અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/કામાખ્યા દેવી


કામાખ્યા દેવી

ચન્દ્રકાન્ત ટોપીવાળા

(અભંગ)


કિરણને ખડ્ગ, વાદળોની વધ
આભ રક્ત રક્ત, સૂર્ય ડૂબે!
સાયંસંધ્યા ગાજે નગારાંઓ બાજે
ઘોંઘાટના ઘંટ ચારે બાજુ!
દિવેટો ઝબૂકે ઊંચીનીચી થાય
આરતીનો આર્ત ચકરાય!
નીલાચલ ઘેરો ઘેરો થતા જાય
ઓળા જેવો ઊભો બિહામણો!
અંધારું તો એવું પાડાઓનું ખાડું
શીંગડીઓ ડોલે ડગ માંડે!
ત્યાં તો અધવચ ખચ્ચ ખચ્ચ ખચ્ચ
ચીસાચીસ ભારે તફડાટ!
ધડ ડોકાં જુદાં, ખુલ્લા ફાટ્યા ડોળા
થિર અંગે અંગ બધું મૂંગું!
માડી, તારે માટે રક્તપાત થાય
તું પ્રસન્ન થાય? હું ન માનું.
માડી, હું તો જાણું તારો રક્તસ્રાવ
ઋતુકાલ તારો ઋતુમતી!
સસ્ય શ્યામલા, તું ફુલ્લ કુસુમિતા
વરદાયિની તું સુહાસિની!
છિન્ન ભિન્ન પોતે, અંગ અંગ તારાં
સુદર્શન છેલ્લાં લોહિયાળ!
માડી, રક્તપાત, રક્તપાત નહીં
રક્તસ્રાવ હો, હો શક્તિપાત!
૧૧ ઑગસ્ટ, ૨૦૦૮