ઉપાધ્યાય

જંપી ગયું હતું મધરાતે જ્યારે
આખુંયે ઘર
ત્યારે આળસ મરડીને જાગી ઊઠી
પાણિયારાની માટલી અને તુલસીક્યારાની ઈંટો,
એમણે ગોઠડી માંડી
ઘરમંદિરની માટીની મૂર્તિ સાથે.
કંકુથી રૂંધાતા સાદે ઈંટો બોલી,
ને બોલી ભેજલ અવાજે મટુકી
એમણે મૂર્તિને કહ્યું —
“અમને વસ્તુની વિશે કહો”
ચંદનની અર્ચના અને ધૂપદીપથી ફોરતા શ્વાસે
મૂર્તિ બોલી —
“સાંભળો હે ગૃહવાસિનીઓ,
વસ્તુઓ હોય છે જડ, અચેતન.
પોતાની ઇચ્છા પ્રમાણે કશું કરવાની
રજા હોતી નથી એમને.
વસ્તુઓની એક જ નિયતિ હોય છે —
બનવું, વપરાવું, તૂટવું
અને ફેંકાઈ જવું.
જુઓ પેલી રિબિન,
કોઈ વખતે એ હતી
ચમકતી ને રંગબેરંગી
પછી એ કપાઈ, સિવાઈ, પહેરાઈ, રજોટાઈ
મેલી થઈ
ને પછી ફેંકાઈ ગઈ ઘરના અંધારા ભંડકિયામાં
ભંડકિયામાં એની સાથે જ પડી છે જુઓ
પેલી ખુરશીઓ;
કોઈ જમાનામાં
એના હાથાઓ હતા
હવામાં મંદ મંદ લહેરાતાં વૃક્ષની
લીલીછમ ડાળીઓ,
પણ પછી
એ કપાઈ, વહેરાઈ, રંગાઈને બની ખુરશીઓ,
શરૂઆતમાં તો એ કેટલી ખુશ હતી
પોતાની નવતર શોભાથી!
કેવા વટથી એ બેસતી
ીવાનખાનાના અજવાળામાં!
પણ એને ખબરેય ન પડે એમ
કાચકાગળ જેવા દિવસોએ
એને ઘસી નાખી,
હાથો તૂટ્યો ને પછી
ખોડંગાયો એનો પાયો
“અરે, આવી તૂટેલી, ફૂટેલી ખુરશી વળી
શા ખપની?”
વક્ર ભ્રૂકુટિએ આવું બોલીને
એને નાખી દીધી ભંડકિયામાં...
તો સાંભળો —
વસ્તુઓ વસ્તુઓ છે,
બનવું, વપરાવું, તૂટવું ને ફેંકાઈ જવું
એ જ છે એની નિયતિ...”

સવારનો સૂરજ ડેલીની સાંકળ ખખડાવે
એ પહેલાં —
ત્રણેય
ફરીથી થઈ ગયાં
ઊંઘરેટાં, જડ, સ્થિર...