અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/દીવો


દીવો

કમલ વોરા

મેં
દીવો પેટાવ્યો
રાતા પ્રકાશમાં
તારો ઝાંખો ચહેરો
સ્પષ્ટ થતો જતો
ઝગી ઊઠ્યો
આપણી વચ્ચે
આ દીવા સિવાય
કશું નહીં.


મંથર વહે જતાં વલયોમાં
હાથ લંબાવ્યો ને
મારી આંગળીઓ
શગ થઈ ગઈ
આપણી વચ્ચે
હવે
આ ઝળહળતો ઉજાસ જ.


હું
આ દીવા પર ઝૂકું છું
જોઉં છું
તારો ચહેરો
કમળ-પાંદડીઓનો
સુરેખ સુંદર
આપણી વચ્ચે
માત્ર તરલ સૌમ્યતા
સુરેખ સુંદર


દીવાનો અજવાસ
તરંગાતો મારા ચહેરા પર
પથરાવા લાગે છે
મને દેખાય છે
મારો ચહેરો
તેં અંધારામાં જ
જોઈ લીધેલો
આપણી વચ્ચેનો
અંધકાર
પૂર્ણપણે વિલીન


હું
ધ્યાનપૂર્વક જોઉં તો
ક્યારેક ક્યારેક
તારા ચહેરામાં મારો ચહેરો
અલપઝલપ ઝબકી ભળી જતો
જોઈ લઉં છું
આપણી વચ્ચે
માત્ર
તારો ચહેરો.


વચ્ચે
મારો ચહેરો નથી
આંગળીઓ નથી
હું નથી
દીવો નથી
છે
તારો ઊજળો ચહેરો
સુરેખ સુંદર સૌમ્ય
અને આર્દ્ર.
(શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર)