અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/કોના માટે?


કોના માટે?

ચંદ્રકાન્ત શેઠ

અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? —
કોના માટે શ્વાસે શ્વાસે
કૂવો ઉલેચી કુંભ ભરું?
કોના માટે મારી અંદર
એક ઉછેરું તેજ-તરુ?
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? —
કોના માટે યમુના આવી
આ માટીને પાય અમી!
કદંબડાળી કોના માટે
અંદર આવી રહે નમી?
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? —
(ગગન ખેલતી બારી, પૃ. ૭૮)