અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/મૃત્યુ ગંગાજળિયું દે


મૃત્યુ ગંગાજળિયું દે

એસ. એસ. રાહી

મેલું ઘેલું ફળિયું દે,
સાવ તૂટેલું નળિયું દે.

દૂર રહું ભારે નજરોથી,
એવું બસ માદળિયું દે.

પરવા ક્યાં છે ઊંચાઈની,
પોચું પોચું તળિયું દે.

ધોધમાર તો માત્ર કલ્પના,
હવામાન વાદળિયું દે.

છીનવી લે તમરાનું દળ,
અંધારું ઝળહળિયું દે.

છો ને તરસ્યો છું જીવનમાં,
મૃત્યું ગંગાજળિયું દે.