અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/એઅરક્રાફ્ટ


એઅરક્રાફ્ટ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

(૧)


તૈયાર બેઠો છું
રિપૉર્ટિંગ ટાઇમ પર પહોંચવા માટે થોડોક વહેલો છું.
વરંડામાં છું
ત્યાં પાંખ ઊંચી કરી
પાંખ નીચી કરી હવા કાપીને
પેટમાંથી પગ બહાર કાઢી
કોઈ કાગડાએ એકદમ પાળ પર ઉતરાણ કર્યું.
જરાક આમતેમ જોયું
ને શુંય સૂઝ્યું
તે પાંખ પહોળી કરી
પેટમાં પગ દબાવી કાગડો એકદમ ઊડ્યો.
આ સહજપ્રવાસીનું આશ્ચર્ય આંખમાં ભરીને
હું કારમાં ગોઠવાયો.
નગરના રહેણાકવિસ્તારો કાપતી કાપતી કાર આગળ વધી.
ખુલ્લાં મેદાનો વચ્ચે એક નાનકડા જલાશય ઉપર
કોક પંખીટોળું એકસાથે ઊતરતું લાગ્યું.
કારને ધીમી પાડી
ટોળું ઊથર્યું, ચારેબાજુ ફેલાયું
ને જોતજોતામાં એકસાથે પાછું ઊપડ્યું-ઊડ્યું.
ન કોઈ કોઈને ઘસાયું કે ન કોી કોઈથી અથડાયું
ન કોઈ અકસ્માત, ન કોઈ હોનારત.
એરપોર્ટ હવે આવા આવવામાં છે.

(૨)


આવતાંવેંત જ ટિકિટ તો મળી ગઈ છે.
ઓળખ બતાવવાની હતી
તો ઓળખ પણ બતાવી દીધી છે
સામાન પણ બધો જમા કરાવી દીધો છે.
કશું સાથે લઈ જવાની ઇચ્છા નથી
કાઉન્ટર પર ઊભો છું
બોર્ડિંગ પાસ આપે એની રાહ જોઉં છું
ખાસ કહ્યું છે કે મારી સીટ, શક્ય હોય તો
બારી પાસેની આપજો.
ઊપડતાં ઊપડતાં દરેક વસ્તુ પર આંખ ફેરવી લઈ શકું.
કાઉન્ટર પરની મેડમ કહે છેઃ
‘ખરાબ હવામાનને કારણે પ્લેન મોડું-વહેલું થાય.
ગેટનંબર હજી ડિક્લેર થયો નથી
એનાઉન્સમેન્ટ સાંભળતા રહેજો,
હજી તો સિક્યોરિટીવાળા મારી ચારેબાજુથી તપાસ કરશે,
કોઈ જોખમી ચીજ તો મારી પાસે નથી ને?
પછી મહોર મારશે.
હવે તો જોવાનું એ છે કે
કયા ગેટ પર, કયું પ્લેન, ક્યારે, ક્યાથી આવે છે!

(૩)


લાઉન્જમાં છું
આવતાં અને ઊપડતાં પ્લેનોની ગતિવિધિ જોઉં છું.
પણ કોણ જાણે કેમ એવું લાગે છે કે
એરપૉર્ટ ને એની કોઈ પડી નથી.
ન આવતાંની એને માયા છે
ન ઊપડતાનો એને રંજ છે.
સાફસૂથરા રનવે નિસ્બત વગર લંબાયેલા પડ્યા છે.
એના પર અંકિત ચિહ્નો
ગોખ્યા પ્રમાણે કામગીરી બજાવ્યાં કરે છે
કંટ્રોલ-ટાવર દ્વારા બધું નિયંત્રિત થયા કરે છે.
અકસ્માત ન થાય એની પૂરી સુવિધા છે
છતાં અકસ્માત ન થાય એની કોઈ ખાતરી નથી
સ્ટોલો નિર્મમ ભાવે ખાતરબરદાસ્ત કરી રહ્યા છે
ઔપચારિક અવાજમાં સતત એનાઉન્સમેન્ટ થયા કરે છે
પ્રવાસીઓ આઘાપાછા થયા કરે છે.
હું પાંખ પગરના કોઈ જીવ જેવો સ્થિર
અક્કડ બેઠો, લાચાર, મૂક, તાકી રહ્યો છું.

(૪)


ગેટ વટાવી ઍરોબ્રીજમાં થઈ
પ્લેનના ગર્ભગૃહમાં દાખલ થઈ
મારી મુકરર બેઠક પર સ્થાપિત થયો છું
અનુકૂળ ઉષ્ણતામાન વચ્ચે
હું
બરાબર સેવાઈ રહ્યો છું.
હું બરાબર બંધાયો છું કે નહીં
હું યોગ્ય સ્થિતિમાં છું કે નહીં
એની પૂરતી કાળજી લેવાઈ રહી છે.
મને જોઈતું પોષણ આપવામાં આવી રહ્યું છે.
મારી સુરક્ષાનો સારો પ્રબંધ છે.
ક્યારેક બહારથી હડદોલા વાગે છે.
ક્યારેક ન છૂટકે મારે અંદર હરફર કરવી પડે છે.
હું અવતરીશ
ત્યારે કોઈ નવજાત નગર મારી સામે ખિલખિલ કરતું હશે!