અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગભરુ ભડિયાદરા/બાઈ, મારે આંગણે...
બાઈ, મારે આંગણે...
ગભરુ ભડિયાદરા
બાઈ, મારે આંગણે માલતી વેલ કે
વેલે ચૂંદડી ઓઢી રે લોલ,
બાઈ, મારે આંગણે ઊભો આંબો કે
આંબે છાયા પોઢી રે લોલ.
બાઈ, મારે તોરણે ટૌકે મોર કે
મોરના પડઘા પડે રે લોલ,
બાઈ, મારા ગોખમાં બળે દીવો કે
દીવામાં ઉજાશ જડે રે લોલ.
બાઈ, મારા ક્યારામાં ઊભી કેળ કે
કેળમાં લીલાશ દડે રે લોલ,
બાઈ મારા શેઢે ઊભો સાગ કે
સાગ પર વેલી ચડે રે લોલ.
બાઈ, મારા ચાકળામાં ટાંકી ખાપું કે
ખાપુંમાં દીવા જગે રે લોલ,
બાઈ, મારા વાડામાં પડ્યા ઝાકળ કે
ઝાકળમાં સૂરજ તગે રે લોલ.
બાઈ, મારા ઘરમાં પાડી ઓકળી કે
ઓકળીમાં મોજાં છલકે રે લોલ,
બાઈ, મારા આંબે લીલેરાં પાન કે
પાનમાં ઉઘાડ ઝલકે રે લોલ.
(પરબ, જૂન)