અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એ. કે. ડોડિયા/કવિતા લખ


કવિતા લખ

એ. કે. ડોડિયા

જાગે નવો અલખ
તુંય કવિતા લખ.
સદીઓ જેવી સદીઓ માથે કોરા કાગળ જેવી
ભૂંસી નાખ્યા સૂરજ તેની પીડા સળગે એવી
બળે ટેરવા નખ
તુંય કવિતા લખ.
સૌને સૂરજ સોનાનો ત્યાં તારે ઘન અંધારું
કાગળ પરના સુખને ગાતું વાગે રોજ નગારું
દરિયા એવા દખ
તુંય કવિતા લખ.
રોવા કરતાં કહેવા સારી કહેવા કરતાં લખવી
ભીતર ભંડારેલી પીડા જીવતર નાખે થકવી
એકાંત ન વલખ
તુંય કવિતા લખ.