અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અમે

અમે

જગદીશ જોષી

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
         કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
         અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
         કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાના ક્યાં છે સવાલ!
         કૂવો ભરીને અમે એટલું રડ્યાં
         કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.



આસ્વાદ: ખોબો ભરીને – સુરેશ દલાલ

નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું:

છે માનવી જીવનની ઘટમાળ એવી,
દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.

જીવનમાં આનંદ કરતાં વિષાદનું તત્ત્વ જ વ્યાપક છે, એવી સંવેદનશીલ હૃદયોની પ્રતીતિ આપણને મળતી રહી છે. કાન્તની એવી માન્યતા હતી કે પ્રણય એ સ્વાભાવિક છે પણ પ્રણયસુખનું ઐશ્વર્ય સુલભ નથી. ઉમાશંકર ‘કચ’ કાવ્યમાં કહે છે કે પ્રેમથી જિંદગીની સફળતા છે પણ જિંદગીમાં પ્રેમ સફળ જ થશે એવું તો કેમ કહેવાય? ઑડનના એક કાવ્યનો જગદીશ જોષીએ અનુવાદ કર્યો છે એમાં રેલવેની કમાન નીચે હૃદયના ભર્યા ભર્યા ઈમાનથી કહે છે, ‘પ્રેમને કોઈ ઇતિ નથી.’ માણસ પ્રેમમાં પડે છે ત્યારે એ તો ઑડનની કવિતામાં આવે છે એમ મોટે ઉપાડે બણગાં ફૂંકે છે કે ‘હું તને પ્રેમ કરીશ, સામન માછલી ગલીગલીમાં ગાવા લાગે ત્યાં લગી, સમુદ્રની ગડી વાળી વળગણી પર સુકાવા નખાય ત્યાં લગી.’

જીવનની કરુણતા એ હોય છે કે પ્રેમના પ્રારંભની પાછળ જ ક્યાંક અંત લબકારા મારતો હોય છે. આ નાનકડા ગીતની પ્રથમ પંક્તિ વીંધી નાખે એવી છે. સામાન્ય રીતે હતાશ પ્રેમી પોતાની વફાદારી અને સામી વ્યક્તિની બેવફાઈ વિશે વાત કરતો હોય છે. અહીં, ‘હું અને તું’ની નહિ, પણ ‘અમે’ની વાત છે. હસ્યાં કેટલું? તો કે ચપટીક. પણ રુદનને કોઈ આરોઓવારો નથી. ઈશ્વરે આપણા ચહેરા પર જ એવું ચિતરામણ કર્યું છે કે આપણા હોઠ સહેજ હસે ત્યાં તો આંખોનું બારમાસું વરસી પડે.

કન્યાના ફ્રૉકને જ્યારે સ્તન ફૂટે છે અને છોકરાની છાતીને વાળ ફૂટે છે ત્યારે જીવનનાં કેટલાંયે ખટમીઠાં સ્વપ્નાંઓનો સ્વાદ રોમેરોમમાં પ્રસરેલો હોય છે. કોઈક રંગગુલાબી સૃષ્ટિમાં જીવ મહાલતો હોય છે. પણ એ સ્વપ્નાં રંગવિહીન થઈ જાય છે. એટલું જ નહિ, મરણ વખતે માણસનું શરીર જેમ ભૂરું થઈ જાય એમ સપનાનાં શબનો એક ભૂરો ખડકલો આપણી જ આંખ સામે મંડાય છે. સોળ વરસ જેવી કોઈ ઉંમર નથી. સ્ત્રી કે પુરુષ જો કંઈ સામી વ્યક્તિને આપી શકે તો તે પોતાની નિર્દોષ કુંવારપ. કવિએ અહીં સ્વાદની ભાષામાં વાત કરી છે. પણ એ મધુર વર્ષો હવે તૂરાં થઈ ગયાં છે. માણસ સમજે નહિ તો આપણે એ રીતે મન વાળી લઈએ કે સમજણનો અભાવ છે. પણ બે વ્યક્તિની વચ્ચે ગેરસમજણનો જ સ્વભાવ હોય તો સ્વનાશ – સર્વનાશ સર્જાતો હોય છે. કવિએ ધુમ્મસનો દરિયો અને એમાં એકમેક સાથે હોડી-ખડકની જેમ અટવાતાં બે પાત્રોની વ્યથાને સાકાર કરી છે.

પ્રેમમાં શંકાને સ્થાન નથી, કે નથી સ્થાન વિસ્મૃતિને. શકુન્તલાની વીંટી ગુમાઈ ગઈ એટલે દુષ્યંત ગુમાઈ જાય તો પ્રેમનો આધાર એ દુષ્યંત નહિ પણ વીંટી છે. Where is my handkerchief? એમ કહી ત્રાડતો ઑથેલો અને My Lord it was here એમ કહી ખુલાસો આપતી ડેસ્ડિમોના એ ગેરસમજણનાં પ્યાદાં થયેલાં પાત્રો છે. ખુલાસો આપવો પડે એ ગમે તે હોય પણ પ્રેમ તો નથી જ. બે વ્યક્તિ વચ્ચે વૃંદાવનને સ્થાને એક એવું સહારા વિસ્તરેલું છે કે ઝૂરવા કે જીવવાનો કોઈ સવાલ જ રહેતો નથી. સહજીવન અને સહવાસ વચ્ચે ફેર હોય છે. કૂવો ભરીને રડવું એટલા માટે પડે છે કે ખોબો ભરીને જે કંઈ હતો તે મોહ હતો, પ્રેમ નહિ એવી ખબર મોડે મોડે પડે છે. નિર્ભ્રાંતિની આ અવસ્થા તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ કદાચ ઉપકારક હશે પણ જીવનમાંથી ભ્રમણાનું સુખ પણ સરી પડે છે એ ઓછું દુઃખદ નથી. (‘એકાંતની સભા'માંથી)