અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/લાગણીવશ હાથમાંથી (જડભરત)


લાગણીવશ હાથમાંથી (જડભરત)

ચિનુ મોદી `ઈર્શાદ'

લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.

હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી,
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.

આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!

મોગરાની મ્હેકમાંથી છૂટવાના યત્નમાં,
કાંચળી છોડી જતાં હું ઘેનમાં પાછો પડ્યો.

આ રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ શું વટ રાખવો?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.