અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કીર્તિકાન્ત પુરોહિત/મારું ખેતર ભાળી જ્યો
મારું ખેતર ભાળી જ્યો
કીર્તિકાન્ત પુરોહિત
તારી તે બુનનો દિયોર મારું ખેતર ભાળી જ્યો,
બપ્પોરિયા શમણાંનો ચોર મારું ખેતર ભાળી જ્યો!
શીતળવી ટાઢમાં મું રેબઝેબ થઉં
પાંહળીની ધકધક્ બઈ કુને જઈ કઉં?
ઓયણીય્ ચોંટ્યો સ થડ્કાનો થોર! મારું...
મુઓ ફાગણિયો કુઉ કુઉ બોલઅ
કબ્જાનોં બટન ચૈતરિયો ખોલઅ,
આંબલડે મીઠો ફણગાયો મ્હોર. મારું...
વરહાતી હેલીએ ‘હેંડ અલી’ કીધું,
મારું કપોત મન નૅવે જઈ બીધું,
સરોવરિયે આંટો દે તરસ્યો બપોર! મારું...
માડી તો બાપુનું નામ લૈ તતડાવઅ
ગોઠણો રાતોની રાતો હમજાવઅ
ઈની માનો ’લી સહેવાશે તોર? મારું...
તારી તે બુનનો દિયોર મારું ખેતર ભાળી જ્યો,
બપ્પોરિયા શમણાંનો ચોર મારું ખેતર ભાળી જ્યો!
(ઈડર પંથકની ગુજરાતી બોલીમાં ગીત) કવિતા, ઑગસ્ટ-સપ્ટેમ્બર