અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ માણેક/ચુંબનો ખંડણીમાં!


ચુંબનો ખંડણીમાં!

કરસનદાસ માણેક

તું સ્ત્રી, સખિ, ને પુરુષ હું બળ્યો, – એ હતું ક્યાં અધૂરૂં,
કે બન્નેના અણુઅણુ મહીં યૌવનોન્માદ-જ્વાળા
ચેતાવીને અધમ વિધિએ વેર જન્માન્તરોનું
વાળ્યું! તેયે સહત સઘળું! ત્યાં વળી દોઢડાહ્યા
ધાયા, જોને, જગતભરનાં રમ્ય સંમોહનો સૌ:
ઘેને-ઘેર્યાં મધુ સમીરણો, શારદી ચન્દ્રિકાઓ,
ને વર્ષાના ઉર વિકલતા આણતા આર્દ્ર રાવો!
ને, તેંયે કૈં... કથી શું કરવું!... ના મણા દીધી રે’વા!
દૃષ્ટિમાંહી ખલક સળગે એટલો દારૂ ભારી
જારી રાખ્યો અરત મુજ પે નેણનો તોપ-મારો!
જાણે મારા હત હુંપદ પર રોપવો કામકેતુ
ન્હોયે તારૂં જીવનભરનું એક અદ્વૈત લક્ષ્ય!

ચાલો! વીત્યા દિન શું સ્મરવા! માહરે તો હવેથી
સામ્રાજ્ઞીને શિર ઝુકવીને અર્પવાં રોજ તાજાં
                  ચુંબનો ખંડણીમાં!